સ્ત્રી છું…..
સ્ત્રી છું, શક્તિ છું,નારાયણી છું,ભક્તિ છું....
મને ગર્વ છે હું સ્ત્રી છું...
પૂર્ણતાની પૂર્ણ, અનિવાર્ય કડી છું...
અપૂર્ણતા ની સુંદર કાવ્ય પંક્તિ છું...
સમર્પણની ભાવના થી તરબતર છું...
સ્વીકારની આવડત થી ભરપૂર છું...
મમતાની લાગણીથી લથપથ છું...
સહનશીલતાની ભેટથી સજ્જ છું...
સંબંધોને સંભળાતી નાયિકા છું...
જીવનને રસભર ચલાવતી નાટિકા છું...
ક્રિષ્ના ની રાધા,રામ ની સીતા ...
મીરાંની ભક્તિ ને શિવ ની શક્તિ છું...
મને ગર્વ છે હું સ્ત્રી છું ….
2….
શબ્દોની અછત પડે છે હૃદયની બધી લાગણીઓને છતી કરવામાં...
ખોટી માંગણીઓના સ્વરમાં એ લાગણીઓ કચડાઈ નહીં...
કરી લો કંઈક જતું જો પ્રેમ છુપો હોય આ હૃદયમાં...
કંઈક વાત પકડી રાખવામાં સાથ છૂટી જાય નહીં...
સદીઓનો સમય નથી ખાલી આજ છે હાથમાં...
ક્ષણોનો ગુલદસ્તો સાવ નજર અંદાજ થાય નહીં...
અધૂરા મળો તો, કાં પૂરા થવા કાં છલકાવ...
મળી ને પણ આમ અતડા સંબંધોમાં જીવાય નહીં...
પ્રેમના ઓક્સિજન સિવાય બધું ગૌણ છે જીવનમાં...
એમાં વેન્ટિલેટર ની જરૂરિયાત ઊભી થાય નહિ....
3….
અમને અમારી પણ ખબર નહોતી જ્યારે તમારી અસર થઈ હતી ...
ઠંડી એવી ગુલાબી પણ નહોતી જ્યારે પાનખરની નજર હટી હતી...
આંખો ની પાંપણ માટે પણ અઘરો વિષય હતો ..
ખબર એને પણ નહોતી કેમ એ આપની સામે ઝૂકી હતી ..
ચહેરા માટે તો એ શરમાવાનો પહેલો અનુભવ હતો...
લાલાશ ક્ષિતિજમાં પણ નહોતી જેવી ગાલો પર ખીલી હતી...
હૃદય ધબકતું હોય છે અનુભવેલું ઘણીવાર...
આતો કોઈના હાજરી માત્ર થી પણ ધબકે એવી હૃદયની દિલદારી હતી...
વાટ જોતા લાગે કે સઘળું થંભી જાય પળવાર માટે...
અહીં તો રાહ કોઈ એકે નહિ આખા અસ્તિત્વએ જોઈ હતી...
સફરની મજા તો માણી શકાય પ્રયત્નો થકી...
આતો સંગાથ ની મજા હતી,જે વગર પ્રયત્ને જીવાડી રહી હતી...
4…..
હમણાં કોઈ પંક્તિ નું સર્જન થયું નથી...
કારણ કે કોઈ લાગણી નું વિસર્જન થયું નથી...
કહેવા માટે ફક્ત દુઃખ દર્દનું જ હોવું મહત્વનું નથી..
અહીં એના વગર આનંદનું પણ અસ્તિત્વ રહ્યું નથી...
હૃદય શીખી ગયું છે તટસ્થ રીતે ધબકતા...
શ્વાસ અને એની વચ્ચે કોઈ મધ્યસ્થ રહ્યું નથી...
ખાલી સમયને બંધ આંખો ની ટેવ પડી છે...
આસપાસની દુનિયામાં કોઈ હવે પારદર્શક રહ્યું નથી
અટકી નથી જિંદગી કોઈના હોવા ના હોવાથી....
ગણતરી લેણદેણની છે કોઈ ઉદાર રહ્યું નથી...
અહંકારની ઊંચાઈમાં માણસ નીચો જતો ગયો...
સંબંધોની મોકળાશ ને કોઈ સ્પર્શી રહ્યું નથી...
કહી શું શકવાના કોઈ,અનુભવ વિના વધુ...
પ્રેમ ગોખાઈ રહ્યો છે કોઈ અનુભવી રહ્યું નથી...
5…..
ક્ષણ માં વર્ષો જીવાય ને વર્ષો પણ ક્ષણ લાગે...
સમય ને પણ જાણે આ પ્રેમનું વળગણ લાગે...
હૃદયને કોઈ એકની લત જબરજસ્ત લાગે...
મન ને પણ જાણે આત્માનું જોડાણ લાગે...
સંગાથમાં બધી લાગણીઓનું મેઘધનુષ્ય લાગે...
કલ્પનાઓને પણ જાણે વાસ્તવિકતાની પાંખ લાગે...
કોઈના આવવા થી આખું જીવન તૃપ્ત લાગે...
જીવાવા માટે ફક્ત એક કારણ જ પૂરતું લાગે...
અસ્તિત્વ આખું જાણે મહેરબાન લાગે...
આ પ્રેમમાં માણસ પણ ભગવાન લાગે…
6…..
જીવવામાં ક્યાં વધારે મહેનત છે...
આતો કંઇક જીવતું રાખવાની જ જહેમત છે...
અસ્તિત્વ આપી જ રહે જરૂરિયાત પૂરતું...
અહીં પ્રભુ પણ શું કરે જ્યાં જરૂરિયાતનું પોટલું ખોટું છે...
મીઠાશ જીવનમાં ઓછી ને ખાવામાં વધારે લેવાય જાય છે...
એટલે જ બોલ મીઠા ને અંદર જ્વાળામુખીની હાજરીથી દાજાય છે
સંતોષ તો હવે નામ પણ બધાને જૂનું થઈ ગયું લાગે છે...
બધું હોવા છતાં કંઇક ખૂટ્યા ની લાચારી,કાયમ માટે વાગે છે....
આપણે જ બંધ કરીએ અને આપણે જ ખુલ્લી પાડીએ છીએ..
બાઝી આપણી ને હાર પણ આપણી, છેલ્લે તો ખાલી થઈ ને જઈએ છીએ....
7…..
માણસ ને ભૂલવા પણ એક માણસ જોઈએ છે...
આતો એક ઘા ને ભૂલવા બીજો ઘા જોઈએ છે...
હૃદયની વિશિષ્ટતાઓ ને ઘણીવાર આ નજરો ગૌણ કરે
છે...
કોઈક ની ગેરહાજરી, કોઈ ની હાજરીની સતત ખોળ કરે છે...
તૈયારી સાથે જ મળવું હંમેશા નવી ક્ષણો ને...
કેમકે નવી ક્ષણોના રૂપમાં નવો ભૂતકાળ મળે છે...
એકાંતમાં જીવવાની તૈયારી કોઈની નથી હોતી...
છતાં અસ્તિત્વ જાત ને મળવાની એક તક તો મોકલે જ છે…
8…..
મુઠ્ઠી વાળો તો સરી જાય સઘળું...
ખુલ્લી હથેળીમાં રહી જાય એક સાચવેલું સપનું.....
એ એક સપના ને કલ્પનાની પાંખોનો સહારો...
અને અહીં વાસ્તવિકતાના ઊભા પડકારો...
એ સપનાને વિચારોની સ્વતંત્રતાનો સથવારો...
અને અહીં બંધનોમાં આ ચાકડો ફસાયો....
એ સપનાને આનંદમાં જીવવાનો ઉમળકો...
અને અહીં ઉમળકા સાથે ઉકળાટ નો પાકો સહિયારો...
એ સપનાને જીવાડતો કોઈ મનગમતો કિનારો...
અને અહીં કોઈ ને જીવાડતો એ સપનાનો પલકારો...
9…..
એક નજર એમની હતી ને અસર અસ્તિત્વની છે...
વાત કંઈ મોટી નથી,પણ વાત જિંદગીની છે...
પરિવર્તન તો ક્ષણે ક્ષણ અવતર્યા કરે ધીમા પગલે...
અપરિવર્તનશીલ બસ એ અહેસાસ ની ક્ષણ છે....
ભીના સૂકાં સ્પર્શ માટે આંખો તો ટેવાયેલી જ હોય છે ...
વસંતની ચમક આંખોમાં એના દીદાર પછીની જ છે...
અણસમજ હોય છે મન એને ક્યાં વિરામ હોય છે...
સમજદારી તો હૃદયના સમર્પણ ભાવની જ છે ..
વેરવિખેર પડેલી લાગણીઓ સમેટતા ભૂલી જવાય છે...
પણ એ ના ભૂલે એના પ્રેમની જીદ વર્ષો પુરાણી છે....
10…..
આપનું સાથે હોવું ખાલી પૂરતું છે...
બાકી ભવિષ્યની બધી જ સંભાવનાઓ ભલે સંભાવનાઓ રહી જાય...
તમારું અત્યારે મારી પાસે હોવું પૂરતું છે...
આપનું સાથે હોવું ખાલી પૂરતું છે...
ભલે જીવનમાં મંઝિલે પહોંચવા રસ્તા સરખા દરેક ક્ષણ ના મળે...
મળો એ રસ્તામાં થોડું તમારી સાથે ચાલવું પૂરતું છે...
આપનું સાથે હોવું ખાલી પૂરતું છે...
ભલે સપનાઓ એક સરખા ના જોઈ શકે આ આંખો...
વાસ્તવિકતામાં તમારું એક સપનું પૂરતું છે...
આપનું સાથે હોવું ખાલી પૂરતું છે...
ભલે પ્રત્યેક લાગણીઓને સરનામા વગર ચલાવવું પડે...
પણ ક્યારેક તો ઠેકાણું જડશે એ કલ્પવું પૂરતું છે...
આપનું સાથે હોવું ખાલી પૂરતું છે ..
-(Trupti Rami)Tru…