વહેલી સવારની હલચલ એટલી જ હતી જેટલો રાત્રિનો શોર. વહેલા ઉઠીને અંગ વ્યાયામ કરવાવાળા અને ચાલવાવાળા પોતાની રોજની દિનચર્યા પ્રમાણે નીકળેલા. રસ્તામાં આમ-તેમ વિખરાયેલા પાંદડા પવનના હળવા ઝપાટા સાથે ઉડતા નજરે પડી રહ્યા હતા. નાનકડા શહેરના રસ્તાને ચોખ્ખો કરવાની જવાબદારી શીરે ઉપાડેલા સરકારી કામદારો હાથમાં લાંબા હાથાવાળા ઝાડુ લઈને પોતાનું કામ કરી રહ્યાં હતા અને બચી ગયેલા રસ્તા પર પડેલા પાંદડાને પગ વડે કચડી લોકો ચાલતા હતા.
પોતાના કાનમાં હેન્ડસપ્રિ લગાવી પોતાના ભાઈના ડગલે ડગલાં મેળવી મહેશ રાહુલ સાથે મોર્નિંગ જોગિંગ કરી રહ્યો હતો. જોર-શોરથી ગીત સાંભળી રહેલા મહેશને આજુ- બાજુમાં શું ચાલી રહ્યું છે તેની ખબર જ નહોતી. બસ પોતાની મસ્તીમાં તે ભાઈની સાથે દોડ્યો જતો હતો. એક નાસ્તાની દુકાન સામે આવીને રાહુલ ઉભો રહ્યો. પરસેવે પલળેલા તેઓના કપડાં અને હાંફતા તેઓના શરીર સાબિતી આપી રહ્યા હતા, કે તેઓએ કેટલી કેલેરી બર્ન કરી છે! મહેશ પણ તેની બાજુમાં ઉભો રહ્યો અને કાનમાંથી હેન્ડસપ્રિ કાઢી તેની જેમ એ દુકાન સામે જોવા લાગ્યો.
રાહુલે તેને કહ્યું, "યાદ છે? જ્યારે હું અહીં રહેતો ત્યારે આપણે બંને રોજે આ જ રસ્તે નાસ્તો કરવા આવતા."
"હૂહ... હાહ..." હાફ ચડેલા મહેશે જવાબ આપ્યો.
"તો ચાલ, આજે પણ અહીં નાસ્તો કરતા જઈએ." કહી રાહુલ તેને એ દુકાન તરફ લઈ ગયો. બહાર રાખેલા બાંકડા અને ખુરસી પાસે આવી બંને સામસામેની ખુરસી પર બેસી ગયા.
તેઓને પોતાના અતીતની એ તમામ ક્ષણો યાદ આવી ગઈ જે અહીં સાથે વિતાવેલી. રાહુલ થોડો ગળગળો થઈ ગયો. પછી ભાનમાં આવ્યો અને દુકાનની અંદર નજર કરી.
"છોટુ બે પ્લેટ બનાવજે!" કહી રાહુલે દુકાનમાં કામ કરી રહેલા નોકરને નાસ્તો લાવવા કહ્યું. પોતાના હાથમાં રહેલા કપડાથી ટેબલ સાફ કરતા અઢાર- ઓગણીશ વર્ષના નોકરે કહ્યું, "જી સાહેબ.."
રાહુલ પોતાના બંને હાથ ટેબલ પર ટેકવી બેઠો એટલે એની સામે જોતા મહેશે પોતાના હેન્ડસપ્રિ ટેબલ પર મૂકતા પૂછ્યું, "શું વિચારો છો બ્રો?"
"કંઈ નહિ, બસ વિચારું છું કે હું અમદાવાદ જતો રહું."
"એક્ચ્યુલી એક વાત કહું?"
"શું?"
મહેશે પૂછ્યું, "મોમે જ તમને કહ્યુંને?"
રાહુલ બોલ્યો; "ના હું તો પહેલેથી જ વિચારતો હતો."
મહેશે આત્મવિશ્વાસ સાથે કહ્યું; "હા મને ખબર છે. પણ હું તમને કહી દઉં, મોમે કાલે તમારી સાથે જે વાત કરીને એ મને જરા ભી ના ગમી."
"તો તેમાં ના ગમવા જેવું ભી કશું નથી."
"હા પણ તમે તો મમ્મીનો સ્વભાવ જાણો છોને? તેણે જ તમને અમદાવાદ જવાનું કહ્યુંને?"
એટલામાં છોટુ બે ડીસ લઈને આવ્યો અને તે બંને સામે એક એક મૂકી જતો રહ્યો.
નાસ્તાની ડીસ પાસે લેતા તે બોલ્યો; "નય, આ મારો પ્લાન છે."
"ભાઈ, મને બધી જ ખબર છે..."
મહેશે તેની સામે જોયું પણ પોતાના સમોસાને ચટણીમાં મિક્સ કર રહેલા રાહુલનું માથું નીચે ડીસમાં જ હતું અને હાથ ચમસીમાં. તે ના બોલ્યો એ જોઈ મહેશ ફરી થોડા ગુસ્સા સાથે બોલ્યો, "યુ નૉ, મોમ તમને અને ભાભીને જલ્દીથી અમદાવાદ મોકલવા માંગે છે અને છતાંય તમે..."
પોતાની ચમસી નીચે મૂકી તેણે સખ્તાઇથી તેની સામે જોયું, "યાર મહેશ, પ્લીઝ..."
"આઈ મીન..." મહેશ વધારે બોલે તે પહેલા રાહુલે ફરી તેને રોક્યો, "મહેશ."
મહેશ "ઓકે" કહી શાંત થયો અને ભાઈની જેમ પોતે પણ સમોસાને ચટણીમાં મિક્સ કરી નાસ્તાની શરૂઆત કરી. ચમસી મોઢામાં મુકતા મહેશની નજર સામે રોડ પર પડી. એક યુવાન છોકરી ત્યાં આવીને એક્સરસાઇઝ કરી રહી હતી. રાહુલે તેની સામે જોયું તો તેની નજર રોડ પર હતી. રાહુલે પણ તેને અનુસરતી નજર કરી અને જોયું તો તે છોકરી જમ્પિંગ જેક અને સાઈડ બેન્ડ કરી રહી હતી.
રાહુલે હસતા તેને કહ્યું, "મીઠી છૂરી?"
મહેશ તેની સામે જોઈ આંખનું મટકું મારતા બોલ્યો; "મીઠી કરતા મને તમારી જેમ તીખી વસ્તુ વધારે ભાવે.