૧૯૬૦માં રેડિયો તરંગો ઝીલીને અવકાશી બઘ્ધિશાળી જીવને શોધવાનો પ્રયોગ શરૂ થયો તે અરસામાં જ એટલે કે ૧૯૬૧માં તેમાના જ એક વિજ્ઞાનીએ કહ્યું કે ૧.૫ ગીગા હર્ટઝની ફ્રીકવન્સીવાળા રેડિયો તરંગો જેમ વાતાવરણ ભેદીને પૃથ્વી પર પહોંચી શકે છે તેમ પ્રકાશના તરંગો પણ પહોંચી શકે છે.ઘડીભર કલ્પના કરી લઇએ. જેવી રીતે આપણાં સૂર્યને ગ્રહમાળા છે. તેવી રીતે કોઈ અન્ય તારાને પણ ગ્રહમાળા છે. આ તારો તેની ગ્રહમાળાનો સૂર્ય જ છે. જેવી રીતે આપણાં સૂર્યની ગ્રહવાળાનો એક ગ્રહ પૃથ્વી છે જ્યાં જીવન પાંગર્યું છે. તેવી રીતે આ તારાની ગ્રહમાળાના કોઈ ગ્રહ પર આપણાં કરતાં લાખો વર્ષો પૂર્વે જીવન પાંગર્યું છે. ત્યાં આજે જીવન એવા તબક્કે વિકાસ પામ્યું છે કે ત્યાં એવા જીવો વિશે છે જે આપણાં કરતાં ઘણાં આગળ વધેલા છે. તેમના માટે કદાચ આપણે આદિવાસી કક્ષામાં છીએ. આપણે ભલે તેમને ‘એલિયન’ કહીએ કે ‘એકસ્ટ્રા ટેરેસ્ટ્રીયલ’ (ઇટી) કહીએ પરંતુ તેમની સંસ્કૃતિ, સભ્યતા, વિજ્ઞાન, ટેકનોલોજી, સમાજ વગેરે આપણાં કરતાં ઘણાં આગળ વધેલા છે. તેમનો ગ્રહ જે ગ્રહમાળામાં છે તે ગ્રહમાળાની ખોજ તો તેમણે પૂરી કરી દીધી છે. હવે તેઓ પોતાના સૂર્યની ગ્રહમાળા સિવાયની અન્ય કોઈ સૂર્યની ગ્રહમાળાની ખોજ કરવા માંગે છે. પરંતુ તેમનાં સૂર્ય અને બીજા સૂર્ય વચ્ચેનું અંતર એટલે કે એક તારા અને બીજા તારા વચ્ચેનું અંતર એટલું તો વિશાળ છે કે આટલા મોટાં અંતરને વળોટીને બીજા તારાની ગ્રહમાળામાં પહોંચવું તેમને માટે શક્ય નથી. તેઓ જાણે કે અસીમ અંતરની કેદમાં પૂરાયા હોય તેવું મહેસૂસ કરી રહ્યા છે. તેમને જો હાથ હોય તો આપણે એવી ઉક્તિ વાપરી શકીએ કે આ અંતરની કેદ છતાં તેઓ ‘હાથ જોડીને’ બેસી રહેવા માંગતા નથી. તેમને હાથ ન હોય પણ ‘ટેન્ટેકલ’ હોય તો એમ કરી શકીએ કે તેઓ પોતાના ‘ટે-ટેકલ’ હલાવતાં હલાવતાં બેસી રહેવા માંગતા નથી. તેમને લાગે છે કે દૂર દૂરના કોઈ તારા એટલે સૂર્યને ગ્રહમાળા છે. તે ગ્રહવાળાના કોઈ ગ્રહ પર પોતાનાથી યુવાન જીવસૃષ્ટિ છે. તે જીવસૃષ્ટિમાં તેમની દ્રષ્ટિએ પોતાનાથી પ્રાથમિક કક્ષા કરી શકાય તેવી કક્ષા સુધી જીવન વિકાસ પામ્યું છે. આ પ્રાથમિક કક્ષાના જે બુઘ્ધિશાળી જીવો છે તેમને તેઓ પોતાના જ્ઞાન અને કૌશલ્યનો લાભ આપવા માંગે છે પરંતુ કયા સૂર્યના કયા ગ્રહ પર આવા બુઘ્ધિશાળી જીવો વસતા હશે તે શોધી કાઢવું તેમને માટે એક મોટો કોયડો છે તેથી તેઓ એવા તારાઓની એક યાદી બનાવે છે કે જે તારાઓને ગ્રહમાળા હોય અને તે પૈકી કોઈ ગ્રહપર જીવનની સંભાવના હોય. આ અજાણ્યા તારાઓ પ્રતિ પોતાની સંસ્કૃતિ, સભ્યતા, સમાજ, જ્ઞાન અને કૌશલ્યની વિગતો પ્રસારિત કરે છે. આ વિગતો આપણી પૃથ્વી સુધી પહોંચે અને આપણાં એન્ટેના તેને ઝીલે તો આપણે આવા આપણાં કરતાં પણ આગળ વધેલાં અને વિકસિત બુઘ્ધિશાળી જીવોને જાણી શકીએ. અલબત્ત અવકાશના અંતરો તો એટલા અફાટ અને અમાપ છે કે આવી સંસ્કૃતિના જીવોનું સદેહે મિલન તો અત્યાર શક્ય લાગતું નથી. પરંતુ તેમનું અસ્તીત્વ છે તેટલી જાણ થાય તો પણ દુનિયાભરમાં ખળભળાટ મચાવતાં સમાચાર બની જાય તે નિર્વિવાદ છે.આપણાંથી જ્ઞાન અને કૌશલ્યમાં આગળ વધેલા અત્યંત બુઘ્ધિશાળી જીવોના સંદેશા ઝીલવા માટે જ અમેરિકામાં એક ‘સેટી’ નામની સંસ્થા છે. ‘સેટી’ એટલે તેનો સ્પેલિંગ થાય એસ.ઇ.ટી.આઈ. તે ટુંકું નામ છે. તેનું પુરૂનામ છે સર્ચ ફોર એકસ્ટ્રા ટેરેસ્ટ્રીયલ ઈન્ટેલીજન્સ એટલે કે પૃથ્વીને પાર બુઘ્ધિશાળી જીવની ખોજ. આ સંસ્થાની એક યોજના છે. તેમાં વિશાળ રકાબી જેવા સેંકડો રેડિયો દૂરબીનો સાંકળી કેટલાય કિલોમિટર વિસ્તારમાં પથરાયેલ હારમાળા - ‘ધી એલન ટેલિસ્કોપ એરે’ અમેરિકાના કેલિફોર્નિયા વિસ્તારમાં ઉભી કરવાનું આયોજન છે. ૨૬૦૦૦૦૦૦ ડોલર એટલે કે આશરે ૧૧૭૦૦૦૦૦૦૦ રૂપિયાના ખર્ચે બંધાનાર આ રેડિયો દૂરબીનોની શ્રેણીના ખર્ચમાં ૧૧૫૦૦૦૦૦ ડોલરનું રોકાણ તો વિશ્વવિખ્યાત માઇક્રોસોફ્ટ કોર્પોરેશનના એક સ્થાપક પોલ એલનનું છે. સાનફ્રાન્સીસ્કોથી ૪૬૪ દૂર ‘નિરવ શાંતિ’ વાતાવરણમાં આવા જંગી ખર્ચે સ્થપાનાર હાઈટેક દૂરબીનનો હેતુ અવકાશના નિબીડમાં અત્યંત દૂર વસતાં કોઈ બુઘ્ધિશાળી જીવનો રેડિયો સંદેશો ઝીલવાનો છે. એક વાત નક્કી છે કે આ બુઘ્ધિશાળી જીવો એટલા બધા દૂર હોય કે તેનો રેડિયો સંદેશો પહોંચતાં વર્ષો લાગે. આટલા બધાં વર્ષો પહેલા મોકલેલો સંદેશો આટલા વિશાળ અંતર કાપીને પૃથ્વી સુધી પહોંચે ત્યારે ક્યારે કેટલો ક્ષીણ થઇ જાય અને કેટલો ખરડાય જાય તે કલ્પનાનો વિષય બની જાય છે. રાત્રિની શાંતિમાં તમરાંનો અવાજ પારખી શકાય છે. પરંતુ દિવસના કોલાહાલ અને ઘોંઘાટમાં તે ક્યાં ડૂબી જાય છે તે ખબર નથી. અહીં પણ કોલાહાલ અને ઘોંઘાટમાંથી તમરાંને અવાજ શોધી કાઢવા જેવી વાત છે.અહીં કોઈને એવો પ્રશ્ન થાય કે આ રેડિયો દૂરબીન વળી છે શું ? આપણે જે દૂરબીનથી પરિચિત છીએ તે પ્રકાશીય દૂરબીન છે. પ્રકાશીય દૂરબીન પ્રકાશના કિરણોને ઝીલે છે અને દૂરબીનમાં દૂરના કોઈ તારા કે ગ્રહની પ્રતિબિંબ ઉપસાવે છે. રેડિયો દૂરબીન રેડિયો તરંગોને ઝીલે છે અને જે તારામાંથી તે તરંગો આવતાં હોય તેનું ‘રેડિયો પ્રતિબિંબ’ ઉપસાવે છે. આ પ્રતિબિંબને તેના રિસિવરની મદદથી પારખી શકાય છે. હવે તો કોમ્પ્યુટરની મદદથી શકાય છે. અત્રે એ યાદ રાખવું જરૂરી છે કે પ્રકાશના તરંગો અને રેડિયો તરંગો એક જ કુટુંબના સભ્યો છે. તે કુટુંબનું નામ છે વિદ્યુત ચુંબકીય તરંગોનું કુટુંબ. પ્રકાશના તરંગો અને રેડિયો તરંગો વિદ્યુત ચુંબકીય તરંગો જ છે. પ્રકાશના તરંગોમાં એક સેકન્ડમાં જેટલા દોલનો થાય છે. તેના કરતાં રેડિયો તરંગોમાં ઘણા ઓછા દોલનો થાય છે. આ તેમનો તફાવત છે. કોઈપણ તરંગમાં એક સેકન્ડમાં થતાં દોલનોની સંખ્યાને તેની ફ્રીકવન્સી (આવૃત્તિ) કહે છે. તે ‘હર્ટઝ’માં મપાય છે. તારાઓમાંથી જે ઊર્જા ચોમેર ફેલાય છે તે વિદ્યુત ચુંબકીય તરંગો રૂપે ફેલાય છે. તેથી સામાન્યતઃ તેમાં પ્રકાશના તરંગો પણ હોય છે અને રેડિયો તરંગો પણ હોય છે.
રેડિયો તરંગો પણ જુદી જુદી ફ્રીકવન્સીવાળા હોય છે. તે પૈકી અવકાશી બુઘ્ધિશાળી જીવો આપણને સંકેતો મોકલતા હોય તો કઈ ફ્રીકવન્સીના રેડિયોતરંગો દ્વારા મોકલતા હશે ? તેવો પ્રશ્ન થાય. આ સંકેતો મોકલનારા અવકાશી બુઘ્ધિશાળી જીવોમાં એટલી તો બુઘ્ધિ હોય કે તેમના રેડિયો તરંગો પૃથ્વીના વાતાવરણને ભેદીને પૃથ્વી સુધી પહોંચે તેવા હોવા જોઇએ. આવા રેડિયોતરંગોની ફ્રીકવન્સી એક અબજ હર્ટઝથી દશ અબજ હર્ટઝ વચ્ચે હોવી જોઇએ. અબજને વિજ્ઞાનની ભાષામાં ‘ગીગા’ કહે છે. તેથી એમ કહી શકાય કે આવા રેડિયો તરંગોની ફ્રીકન્વસી ૧થી ૧૦ ગીગા હર્ટઝ વચ્ચે હોવી જોઇએ. આવા તરંગો પૃથ્વી સુધી પહોંચી શકે. ૧૯૫૯માં વિજ્ઞાનીઓના એક જૂથના મતે અવકાશી બુઘ્ધિશાળી જીવો ૧.૫ ગીગા હર્ટઝની ફ્રીકન્વસીવાળા રેડિયો તરંગો દ્વારા સંદેશા મોકલતા હોવા જોઇએ. તે પછી એક વર્ષે વિજ્ઞાનીઓના બીજા જૂથે આ ફ્રીકવન્સીના રેડિયો તરંગો ઝીલવા ‘ટાઉ સેટી’ અને ‘એપ્સીલોન ઇરીદાની’ નામના બે તારા તરફ પોતાના રેડિયો રેડિયોદૂરબીન તાક્યા. અવકાશી બુઘ્ધિશાળી જીવો દ્વારા સંભવિત મોકલેલા રેડિયો સંદેશા ઝીલવાનો આ પહેલો પ્રયત્ન હતો. એવું માની લેવામાં આવ્યું કે આ તારાઓ પૈકી કોઈને ગ્રહ હશે અને તે ગ્રહ પર બુઘ્ધિશાળી જીવ વસતા હશે. આ બુઘ્ધિશાળી જીવોને પોતાનું ‘રેડિયો ટ્રાન્સમીરલ સેન્ટર’ આ રેડિયોસ્ટેશન પરથી ૧.૫ ગીગાહર્ટઝના રેડિયો તરંગનું પ્રસારણ કરતાં હશે. એવું નિયમિત રીતે તૂટક તૂટક પ્રસારણ કરતાં હોય કે જેથી આપણે તેની નિયમિતતા પરથી બુઘ્ધિશાળી જીવનો સંદેશો છે તેમ પારખી શકીએ.
૧૯૬૦માં ઉપર જણાવેલ અવકાશી બુઘ્ધિશાળી જીવના સંદેશા ઝીલવાનું આદરેલ કામ આજે ચારદાયકા પછી પણ જ્યાં અને ત્યાં જ છે. ચાર દાયકામાં રેડિયો દૂરબીનોનો ઘણો વિકાસ થયો છે. તેમ છતાં અવકાશમાં કોઈ બુઘ્ધિશાળી જીવ વસે છે તે ખોળી કાઢવા આપણે નાકામિયાબ રહ્યા છીએ. હવે ‘સેટી’ પ્રત્યે સહુ મીટ મંડાયેલ છે.૧૯૬૦માં રેડિયો તરંગો ઝીલીને અવકાશી બઘ્ધિશાળી જીવને શોધવાનો પ્રયોગ શરૂ થયો તે અરસામાં જ એટલે કે ૧૯૬૧માં તેમાના જ એક વિજ્ઞાનીએ કહ્યું કે ૧.૫ ગીગા હર્ટઝની ફ્રીકવન્સીવાળા રેડિયો તરંગો જેમ વાતાવરમ ભેદીને પૃથ્વી પર પહોંચી શકે છે તેમ પ્રકાશના તરંગો પણ પહોંચી શકે છે. સંભવ છે કે અવકાશી બુઘ્ધિશાળી જીવો પ્રકાશના ઝબકારા કરી આપણને સંદેશા મોકલતા હોય. ઘડીભર માની લઈએ અવકાશી બુઘ્ધિશાળી જીવો સર્કસની સર્ચલાઈટ જેવી સર્ચલાઈટનો પ્રકાશનો શેરડો ફેંકી રહ્યા છે. પરંતુ આટલા વિશાળ અંતરે આવો પ્રકાશનો શેરડો પહોંચાડવો હોય તો તેની ઊર્જા અત્યંત હોવી જોઇએ. આટલી બધી ઊર્જા ધરાવતો શેરડો કોઈ અવકાશી બુઘ્ધિશાળી જીવ મોકલી શકે તે શક્ય લાગતું નથી. પરંતુ તેનો એક રસ્તો છે. સાદા પ્રકાશને બદલે લેસરપ્રકાશનો ઉપયોગ કરે તો તેમને સફળતા મળી શકે છે. અત્રે એ યાદ રાખવું જરૂરી છે કે ‘લેસર’ એ પણ પ્રકાશ જ છે. સાદા પ્રકાશ અને લેસર પ્રકાશનો તફાવત લોકોના ટોળાં અને સૈનિકોની ટુકડી વચ્ચે તફાવત હોય તેવો તફાવત છે. લેસર કિરણ આગળ વધે તેમ ફેલાય જતું નથી. એક કિરણ જૂથતરીકે આગળ વધે છે. લેસરકિરણ જૂથનો શેરડો બુઘ્ધિશાળી જીવો નહીં મોકલે. કારણ કે તેમાં પણ ઘણી બધી ઉર્જાની જરૂર પડે. તેથી તેઓ લેસરના ક્ષણિક ઝબકારા મોકલતાં હોય તેવું બની શકે. પોલ હોરોવિટ્ઝ નામના અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસરના મતે આપણે પણ આવો લેસર ઝબકારો મોકલી શકીએ તેમ છીએ. અમરેકિામાં કેલિફોર્નિયા ખાતે લોરેન્સ લિવરમોર નેશનલ લેબોરેટરી છે. તેમાં ક્ષણના પણ અંશ માટે ૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ વોટની ઉર્જા ધરાવતો લેસર ઝબકારો ઉત્પન્ન કરી શકાય છે. આવા ઝબકારાને દશ મિટર પહોળાઈના એટલે કે દશમિટર વ્યાસના અમેરિકાના હવાઈ ટાપુ પરનો પ્રકાશીય દૂરબિનથી કેન્દ્રિત (ફોક્સ) કરવામાં આવે તો ક્ષણના અંશ માટે આપણાં સૂર્ય કરતાં ૫૦૦૦ ગણો તેજસ્વી ઝબકારો પેદા કરી શકાય તેમ છે. જો આપણે આટલો બધો તેજસ્વી લેસર ઝબકારો અવકાશમાં મોકલી શક્તા હોઈએ તો આપણાં કરતાં આગળ વધેલા જીવો તો તે પ્રમાણે કરી શકે તે સ્વાભાવિક છે. સંભવ છે કે તેમણે આવા ઝબકારા મોકલ્યા પણ હોય. અલબત્ત આવા કોઈ એક ઝબકારાને પૃથ્વી સુધી પહોંચતા વર્ષો લાગે તે જુદી વાત છે.
પોલ હોરોવિટ્ઝે સૂર્ય જેવા ૧૩૦૦૦ તારાઓમાંથી આવતાં પ્રકાશનું વિશ્લેષણ શરૂ કરી દીઘું છે. તે શોધવા મથે છે કે આવા કોઈ એક તારામાંથી આવતાં પ્રકાશની પાર્શ્વભૂમાં સેકન્ડના અબજમાં ભાગ માટે પણ અણધાર્યા ફ્લેશ જોવા મળે તો ધારી શકાય કે આપણા કરતાં આગળ વધેલા કોઈ બુઘ્ધિશાળી જીવ આપણને કશુંક કરી રહ્યા છે. સંભવ છે કે લેસર પ્રકાશના આવા ‘ફ્લેશ’ને બદલે તેઓ સર્ચલાઈટ જેવો શેરડો મોકલતાં હોય. અલબત્ત તેની ઉર્જા ઓછી હોય અને પરિણામે તે ક્ષીણ હોય પરંતુ તેના દ્વારા ઘણી બધી પોતાને લગતી માહિતી આપણને તેઓ મોકલી શકે. આપણે તે ૨૦૧૧માં અવકાશમાં ભ્રમણકક્ષામાં મૂકાનારા ‘ટેરેસ્ટ્રીયલ પ્લેનેટ ફાઈન્ડર’ નામના ઉપગ્રહ તેમજ પૃથ્વીપરના ઉપકરણો દ્વારા તેને જાણી શકીએ. ત્યારબાદ તેમાંના સંદેશાને ઉકેલવા મથામણ કરી શકીએ. પોલ હોરોવિટ્ઝના મતે આપણાંથી ૧૦૦૦ પ્રકાશ વર્ષે દૂર એટલે કે જ્યાંથી પ્રકાશને આપણાં સુધી પહોંચતા ૧૦૦૦ વર્ષ લાગે તેટલા વિસ્તારમાં કોઈ આવો સંદેશો આવતો હોય તો આપણે યોજી શકીએ. આટલા વિસ્તારમાં જ આપણા સૂર્ય જેવા દશલાખ તારાઓ હોવાનો અંદાજ છે. આ પૈકી ગેઈને ગ્રહમાળા હોય તથા તે પૈકી કોઈ ગ્રહ એવો હોય કે જેના પર આપણાંથી ઘણું વિકસિત જીવન હોય અને ત્યાંના અતિબુઘ્ધિશાળી જીવોએ લેસર પ્રકાશથી વર્ષો પહેલા સંદેશા મોકલ્યા હોય તો તે આપણને આજે મળે તેવું બની શકે. આપણાંથી એક હજાર પ્રકાશ વર્ષ દૂરના વિસ્તાર સુધીની ખોજને આગળ વધારીને ૬૫૦૦૦ પ્રકાશ વર્ષ દૂરના વિસ્તાર સુધી લઇ જઇ શકાય. બીજી રીતે કહીએ ૬૫૦૦૦ પ્રકાશ વર્ષ પહેલા મોકલેલો સંદેશો આપણને છેક આજે મળે તેટલે દૂર આવેલા બુઘ્ધિશાળી જીવો વિશે જાણી શકીએ. આટલા વિસ્તારમાં તો આપણાં સૂર્ય જેવા અબજો તારાઓ આવી જાય. આટલા બધા તારાઓમાંથી કોઇ એકના ગ્રહ પરના બુઘ્ધિશાળી જીવનો ક્ષીણ થઇ ગયેલો પણ સંદેશો મળે તો આ વિશ્વમાં આપણે એકલા નથી તેવો અણસાર જ આપણાં રૂંવાટા ઉભા કરી દે તેવો હોય.