ધારાવાહિક:- ડાયમંડ્સ
ભાગ:- 1
રજુ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.
શું થયું? ચોંકી ગયા નામ વાંચીને? તમને શું લાગ્યું કે આ મેથ્સ ટીચર સ્નેહલ ક્યાં હવે ડાયમંડ્સ પાછળ મહેનત કરે છે? પણ તમે ધારો છો એવું નથી. સાચુ કહું તો મને હીરો સાચો છે કે ખોટો એ ય પારખતાં નથી આવડતું. પણ હા, કયા વિદ્યાર્થીને કેમ વાળવો એની પરખ બહુ સારી રીતે આવડે છે. સાથે સાથે કયા વિદ્યાર્થીને એનાં હાલ પર છોડી દેવામાં જ મજા છે એની પણ સમજ છે. જેમ એક ડાયમંડ એટલે કે હીરો જેટલો વધારે પાસાદાર એટલું જ એનું મૂલ્ય વધારે એમ આ 'ડાયમંડ્સ' એટલે હીરો નહીં પણ હીરાનાં બહુવિધ પાસા જેવી બહુવિધ પ્રતિભાઓ ધરાવતા એક ડાયમંડ જેવા વ્યક્તિની જીવનયાત્રા.
ડાયમંડ્સ એ એક પુસ્તક પરિચય છે, જેનું આખું નામ છે - ડાયમંડ્સ આર ફોરએવર, સો આર મોરલ્સ. એટલે કે જે રીતે હીરો સદાકાળ મૂલ્યવાન છે એ જ રીતે વ્યક્તિનાં મૂલ્યો(ગુણો) પણ સદાય માટે મૂલ્યવાન છે. વ્યક્તિનાં મૃત્યુ પછી દુનિયા વ્યક્તિને એનાં દ્વારા કમાયેલા રૂપિયાથી નહીં પણ આખા જીવન દરમિયાન એણે કરેલાં સદગુણોને કારણે યાદ રાખે છે.
આ પુસ્તકમાં પણ આવા જ એક વ્યક્તિની જીવનયાત્રા વર્ણવેલી છે. આ વ્યક્તિ જેટલી ધનદોલત કમાઈ છે, એનાથી વધારે જીવનનાં મૂલ્યો કમાઈ છે. આ વ્યક્તિને તમે ઓળખતાં જ હશો. આ વ્યક્તિ એટલે સુરતનાં 'ડાયમંડ કિંગ' તરીકે જાણીતા, મિત્ર વર્તુળમાં અને લોકોમાં 'ગોવિંદ ભગત' તરીકે જાણીતા અને એમની શાળા પરિવારમાં સૌનાં વ્હાલા 'ગોવિંદકાકા'નાં હુલામણા નામથી જાણીતા શ્રી ગોવિંદભાઈ ધોળકિયા. હાલમાં તેઓ રાજ્યસભાનાં સાંસદ પણ છે.
આ પુસ્તક એક ઓટોબાયોગ્રાફી છે. એટલે કે આ પુસ્તકમાં ગોવિંદકાકાની તમામ માહિતિ એમણે પોતે જ આપી છે. પુસ્તકનું વિમોચન પણ એમની હાજરીમાં જ થયું છે. જરા વિચારો કે આપણે માત્ર એક રોજનીશી લખવાની હોય તો કેટલી તકલીફ પડે? કેટલી બધી બાબતો લખતાં પહેલાં હાથ અટકી જાય છે એમ વિચારીને કે આ બાબત કોઈ વાંચી જશે તો ઘરમાં ઝગડા થશે અથવા તો મનદુઃખ થશે. એની સામે ગોવિંદકાકાએ તો પોતાની આખેઆખી જીવનયાત્રા રજુ કરી દીધી છે. કેટલી બધી ઈમાનદારી એમણે દાખવી હશે એની કલ્પના કરો!
આ પુસ્તક ઓનલાઈન તેમજ ઑફલાઇન બંને રીતે ઉપલબ્ધ છે, તેમજ ગુજરાતી, અંગ્રેજી અને હિંદી એમ ત્રણેય ભાષામાં લખાયેલ છે. ત્રણેય ભાષા માટે પબ્લિકેશન હાઉસ અલગ અલગ છે, પરંતુ એમાં લખનાર વ્યક્તિઓ સરખા જ છે - શ્રી અરુણ તિવારીજી અને શ્રી કમલેશ યાજ્ઞિકજી. ગોવિંદભાઈ દ્વારા આ બે વ્યક્તિઓને એમની જીવનયાત્રા કહેવામાં આવી અને આ બંનેએ એને પુસ્તકનું સ્વરુપ આપ્યું. ત્રણેય ભાષાનાં પુસ્તકોમાં આમુખ અને પ્રસ્તાવના વાંચવા જેવા છે.
હિંદી ભાષામાં આ પુસ્તક ભોપાલનાં 'મંજુલ પબ્લિકેશન હાઉસ'માં છપાયું છે, જેની વેચાણ ઓફિસ નોઈડા, ઉત્તરપ્રદેશ ખાતે આવેલી છે. હિંદીમાં તમામ કોપીરાઈટ એમની પાસે જ છે. અંગ્રેજીમાં આ પુસ્તક હરિયાણા ખાતે આવેલ 'પેન્ગવિન રેન્ડમ હાઉસ' ખાતે છપાયેલ છે. આ એક આંતરરાષ્ટ્રીય પબ્લિકેશન હાઉસ છે. ગુજરાતીમાં આ પુસ્તક અમદાવાદનાં આર. આર. શેઠ એન્ડ કું. પ્રા. લિ. માં છપાયું છે. દરેક ભાષાની બુકમાં શ્રી ગોવિંદકાકાએ જેમને પણ આ પુસ્તક ભેટ સ્વરૂપે આપ્યું છે એમાં એમનાં આશિર્વચન સમાન થોડાં શબ્દો પ્રથમ પાને લખીને આપ્યાં છે.
આ પુસ્તક મેં બે વાર વાંચ્યું છે, અને ખરેખર પ્રેરણાદાયક છે. આથી મને લાગ્યું કે આપ સૌ સાથે એની માહિતિ વહેચું. આથી મેં આ પુસ્તક પરિચય લખવાની શરૂઆત કરી છે. પુસ્તક વિશેની વધુ માહિતિ આવતાં અંકોમાં રજુ કરીશ, જેમાં ગોવિંદકાકાનાં બાળપણથી લઈને આ પુસ્તક છપાયું ત્યાં સુધીની એમની અંગત તેમજ વ્યાવસાયિક જીંદગી વિશેની માહિતિ છે.
તો મળીએ આવતાં અંકમાં, જે રજુ કરીશ ટૂંક સમયમાં.....
આભાર.
સ્નેહલ જાની