ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.
સમય બપોરે લગભગ 3. મિનિટ નાથદ્વારા ની એક જાણીતી ધર્મશાળા
"સોનુ આ બધું શું માંડ્યું છે?" મોહિનીને કઈ જ સમજાતું ન હતું.
"મોહુ, તું ચૂપચાપ તમાશો જો, અને હા નીના ભાભી, સિચ્યુએશન એ જ છે જે શોલે ફિલ્મમાં હતી, 'જબ તક તુમ્હારે પાંવ ચલેંગે, તુમ્હારી સાસે ચલેગી ઔર, જબ તુમ્હારે પાંવ રુકેગે, તો એ તમંચા ચલેગા." પોતાના જીન્સ પેન્ટમાં છુપાવેલ તમંચો બહાર કાઢતા સોનલે કહ્યું. એના હાથમાં અચાનક તમંચો જોઈને મોહિનીની આખો ચકળવકળ થવા માંડી. જયારે નાઝ ગભરાઈ ગઈ એની સ્થિતિ ઉલમાંથી ચૂલમાં પડવા જેવી હતી,એને હવે પસ્તાવો થતો હતો કે સવારે જયારે એને શાહિદે પોતાની સાથે આવવા કહ્યું ત્યારે કેમ એની સાથે ચાલી ન ગઈ. અને આ મુંબઈની બે શહેરી પણ બિલકુલ મુકાબલો ન કરી શકે એવી છોકરીને લૂંટવા નો પ્લાન બનાવ્યો હતો. જે બૅકફાયર સાબિત થયો હતો. સોનલને એણે હેપ્પી ગો લક્કી છોકરી માની હતી, સહેજ ઉદ્દંડ, પણ એને ગમે ત્યારે મૂર્ખ બનાવી શકાય, જયારે મોહિની પ્રમાણમાં ઠરેલી હતી પણ નાઝને એ બીકણ લાગી હતી, એટલે જ એણે વિચાર્યું હતું કે ઠંડાઈને બહાને એમાં ભાંગ મેળવીને પોતાની રૂમમાં એ આ બે શહેરી છોકરીને લઇ જશે, અને ભાંગના નશામાં ધૂત થતા જે બન્ને છોકરીના બધા દાગીના ખાસ તો બન્નેની નાયાબ અંગૂઠી પડાવીને પછી રફુચક્કર થઈ જશે.
"યાર સોનુ આ શું મજાક.." નાઝનું વાક્ય પૂરું થાય એ પહેલા સોનલનો હાથ ઉંચો થયો અને બરાબર નાઝના કપાળનું નિશાન લીધું અને પછી સોનલ બોલી. "બસ પાકિસ્તાની જાસૂસ, હવે એક પણ શબ્દ મારે સાંભળવો નથી, ફટાફટ ડાન્સ શરૂ કર નહીતો." કરીને એણે હાથ સહેજ ઉંચો કર્યો અને તમંચાનું ટ્રીગર દબાવ્યું. 'ધડામ' કરતો અવાજ થયો અને એક ગોળી વેગથી છૂટી અને ધર્મશાળાની દીવાલમાં એક પાટિયા પર છોકરાઓના મનોરંજન માટે રાખેલા ટેડી બીયરમાં ઘુસી ગઈ અને એની અંદર ભરેલું રૂ અને સ્પન્જ આખા રૂમમાં વેરાયું. "હવે તારા મનમાં મારા નિશાન તાકવા બાબત સહેજ પણ શંકા નહીં બચી હોય પાકિસ્તાની જાસૂસ, મેં સ્કૂલ કોલેજમાં શુંટિંગની તાલીમ લીધી છે. અને સ્ટેટ લેવલે કોમ્પિટિશનમાં ભાગ લીધો છે સમજાયું." આ સાંભળતા જ અનાયાસે નાઝે હેમામાલિનીની સ્ટાઈલમાં ડાન્સ સરું કર્યો. પણ એ તાલીમ પામેલ જાસૂસ હતી, એણે અનેક દેશમાં સરકારી ખર્ચે ટ્રેનિંગ લીધી હતી. એને મનમાં પસ્તાવો તો થતો જ હતો કે 'હું મૂર્ખ અહીં રોકાઈ જ શું કામ', પણ સાથે જ એણે બચવા માટેના રસ્તા પણ વિચારવા માંડ્યા.
"સોનુ તારી પાસે આ બંદૂક ક્યાંથી આવી." અચાનક મોહિનીએ પૂછ્યું. એને તમંચા બંદૂક અને પિસ્તોલ, રાઇફલ વચ્ચેનો ભેદ ભુલાઈ ગયો હતો.
"આ મને ગિરધારી એ આપ્યો છે. આને તમંચો કહેવાય, દેશી કટ્ટા કે દેશી પિસ્તોલ," સોનલે કૈક તોરમાં કહ્યું અને નાઝેએ તક ઝડપી કહ્યું. "ગિરધારી કોણ?"
"એ જીતુડાનો કોઈ ઓળખીતો છે, હવે એમ ન પૂછતી કે જીતુડો કોણ? એ મારો ભાઈ છે, કે જેના હાથ માંથી તું બે વખત છટકી ગઈ છે. પણ આજે મારા હાથમાંથી નહિ છટકી શકે સમજી. હવે ચુપચાપ ડાન્સ ચાલુ રાખ, અને મોહુ તું, બાજુની રૂમમાંથી ગુલાબચંદ અંકલને બોલાવી લાવ, એ પણ એમની ભત્રીજીને જોઈને ખુશ થશે." સોનલે કહ્યું અને ચાવી દીધેલી પૂતળીની જેમ મોહિની ઉભી થઇ અને પૂછ્યું. "કોણ ગુલાબચંદ અંકલ અને કયો ગિરધારી"
"જીજ્ઞાનો મોટો સસરો યાદ છે તને જે જીજ્ઞાની સગાઈમાં આવ્યો હતો અને કંઈક ડખો થયો હતો." સોનલે કહ્યું.
"હા, અરે ગુલાબચંદ ગુપ્તાની ભત્રીજી બનીને ફરતી હતી એ જાસૂસ આજ છે?" કંઈક હેરતથી એવું કહીને મોહિની સોનલની સામેથી પસાર થઇ, અને ગુલાબચંદને બોલાવવા બારણાં બાજુ ચાલી, સોનલનું વિઝન 2-3 સેકન્ડ માટે બ્લોક થયું. અને ખતરનાક રીતે ટ્રેઈન્ડ થયેલી નાઝ માટે આ એક અમૂલ્ય તક હતી, જેવું સોનલનું વિઝન બ્લોક થયું કે તરત એણે પોતાની અને સોનલની વચ્ચેથી પસાર થતી મોહિનીને જોશભેર ધક્કો માર્યો, મોહિનીનું મોં સોનલ તરફ હતું, અચાનક લાગેલા ધક્કાથી એનું બેલેન્સ ગયું અને એના પગ અનાયાસે જમીન પરથી ઉંચકાયા અને એ સોનલ પર પડી, પોતાના પર પડેલી મોહિનીને સંભાળવામાં સોનલના હાથમાંથી તમંચો છટક્યો, અને સોનલ અને મોહિની બન્ને જમીન પર પટકાયા. સોનલે પડ્યા પડ્યા તમંચો પકડવાની કોશિશક રવા મંડી, પણ મોહિની એના પરથી ઉભી ન થાય ત્યાં સુધી અઘરું હતું. માંડ માંડ 20-25 સેકન્ડ બાદ મોહિનીના હાથ જમીનમાં ખોડાયા અને એ સોનલ પરથી સહેજ ઉંચી થઇ, પણ નાઝ માટે આ પૂરતી તક હતી, એણે પાસે પડેલી ટીપોય ઉંચકીને કાચની બારી પર જોશભેર 2-3 વખત મારી, બારીમાં લગભગ દોઠ ફૂટનું બાકોરું થયું, નાઝે ખૂણામાં ટેબલ પર પડેલું પોતાનું પર્સ ઉપાડ્યું અને પોતાને કાચ વાગશે એની પરવા કર્યા વગર એ બાકોરામાંથી છલાંગ મારીને બહાર નીકળી ગઈ, અને જોશભેર કહ્યું. "સોનુડી, હું તને છોડીશ નહીં, આ 3-4 મહિનામાં મારે 3જી વખત તારા ભાઈના કારણે ભાગવું પડ્યું છે. એ મરશે નહિ ત્યાં સુધી મને શાંતિ નહીં મળે. મોહિની તું બહુ જલ્દી વી.." એના શબ્દો અધૂરા રહ્યા કેમકે ઉભી થયેલી સોનલે તમંચામાંથી 'ઢાઈ' અવાજ સાથે એક ગોળી છૂટી અને નાઝના ડાબા ખભાને સહેજ ઘસતી ખભા અને કાન વચ્ચેથી પસાર થઈ ગઈ, નાઝે દોટ મૂકી અને ધર્મ શાળાના પ્રાંગણમાં પાંચેક દિવસથી પાર્ક કરેલી અને ધર્મશાળાનો રખેવાળ જેને મેનેજરની માનતો હતો એ કાર ફટાફટ લોક ખોલીને તેને સડસડાટ હંકારી, ધર્મશાળાનો મુખ્ય દરવાજો લાકડાનો બનેલો હતો. નાઝ ફુલ સ્પીડમાં એ લાકડાના જુના ખખડધજ દરવાજાને ઉડાવતી નાથદ્વારાની સાંકડી ગલી માંથી ફટાફટ બહાર નીકળી અને ગામ પાછળના રસ્તેથી આરસપ્હાણ ની ખાણો વાળા ટૂંકા રસ્તે રાજસમન્દ તરફ ભાગતી રહી, તમંચાના ધડાકા, બારીના કાચ તૂટવાનો અવાજ અને પછી લાકડાના દરવાજો ભાંગવાના અવાજે આખી ધર્મશાળામાં આરામ કરી રહેલા યાત્રાળુઓ જાગી ગયા હતા, ગિરધારી અને ગુલાબચંદ દોડીને નાઝ વાળા કમરામાં પહોંચ્યા, સોનલ અને મોહિનીને સલામત જોઈને એ બન્ને ને હાશ થઇ, પણ સાથે એક અફસોસ પણ હતો કે એ ગુલાબચંદ ગુપ્તાની નકલી ભત્રીજી, પાકિસ્તાની જાસૂસ ફરી એકવાર એ લોકોના હાથમાં આવવા ની જગ્યાએ છટકી ગઈ હતી.
xxx
રાણકપુર ગામની બહારની તરફ નીકળતા જ ચાલુ થતા જંગલમાં એક જૂની તૂટેલા ફૂટેલા 2 ઓયડીના આઉટ હાઉસ જેવા મકાનના ફળિયામાં એક જીપ અને બે બાઈક ઉભા હતા, સાંજના પાંચેક વાગ્યા હતા પણ અંધારું ઘેરાવા લાગ્યું હતું. વરસોથી ધ્યાનમગ્ન થયેલ કોઈ ઋષિની દાઢીના વાળ જેમ હવામાં લહેરાતા હોય એમ વડ અને પીપળાના પાન, ક્વચિત પસાર થતી હવાની લહેરખી માં ધીરે ધીરે પવન સાથે લહેરાતા હતાં. કોઈ અજાણ્યા વેળાની આશંકા, જંગલની ઘાટીલી ઓટમાં છૂપાઈ રહી હતી. રાણકપુરના ભવ્ય ગણાતા જૈન મંદિરો પાછળનો આ રસ્તો સજ્જન સિંહ બરાબર જાણતો હતો. તેમ જ એના મનના વલણો અંધારામાં ઘૂસી રહ્યા હતા. બાવળના ઝાડ વાંકડા થઈને રસ્તા પર વળી પડેલા સૂર્યના ઝાંખા કિરણો હલકી ભૂરી માટી પર પડતા, જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી જંગલ એક ઘટાટોપ દુઃસ્વપ્ન જેવું લાગતું. એની સાથે હતા તેના પાંચ વિશ્વાસુ ભાડૂતી માણસો, હથિયારોથી સજ્જ, અને રૂપિયા માટે સગા બાપને પણ ખતમ કરતા ન અચકાય એવા.
"બોસ, હવે નીકળશું?" ગુલામ ખાન કે જે એ બધામાં સૌથી મોટો અને અનુભવી હતો એણે પૂછ્યું.
"યસ, હવે નીકળીએ" સજ્જન સિંહે કહ્યું.
"ઓકે, પણ તમારું અગત્યનું એક 'પાર્સલ' આવવાનું હતું.?"
"મારા બીજા 2-3 સાથીઓ આપણને 'કાનુજ' પાસે મળશે. ચાલો હવે જંગલમાં જેટલે સુધી બાઇક અને જીપ લઇ જાય ત્યાં સુધી લઇ લ્યો, પછી પગપાળા." સજ્જન સિંહે, સિગારેટનો આખરી કસ લેતા કહ્યું. એ સાંભળીને પોતાની અર્ધી બીડી ફેંકીને ગુલામ ખાને હાકોટો કર્યો, 'ચાલો બધા' એટલે તમાકુ મસળતા એના ચારેય સાથી ઉભા થયા, અને બે બાઈક પર ગોઠવાયા, પાસે ઉભેલી મહેન્દ્ર જીપની ડ્રાઇવિંગ સીટ પર ગુલામ ખાન બેઠો જયારે એની બાજુમાં સજ્જન સિંહે જગ્યા લીધી અને એમની મંજિલ હતી રાણકપુરથી જેતારણ થઈને કાનુજ અને ત્યાંથી કોશીવારા. કે જ્યાં શ્રી નાથજીનો બસો વર્ષ પહેલા લૂંટાયેલો ખજાના વર્ષોથી દટાયેલો હતો, અને એની રખેવાળી શેરાનું ખાનદાન પેઢીઓથી કરતું હતું અને એમાં એમને સાથ હતો, ચાકલીયા ગામના કેટલાક ચુનંદા કુટુંબનો. એ કેટલાકમા મંગલ, લખનના બાપ દાદા અને બીજા કેટલાય જાણીતા અને અજાણ્યા સામેલ હતા.
xxx
માલીદા ગામ (ભરવાડના નેસ જેવું 10-12 ઘર જ્યાં વસ્યા હોય) પૂરું થયા પછી, જંગલની વચ્ચે આવેલ એક ભાંગેલા અને ઉજ્જડ મઠ ના ચબુરતો એ વાતની સાક્ષી પૂરતો હતો કે કોઈ કાળે અહીં એક આશ્રમ જેવું કંઈક હતું. ક્યાંક ક્યાંક માટી વચ્ચે દબાયેલા દિવા, કે અર્ધી બળેલ અગરબત્તીના ટુકડા કે ક્યાંક કોઈ પથ્થર પર લાગેલા શીદૂરના ઘસાયેલા ડાઘ, ક્યાંક કોઈ ઝાડના થડ પર ચીટકી ગયેલ દીવામાંથી ઉડેલ મસના કાળા ડાઘ, ફુલચંદની ક્રાઇમ ઇન્વેસ્ટિગેશનનો બહોળો અનુભવ ધરાવતી આંખો આ હમણાં જ માંગી રામે ખુદ કબૂલ કરેલ ખૂનના ગુનાને જાણે અદ્રશ્ય રીતે જોઈ રહી હતી. શંકર રાવ અચાનક માંગી રામને પોતાની મદદે આવેલ જોઈ ને બહુ ખુશ હતો.
"માંગી, પણ તે એ સાધુને શું કામ પતાવી દીધો?" શંકર રાવે અચાનક પૂછ્યું. એ લોકો થોડો આરામ કરવા અહીં રોકાયા હતા. આમ તો માંડ 2-3 કિલોમીટર એ લોકો ચાલ્યા હતા, પણ એક તો જંગલ અને એમાંય લપસણી ઊંડી ખીણ ધરાવતી અરવલ્લીની પહાડીમાં જંગલી પ્રાણીઓથી બચતા અહીં પહોંચતા એમને લગભગ દોઢ કલાક થયો હતો. હજી ખજાનાનું સ્થળ લગભગ ચાર- સાડા ચાર કિલોમીટર દૂર હતું, પણ શંકર રાવને ઉતાવળ હતી, એને દિલ્હીની સ્પે. ટીમ ઉપરાંત જીતુભાનો ભય હતો, વળી લખન સાથે સવારમાં જ બંધાયેલ વેર એને વધુ ભયનો અનુભવ કરાવી રહ્યું હતું. કેમ કે જો લખન શેરાની મદદ માગશે, કે ફરીથી એ શેરાની તરફ વફાદાર થશે, તો શેરા શંકર રાવને અટકાવવા આકાશ પાતાળ એક કરશે, પણ, પોલીસ હવાલદારો થાક્યા હતા, શહેરમાં પણ પોલીસ જીપમાં જ ફરનારા હવાલદારોને ચાલવાનો સહેજ પણ અભ્યાસ ન હતો, એટલે ફરજિયાત બધાને થોડો આરામ કરવા રોકાવું પડ્યું. એટલે સહેજ વાત જાણવા એણે માગી રામને પૂછ્યું હતું.
"રાવ સાહેબ, મને પાકી ખબર મળી હતી, કે એ ખજાના વિષે જાણે છે, એટલે હું એનો ચેલો બનીને અહીં રોકાઈ પડ્યો, એ સાધુઓની પગચંપી કરી, એમના માટે રસોઈ બનાવી, અને મારા ખર્ચે, ઉદયપુરથી બંદોબસ્ત કરીને રોજ એમના માટે ગાંજાની ચલમનો બંદોબસ્ત કર્યો. અને સુફિયાની વાતો કરી અને એક માનસિક વિકલાંગ સાધું મારી વાતમાં આવી ગયો, એક રાત્રે એણે ઝેરી દવા પીને આપઘાત કર્યો, જયારે બીજો મને સાથ આપવા તૈયાર થયો તો બચેલા સાધુ એ એને મારી નાખ્યો મને પણ મારવાની કોશિશ કરી, મેં એને ખુબ ટોર્ચર કર્યો પણ એણે મોં ન ખોલ્યું. પણ મને એટલું તો સમજાયું હતું કે એ લોકો શેરાના સાગરીતો હતા અને આવા જંગલમાં આશ્રમ ઉભો કર્યો એનો મતલબ ખજાનો આટલામાં જ ક્યાંક છે. પણ એક્ઝેટ લોકેશન મને આજે અનાયાસે હાથમાં આવેલ મંગલના ફોનથી મળ્યું.
ક્રમશઃ
આ વાર્તા તમને કેવી લાગી એ ના પ્રતિભાવની પ્રતીક્ષા છે. તો વોટ્સએપ નંબર 9619992572 પર તમારા પ્રતિભાવ - સૂચનો અવશ્ય મોકલજો.