Kesari- Chapter 2 in Gujarati Film Reviews by Rakesh Thakkar books and stories PDF | કેસરી- ચેપ્ટર 2

Featured Books
Categories
Share

કેસરી- ચેપ્ટર 2

કેસરી- ચેપ્ટર 2

- રાકેશ ઠક્કર

         અક્ષયકુમારની ફિલ્મ ‘કેસરી- ચેપ્ટર 2’ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરી શકી નથી. હા, સમીક્ષકો અને દર્શકોની પ્રશંસા હંમેશની જેમ મેળવી ગઈ છે. અક્ષયકુમારની ફિલ્મો ભલે લગાતાર ફ્લોપ થતી રહેતી હોય પણ એના અભિનયમાં કોઈ ક્યારેય ખામી કાઢી શક્યું નથી. ફિલ્મ સારી કમાણી કરે કે ના કરે એ અક્ષયના હાથમાં હોતું નથી. એની ફિલ્મોની કમાણી જોવા માટે હજુ એક વર્ષ રાહ જોવી પડશે. જ્યારે ‘જોલી LLB 3’ અને ‘હેરાફેરી 3’ જેવી ફિલ્મો આવશે.

ફિલ્મોના નિર્માતાઓ રમત રમે છે અને નુકસાન અક્ષયકુમાર ભોગવે છે. જેમાં તેનો શ્રેષ્ઠ અભિનય હતો એ આ વર્ષની ‘સ્કાય ફોર્સ’ ની કમાણીના આંકડા નિર્માતા દ્વારા વધારીને ખોટા રજૂ કરવામાં આવ્યા હતા. હવે ‘કેસરી- ચેપ્ટર 2’ ના નિર્માતા કરણ જોહરે ફિલ્મની રજૂઆત પહેલાં જ એની સફળતાનો ઢોલ પીટવાનું કામ કર્યું હતું એનાથી નુકસાન થયું છે. ફિલ્મની હાઇપ બનાવવા પહેલાંથી જ સોશિયલ મીડિયા પર બ્લોકબસ્ટર જાહેર કરી દેવામાં આવી હતી. તેને આ વર્ષની મોટી ફિલ્મ ગણાવીને 3 દિવસમાં રૂ.80 કરોડની કમાણી કરશે એવી વાતો ફેલાવવામાં આવી હતી. અસલમાં પહેલાં દિવસે રૂ.9 કરોડનું ઓપનિંગ મળ્યું ત્યારે જ નિર્માતાનો ફુગ્ગો ફૂટી ગયો હતો. એ કારણે અક્ષયકુમારને ‘કેસરી- ચેપ્ટર 2’ ના જોરદાર અભિનયનો લાભ મળ્યો નથી.

સમીક્ષકોએ ‘કેસરી- ચેપ્ટર 2’ માં ખામીઓ હોવા છતાં એમ કહીને એ કહેવાની ના પાડી કે આવી ફિલ્મો મનોરંજન માટે બની નથી. દેશના એક અજાણ્યા પ્રકરણને બહાર લાવવાનું કામ કર્યું છે. છેલ્લે અક્ષયકુમારનો અભિનય રુંવાડા ઊભા કરી દે એવો છે. ફિલ્મ માટે જે ગંભીર ભૂમિકા લખાઈ હતી એને અક્ષયકુમાર સંપૂર્ણપણે ન્યાય આપી જાય છે. તેનો મોનોલોગ જોરદાર છે. કોર્ટ રૂમ ડ્રામા ફિલ્મોમાં આ સૌથી મોંઘી ફિલ્મ છે.

 ટ્રેલર પરથી એમ લાગતું હતું કે સાવ સરળ વાર્તા હશે. એમાં એક હીરો હશે એક વિલન હશે અને એમાં એક હારશે અને બીજો જીતશે એનો નિર્ણય કોર્ટમાં થશે. એમાં કશું નવું નહીં હોય એમ કહેનારા ખોટા પડ્યા છે. કેમકે ફિલ્મને એક વકીલ રહેલા નિર્દેશક કરણસિંહ ત્યાગીએ બનાવી છે. એટલે ખરેખર કોઈ કોર્ટમાં બેઠા હોવાનો અનુભવ થાય છે. એમાં કોઈ દ્રશ્ય બિનજરૂરી લાગતું નથી. ફિલ્મ જલિયાવાલા બાગની ઘટના પર નહીં પરંતુ એના માટે કેસ લડનાર વકીલ પર છે. એ શંકરનની બાયપિક પણ કહી શકાય એમ છે. એ બ્રિટિશ સામ્રાજ્યને અદાલતમાં ઘસડી ગયા હતા. એ એવું સત્ય બતાવવા માગતા હતા કે આ હત્યાકાંડ ભૂલ નહીં પણ જાણી જોઈને કરેલો નરસંહાર હતો.

‘કેસરી- ચેપ્ટર 2’ એ પ્રેરણા આપતી, દેશભક્તિની કે કોઈ પ્રોપેગેન્ડા ફિલ્મ નથી. એમાં એક એવા વકીલ શંકરન નાયરની વાર્તા છે જે ક્યારેય કોઈ કેસ હાર્યા નથી. ફિલ્મનો અંત કલ્પી શકાય એવો નથી. કોણ જીત્યું અને કોણ હાર્યું એ જાણવા ફિલ્મ જોવી પડે એમ છે. એને એક સસ્પેન્સ થ્રીલરની જેમ બનાવવામાં આવી છે. જો કોઈ એમ કહેતું હોય કે ‘કેસરી- ચેપ્ટર 2’ માં મનોરંજન નથી કે ડોકયુમેન્ટ્રી જેવી છે તો એમાં ફિલ્મ બનાવનારની નહીં જોનારની ભૂલ ગણાશે. જો દર્શક પોતાના મગજનો ઉપયોગ કરશે તો એને ગીત, વાર્તા, સસ્પેન્સ, ડાયલોગબાજી, અભિનય સહિતનું જે માંગશે એ મળશે. જે મનોરંજન માટે બનતી ફિલ્મમાં હોય છે.

અક્ષયકુમારને આર. માધવને ઓછું બોલીને બહુ જબરદસ્ત ટક્કર આપી છે. ભલે કેટલાક ટીપીકલ છે પણ એમ થશે કે બંનેના હજુ વધુ દ્રશ્યો હોવા જોઈતા હતા. ઘણા દ્રશ્યોમાં માધવન એટલા વિશ્વાસ સાથે અભિનય કરે છે કે ડરામણો લાગે છે. સારી વાત એ છે કે વકીલના રૂપમાં અનન્યા પાંડેએ નિરાશ કર્યા નથી. સ્ટાર કિડ્સમાં પ્રતિભા હોય શકે છે એ એણે પહેલી વખત સાબિત કર્યું છે. છતાં એમ થશે કે એના સ્થાને વધુ સશક્ત અભિનેત્રી હોવી જોઈતી હતી.

ફિલ્મનો સાચો હીરો નિર્દેશક છે. નિર્દેશકે એક સારી વાર્તા સાથે સારી નિયતથી ફિલ્મ બનાવી છે. અગાઉ ‘કેસરી’ માં સારાગઢી યુધ્ધના મેદાનની વાર્તા બતાવવામાં આવી હતી. ‘કેસરી- ચેપ્ટર 2’ ને એક પિરિયડ કોર્ટરૂમ ડ્રામા બનાવવામાં આવી છે. ફિલ્મની વાર્તા થોડી જાણીતી હોવા છતાં રોમાંચક બની છે. એમાં અનેક દ્રશ્યો એવા છે જે આંખો ભીની કરે છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી જ નહીં સંગીત પણ દમદાર છે. ગીતો આવે છે ત્યારે વાર્તાને અટકાવતાં નથી. બેકગ્રાઉન્ડ સંગીત સંવાદ દ્રશ્યને દમદાર બનાવે છે. ‘શેરા’ જેવું ગીત વાર્તાને ગતિ આપે છે. આવી ફિલ્મો બહુ ઓછી આવે છે અને એ બનતી રહે એ માટે એક વખત જોવા જેવી ગણી શકાય એમ છે.