Ganesha in Gujarati Travel stories by Tr. Mrs. Snehal Jani books and stories PDF | ગણદેવી

Featured Books
Categories
Share

ગણદેવી

ધારાવાહિક:- ચાલો ફરવા જઈએ.

સ્થળ:- ગણદેવી.

લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.




નમસ્તે વાચકો.

મારી આ ધારાવાહિકમાં હું તમને ઘણી બધી જગ્યાએ ફરવા લઈ જઈ ચૂકી છું અને હજુ પણ લઈ જઈશ. પરંતુ આ પ્રકરણમાં હું તમને એક ખાસ જગ્યાએ લઈ જવાની છું. આ જગ્યા એટલે મારા બાળપણનો શ્વાસ. આ જગ્યા એટલે મારામાં આવેલી સમજણનું ઉદગમસ્થાન. આ જગ્યા એટલે મારા જીવનમાં પ્રવેશીને હજુ સુધી પણ મારી સાથે જ રહેનાર મારા મિત્રો અને સખીઓની ભેટ આપનાર સ્થાન. આ જગ્યા એટલે મારામાં ભણતરના બીજ રોપી મને આ કક્ષાએ પહોંચવા માટેનાં મૂળિયાં મારા મનમાં રોપનાર સ્થાન. આ જગ્યા એટલે મારું વહાલું ગણદેવી ગામ.




અમે તો ત્યાં ભાડેનાં ઘરમાં રહેતાં હતાં. છતાંય ક્યારેય પારકું નથી લાગ્યું. સંજોગોવશાત બીલીમોરા ખાતે અમારું પોતાનું ઘર લીધું અને ગણદેવી છોડ્યું. આ વાતને પણ 24 વર્ષ થઈ ગયાં, છતાં પણ ત્યાંની એક પણ યાદ ઝાંખી નથી પડી. મારો એક પણ દિવસ ગણદેવીને યાદ કર્યા વગર જતો નથી.



આ આખાય લેખમાં આંકડાકીય માહિતિ સિવાયની તમામ માહિતિ મારા સ્વાનુભવને આધારે જ લખી છે. ક્યાંયથી લખાણ કૉપી નથી કર્યું. આમ તો ગણદેવી માટે હું લખું એટલું ઓછું જ લાગશે મને, છતાં પણ ટૂંકમાં જેટલું વધારે લખી શકાય એમ હતું એટલું લખ્યું.



ગણદેવી : નવસારી જિલ્લાનો એક તાલુકો અને તાલુકામથક. ભૌગોલિક સ્થાન : 20° 49´ ઉ. અ. અને 72° 59´ પૂ. રે.. ગણદેવી તાલુકાનું ક્ષેત્રફળ 282.1 ચોકિમી. છે અને ઈ. સ. 2001ની ગણતરી પ્રમાણે વસ્તી 2,40,128 છે. તાલુકામાં ગણદેવી તેમજ બીલીમોરા બે શહેરો છે. ગણદેવીની વસ્તી 23,600 (વર્ષ 2023), બીલીમોરાની વસ્તી 75,000 (વર્ષ 2023). તમને જણાવી દઉં કે જ્યારે હું શાળામાં ભણતી હતી ત્યારે ગણદેવી વલસાડ જિલ્લામાં આવતું હતું. પછીથી એ વલસાડને બદલે નવસારી જિલ્લામાં ઉમેરાયું.




ગણદેવી તાલુકા વિશે સંક્ષિપ્ત માહિતી:-ગણદેવીનું જૂનું નામ ‘ગણપાદીકા’ કે ‘ગણપદિકા’ હતું.ગણદેવીના ગડત ગામે આવેલા કામેશ્વર મહાદેવના મંદિરની સ્થાપના ભગવાન શ્રી રામે વનવાસ દરમિયાન કરેલી હોવાની લોકવાયકા છે. ગણદેવીમાં સોલંકી સમયના કોતરણીવાળા પથ્થરો મળી આવ્યા છે.  ગણદેવીમાં મુખ્યત્વે ખાંડ અને ગોળના ઉદ્યોગો આવેલા છે.



ગણદેવી તાલુકાના ગામડા:-

અજરાઈ, અમલસાડ, અંચેલી, અંભેટા, આંતલીયા, ભાઠા, બીલીમોરા, છાપર, દેસાડ, દેવધા, દેવસર, ધકવાડા, ધમડાછા, ધનોરી, દુવાડા, એંધલ, ગડત, ગણદેવા, ગણદેવી, ગંઘોર, ગોંયદી ભાઠલા, ઇચ્છાપોર, કછોલી, કલમઠા, કલવાચ, કેસલી, ખખવાડા, ખાપરીયા, ખાપરવાડા, ખેરગામ, કોલવા, કોથા, માણેકપોર, માસા, મટવાડ, મેંધર, મોહનપુર, મોરલી, નાંદરખા, પાથરી, પાટી, પીંજરા, પીપલધરા, રહેજ, સાલેજ, સરીબુજરંગ, સરીખુર્દ, સોનવાડી, તલોધ, તોરણગામ, ઉંડાચ વાણીયાફળીયા, ઉંડાચ લુહારફળીયા, વડસાંગળ, વગલવાડ, વાઘરેચ, વલોટી, વણગામ, વાસણ, વેગામ.




ગણદેવી તાલુકાની જમીન સપાટ છે. લાવાજન્ય જમીન ઉપર તણાઈને આવેલ કાંપને લીધે ઘણી ફળદ્રૂપ અને રસાળ છે. દરિયાકિનારાથી આઠ-દસ કિમી. સુધીની જમીન બાગાયતી છે. કપાસ, શેરડી, ડાંગર, શાકભાજી, કેળાં, ચીકુ અને આંબાનાં ફળઝાડો માટે હવામાન અનુકૂળ છે. ગણદેવીમાં સુતરાઉ કાપડ અને કૃત્રિમ રેશમી કાપડના ઉદ્યોગ મિલઉદ્યોગ તરીકે તથા પાવરલૂમ રૂપે વિકસ્યા છે. ગણદેવીમાં હાથવણાટનું કાપડ તૈયાર થાય છે. આ ઉપરાંત ઇજનેરી ઉદ્યોગ, હીરા ઘસવાનો ઉદ્યોગ, તેલની મિલો તથા ઈમારતી લાકડાં વહેરવાની મિલો, સિમેન્ટ, વિલાયતી નળિયાં તથા ટાઇલ્સ બનાવવાનો ઉદ્યોગ, ખેતીનાં ઓજારો તથા શારકામ માટેનાં યંત્રોના લેથ બનાવવાના એકમો, ચોખાની મિલો વગેરે ઉદ્યોગો વિકસ્યા છે. વૂડ પૉલિમરનું કારખાનું, ખાંડનું કારખાનું(સુગર ફેક્ટરી), લોખંડમાંથી બનતી ખીલી તેમજ અન્ય વસ્તુઓનું કારખાનું, સિમેન્ટ તથા પ્લાસ્ટિકની વસ્તુઓ બનાવવાનાં કારખાનાં, તેમજ સ્ટીલના વાસણો બનાવવાનાં તેમજ રિપેર કરવાનાં કારખાનાઓ વગેરે આવેલાં છે. દરિયાકાંઠે આવેલ ગણદેવી મત્સ્યઉદ્યોગનું કેન્દ્ર છે. અહીં એ વાત નોઁધવી રહી કે લગભગ 50 વર્ષથી વધારે સમય માટે ગણદેવી સુગર ફેક્ટરી આખા એશિયામાં પ્રથમ ક્રમાંકે હતી. હાલમાં એનો આખા એશિયામાં બીજો ક્રમ છે. 



ગણદેવી નવસારીથી 15 કિમી. અને અમલસાડથી 5 કિમી. દૂર છે. અંબિકા નદીના મુખથી ઉપરવાસ પૂર્વમાં તે 17 કિમી. દૂર છે. બીલીમોરા-વઘઈ નૅરોગેજ રેલવે-લાઇનનું એક સ્ટેશન ગણદેવી પણ છે. આ રેલવે હેરિટેજ રેલવેમાં સ્થાન પામી છે, તેમજ ભારતની સૌથી પહેલી નેરોગેજ રેલવે લાઈન છે. આ નેરોગેજ રેલવે લાઈન અંગ્રેજો દ્વારા શરુ કરવામાં આવી છે. હજુ પણ આ રેલવે કાર્યરત છે, અને ઈકો ફ્રેન્ડલી ટ્રેન તરીકે પરિવર્તિત થઈ છે.



અમદાવાદ-મુંબઈ રાષ્ટ્રીય ધોરી માર્ગ  નંબર 48 બીલીમોરા તથા અમલસાડથી પસાર થાય છે. ગણદેવીનાં રસ્તા દ્વારા આ સ્થળો સાથે જોડાયેલ છે, જેને સ્થાનિકો ગણદેવી ચાર રસ્તા તરીકે ઓળખે છે. આ ચાર રસ્તા પર શિયાળાની ઋતુમાં ગરમાગરમ શિંગોડા અને ઉંબાડિયું ખાવા જવાની ખૂબ મજા આવે છે. અહીં ગામનું એકમાત્ર શોપિંગ મોલ પણ આવેલ છે. સતીમાતાનાં મંદિર પાસે દર વર્ષે કાળીચૌદસનાં દિવસે મેળો ભરાય છે. ગણદેવી તેમજ આજુબાજુનાં ગામમાં રહેતાં લોકો આ મેળામાં મ્હાલવા આવે છે અને મજા કરે છે.



શેરડીના વિપુલ પાકને કારણે ગોળ તથા ખાંડનું ઉત્પાદન અહીં થાય છે. ઈ. સ. 1956થી ખાંડનું કારખાનું શરૂ થયેલ છે. કેરીના વિશેષ પાકને કારણે ગુજરાત ઍગ્રો ફૂડ્ઝ કંપની લિ. ઈ. સ. 1957થી કેરીનો રસ ડબામાં પૅક કરી નિકાસ કરે છે.



ગણદેવીમાંથી પ્રાપ્ત થયેલ ઈ.સ. 1042ના શિલાલેખ ઉપરથી જણાય છે કે તે કદંબ વંશના શાસન નીચે હતું. સોલંકીકાળ દરમિયાન ગણદેવીનો ‘ગદંબા’ નામથી નાના બંદર તરીકે ઉલ્લેખ મળે છે. મુઘલકાળ દરમિયાન અહીં વહાણો બંધાતાં હતાં. ગણદેવી ભૂતપૂર્વ વડોદરા રાજ્યના નવસારી પ્રાન્તનો એક મહાલ હતો. અહીંના મોઢ અને ઔદીચ્ય બ્રાહ્મણો સંસ્કૃત ભાષા અને કર્મકાંડના જ્ઞાતા તરીકે જાણીતા હતા.



અહીં 300 વર્ષ જૂનું હનુમાન મંદિર તથા શૈવ મંદિરો, શ્રી નવનીત પ્રિયાજીની વૈષ્ણવ હવેલી, જુમા મસ્જિદ અને અનેક જૈન દેરાસરો આવેલાં છે. ગણદેવી શૈક્ષણિક કેન્દ્ર પણ છે. તેની પ્રાથમિક શાળા ઈ.સ. 1864 જેટલી જૂની છે. આ ઉપરાંત અનાજ કરિયાણાની દુકાનો, કટલરી તેમજ કપડાંની દુકાનો, સ્ટેશનરી, નાસ્તાની દુકાનો, નાની નાની રેસ્ટોરન્ટ પણ આવેલ છે. ગામનાં શાકભાજી માર્કેટ પાસે એક મોટો વડલો આવેલ છે, જેને ચૉતરો કહેવામાં આવે છે. ત્યાં સાંજે મિત્રોની મહેફિલ જામતી હોય છે. આ વડલા નીચે ચંડીકા માતાનું પૌરાણિક મંદિર છે, જ્યાં નવરાત્રિ દરમિયાન ગરબાનું આયોજન થાય છે. માંદગીના ઈલાજ માટે જનરલ પ્રેક્ટિસ કરનાર ડૉક્ટર તેમજ ત્રણ હોસ્પિટલ પણ આવેલી છે.



ગણદેવી તાલુકામાં આવેલું બીલીમોરા બે અલગ અલગ ગામો બીલી અને ઓરિયામોરાનાં નામ પરથી પડયું છે. અહીં આવેલું સોમનાથ મંદિર, ગાયત્રી માતાનું મંદિર, જલારામ બાપાનું અને ગંગા માતાનું મંદિર વગેરે જોવાલાયક સ્થળો છે. તેમજ અહીં ગંગેશ્વર મહાદેવનું મંદિર, સતી મંદિર વગેરે પ્રસિદ્ધ મંદિરો આવેલા છે.બીલીમોરા ખાતે આવેલ સોમનાથ મંદિરમાં દર શ્રાવણ મહિનામાં આખો મહિનો મેળો ભરાય છે.ગણદેવીના અમલસાડ ખાતે આવેલ અંધેશ્વર મહાદેવ મંદિર એક ઐતિહાસિક તેમજ ભવ્ય મંદિર છે. એમાં બારેય જ્યોતિર્લિંગનાં દર્શન કરવાનો લાભ મળે છે. આ અમલસાડનાં ચીકુ વિદેશમાં પણ વિખ્યાત છે.



ગણદેવી ગામમાં આવેલ શાળાઓ:-ગણદેવીમાં છ શાળાઓ આવેલી છે. એક સરકારી કન્યાશાળા, એક સરકારી કુમારશાળા, એક ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા(કે. જી. દલાલ પ્રાથમિક શાળા), એક ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કન્યાશાળા (શ્રીમતી ડી. આઈ. કાપડિયા કન્યા વિદ્યાલય, ધોરણ 9 થી 12, આર્ટ્સ અને કોમર્સ), એક ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કુમારશાળા (સર સી. જે. ન્યૂ હાઈસ્કૂલ, ધોરણ 9 થી 12, આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ) અને એક અંગ્રેજી માધ્યમ શાળા ગઝદર ઈંગ્લિશ મીડીયમ સ્કૂલ. તમામ શાળાઓમાં બાળકોને ખૂબ સુંદર શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. આ શિક્ષણ મેળવેલ એક બાળક હું પણ છું.



આ ઉપરાંત એક સુંદર મજાનો બગીચો પણ આવેલ છે. આ બગીચો નદીકિનારે હોવાથી ત્યાં વધારે મજા આવે છે. નદીની બીજી તરફ એક ખુલ્લું મોટુ મેદાન આવેલ છે, જ્યાં ગામનાં છોકરાઓ ક્રિકેટ સહિતની મેદાની રમતો રમતા જોવા મળે છે. આ નદીનું નામ 'વેંગણીયા નદી' છે, અને એની આસપાસનો વિસ્તાર 'બંધારા' તરીકે ઓળખાય છે.



ગણદેવી ગામની મુખ્ય ખાસિયત ત્યાંનાં બસ સ્ટેન્ડ પાસે આવેલ કુંભારવાડ મહોલ્લામાં હનુમાનજી મંદિર પાસે નવરાત્રિ દરમિયાન રમવામાં આવતાં પારંપરિક દોરી રાસ ગરબા છે, જે કદાચ આખા વિશ્વમાં માત્ર અહીં જ રમાય છે. આમાં પુરુષો ભાગ લે છે.



આ ઉપરાંત ગણદેવીમાં આવેલી ગઝદર લાયબ્રેરીમાં વાચકો વિવિધ પુસ્તકો વાંચવાનો લ્હાવો લે છે. ત્યાંનાં સંચાલક મંડળે વાંચનનો મહિમા વધે એ માટે વર્ષ 2014થી નવીન પ્રયત્ન હાથ ધર્યો છે. એમાં મહિનામાં એક વાર રવિવારના દિવસે કોઈકને કોઈક પુસ્તકપ્રેમી આવીને એક પુસ્તકનો સંક્ષિપ્ત પરિચય આપી પ્રેરણાત્મક વાતોની ચર્ચા કરે છે. બહોળા પ્રમાણમાં શ્રોતાઓ આ કાર્યક્રમનો લાભ ઉઠાવે છે.


ગણદેવીમાં એક સરસ મજાની પોસ્ટઓફિસ પણ આવેલી છે. પારસીઓની અગિયારી સહિત દરેક ધર્મના લોકોનાં ધર્મસ્થાનો આવેલાં છે. અહીંના લોકો સર્વધર્મ સમભાવની ભાવના સાથે જીવે છે. દરેક ધર્મનાં તહેવારો ધામધૂમથી ઉજવાય છે અને અન્ય ધર્મનાં લોકો એમાં સાથ સહકાર પૂરતાં પ્રમાણમાં આપે છે.



આશા રાખું કે આપ સૌને મારું આ ગામ ગમ્યું હશે. તમને જણાવી દઉં કે મારું મૂળ વતન તો વલસાડ છે. પણ ગણદેવીની મોહમાયા અલગ જ અનુભવ કરાવે છે.



સ્નેહલ (ગણદેવીમાં જોષી) જાની.