લૉગઆઉટ
- રાકેશ ઠક્કર
બાબિલ ખાન પર ‘નેપો કિડ્સ’નો ટેગ લાગેલો હોવા છતાં એણે OTT પરની ફિલ્મ ‘લૉગઆઉટ’ (2025) થી સારા અભિનેતાની યાદીમાં પ્રવેશ મેળવ્યો છે અને એવી આશા જગાવી છે કે પિતા ઈરફાન ખાનનો અભિનય વારસો સાચવશે. આમ પણ અગાઉ ‘કલા’ થી શરૂઆત કરીને ‘રેલવે મેન’ જેવી વેબસિરીઝ કરનાર બાબિલ પર પિતાના વારસાને સાચવવાનું દબાણ તો હંમેશા રહેવાનું છે. એણે ફિલ્મોમાં પિતાની જેમ દેખાવાને બદલે પોતાની એક અલગ ઇમેજ ઊભી કરવાની છે. બાબિલે આખી ફિલ્મમાં છવાઈ જવાની જે તક મળી છે એને વ્યર્થ જવા દીધી નથી.
સોશિયલ મીડિયાના વિષયવાળી આ ફિલ્મ વિશે મીડિયામાં એવું કહેવાયું છે કે બાબિલે બીજા સ્ટાર કિડ્સ કરતાં સારું કામ કર્યું છે. સમીક્ષકોએ ‘લૉગઆઉટ’ જોવાનું એકમાત્ર કારણ બાબિલને ગણ્યો છે. કેમકે નાટકના નવ રસને એણે ન્યાય આપ્યો છે. પાત્રના તણાવ, લાચારી, હતાશા બધું જ બતાવ્યું છે. ‘લૉગઆઉટ’ માં મીડિયાનો જીવન પર કેવો પ્રભાવ વધી રહ્યો છે એ બતાવવામાં આવ્યું છે. એ કારણે નવી પેઢીને જોવાની ગમે એવી છે. એમાં મોબાઇલની તકનીકની વાત વધુ હોવાથી મોટી ઉંમરના દર્શકો દૂર રહી શકે છે. આમ તો કશું વલ્ગર નથી કે ગાળો નથી એટલે પરિવાર સાથે જોઈ શકાય એવી ફિલ્મ જરૂર છે.
આ વિષય પર અગાઉ ખો ગયે હમ કહાં, લવયાપા જેવી ઘણી ફિલ્મો આવી ગઈ છે. આજે કોઈપણ માટે પોતાની જાતને ડિજીટલ સ્ક્રીનથી દૂર રાખવાનું શક્ય નથી ત્યારે એ વાતને આધાર બનાવીને બનાવવામાં આવેલી દોઢ કલાકની ‘લૉગઆઉટ’ એક સસ્પેન્સ થ્રીલર તરીકે ઠીક ફિલ્મ છે.
એમાં પ્રત્યુષ (બાબિલ) નામના સોશીયલ મીડિયા ઇન્ફલુએન્સરની વાર્તા છે. સ્માર્ટફોન એનું જીવન છે ત્યારે એક દિવસ અચાનક ફોન ખોવાઈ જાય છે. તેની ડિજીટલ ઓળખ કોઈ છીનવી લે છે. બધી બાબતો એના કાબૂ બહાર જતી રહે છે. એની જિંદગી ખરાબે ચડી જાય છે. ફિલ્મ એ બતાવે છે કે ઓનલાઈન લોકપ્રિયતા જિંદગીમાં કેટલી ઉપરછલ્લી છે. એક મામૂલી ફોન ખોવાયા પછી સ્થિતિ કેટલી બગડી જાય એનું ચિત્રણ છે. પ્રત્યુષના ઉદાહરણથી આજની યુવા પેઢી વાયરલ રહેવાની માનસિકતાના દબાણ હેઠળ જીવે છે એ બતાવવામાં આવ્યું છે.
આજના સમયને સુસંગત થતી વાર્તા છે પરંતુ વધતી જતી ડિજિટલ નિર્ભરતા પર સારો સંદેશ આપવાની તક નિર્દેશક ચૂકી ગયા છે. બીજો ભાગ નબળો રહી ગયો છે. ક્લાઇમેક્સ કોઈ ખાસ અસર મૂકી જતો નથી. ફિલ્મનો અંત કલ્પી શકાય એવો છે. કેટલાકને ભયાનક લાગશે પણ એમાં લૉજિક દેખાશે નહીં. લેખન સામાન્ય છે. એમાં જે વાતો થાય છે એ વાસ્તવિક લાગતી નથી.
નિર્દેશક અમિત ગોલાનીએ શરૂઆત સારી કરી છે. એ પછીની વાર્તા રોમાંચ જાળવી રાખવા સંઘર્ષ કરતી લાગે છે. વિષય ધ્યાન ખેંચે એવો હોવા છતાં ફિલ્મના દ્રશ્યોમાં ખાસ તણાવ ઊભો થતો નથી અને ઊંડાણથી વાત કરતી નથી. કોઈ વાત સ્પષ્ટતાથી કરવામાં આવી નથી કે એમાં ભાવનાત્મક ઊંડાણ નથી. નવાઈ એ વાતની છે કે બાબિલ પોતાનો ફોન ગુમાવે છે એનું કારણ જ અપાયું નથી. એની પ્રેમિકા સ્મૃતિની આગળ જતાં કોઈ વાત થતી નથી.
બાબિલની બહેન તરીકે રસિકા દુગ્ગલ નાની ભૂમિકામાં સારું કામ કરી ગઈ છે. ‘જેડી’ તરીકે ગંધર્વ દીવાન અને ‘સાક્ષી’ ની ભૂમિકામાં નિમિષા નાયરને પડદા પર અવાજ આપવાનું કામ વધુ આવ્યું છે. કેમકે મોટાભાગની ફિલ્મમાં બાબિલ એક બંધ કમરામાં હોય છે અને મીડિયા પર સક્રિય રહેતો હોય છે. આખી ફિલ્મ બાબિલ પર જ છે અને બીજા કલાકારોનો અવાજ સંભળાતો રહેતો હોય એવી સ્થિતિમાં દર્શકોને જોડી રાખવાનું કામ સરળ નથી. છતાં બીજા કલાકારોના અવાજ પ્રભાવિત કરે છે. એક રીતે ફિલ્મ કહી શકાય એવો એનો ઢાંચો નથી. માત્ર અનુભવ કરવા માટે જોઈ શકાય એવી અલગ ફિલ્મ જરૂર છે.