sasuma ane vahubeti in Gujarati Motivational Stories by Harshad Kanaiyalal Ashodiya books and stories PDF | સાસુમાં અને વહુબેટી

Featured Books
Categories
Share

સાસુમાં અને વહુબેટી

સાસુમાં  અને વહુબેટી

આજે એક વાત કરું પ્રેમ ભર્યા પરિવારની.

સાસુ અને વહુ જાણે માં અને દીકરી.

सर्वतीर्थमयी माता सर्वदेवमयः पिता ।

मातरं पितरं तस्मात् सर्वयत्नेन पूजयेत ॥

માતા એ બધા તીર્થોની સમાન છે, અને પિતા એ બધા દેવતાઓની સમાન છે. આથી, દરેક મનુષ્યનું પરમ કર્તવ્ય છે કે તેઓ પોતાના માતા-પિતાનું સન્માન અને સેવા કરે.

સાસુએ રસોડા માંથી બુમ પાડી, “અરે મીતા... વટ સાવિત્રીના વ્રતના દિવસે પણ તેં મહેંદી નથી લગાવી? પહેલાં તો તું હંમેશા લગાવતી હતી... અને એ તારી લગ્નવાળી લાલ ચુંદડી પણ આજે નથી પહેરી! રસોઈની ચિંતા ન કરીશ, એ હું સંભાળી લઈશ.”

“એ સાસુમાં .સાસુમાં.. બસ, ઉતાવળમાં ભૂલી ગઈ,” મીતાએ નજર ચોરતાં કહ્યું અને આગળ જઈને પોતાના કામમાં વ્યસ્ત થઈ ગઈ.

સાચું કહું તો, કામની વ્યસ્તતામાં તેને યાદ જ ન રહ્યું કે મહેંદી લગાવવાની છે. ધણી નું ધ્યાન, છોકરાવ અને ઘર, સમય જ ક્યાં રહે?

મંદિર ગયા બાદ તેનું વારંવાર ધ્યાન ત્યાં  આવેલી બીજી સ્ત્રીઓના હાથ પર જતું હતું. દરેકના હાથમાં રંગેલી મહેંદી જોઈને આજે તેને પોતાની સાસુમાની ખૂબ યાદ આવી રહી હતી. કેવી રીતે દરેક તહેવારના એક દિવસ પહેલાં સાસુમા બોલવા લાગતાં: “બેટા, મહેંદી જરૂર લગાવજે. તહેવાર પર ખાલી હાથ? એ તો શોભે નહીં!”

આ વાત પર મીતાને ઘણીવાર ચીડ થતી. તે મનોમન બડબડતી, “ઘરનું કામ કરું કે મહેંદી લગાવીને બેસું?”

પણ સાસુમા કદાચ તેના મનની વાત સમજી જતાં હતાં. તેઓ કહેતાં, “અરે બેટા, આજકાલ તો રેડીમેડ મહેંદીની કોન આવે છે, અડધા કલાકમાં જ રંગ ચડી જાય છે. અમારા જમાનામાં તો ખુદ મહેંદી પીસીને કોન બનાવવું પડતું, અને ઉપરથી ત્રણ-ચાર કલાક સુધી સૂકવવું પડતું. ચા-નાસ્તો હું બનાવી દઈશ, તું જા, મહેંદી લગાવ.”

સાસુમાના વારંવાર ટોકવાથી મીતા આખરે મહેંદી લગાવી લેતી. સવારે જ્યારે પોતાના ગોરા હાથમાં રંગેલી મહેંદી જોતી, તો તેનું મન પ્રસન્ન થઈ જતું. જ્યારે ગલીની બધી સ્ત્રીઓ તેની મહેંદીની વાહવાહી કરતી, ત્યારે તેને સાસુમા પર અપાર પ્રેમ થઈ આવતો.

મંદિરથી ઘરે પાછી ફરીને મીતા ચૂપચાપ બેસી ગઈ. થોડીવારમાં તેનો દીકરો પ્રેમ  દોડતો આવ્યો અને બોલ્યો, “મમ્મી, મમ્મી... કંઈ ખાવાનું આપો ને!”

“બેટા, ત્યાં બિસ્કિટ રાખ્યા છે, હમણાં એ ખાઈ લે.”

“મને બિસ્કિટ નથી ખાવું. પહેલાં તો તું મઠરી અને લડ્ડુ બનાવતી હતી, પણ દાદી ગયા પછી શા માટે નથી બનાવતી?” દીકરા પ્રેમ એ મોં ફુલાવીને કહ્યું.

મીતા ચૂપ રહી. શું કહે? સાચું જ તો, સાસુમા ગયા પછી તેણે મઠરી કે લડ્ડુ બનાવ્યા જ હોતા. સાસુમા તો આ બધું બનાવવા માટે પાછળ પડી જતાં,“બેટા, ઘરે બનાવેલી વસ્તુઓ સારી હોય છે, અને એની સાથે ઘરમાં બરકત પણ આવે છે. અચાનક કોઈ મહેમાન આવી જાય તો ચા સાથે નાસ્તા માટે બહાર દોડવું ન પડે.”

તે વખતે મીતાને તેમની આ વાતો સારી નહોતી લાગતી. તે કહેતી, “આજકાલ બધું જ રેડીમેડ મળે છે, આ બધું બનાવવાની માથાકૂટમાં આખો દિવસ નીકળી જાય.”

પણ સાસુમા ન માને અને ખુદ જ મઠરી બનાવવા લાગી જતાં. પછી મીતાને ન ચાહતાં પણ આ બધું બનાવવું પડતું.

આ બધી વાતો યાદ કરતાં કરતાં મીતાનું મન ઉદાસ થઈ રહ્યું હતું. ઘરનાં કામ કરતાં કરતાં બપોર થઈ ગઈ. અચાનક તેનું માથું ચક્કર ખાવા લાગ્યું, ત્યારે તેને યાદ આવ્યું કે તેણે સવારથી પાણી પણ નથી પીધું.

જ્યારે સાસુમા હતાં, ત્યારે વ્રતના દિવસે સવારથી જ પાછળ પડી જતાં, “પહેલાં થોડું જ્યૂસ બનાવીને પી લે, પછી ઘરનાં કામ કરજે. નહીં તો ગરમીમાં ચક્કર આવવા લાગશે.”

આજે આ બધી વાતો મીતાને અંદરથી કચડી રહી હતી. સાસુમાનો વારંવાર ટોકવું તેને ક્યારેય સારું નહોતું લાગતું. પરંતુ હવે તેને ટોકનારું કોઈ નહોતું, અને તેમ છતાં તે ખુશ નહોતી.

બહાર જતાં પહેલાં પણ હવે તેને દસ વાર વિચારવું પડે છે. ઘરનાં બધાં કામ કરીને જાઓ, પાછા આવીને ફરી કામમાં લાગી જાઓ. ઘરની ચિંતા પણ રહે કે ક્યાંય કશું ખુલ્લું તો નથી રહી ગયું? કપડાં છત પર તો નથી રહી ગયાં?’

સૌની નજરમાં તો તે આજે સ્વતંત્ર હતી, પરંતુ તે કેટલી બંધાઈ ગઈ હતી, એ વાત તેના સિવાય કોઈ નહોતું જાણતું. જે ભૂતકાળ માં ટક ટક લાગતી હતી તે આજે એને ખબર પડી ગઈ કે કોઈ તેની કાળજી લેતું હતું.

વડીલોનો સાથ એ આપણા માથે છત્રછાયા સમાન હોય છે, જે હંમેશાં આપણા માટે રક્ષાકવચની જેમ કામ કરે છે. પરંતુ તેમનું મહત્ત્વ આપણે અવગણતા રહીએ છીએ. જ્યારે તેઓ આપણાથી દૂર જાય છે, ત્યારે તેમની ખોટનો અહેસાસ આપણને દરેક ક્ષણે થતો રહે છે. સંબંધોની કિંમત તેની હાજરીમાં જ સમજવી જોઈએ, કારણ કે સમયનું ચક્ર ક્યારે ફરી જાય, એ કોઈ નથી જાણતું.

सानन्दं सदनं सुताश्च सुधियः कान्ता प्रियभाषिणी

सन्मित्रं सधनं स्वयोषिति रतिः चाज्ञापराः सेवकाः ।

आतिथ्यं शिवपूजनं प्रतिदिनं मिष्टान्नपानं गृहे

साधोः सङ्गमुपासते हि सततं धन्यो गृहस्थाश्रमः ॥

ઘરમાં આનંદ હોય, પુત્ર બુદ્ધિમાન હોય, પત્ની પ્રિય બોલનારી હોય, સારા મિત્રો હોય, ધન હોય, પતિ-પત્નીમાં પ્રેમ હોય, નોકર આજ્ઞાપાલક હોય, જ્યાં અતિથિનું સત્કાર થાય, ઈશ્વરની પૂજા થાય, રોજ સારું ભોજન બને, અને સત્પુરુષોનો સંગ થાય – એવું ગૃહસ્થાશ્રમ ધન્ય છે.