મિશન ઇમ્પોસિબલ : ધ ફાઇનલ રેકનિંગ
- રાકેશ ઠક્કર
ફિલ્મ ‘મિશન ઇમ્પોસિબલ : ધ ફાઇનલ રેકનિંગ’ (2025) પછી પણ આ સીરીઝની નવી ફિલ્મ આવી શકે છે. આમ તો એનો આ આઠમો ભાગ અંતિમ હોવાનો પ્રચાર કરવામાં આવ્યો હતો પરંતુ એનો અંત એવો ઈશારો કરે છે કે તેની વધુ એક સીકવલ આવી શકે છે. ટોમ ક્રૂઝને તેના દ્વારા નિર્મિત ત્રણ દાયકા જૂની ફ્રેન્ચાઇઝીનો અંત લાવવાની ઈચ્છા હજુ હોય એમ લાગતું નથી. ખરેખર ફાઇનલ જેવી ફિલ્મ લાવે તો દર્શકો એને આવકાર આપશે. દર્શકો એની આ અંતિમ ફિલ્મ હોવાનું માનીને જ જોવા ગયા હતા. ફિલ્મ બધી રીતે સમીક્ષકો અને દર્શકોની અપેક્ષા પર ખરી ઉતરી નથી.
ટોમ ક્રૂઝે ‘મિશન ઇમ્પોસિબલ’ નું જે એક લેવલ ચાહકોમાં સ્થાપિત કર્યું છે એમાં ઉતરતી લાગે છે. આ એની ફ્રેન્ચાઇઝીની શ્રેષ્ઠ ફિલ્મ કોઈ રીતે નથી. જો ફિલ્મ જોવી હોય તો ઓછી અપેક્ષા રાખવી પડશે. 1996 થી જે લોકો ટોમની આ ફિલ્મ જોતાં આવ્યા છે એમણે એટલે જોવી પડશે કે એની વાર્તા હરીફરીને પાછી ત્યાં આવી ગઈ છે.
અગાઉની ફિલ્મોની જેમ ટોમ વધારે પડકાર ઝીલી શક્યો નથી. એમાં જોરદાર દ્રશ્યો અને મનોરંજન છે. સમુદ્રમાં જે વીસ મિનિટની ફિલ્મ ચાલે છે એને બાદ કરતાં ખાસ રોમાંચક દ્રશ્યો નથી. 62 વર્ષના ટોમ ક્રૂઝનો લાજવાબ અભિનય જ નહીં એક્શન પણ છે. તેને ખતરનાક અને જીવલેણ દ્રશ્યો કરતાં ઉંમર રોકી શકી નથી. ફિલ્મમાં દુનિયાને જ નહીં આખી ફિલ્મને એણે બચાવી લીધી છે. તેણે સાબિત કર્યું છે કે એ દુનિયાનો સાથી મોટો ફિલ્મ સ્ટાર કેમ છે.
જો ટોમની જગ્યાએ બીજો કોઈએ હીરો હોત તો પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર ટાંય ટાંય ફિસ થઈ ગઈ હોત. કેમકે વાર્તા પર મહેનત કરવામાં આવી નથી. દુનિયા ખતમ થવાની છે અને એને બચાવવા એક માણસ સંઘર્ષ કરે છે એ મુદ્દાની જ કોઈ નવીનતા વગરની અગાઉની ફિલ્મ જેવી વાર્તા છે. વધારે ખરાબ વાત એ છે કે ટોમની ટક્કરનો કોઈ વિલન જ નથી. ફિલ્મમાં નકારાત્મક પાત્રો પર ધ્યાન જ આપવામાં આવ્યું ન હોવાથી એટલી મજા આવતી નથી. નામ ‘મિશન ઇમ્પોસિબલ’ છે અને બધું જ ટોમની મરજી પ્રમાણે સરળતાથી થઈ જાય છે. ક્યાંક તો એવો ડર ઊભો થવો જોઈતો હતો કે આ મિશન અશક્ય છે. વાર્તા કોઈ પડકારો વગર એકદમ સીધી લીટીમાં ચાલે છે. તેથી ફિલ્મનું નામ સાર્થક થતું નથી.
એવું થશે કે સાત જન્મ હોય એમ ‘મિશન ઇમ્પોસિબલ’ ના સાતમા ભાગ સાથે જ આ ફ્રેન્ચાઇઝીનો અંત લાવી દેવાની જરૂર હતી. જેમણે સાતમો ભાગ જોયો નથી એમના માટે આ ફિલ્મની કેટલીક વાતો જલદી સમજાશે નહીં. સમીક્ષકો માને છે કે જેમણે અગાઉ આ ફ્રેન્ચાઇઝીની એકપણ ફિલ્મ જોઈ નથી એમના માટે ભલામણ કરી શકાય એમ નથી. એમને કશું નવું રોમાંચક જોવા મળવાનું નથી. અગાઉની ફિલ્મો જોનારા દર્શકોને એમના ઘણા પ્રશ્નોનાં જવાબ આપવા જ આઠમો ભાગ બનાવવામાં આવ્યો છે.
ટોમના એક્શનના ચાહકો નિરાશ થવાના છે. એક્શનમાં એ રોમાંચ આવતો નથી જેના માટે આ સીરીઝ જાણીતી રહી છે. હવામાં ઈથન વિલનને પ્લેનમાંથી કાઢીને બહાર ફેંકે છે એ દ્રશ્ય બાલિશ લાગે છે. વિલન તરીકે એસાન દમદાર લાગતો નથી એમાં એનો વાંક નથી. એની ભૂમિકા નબળી લખાઈ છે. ઇન્ટરવલ સુધી એક્શનનું એક દ્રશ્ય નથી કે વાર્તામાં ગતિ નથી. એમાં મોટાભાગનો સમય વાતોમાં જ પસાર થાય છે.
ઇન્ટરવલ પછી એક્શન માટે ક્લાઇમેક્સની રાહ જોવી પડે છે. આ બધું એના અંતિમ ભાગ તરીકે જરૂરી લાગશે પણ જે દર્શકો માત્ર એક્શન જોવાના આશયથી જશે એમને ઊંઘ આવી શકે છે! એટલે જેણે અગાઉની ફિલ્મો જોઈ છે એ MI સીરીઝના ચાહકો ઈન્ટરવલ પછી જુએ તો કોઈ ફરક પડવાનો નથી. ઘણી જગ્યાએ તો વાર્તા સંપૂર્ણ અટકી જાય છે. ફ્રેન્ચાઇઝીનું ફેરવેલ હોય એવું જ લાગે છે. આમ પણ ઇથન હંટ (ટોમ ક્રૂઝ) ના ચાહકોને એ વાતમાં બહુ રસ હોતો નથી કે મિશન અશક્ય કેટલું છે. પણ એ એને કેવી રીતે પૂરું કરે છે એ જોવામાં રસ હોય છે.
આ વખતે સમસ્યા એવી છે કે ઈથન અત્યાર સુધી લોકોથી દૂર રહેલા એક હીરો તરીકે હતો. હવે એની ઓળખ બહાર આવી ગઈ છે. ઘણા બધા એના ચહેરાને ઓળખે છે. આ કારણે આઠમો ભાગ બહુ મજેદાર બન્યો નથી. દર્શકો બધા જ 7 કે તેનાથી ઓછા ભાગ જોઈ ચૂક્યા હશે એમને ‘મિશન ઇમ્પોસિબલ 8’ જોવાની ઈચ્છા જરૂર થશે. પણ એનો અંત હજુ વધારે ધમાકેદાર થવો જોઈતો હતો એવી લાગણી જરૂર થશે.