ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.
"કાકી, એ કાકી, શું થયું તમને?" રાજીવે સુમતિ ચૌહાણ ના મોં પર પાણી છાંટતા છાંટતા પૂછ્યું. એ ખરેખર ગભરાઈ ગયો હતો, એકાદ મિનિટ પછી સુમતિ બહેને આંખો ખોલી અને ચારે તરફ જોયું. પછી સહેજ સ્વસ્થ થઇ અને બેઠા થયા, અને રાજીવને પૂછ્યું કે "ઓલ ઓફિસર હતા એ બધા ક્યાં?"
કાકી, એ લોકો પૂજા ને શોધવા ગયા છે, પૂજા હમણાં તો અહીં જ હતી, અને સોરી મેં તમારા ફોનમાં આવેલ મેસેજ વાંચ્યો છે. માફ કરજો પણ આ બધું શું છે?"
"દીકરા, એ બધી ભૂતકાળ ની ભૂતાવળ છે, જે મારા માંડ થાળે પડેલ વર્તમાન ને ભરખી જવા ઉભી થઇ છે." બોલતા બોલતા સુમતિ બહેન રડી પડ્યા.
કાકી, શાંત થાઓ, તમે જીવનમાં કદી કોઈનું બૂરું કર્યું નથી, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, પૂજા આટલામાં જ ક્યાંક હશે, હમણાં મળી જશે, અને વિક્રમ પણ આવવો જ જોઈએ,"
"ના દીકરા, આ જેને મેસેજ મોકલ્યો છે, એ એક નંબરનો લપટ અને હરામખોર છે, બિચારી મારી ફૂલ જેવી દીકરી પૂજા ચોક્કસ એના હાથમાં ફસાઈ ગઈ હશે, ઍ -3 મહિનાથી મારી પાછળ પડ્યો છે."
"પણ કાકી એ કોણ છે, અને શુકામ એને વી સી એન્ટરપ્રાઇઝ ના શેર મેળવવામાં રસ છે? માન્યું કે એ બધા શેર કરોડો રૂપિયાના છે, પણ એમ કઈ કોઈ અચાનક એમ ભાગ માંગવા ન આવી જાય."
"તારી વાત સાચી છે. એ એક જમાના માં તારા કાકા અને પૂજાના પપ્પાનો પાર્ટનર હતો,"
"પણ એણે તો મેસેજમાં લખ્યું હતું કે લી.તારો આશી.. "
"દીકરા, ભૂતકાળમાં કોઈ વાત અધૂરી રહી હોય તો એ ભવિષ્યમાં તમારો ત્યાં સુધી પીછો કરે છે જ્યાં સુધી એ વાત પૂરી ન થઇ જાય, બહુ લાંબી વાત છે, મારા વિક્રમને એ બરબાદ કરવા માંગે છે, મને તો લાગે છે કે આપણી જ કંપનીમાંથી કોઈક એને સાથ આપી રહ્યું છે. એક વખત તો એને એનો ભાગ માંગ્યો એથી વિશેષ આપીને ભાગીદારી પુરી કરી હતી પણ કોઈ આપણું જ. ભગવાન મારાથી સહન નથી થતું, મને બોલાવી લે તારી પાસે મારા સુખના દિવસ તારાથી નથી જોવાતા."
"હા, હા, કાકી એ હું બોલો છો તમે. તમે ચિંતા ન કરો હું અને વિક્રમ એ જે હશે એને શોધી કાઢીશું."
"હા, તારા અને વિક્રમ જેવા દીકરા છે પછી મારે ચિંતા ન કરવાની હોય પણ મારા મોતથી જો વિક્રમ અને પૂજાની જિંદગીમાં શાંતિ સ્થપતિ હોય તો મને મરવું મંજુર છે. "
બસ, કાકી એમ ન બોલો, મારી માં મર્યા પછી તમે મને જરાય ઓછું આવવા નથી દીધું, હું તમારા આંસુ ના સોગંદ ખાઈને કહું છું કે તમને તકલીફ દેનારને હું જરૂર પાઠ ભણાવીશ,"
"પણ દીકરા, જ્યાં સુધી આપણી અંદરનો કોઈ એને સાથ આપે છે ત્યાં સુધી, તું એને કેવી રીતે.."
"કાકી, મને ખબર છે કે એ અંદરનો માણસ કોણ છે, મને માફ કરો, મારી આખો પર લાલચ નો પડદો એક ધુતરાષ્ટ એ લગાવ્યો હતો, પણ મારી માંથી વિશેસ એવા તમારી આંખમાં આવેલ આંસુ થી એ પરદો હટી ગયો છે."
મને કઈ સમજાતું નથી, તું શું કહે છે એ."
"મારે તમારી પાસે એક કબૂલાત કરવી છે. કાકી, છોરું કછોરું થાય, એમ મારીય ભૂલ તો છે જ મને માફ કરી દેજો."
"જો દીકરા મારુ મગજ જરાય ઠેકાણે નથી, કંઈક સમજાય એવું બોલ"
"બધુંય કહીશ નિરાંતે, પણ મારે અત્યારે જ વિક્રમ સાથે વાત કરવી પડશે, અને પૂજાને હું કઈ નહિ થવા દઉં." કહી ને રાજીવે વિક્રમ ને ફોન લગાવ્યો
xxx
"લ્યો મોહિની ભાભી, લગાવો ઠંડી ઠંડી ઠંડાઈ નો ગ્લાસ એક ઘૂંટ માં ખાલી કરી નાખો, લે સોનુ, તું પણ લગાવ,
"ના નીના ભાભી, પહેલા તમે એક ઘૂંટમાં ખાલી કરીને બતાવો"
"ના, સોનુ બધી વાતમાં તારી ઝિદ નહિ ચાલે, તમે મારા ગેસ્ટ કહેવાઓ, પહેલા તમે બેઉ પીઓ."
"પહેલા કઈક મ્યુઝિક તો લગાવો પછી આપણે પીએ. સોનલે કહ્યું,
"ઓકે તો તું કહે કે ક્યુ ગીત લાગવું." નાઝે કહ્યું.
"સોલે ફિલ્મનું ગીત લગાવો, "હો.. જબ તક હે જાન, જાને જહાં, મેં નાચૂંગી.."
"અરે, સોનુ અચાનક આ ગીત ક્યાંથી કાઢ્યું," મોહિનીને કઈ સમજાતું ન હતું.
"તું ચુપચાપ બેસ મોહુ, આ નીના ભાભી આપણને એમના ડાન્સ મેં કહ્યું એ ગીત પર બતાવશે,
"પણ હું.." નાઝે કંઈક ખચકાતા કહ્યું.
"જીવ વ્હાલો હોય તો ચુપચાપ ગીત ચાલુ કર, અને ડાન્સ પણ." મક્કમ અવાજે સોનલે કહ્યું, નાઝે એની આંખોમાં જોયું અને સોનલની ખુન્નસ ભરેલી આંખો જોઈ અને એ થથરી ગઈ, અનાયાસે જ એ ટેપરેકોર્ડર ની પાસે પહોંચી અને ધર્મશાળાના કમરામાં યાત્રાળુઓના મનોરંજન માટે રાખેલ કેસેટમાંથી સોળે ના સુપરહિટ સોન્ગ ની કેસેટ શોધવા મંડી, મોહિની અચંબિત થઈને સોનલ સામે જોઈ રહી હતી.
xxx
કોઈ નવોઢાની જેમ રમાતી પણ રુમઝુમ કરતી સાંજ અરવલ્લીના જંગલમાં ઉતરતી આવતી હતી. જીતુભા અને ગિરધારી હવે મુખ્ય રસ્તાની પાતળી કેડી છોડીને જંગલની એક જૂની, ઘણા બધા સમયથી ન વપરાતી પાંખી પગદંડી તરફ વળ્યા હતા. હજી જંગલ ઘનઘોર થયું ન હતું એટલે કોઈ રૂઠેલી રમણીની માફક ગિરધારીની સુમો સહેજ આડીઅવળી ચાલી રહી હતી, જીતુભા કે ગિરધારી બે માંથી કોઈ કઈ બોલતા ન હતા, પણ, બંનેના મનમાં એક જ વિચાર ચાલી રહ્યા હતા, જેની સીધી નિસબત વિક્રમ અને શેરા સાથે હતી. આમ તો કેટલીક ગેરસમજો દૂર કરવા માટેની એ મુલાકાત હતી. પણ ઘણી બધી ગેરસમજ હજી પણ ઉભી હતી પણ માંડ 45 મિનિટની એ મુલાકાતમાં એ બધી ગેરસમજ ક્લિયર થાય એમ ન હતું. કેમ કે એટલો સમય પણ ન હતો. શેરા એ એક એવી વાત કહી હતી કે એ સાંભળીને જીતુભા ચોંકી ઉઠ્યો હતો. એને તરત જ અનોપચંદ સાથે વાત કરી હતી. અને પછી શેરા એને સમજાવેલ સ્થળે જવા માટે ઉતાવળો થયો હતો. કેમ કે સવારે માંગી રામ ભાટી સાથેની મુલાકાતમાં અને પછી માંગી રામ જે રીતે ભાગ્યો હતો એના પરથી એને એટલું તો સમજાયું હતું કે કૈક ઝડપથી અને ટૂંક સમયમાં કૈક ન ધારેલું બનવાનું છે. પણ એ આટલી ઝડપે બનશે એની એને કલ્પના પણ નહોતી.
"જીતુભા, મારા સાથીઓને મેં મેસેજ મોકલ્યો છે. એ લોકો ટૂંક સમયમાં મદદ લઈને આવી પહોંચશે." શેરાએ કહ્યું.
"તો તું બને એટલી ઝડપે મદદ લઇ અને ત્યાં આવી પહોંચજે, પણ હું આ ખબર મળ્યા પછી હવે એક મિનિટ પણ અહીં નહીં રોકાઈ શકું. આમેય તે અને તારા વડવાઓએ શ્રી નાથદ્વારા ના ખજાનાની રખેવાળી માટે ઘણું સહન કર્યું છે."
"પણ ત્યાં, એકલા જવું જોખમી છે. અને 2-3 કલાકમાં, આપણે બધા સાથે...."
"હું હવે 2 મિનિટ પણ અહીં નહિ રોકાઈ શકું, શેરા, તું મદદ લઇ અને પહોંચ, અને હા વિક્રમ, મારે તારી પાસેથી ઘણા જવાબ લેવાના છે. પણ, એ બધા કરતા વધુ અગત્યનો શ્રી નાથદ્વારા નો ખજાનો છે. પણ હું જીવતો રહીશ તો તને છોડીશ નહીં તારે ઘણા બધા ખુલાસા કરવાના છે."
"જીતુભા, માત્ર એક વાર મારી પૂરી વાત સાંભળી લે જે, પછી તું જે સજા નક્કી કરીશ એ મને મંજુર છે, હું તારા ઉપરાંત સોનલ, પૃથ્વી, સુરેન્દ્ર અંકલ અને ઓલા ક્રિસ્ટોફરનો ગુનેહગાર છું. તમે બધા મને જે સજા આપો એ હું ખુશીથી ભોગવીશ, બસ અત્યારે મારી એક વાત માન."
"કઈ વાત?"
"પ્લીઝ મને તારી સાથે આવવા દે"
"ના, તું પૂજાની અમાનત છે, મને પૃથ્વીએ કહ્યું, પૂજાને મળીને તરત જ એને સમજાઈ ગયું હતું કે એ છોકરી તને પાગલની જેમ પ્રેમ કરે છે. છતાં મને હજી નથી સમજાતું કે તું એ વાત જાણતો હોવા છતાં આમ સોનલ ને .."
"આપણે નિરાંતે ખુલાસાઓ કરીશું અત્યારે ઓલા શંકર રાવ અને એના સાથીદારો આપણાથી 2-3 કલાક આગળ છે."
"એટલે જ કહું છું કે તું શેરાની સાથે રહે, એના જીવનની રક્ષા કોઈ પણ ભોગે થવી જોઈએ" કહી અને જીતુભા, અને ગિરધારી નીકળ્યા એ લોકો ચારભુજા ચોક પાસેથી, છુટા પડ્યા, ગિરધારી એ પૂછ્યું "હવે કઈ બાજુ જવું છે?"
"શ્રી નાથદ્વારા થી 5-6 કિલોમીટર પછી અરવલ્લીના જંગલમાં ફોરેટરિઝર્વં એરિયા શરૂ થાય છે, એમાં આગળ જઈએ."
xxx
સફેદ સુમો ધીમે ધીમે ખીણમાં ઘૂસી રહી હતી. પથ્થરોની વચ્ચે ક્યાંક ક્યારેક દેખાઈ જતી પગદંડી. ગિરધારીની ડ્રાઈવિંગ ધીમી પણ ચોક્કસ હતી. રસ્તાની બંને બાજુ લીમડા, દૂધિયો, અને વડના ઊંડા ઝાડ હતા. પાંદડાંમાંથી સૂર્યના છેલ્લાં કિરણ ક્યારેક દર્શન આપતા હતા. સુમો સહેજ આગળ વધ્યો રસ્તામાં સાવર્ણા અને ઘાટીપાડા ગામ પસાર થયા. ઘરની પરસાળ માંથી ઉડતો ધુમાડો ભઠ્ઠીની લાલ અસર સાથે ભેળાઈ રહ્યો હતો જાણે "રોટલી ચોળાવતી બાઈઓની અવ્યક્ત ગુફતગૂ હવામાં ઊડી રહી હોય." ક્યારેક દેખાતા લાલ ભઠ્ઠી જેવા તપેલો દેખાતો સૂર્ય, ક્યારેક કોઈક નાના કસ્બા ના ઝૂંપડાની બહાર રમતા નાગડા બાળકો, જાણે આખા ગામે કહેલું હોય, “રાત થઈ રહી છે, પણ અહીં પણ કોઈક જાગૃત છે.” કોઈ ઘરમાંથી બાવળની બળતા લાકડીની ખુશ્બુ આવી જતી તો ક્યાંક કોઈ એક વૃદ્ધ મારવાડી સ્ત્રી ઊંચા ઓટલા પર ઓઢણી લપેટી બેસી હતી. એની આંખો શૂન્ય માં જોયા કરતી અને જાણે અવાજ વગરની આશિષ આપી રહી હતી. હવે રસ્તો વધુ અને વધુ સાંકડો બનતો જતો હતો અને છેવટે એક ચોક્ક સથળે જંગલ એમના સુમો ને ઘેરી વળ્યું. હવે સુમો આગળ જઈ શકે એમ નહોતો, અને ખજાનો સલામત હાથ કર્યા વગર એમને પાછું ફરવું ન હતું. હવે આસપાસના દ્રશ્ય બદલાઈ ગયા હતા. ઝાડો વધુ ઊંચા, પાંદડાં વધુ ભીંજાયેલાં, અને હવામાં ઘાસના ચૂણાંની ગંધ વધુ ઘાટી થવા લાગી. ક્યારેક લીલાં પીળાં રંગના નાના પક્ષીઓ અવાજ કર્યા વગર એક વૃક્ષ પરથી બીજા પર છલાંગ મારી જાય. જીતુભા એક ક્ષણ અટકી ગયો અને કહ્યું “એ... એ, ગિરધારી તે કઈ સાંભળ્યું?”
ગિરધારી એ કહ્યું, “કાંઈક ચાલ્યું છે... પાછળથી કે ઉપરથી...”
"કોઈ વાંધો નહિ એ માત્ર પક્ષીઓનો અવાજ છે. જંગલના પશુ કે પક્ષી આપણા દુશ્મનો નથી, એ માત્ર પોતાની સલામતીની ચિંતા કરે છે આપણા ખરા દુશ્મનો તો બીજા કોઈ રસ્તેથી આપણા પર ઘાત લગાવીને બેઠા હશે.
દસ મિનિટ પછી એક ભયાનક મૌન ફેલાતું રહ્યું હતું એવું મૌન કે જેમાં પોતાની જ ધબકાર સ્પષ્ટ સંભળાય. "જમીન પર સૂકી પાંદડીઓ પડેલી હતી, પણ પગ નીચે અચાનક એવી માટી આવી કે એવી લાગણી થતી કે એ કોઇ ખોદેલી ભૂમિ હતી " પથ્થર પર અજાણી લિપિ નથી, પણ એક ઝાડના થડ પર ચીરીને ઘસાયેલો ત્રિકોણ દેખાયો. આંખો ખેંચાય તેટલો સ્પષ્ટ. જીતુભાએ ગિરધારી તરફ જોયું. મેં માંથી કોઈ કંઈ બોલ્યા નહીં પણ ચાલતા રહ્યા. આમ ધીમે ધીમે જયારે અંતિમ પાંચ કિલોમીટર જંગલી ભય સાથે પુરાતન શાંતિમાં ઊંડા થઈ ગયા, ત્યારે એક ટેકરી સામે દેખાઈ ગઈ. ટેકરી સામાન્ય દેખાતી હતી, પણ એના બાજુના એક વળાંકથી પાછા વળતાં, જમીન થોડું ઊંડે ગઈ હતી. ત્યાં પથ્થર વચ્ચે એક સાંકડી ઝાંખી પગદંડી હતી જે યાત્રાળુઓ માટે માર્ગ નહિ, પણ ખજાના માટે નું છુપાયેલું પ્રવેશદ્વાર હતું. ખજાનો હવે માંડ કિલોમીટર દૂર હતો. પણ એમને ખબર ન હતી કે એક બાજુથી શંકર રાવ અને એના સાથીઓ આવી રહ્યા છે. તો રાણકપુર બાજુથી સજ્જન સિંહ પોતાના સાથીઓ સાથે આવી રહ્યો હતો અને ખજાનો પોતાની સાથે લઇ જવા માટે કોશિવારાથી ઝીલવાળા થઈને ત્યાંથી હેલીકૉપટર દ્વારા પાકિસ્તાન પહોંચવાનોનો પાક્કો બંદોબસ્ત એણે કરી રાખ્યો હતો.
ક્રમશઃ
આ વાર્તા તમને કેવી લાગી એ ના પ્રતિભાવની પ્રતીક્ષા છે. તો વોટ્સએપ નંબર 9619992572 પર તમારા પ્રતિભાવ - સૂચનો અવશ્ય મોકલજો.