ત્રાસવાદીઓ આમ તો બહુ ચાલાક અને ચકોર હોય છે તેમના કામમાં તેમને બુદ્ધિચાતુર્યનો ઉપયોગ કરવો જ પડતો હોય છે પણ ક્યારેક ત્રાસવાદીઓ દ્વારા એવા મુર્ખામીભર્યા કાર્યો કરવામાં આવતા હોય છે જેના કારણે તેમને તો મુશ્કેલીઓનો સામનો કરવો જ પડતો હોય છે અને ક્યારેક તેમનું મિશન પણ નિષ્ફળ જતું હોય છે ક્યારેક તેમના સંગઠનને તેમની મુર્ખામીની સજા ભોગવવી પડતી હોય છે.એક રશિયન ત્રાસવાદીનો ફોન ભૂલથી ત્યારે એકટીવેટ થઇ ગયો હતો જ્યારે તેના પર મિશન દરમિયાન જ હેપ્પી ન્યુ યરનો સ્પામ મેસેજ આવ્યો હતો અને તે સ્યુસાઇડ બોમ્બર તેના ટાર્ગેટ પહેલા જ ઉપર સિધાવી ગયો હતો.જો કે આ એકમાત્ર ઘટના નથી જેમાં ત્રાસવાદીઓ દ્વારા આવી મુર્ખામી થઇ હોય.
અલકાયદાના હાથમાં સિરિયામાં એક ત્રાસવાદી હાથ લાગ્યો હતો જે તેમને લાગ્યું કે અસદ સરકાર વતી કામ કરનાર હતો અને તેમણે તાત્કાલિક આ ત્રાસવાદીનું માથુ કાપી નાંખ્યું અને ઇન્ટરનેટ પર તેનો વીડિયો જાહેર કર્યો જેમાં તેઓ આ ત્રાસવાદીનું માથુ ઉલાળતા નજરે પડતા હતા જ્યારે અલકાયદાના અન્ય ત્રાસવાદીઓએ આ દૃશ્ય જોયું ત્યારે તેઓ આઘાતમાં સરી ગયા હતા કારણકે તેમના ગૃપના સાથીદારોએ જેનું માથુ કાપી નાંખ્યુ હતું તે હરિફ ન હતો પણ તેમના ગૃપનો જ એક કમાન્ડર હતો.તેમણે આ વાત જ્યારે તેમના સાથીદારોને જણાવી ત્યારે તેમણે આ વાતને વાળવા માટે એવું નિવેદન જાહેર કર્યુ હતું કે તે એક ગે હતો અને ગદ્દાર હતો.
અયમાન ફારિસ આમ તો અમેરિકન નાગરિક હતો પણ તે અમેરિકાના નાગરિકોની ભારે ધૃણા કરતો હતો અને તેનું સ્વપ્ન હતું કે તે અહી ભયંકર રક્તપાત સર્જે અને અનેકને મોતને ઘાટ ઉતારી અને તે માટે તેણે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની મુલાકાત લીધી હતી જ્યાં તેણે કેટલાક ત્રાસવાદી સંગઠનોની મુલાકાત લીધી હતી અને તેમણે તેને મદદ કરી હતી.ફારિસે ત્યારબાદ બ્રુકલીન બ્રીજના સસ્પેન્શન કેબલ કાપીને લોકોને મોતને ઘાટ ઉતારવાની યોજના ઘડી હતી જો કે તેની આ યોજના ક્યારેય ફળીભૂત થઇ ન હતી.કારણકે તે અમેરિકાનો સૌથી પ્રખ્યાત બ્રીજ હતો અને ત્યાં સતત પોલીસની હાજરી રહેતી હતી. તે જ્યારે અહી આવ્યો અને જોયુ અને તેણે અલકાયદાને જણાવ્યું કે આ યોજના સાકાર થઇ શકે તેમ નથી અને જ્યારે તે પાછો ફર્યો ત્યારે તેણે ત્રાસવાદી સંગઠનમાં હમાલ તરીકેનું કામ કરીને સંતોષ માનવો પડ્યો હતો અને તે ક્યારેય અમેરિકાને આઘાત પહોંચાડી શકે તેવી કામગિરી કરી શક્યો ન હતો.
સિરિયામાં અબ્દેલ ગની જવાહર માર્યો ગયો હતો જે લેબનોનનો મોસ્ટ વોન્ટેડ ત્રાસવાદી હતો.જેણે અમેરિકાના દળો પર હુમલો કરવા માટે ત્રાસવાદીઓને વિસ્ફોટકો પુરા પાડ્યા હતા.જો કે તેનો અંત પણ એટલો લોહિયાળ આવ્યો હતો અને તે ત્યારે માર્યો ગયો હતો જ્યારે તે બોમ્બ બનાવતો હતો અને તેમાં વિસ્ફોટ થયો હતો.તેના અન્ય સાથીદારોએ તેને ત્યાંજ દફનાવી દીધો હતો અને તેને લેબનોન પાછો લઇ ગયા ન હતા.
કોલંબિયાની સરકાર સામે ફાર્સ નામના જુથે વિદ્રોહી પ્રવૃત્તિઓ ચલાવી હતી અને તેમના પચાસ વર્ષના સંગઠનમાં તેમણે હજ્જારો લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા.આ સંગઠનના સાગરિતો અત્યંત ક્રુર હતા પણ તેઓ ક્યારેક મુર્ખામી પણ એટલી જ ભારે કરતા હતા.૨૦૦૮માં ફાર્સના નેતાઓએ ત્રણ વ્યક્તિઓનું અપહરણ કર્યુ હતું અને કોલંબિયા સરકારને દબાણમાં લાવી હતી.સરકારની ચિંતાનુ કારણ કલેરા રોઝાસનો પુત્ર હતો જે ત્રાસવાદીઓના કબજામાં જ જન્મ્યો હતો પરંતુ ભૂલથી તેમણે આ બાળકને મુક્ત કર્યો હતો અને જ્યારે તેમને આ ભૂલ સમજાઇ ત્યારે બહુ મોડુ થઇ ગયું હતું અને તેમને અન્ય બે હોસ્ટેજને પણ મુક્ત કરવા પડ્યા હતા.
ઓગણીસમીનાં અંતિમ ગાળા દરમિયાન યુરોપમાં અંતિમવાદીઓની જમાતની બોલબાલા હતી જેમણે ભારે આતંક મચાવ્યો હતો અને તેમના આ કૃત્યોને કારણે અસંખ્ય નાગરિકો મોતને ભેટ્યા હતા. જો કે કેટલાક અંતિમવાદીઓ મગજ વગરના પણ હતા જેમાના એક ફ્રેન્ચ અંતિમવાદીએ ૧૫મી ફેબ્રુઆરી ૧૮૯૪નાં દિવસે લંડનની ગ્રીનવીચ ઓબ્ઝર્વેટરી ઉડાવવાનો નિર્ણય કર્યો હતો અને તે બસમાં બેઠો હતો તેના હાથમાં વિસ્ફોટકોનું પેકેટ હતું જો કે આ ત્રાસવાદી બસમાં ઉંઘી ગયો અને તેને જ્યાં વિસ્ફોટ કરવાનો હતો ત્યાંથી ઘણે દુર નિકળી ગયો હતો અને જ્યાં વિસ્ફોટ થયો ત્યાં ઘાસ સિવાય કશું જ ન હતું જો કે પોલીસે જ્યારે તપાસ કરી ત્યારે તેમણે ગણતરી કરી હતી કે જે વિસ્ફોટકો આતંકવાદી પાસે મળ્યા હતા તે એટલા શક્તિશાળી ન હતા કે ઓબ્ઝર્વેટરીને નુકસાન પહોંચાડી શકે.
વર્ષ ૨૦૦૬માં ડેવિડ રોબર્ટ મેકમેનીએ ગર્ભપાત કરનારા ક્લિનિકો સામે પોતાનો રોષ પ્રગટ કરવાનો નિર્ણય કરીને ડેવેનપોર્ટમાં આવેલા એઝર્ટન મહિલા હેલ્થ સેન્ટર પર હુમલો કરવા નિકળ્યો હતો.અગિયારમી સપ્ટેમ્બરની વહેલી સવારે તેણે પોતાની કાર આ સેન્ટર સાથે ટકરાવાનું નક્કી કર્યુ હતુ. જો કે તેની યોજના પણ સફળ થઇ ન હતી અને તેની કારમાં વિસ્ફોટ થયો ન હતો અને તેની કાર રિસેપ્શન રૂમ સુધી પહોંચી ગઇ હતી જો કે તેનું આ મિશન પણ ખોટું જ હતું કારણકે આ સેન્ટરમાં ગર્ભપાતની પ્રવૃત્તિ કરાતી ન હતી આથી તેણે ટાર્ગેટ પણ ખોટો જ પસંદ કર્યો હતો.જ્યારે તેની ધરપકડ કરાઇ ત્યારે તેને વીસ હજાર ડોલરનો દંડ કરાયો હતો.
ધ ઇંગ્લિશ ડિફેન્સ લીગ બ્રિટનમાં તેની અરાજકીય પ્રવૃત્તિઓને કારણે ભારે કુખ્યાત બની હતી તેના છ અંતિમવાદીઓએ એક રેલીને બોમ્બને ઉડાવી દેવાનું નક્કી કર્યુ હતું જો તે સફળ થયા હોત તો આખુ બ્રિટન જાતિય તોફાનોની આગમાં સપડાઇ ગયું હોત.તેઓ પોતાની કારમાં બંદુકો અને વિસ્ફોટકો ભરીને નિકળી પડ્યા હતા ત્યારે પોલીસે તેમને રોક્યા હતા કારણકે તેઓ ઇન્સ્યોરન્સ વિના ડ્રાઇવિંગ કરતા ઝડપાયા હતા અને તેઓને આ કારણોસર જ જેલમાં ધકેલી દેવાયા હતા અને તેમના ઇરાદાઓ પર પાણી ફરી વળ્યું હતું.
૮ ફેબ્રુઆરી ૧૯૮૩ના રોજ આઇરિશ ત્રાસવાદી ગૃપ જે ઇરા તરીકે ઓળખાતું હતું તેમણે ત્યારે ત્રણ મિલિયન ડોલરનું ઇન્સ્યોરન્સ ધરાવતા શેર્ગર નામના પ્રખ્યાત ઘોડાનું અપહરણ કરવાનો નિર્ણય કર્યો હતો અને તેમણે એ ઘોડાને તેના તબેલામાંથી ઉઠાવ્યો હતો અને તેઓ તેને લઇને અલોપ થઇ ગયા હતા.તેમના માલિક આગાખાને જો કે ત્રાસવાદીઓ સાથે કોઇપણ પ્રકારની વાતચીત કરવાનો ઇન્કાર કરી દીધો હતો અને ત્રાસવાદીઓના ત્રણ મિલીયન ડોલર મેળવવાનું સપનું દુઃસ્વપ્ન સાબિત થયું હતું.તેમાંય પોલીસને જ્યારે આ ઘોડા અંગે જાણ થઇ ત્યારે તેઓ ઇરાના અડ્ડાઓ પર તુટી પડી હતી અને તેમના ઘણાં લોકો ઝડપાયા હતા અને તેમને આ અડ્ડાઓ પરથી ઘણાં હથિયારો પણ મળી આવ્યા હતા.આમ સમજદારીના અભાવે આ ત્રાસવાદી સંગઠનને ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું.
લંડનમાં સાતમી જુલાઇએ થયેલ ત્રાસવાદી હુમલો ઇતિહાસનો સૌથી ખતરનાક હુમલો હતો જ્યારે ત્રાસવાદીઓએ બસો અને લંડન ટ્યુબ પર બોમ્બ ઝીંક્યા હતા.જેમાં પચાસના મોત થયા હતા ઘણાં લોકો ઘવાયા હતા. જોકે ૨૧મી જુલાઇ ૨૦૦૫ના રોજ પાંચ ત્રાસવાદીઓ લંડન અંડરગ્રાઉન્ડમાં પ્રવેશ્યા હતા જો કે તેમનો હુમલો નિષ્ફળ નિવડ્યો હતો કારણકે તેઓ બોમ્બને યોગ્ય રીતે તૈયાર કરી શક્યા ન હતા અને જ્યારે તેમણે વિસ્ફોટ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે માત્ર ધુમાડા સિવાય કશું નિકળ્યું ન હતું અને લોકોને માત્ર ખાંસી સિવાય કશું થયું ન હતું.પાંચેયની ધરપકડ થઇ હતી અને ચાલીસ વર્ષની સજા કરવામાં આવી હતી તેમણે શું કામ કર્યુ હતું તો તેમના કૃત્યને કારણે લોકો ત્યાં પોતાના જુતા મુકીને ભાગી ગયા હતા.
અંડરપેન્ટ બોમ્બરની કથા પણ તેના અંતને કારણે ભયંકર બનવાને બદલે હાસ્ય ઉત્પન્ન કરે તેવી બની રહી હતી.વર્ષ ૨૦૦૯ના ક્રિસમસના રોજ ઉમર ફારૂક અબ્દુૂલમુતાલિબ ડેટ્રોઇટ જવા માટે પ્લેન પર ચડ્યો હતો ત્યારે તેણે પોતાના જાંગિયામાં વિસ્ફોટકો છુપાવી રાખ્યા હતા જે તેણે ત્રણ અઠવાડિયાથી પહેરી રાખ્યો હતો. જ્યારે પ્લેન ઉતરાણ કરતું હતું ત્યારે ફારુકે પોતાના વિસ્ફોટકોને ડીટોનેટ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમાં વિસ્ફોટ થવાને બદલે માત્ર આગ લાગી હતી અને તેનો નીચલો હિસ્સો ભયંકર રીતે બળવા સિવાય બીજુ કશું થયું ન હતું.તેને પોલીસે કસ્ટડીમાં લીધો હતો અને અલ કાયદાએ તે તેમનો વ્યક્તિ હોવાનો ઇન્કાર કર્યો હતો.