Save our daughter. in Gujarati Short Stories by Shailesh Joshi books and stories PDF | આપણી દીકરીને સાચવજે

Featured Books
Categories
Share

આપણી દીકરીને સાચવજે

એક પહાડી વિસ્તારનાં અતિશય ઉતાર ચઢાવ વાળા રસ્તા પર એક ગાડી આગળ વધી રહી છે. 

એ ગાડીમાં આશરે 35 થી 40 વર્ષનાં એક ભાઈ, જે ગાડી ચલાવી રહ્યા છે, ને એમની બાજુમાં બેઠી છે, એમની 8 થી 10 વર્ષની દીકરી જે હમણાં મોબાઈલમાં કોઈ ગેમ રમી રહી છે. 

દીકરીના પિતા અત્યારે ગાડી ચલાવતા ચલાવતા કોઈ ઊંડા વિચારોમાં ખોવાયેલા છે. 

એ યાદ કરી રહ્યા છે, ગઈકાલે બનેલ એક ઘટનાને કે જે ઘટના એમની, અને એમની પત્ની વચ્ચે ઘટી હતી. 

થયું એવું હતું કે, 

ગઈકાલે રાત્રે એ ભાઈ એમની પત્ની સાથે સૂઈ રહ્યા હતા. 

એમની પત્ની રાત્રે પડખું ફેરવીને એનો હાથ એમની ઉપર મુકે છે, ને વહાલથી પત્ની પોતાનો હાથ પતિના માથા પર ફેરવવા લાગે છે, એટલે એ ભાઈ પત્નીના હાથને થોડો ધક્કો મારીને દૂર કરી દે છે. 

એટલે પત્ની ફરી વ્હાલ સાથે બીજી વખત પોતાનો હાથ પતિના ખભે રાખીને વહાલ કરવા લાગે છે, આ વખતે પતિ પોતાની પત્નીના હાથને એ રીતે ધક્કો મારીને પોતાનાથી દૂર કરે છે કે, જાણે એ ધક્કો અકડાઈ ને ના માર્યો હોય. 

પત્નીને મનમાં થયું કે, કદાચ એમને થાકને કારણે ઊંઘ આવી હશે, કે પછી અત્યારે એમનો મૂળ નહીં હોય, પત્ની હજી તો આટલું વિચારી રહી હતી, ને ત્યાં તો એ જુએ છે તો, એનો પતિ તો ઓશીકું લઈને સામે સોફામાં સુવા જતો રહે છે. 

એટલે પત્ની ઉભી થઈ પતિ પાસે જાય છે, ને આવું કરવા બાબતે એ પતિ પત્ની વચ્ચે થોડી રકઝક થાય છે. 

ને બંને અલગ અલગ સૂઈ જાય છે. 

સવારે વહેલા દીકરીને લઈને સ્કૂલમાં વાલી મિટિંગમાં જવાનું હોવાથી પતિ પત્ની વચ્ચે રાત્રે થયેલ બનાવ અંગે કોઈ વાતચીત થઈ નહોતી. 

ત્યાંજ દીકરી ગાડીમાં મોબાઈલ પર ગેમ રમી રહી હતી, એજ મોબાઈલમાં મમ્મીનો ફોન આવતા, દિકરી ફોન ઉપાડે છે. 

દીકરી  :- હલો મમ્મી

મમ્મી :- હા બેટા, 

કેટલે પહોંચ્યાં ?

દીકરી  :- બસ મમ્મી જો રિટર્ન થઈ રહ્યા છીએ 

એકાદ કલાક થશે ઘરે પહોંચતા. 

મમ્મી :- ઓકે બેટા 

આવો શાંતિથી 

ફોન પુરો થતાં, દીકરી ફરી મોબાઈલમાં ગેમ રમવા લાગે છે. 

આ બાજુ ગાડી ચલાવી રહેલ દીકરીના પપ્પા હજી વિચારોમાં ખોવાયેલા છે, ને અચાનક.....

એક ટર્નિંગમાં કોઈ સ્કુટર સામે આવી જતાં, સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દે છે, અને એમની ગાડી રોડની બાજુમાં પલટી સાથે ઉતરી જાય છે, ને એક ખાડામાં પડી જાય છે. 

દીકરીના પપ્પાને વધારે નથી વાગ્યું પરંતુ એમની દીકરીનું મોઢું લોહીથી ખરડાયેલું જોતા, જેમ તેમ કરીને દીકરીને ગાડીની બહાર કાઢે છે, દીકરીને વધારે વાગ્યું હોવાથી દીકરી અર્ધ બેભાન જેવી લાગતા, તુરંત પેલાં સ્કુટરવાળાની મદદથી તેઓ નજીકની હોસ્પિટલ પહોંચે છે.

દીકરીની તાત્કાલિક સારવાર શરૂ થાય છે, પતિ ફોન કરીને આ એક્સિડન્ટના સમાચાર પોતાની પત્નીને આપે છે. 

એટલામાં ડૉક્ટર દીકરીને તપાસીને બહાર આવે છે,

ને દીકરીના પિતાને કહે છે કે, 

ડૉક્ટર  :- જુઓ દીકરીને થયેલી ઇજાઓ ગંભીર છે,

આપણે હમણાં ને હમણાં એને બ્લેડ ચડાવવું પડશે. 

પછી ડૉક્ટર એ દીકરીના પિતાનું બ્લડ ગ્રૂપ પૂછે છે,

પરંતુ પિતાના જણાવ્યા પ્રમાણે એમનું બ્લડ ગ્રૂપ દીકરીના બ્લડ ગ્રૂપથી અલગ હોવાનું જાણતા,

ડૉક્ટર એ ભાઈને આશ્વાસન આપતા કહે છે કે, 

ડૉક્ટર  :- તમે ચિંતા ન કરશો, હું બીજી હોસ્પિટલમાં તપાસ કરાવું છું. 

આટલું કહીને ડૉક્ટર સાહેબ અંદર જાય છે. 

થોડીવારમાં જ દીકરીની મમ્મી હોસ્પિટલ પહોંચે છે. 

ને ડોક્ટરને મળે છે,

ડૉક્ટર દીકરીની મમ્મીને બધી હકીકત કહે છે, ત્યાં સુધીમાં તો બીજી હોસ્પિટલમાંથી બ્લેડની બોટલ આવી જતાં, દીકરીની મમ્મીને પણ આશ્વાસન આપી ડૉક્ટર ફટાફટ ઓપરેશન થિયેટરમાં જાય છે. 

આ બાજુ ડોક્ટરની વાત સાંભળીને દીકરીની મમ્મી,

તેના પતિ ઉપર અતિશય આક્રોશમાં આવી જાય છે. 

એનું પૂરું શરીર ગુસ્સાથી લાલ ચોળ થઈ જાય છે. 

અને

એ તેના પતિ પર ગુસ્સે કેમ ન થાય ?

કેમકે એ જાણે છે કે, 

એમનું અને એમની દીકરીનું બ્લડ તો એકજ છે,

તો પછી પોતાની વ્હાલી દીકરી માટે એમણે બ્લડ આપવાની ના કેમ પાડી હશે ?

એમણે પોતાનું બ્લડ ગ્રૂપ ડોક્ટરને ખોટું કેમ બતાવ્યું હશે  ?

હજી ગઈકાલ રાતનું પોતાના પતિનું પોતાની સાથે થયેલ ખરાબ વર્તન એના મગજમાં ચકરાવા લઈ રહ્યું હતું,

ને ઉપરથી આજનો આ બનાવ. 

આજનો આ બનાવ તો પત્નીની અંદર ગુસ્સાનો જ્વાળામુખી સળગાવી મૂકે છે. 

અને પછી પોતાના પતિને શોધવા માટે અતિ ગુસ્સામાં આવી,

હોસ્પિટલમાં આમ તેમ નજર ફેરવે છે.

ને જુએ છે તો સામે બાંકડે એનો પતિ ઊંધો ફરીને, અને ઊંધું ઘાલીને બેઠો છે.

પત્ની ફટાફટ એની પાસે જાય છે, અને પતિની નજીક જઈને ખૂબજ ઊંચા અવાજે, અને સળસળાટ

એને જે જે બોલવું હતું એ બધું બોલવા રીતસરની વરસી પડે છે. 

એનો પતિ તો કંઈપણ બોલ્યા ચાલ્યા સિવાય હજી પણ નીચું ઘાલીને બેઠો છે. 

ત્યાં જ આ અવાજ સાંભળીને ડૉક્ટર બહાર આવે છે,

ને પેલા બહેનને શાંત રહેવા, અને હવે દીકરીને લઈને કોઈ ચિંતા કરવાનું કારણ નથી, એવું કહેતા,

તેઓ હાશકારો અનુભવે છે,

ને ડોક્ટરના જતા જ.....

ફરી પત્ની પાછળ એ બાંકડા તરફ જુએ છે તો,

ત્યાં એનો પતિ તો નહીં, પરંતુ.....

એ બાંકડા પર એક ચિઠ્ઠી પડેલી જુએ છે,

કે જે ચિઠ્ઠીમા એ બધી વાતનો ખુલાસો લખ્યો હતો,

જે એ જાણવા માંગતી હતી,

એ ચિઠ્ઠીમાં એના દરેક પ્રશ્નોનો જવાબ લખેલો હતો, કે જે ચિઠ્ઠી વાંચીને એને બીજું કંઈ પૂછવાનું બાકી રહેતું ન હતું. 

એના પતિએ એ ચિઠ્ઠી માં લખ્યું હતું કે, 

હું તમારા બંનેનો અપરાધી છું,

મેં એવો ગુનો કર્યો છે, કે જેની કોઈ માફી ન હોઈ શકે,

એની તો માત્ર ને માત્ર સજા જ હોય,

જે સજા હું જાતે જ આજે તમને બંનેને છોડીને ભોગવવા માટે જઈ રહ્યો છું,

ક્યાં જઈશ ? ખબર નથી.

બની શકે તો મને માફ કરશો. 

આ માફી હું પહેલાં એટલાં માટે લખી રહ્યો છું કે, 

મારો ગુનો જાણીને તું કદાચ આ ચિઠ્ઠી આગળ ન વાંચે,

ને મને માફી માંગવાનો મોકો પણ ન મળે. 

મારો ગુનો એ છે કે, 

હું તમારા બંનેનો વિશ્વાસઘાતી છું. 

હું મહા પાપી છું.

મેં પતિ પત્નીના પવિત્ર બંધનનું ઉલ્લંઘન કરીને એવું પાપ કર્યું છે કે,

મને નર્કમાં પણ જગ્યા ન મળવી જોઈએ. 

મને પર સ્ત્રી સાથે સંબંધો બાંધવાનો શોખ, નશો કે પછી બંધન જે કહો એ, અને એ પણ

સામેની સ્ત્રી કોણ છે ? કેવી છે ? એનું પણ મેં ક્યારેય ધ્યાન નથી રાખ્યું. 

ને એમાં ને એમાં,

હું ભયંકર કહેવાય એવા એઈડ્સ રોગનો શિકાર બની ગયો છું, ને એટલે જ.....

ગઈકાલે રાત્રે તે ખાસ્સા લાંબા સમય પછી મને સ્પર્શ કર્યો છતાંય મેં તારી સાથે ખોટું વર્તન કર્યું, પણ એમાં મારો કોઈ વાંક ન હતો, કેમકે

મને હમણાં થોડા દિવસો પહેલાં જ મારા રોગની જાણ થઈ, અને હું નહોતો ઈચ્છતો કે હવે આટલું જાણ્યા બાદ પણ હું તને અંધારામાં રાખું. 

બની શકે તો મને માફ કરજે. 

હવે મને નથી લાગતું કે,

આપણી દીકરીને મેં મારું બ્લેડ કેમ ન આપ્યું  ?

એ વાત મારે તને જણાવવાની જરૂર છે. 

બસ બની શકે તો તું મને માફ કરજે,

તારા વિશે હું એવું નહીં કહું કે,

હું તને ઓળખી ન શક્યો, ખરેખર સાચું કહું તો

આજ સુધી મેંજ તને ઓળખવાનો, કે પછી તને જાણવાનો જરાય પ્રયત્ન જ નથી કર્યો. 

બસ વધારે નથી લખતો,

આમ તો મને કહેવાનો પણ અધિકાર નથી, છતાં તને એક જવાબદારી સોંપીને જાઉં છું, કે 

આપણી લાડકી દીકરીને સાચવજે.

પત્નીએ જોયું કે પુરી ચિઠ્ઠી પતિના પછતાવાના આંસુઓથી પલડેલી હતી, ને હવે.......

હવે એ ચિઠ્ઠી બિલ્કુલ નિતરી જાય એટલી પલડી ગઈ હતી, કેમકે, 

હવે એ ચિઠ્ઠીમા પત્નીના આસું પણ ઉમેરાયા હતા, 

અને પત્નીના આસું ઉમેરાય પણ કેમ નહીં  ?

કેમકે આજ સુધી એનો પતિ એની એક પણ જવાબદારી ચૂક્યો નથી, આજ સુધી ઘરની બધી જરૂરિયાતો એણે માંગ્યા પહેલાં પુરી કરી છે. 

બસ ભલે મોટી,

પણ એની આ પહેલી અને છેલ્લી આ એકજ ખામી હતી, જેની એણે માફી પણ માંગી, અને જાતે જાતે જ....

પોતાને સજા પણ આપી. 

હજી તો પત્ની ચિઠ્ઠી વાંચી જ રહી હતી, અને ત્યાંજ.....

એની બાજુમાં એક રીક્ષા આવીને ઊભી રહે છે, 

કે જેમાં......

બે ચાર લોકો કોઈ ઘાયલ વ્યક્તિને લઈને આવે છે, કે જેનો હમણાં જ,

આ હૉસ્પિટલની બહારના રોડ પર અકસ્માત થયો છે, 

રીક્ષાવાળાએ તાત્કાલિક સારવાર પાસે ઉભેલા હોસ્પિટલના કર્મચારીને જણાવ્યું કે, 

રીક્ષાવાળો :- જુઓ અહીંયાં બહાર રોડ પર આ ભાઈએ સામેથી આવી રહેલ એક ટ્રકની સામે પડતું મુક્યું હતું,

જોકે ટ્રકવાળાએ સમય સર બ્રેક મારતા, ખાલી ટક્કર જ વાગી છે આ ભાઈને,

બાકી જો ટ્રકની બ્રેક સમય સર ન વાગી હોત તો.......

તો રામ જાણે શું થઈ જતું ?

ચિઠ્ઠી વાંચી રહેલ પત્નીએ રીક્ષામાં ધારીને જોતા ખબર પડી કે, આતો

આતો.......

દોડીને રીક્ષા પાસે જાય છે. 

તાત્કાલિક સારવાર શરૂ થાય છે, 

થોડા સમયમાં બાપ અને દીકરી બંને હોશમાં આવતા,

એ મળવા જાય છે,

અત્યારે એના મગજમાં પેલાં રીક્ષાવાળાના શબ્દો પડઘાઈ રહ્યા છે, કે

જો ટ્રકવાળાએ સમય સર બ્રેક ના મારી હોત,

તો......

તો રામ જાણે શું થાત ? 

પછી પછી શું 

પત્નીએ રામની મરજીને માથે ચડાવી, અને

પતિની "છેલ્લી ભૂલને" માફી પણ આપી. 

બંનેનો હાથ એકબીજાના હાથમાં હતો,

ને બંનેની આંખોમાં આંસુ હતાં. 

પરંતુ અત્યારે એ બંનેની આંખોમાં આવેલ એ આંસુમાં ફર્ક એટલો હતો કે, 

પત્નીની આંખોમાં હરખના આસું હતા,

અને પતિની આંખોમાં પછતાવાનાં.