ધારાવાહિક:- મારા અનુભવો
ભાગ:- 40
શિર્ષક:- ફીરોજપુર
લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ
રજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
🤷 મારા અનુભવો…
🙏 સ્વામી શ્રીસચ્ચિદાનંદજી
📚 પ્રકરણઃ 40. "ફીરોજપુર "
લઘુકૌમુદ્દીનો અભ્યાસ ફરી શરૂ કર્યો હતો. કેટલાક લોકોની સલાહ હતી કે મારે પરીક્ષા આપીને ભણવું જેથી ચિંતાપૂર્વક નિર્ધારિત સમયમાં અધ્યયન આગળ વધે.
કનખલમાં જ આવેલા મુનિમંડળ આશ્રમની પાઠશાળામાં હું દાખલ થયો. અહીંના અધ્યક્ષ પણ સારા ભલા માણસ હતા. કોઈ સમયે આ આશ્રમ બહુ પ્રભાવશાળી હતો. સ્વામી કેશવાનંદજી દ્વારા સંસ્થાપિત આ આશ્રમ ચોથી પેઢીએ પહોંચતાં થોડો ઢીલો થયો હતો. તેમ છતાં તેની પાસે ૭૦૦ વીઘાં ફળદ્રુપ મૂલ્યવાન જમીન સાથે ઘણી સંપત્તિ હતી. અહીં વિદ્યાર્થીઓ ઓછા હતા, પંડિત એક જ હતા. કેટલીક પાઠશાળાઓ નામ માત્રની કહેવા પૂરતી હોય છે તેવી તો આ ન હતી, પણ તેને મળતી હતી. નીચે ભોંયરામાં અમે ચાર—પાંચ સાધુઓ રહેતા. વાતાવરણ શાંત તથા સુંદર હતું.
મેં ફીરોજપુર પત્રવ્યવહાર શરૂ કર્યો, તથા દીક્ષા લેવાની મારી ઇચ્છા બતાવી. સામેથી ઉત્તર આવ્યો: ‘હું કોઈને દીક્ષા આપતો નથી… તમે બીજેથી દીક્ષા લઈ લેશો. મારી આશા રાખશો નહિ; જો જરૂર હોય તો તમને યોગ્ય ગુરુ બતાવી શકું છું…… તેમનો ઇશારો તે સમયે પ્રસિદ્ધ ત્યાગી સંન્યાસી સ્વામી દયાળુપુરીજી પ્રત્યે હતો, જે તેમના મિત્ર હતા.
બાલ્યકાળમાં મેં એક કથા સાંભળી હતી: ‘સુખી માણસનું ખમીસ.' ઘણી શોધ પછી એક વ્યક્તિને સુખી માણસ મળ્યો. તેને ખૂબ આનંદ થયો. પણ તેણે ખમીસ જ પહેર્યું ન હતું.
મારી સ્થિતિ પણ આવી જ થઈ હતી. ત્રણ વર્ષની રખડપટ્ટી પછી મને મારી ઉચ્છાપૂર્વકના ગુરુ મળ્યા પણ તે ગુરુ થવા જ તૈયાર ન હતા. અમારો પત્રવ્યવહાર ચાલતો રહ્યો. હું હઠપૂર્વક આગ્રહ કરતો રહ્યો. અંતે ફીરોજપુરના તેઓના સેવકોના આગ્રહથી તેમણે મને દીક્ષા આપવાનો સ્વીકાર કર્યો. અહીં કનખલમાં જ્યારે ખબર પડી કે હું ફીરોજપુર દીક્ષા લેવાનો છું ત્યારે અહીં આશ્રમમાં જ દીક્ષા લેવાનો આગ્રહ કરાયો. જેમની પાસે ફૂટી કોડી નથી તેમની પાસેથી દીક્ષા લેવા કરતાં જેમની પાસે મોટી જાગીર છે તેમના ઉત્તરાધિકારી થવું હિતાવહ છે, એવી સલાહ પણ અપાઈ. માણસ ભલે સંસારનો ત્યાગ કરે, ઉઘાડા પગે ફરે કે નગ્ન ફરે, લક્ષ્મીનું મહત્ત્વ અને આકર્ષણ રહે જ છે. કદાચ પોતે લક્ષ્મીને ન અડે તો અડનારાઓને અડે. (અર્થાત્ પૈસાદારોને શિષ્ય બનાવી તેમની સાથે સંબંધ રાખે, જેથી ધાર્યું કામ થઈ શકે.) પણ કોઈ પણ રીતે લક્ષ્મીની ભૂમિકા જીવનમાંથી સમાપ્ત થતી નથી. આ અનુભવોનોય અનુભવ છે. આ વાસ્તવિકતા છે. હા,આવશ્યકતાઓ ઓછી રાખે, તેમાં પણ લોકૈષણા ન હોય તો ઓછામાં ઓછી લક્ષ્મીથી જીવન જીવી શકાય. મુખ્ય ત્યાગ પૈસાનો નથી, લોકૈષણાનો છે. મારો તો અનુભવ છે કે સ્થૂળ ત્યાગીઓમાં અપેક્ષાકૃત વધારે લોકૈષણા હોય છે. લોકૈષણાના આકર્ષણે જ તેઓ સ્થૂલત્યાગી રહી શકતા હોય છે. જો તેમના ત્યાગનું ‘વાહવાહ’માં વળતર ન મળે તો તેવો ત્યાગ લાંબો સમય ટકે નહિ, ટકાવવો જરૂરી પણ નથી. જીવનસાધના માટેસ્થૂલત્યાગનું કોઈ મહત્ત્વ નથી.
સંન્યાસ લેનાર પણ કેટલીક વાર પોતાના ગુરુ પાસે કેટલી મિલકત છે, કેટલા આશ્રમો વગેરે છે, તથા હું ઉત્તરાધિકારી થઈશ કે કેમ તેની ગણતરી કરતા હોય છે. મહિનાઓ સુધી સંસારમિથ્યાની કથા કરનારાઓ, પૈસા માટે લડી પડતા હોય છે, કારણ કે કથાનું ક્ષેત્રભૂતકાળની વાસ્તવિકતાને સ્પર્શતું જ નથી હોતું. આકાશના તરંગી વિચારપ્રવાહોમાં લહેરાતી વાસ્તવિકતા મટી જતી નથી. આપણી ફિલસૂફી ભૂતળનો સ્પર્શ કરીને ચાલે તેના કરતાં આકાશમાં ઊડવાન વધુ પસંદ કરે છે. એટલે ભૂતળ ઉપરનું વાસ્તવિક જીવન અને કથા પ્રવચનોના જીવનમાં સંવાદિતા કરતાં વિસંવાદિતા વધુ જણાય છે. મારી દૃષ્ટિએ આ એક બીમારી છે.
મેં સૌને મારી ભૂમિકા સમજાવી અને એક દિવસ દીક્ષા લેવા ઊપડી ગયો: હરદ્વારથી ફીરોજપુર.
આભાર
સ્નેહલ જાની