શબ્દઔષધી - જીવનને જીવવા જેવું બનાવીનેએ ભાગ-8
વાચક મિત્રો
આપણે સૌ જાણીએ છીએ કે, દુનિયામાં દરેકે દરેક નાની મોટી પ્રોડક્ટની સાથે એ પ્રોડક્ટ યુઝ કરવા માટેની મેન્યુઅલ હોય છે, એક ચોપડી હોય છે, જે ચોપડીમાં એ જે તે પ્રોડક્ટ્સનો વપરાશ આપણે કેવી રીતે કરવો ? અને ક્યારેક એમાં જો કોઈ ખામી સર્જાય ત્યારે
આપણે શું કરવું જોઈએ ?
પછી એ વસ્તુ કે પદાર્થ કોઈપણ ફોર્મેટમાં હોય, પરંતુ એને વાપરવા માટેનું બેઝિક જ્ઞાન, અને એનામાં ક્યારેક ઉભી થતી કોઇ ક્ષતિ સમયે આપણે શું કરવું જોઈએ ?
એની સંપૂર્ણ માહિતી આપતી એક પુસ્તિકા એ પ્રોડક્ટની સાથે આપણને મળતી જ હોય છે.
બસ એમજ આપણે પણ પ્રભુએ સર્જેલ એક પ્રોડક્ટ જ છીએ,
પછી ભલે દેખાવે, ને સ્વભાવે આપણે સૌ અલગ રહ્યા,
પરંતુ એની સાથે પ્રભુએ આપણે સૌએ
કેવી રીતે જીવવું જોઈએ ? એ જ્ઞાન પણ સૌને આપ્યું જ છે, જરૂરી છે, પ્રભુના એ ઇશારાને સમજવાની.
એના માટે બનાવેલ મેન્યુઅલમા પ્રભુએ સૌથી ઉપર પહેલો નિયમ આપણા દરેક વ્યક્તિ માટે એકજ રાખ્યો છે,
અને એ નિયમ છે...પ્રમાણિકતા👍
હા મિત્રો,
આ પ્રમાણિકતાનો ગુણ જ છે, કે જેના દ્વારા આપણા સમગ્ર જીવન દરમિયાન,
આપણા જીવનમાં સારાં સમયને લાવવાની, કે પછી ખરાબ સમયને આપણાથી દૂર રાખવાની તાકાત હોય છે.
અહીંયાં આપણામાંથી મોટા ભાગના લોકોની સૌથી મોટી ભૂલ એકજ થાય છે કે,
આપણે એટલું જ વિચારીએ છીએ કે,
મારે શું જોઈએ છે ?
અને પછી આડેધડ લાગી જઈએ છીએ, એને પામવા માટે.
જ્યાં ને ત્યાં વગર વિચારે આપણે આંધળુંકિયા કરવા લાગી જઈએ છીએ, એટલા આંધળુંકિયા કે, એમાં
આપણે આપણો અઢળક સમય, અને અઢળક શક્તિ વેડફી નાંખીએ છીએ.
ખરેખર તો આપણને જે તે વસ્તુ મેળવવા માટે જેટલા સમયની કે પછી શક્તિની જરૂર હોય છે, એ એનાથી અડધી પણ નથી હોતી.
કેમકે ગમતી વસ્તુ પ્રાપ્ત કરવા માટે જરૂરી હોય છે,
ધીરજ અને સમજી વિચારીને કરેલી મહેનતની.
આપણી ઉતાવળ બીજું કોઈ કામ નહીં પરંતુ,
આપણી ઉતાવળ તો એકજ કામ કરે છે કે,
આપણી ગમતી વસ્તુ અને આપણી વચ્ચેનું અંતર, અને આપણી મહેનત વધારી દે છે.
માટે જ્યાં સુધી આપણામાં ધીરજનો ગુણ નહીં આવે, ત્યાં સુધી આપણા બધાજ પ્રયત્નો એળે જશે, ને ઉપરથી આપણા જીવનમાં એ હતાશા ભરી દેશે.
માટે આપણા જીવનમાં જે સમય પર જે થવાનું પ્રભુએ લખ્યું છે, એ સમયે એ થઈને જ રહેવાનું છે, એ વિશ્વાસ કેળવીને પછી આપણે આપણા જીવનમાં આગળ વધીશું, તો એ આપણા જ હિતમાં રહેશે.
ને બીજું કે,
એ કામ માટે આપણને જે જે લોકોની મદદની જરૂર હશે, એ એનો સમય આવ્યે સામેથી મળી જ રહેશે, માટે જ્યાં ને ત્યાં મદદ માટે ફરી ફરીને પોતાને કમજોર બનાવવાનું તો માંડી જ વાળવું જોઈએ.
અને તોજ આપણે અંદરથી મજબૂત બનીશું.
માટે જ્યાં સુધી આપણને આપણી અંદરથી એ વાતનો અવાજ ન સંભળાય ત્યાં સુધી કોઈ વગર વિચાર્યું, કે ઉતાવળમાં કોઈ પગલું ન ભરવું જોઈએ.
હા મિત્રો,
જ્યાં સુધી આપણને કોઈ વસ્તુ પ્રાપ્ત કરવા માટેની ભરપૂર તત્પરતા આપણી અંદર નહીં દેખાય, ત્યાં સુધી આપણે કરેલા બધાજ પ્રયત્નો એળે જશે.
અને એ ત્યારે જ સંભવ બનશે, કે જ્યાં સુધી આપણને આપણા જીવનના લક્ષ્ય સિવાયની બાકીની બધી જ વાતો ગૌણ લાગવા માંડશે.
એટલે જ્યારે પણ આપણને આપણા જીવનમાં કંઈ પ્રાપ્ત કરવાનો, કંઈ વિશેષ મેળવવાનો વિચાર આવે,
ત્યારે સૌથી પહેલાં તો આપણે આપણા મનને બિલકુલ શાંત થવા દેવું, અને ત્યારબાદ જ એ વસ્તુ સુધી પહોંચવા માટેના યોગ્ય અને પ્રામાણિક રસ્તા શોધવા, અને પછી જ....
પુરી ધીરજ અને વિશ્વાસ સાથે આગળ વધવું, તો આપણે એમાં
ની:સંકોચ સફળ જ થઈશું.
કારણ કે....
સપના આપ્યાં છે જેણે એ રસ્તો પણ આપશે.
આ વાત આપણે ભૂલવી ન જોઈએ.
વાચક મિત્રો
મારી આ શ્રેણી "શબ્દઔષધિ" તમને કેવી લાગી રહી છે, એ તમે તમારા અમૂલ્ય પ્રતિભાવ આપી જણાવશો, જેથી વધારે સારું લખવાનો મારો ઉત્સાહ બેવડાતો રહે.
ખાસ :- વાચક મિત્રો આ શ્રેણીમાં તમે પણ કોઈ શબ્દ જણાવી શકો છો, જેના ઉપર હું આર્ટિકલ લખીને આ પ્લેટફોર્મ પર મૂકીશ, ને એનો આનંદ મને વધારે રહેશે.
આભાર સાથે,
શૈલેષ જોષીના નમસ્કાર
શબ્દઔષધિ ભાગ 9 ટૂંક સમયમાં