પ્રયત્નવાદ
आ नो भद्राः क्रतवो यन्तु विश्वतोऽदब्धासो अपरीतास उद्भिदः।
देवा नोयथा सदमिद् वृधे असन्नप्रायुवो रक्षितारो दिवेदिवे॥
અમારી આસપાસથી એવા કલ્યાણકારી વિચારો સતત આવતા રહે કે જે કોઈના દ્વારા દબાઈ ન શકે, તેમને ક્યાંયથી અવરોધિત ન કરી શકાય અને અજ્ઞાત વિષયોને પ્રકટ કરનારા હોય. પ્રગતિને રોકનારા ન હોય અને સદૈવ રક્ષણ માટે તત્પર દેવતાઓ દરરોજ અમારી વૃદ્ધિ માટે તૈયાર રહે.
ઘણાં વર્ષો પહેલાંની વાત છે, એક ગામમાં એક ખેડૂત રહેતો હતો. તેની પાસે ઘણાં બધાં પશુઓ હતાં, જેમાં એક ગધેડું પણ હતું. એક દિવસ ગધેડું ચરતાં-ચરતાં ખેતરમાં બનેલા એક જૂના, સૂકાયેલા કૂવા પાસે પહોંચી ગયું અને અચાનક તેમાં લપસીને પડી ગયું. પડતાં જ તેણે જોર-જોરથી ચીસો પાડવાનું શરૂ કર્યું - " હોંહોચી - હોંહોચી... હોંહોચી -હોંહોચી..."
તેનો અવાજ સાંભળીને ખેતરમાં કામ કરતાં લોકો કૂવા પાસે આવી પહોંચ્યા. ખેડૂતને પણ બોલાવવામાં આવ્યો. ખેડૂતે પરિસ્થિતિનો તાગ મેળવ્યો. તેને ગધેડા પર દયા તો આવી, પણ તેણે મનમાં વિચાર્યું કે આ વૃદ્ધ ગધેડાને બચાવવો અશક્ય છે. કુવો ખુબ સાંકડો ને પહોળાઈમાં નાનો છે. અને આમાં ઘણી મહેનત પણ લાગશે. ઉપરાંત, આ નધણિયાતા કૂવાની પણ કોઈ જરૂર નથી. તેણે બાકીના લોકોને કહ્યું, "મને નથી લાગતું કે આપણે કોઈ રીતે આ ગધેડાને બચાવી શકીએ. તેથી, તમે બધા પોતપોતાના કામે લાગી જાઓ. અહીં સમય બગાડવાથી કોઈ લાભ નથી."
આમ કહીને તે આગળ વધવા નીકળ્યો, ત્યાં એક મજૂર બોલ્યો, "માલિક, આ ગધેડાએ વર્ષો સુધી તમારી સેવા કરી છે. તેને આ રીતે તડપતું-તડપતું મરવા દેવું એના કરતાં સારું છે કે આપણે તેને આ જ કૂવામાં દફનાવી દઈએ. જેટલો સમય કાઢશે તેટલો તે વધારે તળફ્સે" ખેડૂતે પણ સહમતી દર્શાવતાં તેની હા માં હા મેળવી. "ચાલો, આપણે બધા મળીને આ કૂવામાં માટી નાખવાનું શરૂ કરીએ અને ગધેડાને અહીં જ દફનાવી દઈએ," ખેડૂત બોલ્યો.
ગધેડું આ બધું સાંભળી રહ્યું હતું અને હવે તે વધુ ડરી ગયું. તેને લાગ્યું કે જ્યાં તેના માલિકે તેને બચાવવું જોઈએ, ત્યાં ઊલટું તેઓ તેને દફનાવવાની યોજના બનાવી રહ્યા છે. આ બધું સાંભળીને તે ભયભીત થઈ ગયું, પરંતુ તેણે હિંમત ન હારી અને ભગવાનને યાદ કરીને ત્યાંથી બહાર નીકળવાના ઉપાય વિશે વિચારવા લાગ્યું.
अनारम्भस्तु कार्याणां प्रथमं बुद्धिलक्षणम्।
आरब्धस्यान्तगमनं द्वितीयं बुद्धिलक्षणम्॥
કાર્ય શરૂ ન કરવું એ બુદ્ધિનું પ્રથમ લક્ષણ છે. શરૂ કરેલું કાર્ય પૂર્ણ કરવું એ બુદ્ધિનું બીજું લક્ષણ છે.
તે હજુ પોતાના વિચારોમાં ખોવાયેલો હતો ત્યાં અચાનક તેના પર માટીનો વરસાદ થવા લાગ્યો. ગધેડાએ મનમાં વિચાર્યું કે ભલે ગમે તે થાય, તે પોતાનો પ્રયાસ નહીં છોડે અને સરળતાથી હાર નહીં માને. પછી તેણે પૂરી તાકાતથી ઉછળવાનું શરૂ કર્યું. જેમ જેમ માટી નાખતી ગઈ ગધેડો તેને ખંખેરી બાજુમાં નાખતો ગયો. માટી તેની નીચે દબાતી ગઈ ને તે ઉપર આવતો ગયો. દુખ આવતું ગયું ને તે ખંખેરતો ગયો.
જો તેને માટી ખંખેરી ના હોત તો તે જરૂર દબાઈ ગયો હોત.
ખેડૂતે પણ અન્ય લોકોની જેમ માટીથી ભરેલી એક બોરી કૂવામાં નાખી અને તેમાં ડોકિયું કર્યું. તેણે જોયું કે જેવી માટી ગધેડા પર પડે, તે તેને પોતાના શરીર પરથી ઝટકે અને ઉછળીને તેની ઉપર ચઢી જાય. જ્યારે પણ તેના પર માટી નાખવામાં આવે, તે આ જ કરે... ઝટકે અને ઉપર ચઢી જાય... ઝટકે અને ઉપર ચઢી જાય...
ખેડૂતને પણ સમજાઈ ગયું કે જો તે આ રીતે માટી નખાવતો રહેશે તો ગધેડાનો જીવ બચી શકે છે. પછી શું, તે માટી નખાવતો ગયો અને જોતજોતામાં ગધેડું કૂવાના મુખ સુધી પહોંચી ગયું. અંતે, તેણે ઉછળીને બહાર આવી ગયું.
ઘણીવાર માથે આવેલું દુખ એ સુખ ના દરવાજા ખોલી નાખે છે. ફક્ત આપણે પુરુષાર્થ ની જરૂર છે.
ઈશ શ્રદ્ધા અને આત્મ વિશ્વાસ માણસને ઉચાઇ પર લઇ જાય છે.
"उत्तिष्ठत जाग्रत प्राप्य वरान्निबोधत, क्षुरासन्नधारा निशिता दुरत्यद्दुर्गं पथस्तत्कवयो वदन्ति"
કઠોપનીષદ
ઉઠો, જાગો, અને તમારું લક્ષ્ય હાંસલ કરો. તમારા રસ્તા કઠિન છે, અને તે અત્યંત દુર્ગમ પણ હોઈ શકે છે, પરંતુ વિદ્વાનોનું કહેવું છે કે કઠિન રસ્તાઓ પર ચાલીને જ સફળતા મળે છે.