Nitu - 106 in Gujarati Women Focused by Rupesh Sutariya books and stories PDF | નિતુ - પ્રકરણ 106

Featured Books
Categories
Share

નિતુ - પ્રકરણ 106

નિતુ : ૧૦૬ (પુનરાગમન)


"વિદ્યા... " રમણનાં અવાજમાં એક અજાણ્યો ડર હતો અને તે બોલતા ખચકાતો હતો.

"શું થયું વિદ્યાને?" નિકુંજે ભયભીત થતા પૂછ્યું.

ગળગળા અવાજે તે બોલ્યો, "વિદ્યા મુસીબતમાં છે. રોનીએ આ વખતે એના બાપની સત્તાનો ઉપયોગ કરી જબરો પ્રહાર કર્યો છે. તમે સૌથી પહેલા એને કોઈ સુરક્ષિત જગ્યા પર લઈ જાઓ."

"હું ક્યારનો એને ફોન કરું છું પણ એનો ફોન બંધ આવે છે. એ જે.સી. બ્રાન્ડની મિટિંગ માટે ગઈ છે."

"જે.સી?" રમણે આશ્વર્યમાં ઉદગાર્યું.

નિકુંજે અસમંજસતાથી પૂછ્યું, "હા... કેમ? શું થયું?"

"જે.સી. ના માલિક હુડસન કેમ્પબેલ છેને?"

"હા. એ જ છે."

"એની મિટિંગ તો રોની સાથે હતી!"

"રોની સાથે..!" તે હજુ વધારે કંઈ સમજે એ પહેલા રમણે આગળ કહ્યું, "મને દાળમાં કંઈક કાળું લાગે છે. વિદ્યા વિરુદ્ધ કમ્પ્લેઇન અને હુડસનની રોની સાથે મિટિંગ સારો સંકેત નથી. એ શું કરવા માંગે છે એ નથી સમજાતું પણ કંઈક ગડબડ છે. હું મારી રીતે તપાસ કરું છું પણ ત્યાં સુધી તું ગમે તેમ કરી વિદ્યા પાસે જા અને એને કોઈ સેફ જગ્યાએ લઈ જા."

"હા. ઠીક છે." એણે ફોન રાખ્યો અને હોટલની બહાર નીકળ્યો. એ સતત વિદ્યા અને શાહના ફોનમાં ફોન કરી રહ્યો હતો. પણ બન્નેમાંથી કોઈનો પણ ફોન નહોતો લાગી રહ્યો.

તેઓએ ક્યાં મિટિંગ રાખી છે એની જાણ નહોતી. શોધે પણ કઈ રીતે? એ પોતાની ગાડી લઈ ઓફિસ તરફ નીકળ્યો. એણે ઓફિસમાં ફોન લગાવ્યો અને રીસેપ્શનિસ્ટને પૂછ્યું, "મેડમ આવી ગયા?"

"ના. એ તો હજુ નથી આવ્યા!" તેણે જવાબ આપ્યો.

તુરંત ફોન કટ કરી તેણે રોડની એક બાજુ ગાડી લગાવી. "ક્યાં ગઈ છો તું વિદ્યા!"

એવામાં એના ફોનમાં રિંગ વાગી. જોયું તો વિદ્યાનો ફોન. ઊંચકાવતાની સાથે જ એ બોલી પડ્યો, "વિદ્યા ક્યાં છે તું? મેં તને કેટલાં ફોન કર્યા!"

તેણે કહ્યું, "સોરી સોરી... હું મિટિંગમાં હતી એટલે ફોન એરોપ્લેન મોડમાં રાખેલો. ને તું સવારનો ક્યાં ગાયબ થઈ ગયો હતો? સવારે મેં તને કેટલા ફોન કર્યા એ તને નથી ખબર!" કહેતા નારાજી સાથે એણે મોઢું મરડ્યુ.

"વિદ્યા તું ઓફિસે ના આવતી."

સાંભળી વિદ્યા થોડી વિમાસણમાં મુકાય. "કેમ?"

"એ બધું હું તને આવીને સમજવું છું. તું પહેલા ઘેર પહોંચ."

"ઠીક છે. શાહ મારી સાથે છે. હું એને ઓફિસ છોડીને ઘેર આવું છું."

"તું એને છોડવા નહિ જાય. તમે બંને ઘેર જાઓ અને હું ત્યાં આવું પછી શાહ ઓફિસે જશે."

"પણ નિકુંજ..."

"એ બધું હું તને ઘરે આવીને કહીશ. તું અત્યારે ઓફિસ ન જતી, સીધી ઘેર જા." તેણે ફોન કટ કર્યો.

કાનેથી ફોન લેતા વિદ્યા ગહન વિચારમાં પડી. "આ નિકુંજને અચાનક શું થયું?"

એને વિચાર કરતા જોઈ શાહે પૂછ્યું, "એવરીથીંગ ઈજ રાઈટ મેમ?" એને કંઈ કહેવાને બદલે વિદ્યાએ ડ્રાયવરને ઘરે જવા કહ્યું.

ઝપાટાબંધ રીતે નિકુંજની ગાડી ઘેર આવી ઉભી રહી. ત્વરાથી ઉતરતા એણે પાર્કિંગમાં નજર કરી. વિદ્યાની ગાડી ત્યાં હાજર હતી. તેણે ગાડી જોઈ થોડી રાહત લીધી. વોચમેનને ઘરનો મેઈન ગેટ બંધ કરવાનું કહી એ અંદર ગયો. હોલમાં વિદ્યા અને જસપ્રિત બંને બેઠેલા. એ અંદર પ્રવેશ્યો કે બંને ઉભા થઈ ગયા.

એ ચિંતાગ્રસ્ત હતો. પરંતુ બંનેને જોઈને એના ચેહરા પર થોડી હળવાશ આવી. વિદ્યા એની પાસે ગઈ અને પૂછવા લાગી, "તું ચિંતામાં કેમ દેખાય છે? અને અચાનક અમને બંનેને ઘેર આવી જવા કેમ કહ્યું?"

"હુડસન સાથે તમારી શું વાત થઈ?"

"એડ્વર્ટાઇઝની ડીલ કરી, બસ."

શાહ બોલ્યા, "બધું ફાઈનલ થયું એટલે અમે નીકળી ગયા."

નિકુંજ કંઈક વિચારતો સોફા પર બેસી ગયો. વિદ્યા એની બાજુમાં બેઠી અને પૂછ્યું, "નિકુંજ, મારે તારી પાસેથી એ જાણવું છે કે તે હુડસનની મિટિંગ કેમ ટાળી?"

"વિદ્યા કારણ કે આ બધો એક ખેલ છે."

"ખેલ?"

"હા. મને એક વાત કહે, હુડસનની ડીલ કઈ રીતે ફાઈનલ થઈ?"

"અમે આપણી ઓફિસની બધી ટર્મ એની સામે રાખી. જે રીતે પેમેન્ટ કરવાનું છે બધું અમે એને કહ્યું અને એની બ્રાન્ડનું પ્રમોશન કઈ રીતે થશે એ બધી વાત કરી."

શાહે કહ્યું, "એણે કોઈ જાતની આનાકાની વિના અમારી વાત માની લીધી."

તે સચેત થયો. "એણે કશું ના કહ્યું?"

શાહ બોલ્યા, "સર, તમે જે દોઢી ટર્મ રાખી એ જ અમે એની સામે મૂકેલી. અન્ય કંપનીઓ કરતા આપણે એને દોઢ કરોડ જેટલો વધારે ભાવ આપ્યો. છતાં એ માની ગયા."

નિકુંજે અફસોસ જતાવતા કહ્યું, "ઓહ ગોડ વિદ્યા... એટલે જ મેં એની મિટિંગ ટાળેલી."

"મતલબ?" અસમંજસતાથી વિદ્યાએ પૂછ્યું.

"લૂક, આ બધી એક ચાલ છે ટાઈમ્સને ફસાવવાની."

તે બંને નિકુંજની વાતને સમજી નહોતા શકતા. ખુલાસો કરતા નિકુંજ આગળ બોલ્યો, " વિદ્યા મેં પહેવાર જ્યારે જે.સી. નું નામ સાંભળ્યું ત્યારે મને લાગ્યું કે એના વિશે આપણે જેટલી માહિતી લીધી એ પર્યાપ્ત નથી. એટલે મેં વધારે રિસર્ચ કરી. જોઈન્ટ કેમ્પબેલ એ ઓસ્ટ્રેલિયન ઓઈલ કંપની છે. અલગ અલગ પ્રકારના ઓઈલ પ્રોડક્ટ લઈને એ હવે આપણા દેશમાં આવી છે. આવું સરકારે બદલાવેલી નીતિને લીધે થયું."

"તું કહેવા શું માંગે છે?" વિદ્યાએ સ્વાભાવિક પ્રશ્ન કરતા પૂછ્યું.

"વિદ્યા વિચાર કર, કોઈ પણ વિદેશી કંપની એમ જ દેશમાં એન્ટર નથી થતી. એના માટે એને કેટલુંયે પેપર વર્ક કરવું પડે છે. એ અહીં આવી એનો મીનિંગ એ થયો કે એને અહીંની જમીન પર પોતાની ફેક્ટરી અને ઓફિસ ઉભી કરવા માટે લોકલ ગવર્મેન્ટ ઓફિસનો કોન્ટેક્ટ કરવો પડ્યો હશે. એટલે કે અહીંના એમ.એલ.એ."

"રતન જરીવાલા?" વિદ્યાએ નામ લીધું.

"હા. વિદ્યા એને કોઈ વાતની જાણ ના થાય એટલે ટાઈમ્સનું બધું પેપર વર્ક હું કરતો રહ્યો. આપણે રોનીને સજા આપવા માટે કોઈ મોકો શોધી રહ્યા છીએ. હુડસન અહીં બે મિટિંગ કરવા માટે આવ્યો હતો. એક ટાઈમ્સ સાથે અને બીજી રતન જરીવાલા સાથે. રતન એના રોનીને પણ એમ. એલ. એ. બનાવવા માંગે છે. એટલે છેલ્લા પાંચ વર્ષથી એના બધા કામમાં સાથે રહે છે. એવું બની જ ન શકે કે હુડસન અને રોની વચ્ચે ટાઈમ્સને લઈને કોઈ વાત ના થઈ હોય."

"એટલે રોનીએ ટાઈમ્સ કોની છે એ જાણી લીધું હશે?" શાહે પૂછ્યું.

"રોનીને શક હતો કે ટાઈમ્સ વિદ્યાની છે. પણ અત્યાર સુધી એને આ વાતની ગંધ પણ નથી આવવા દીધી કે વિદ્યા ક્યાં છે અને શું કરે છે. એણે પણ વિદ્યાને આજ સુધી યાદ નથી કરી. થોડા દિવસ પહેલા રમણભાઈએ મને ફોનમાં જાણ કરી કે રોહિત અને અન્ય પુલીસ ઓફિસરો જરીવાલાનાં ફાર્મ પર પાર્ટી કરવા ગયા હતા. જ્યાં રોની નશાની હાલતમાં એને જણાવતો હતો, કે અત્યાર સુધી એને વિદ્યાની કોઈ જાણ નહોતી. પણ હવે એ ધીમે ધીમે મોટી હસ્તીઓમાં આવવા લાગી છે. જો વિદ્યાની ઓળખ વધી જશે તો એ રોની માટે ખતરો ઉભો કરશે."

"એટલે તે કાવતરું કરી રહ્યો છે એમ તમે કહેવા માંગો છો?" શાહે પૂછ્યું.

"હા. હુડસન કોઈ પણ ભોગે અહીં કંપની ઉભી કરવા માંગે છે અને એને પરમિશન આપવાના બદલામાં રોનીએ ટાઈમ્સ સાથે ડીલ કરવા કહ્યું. એટલે જાણી જોઈને મેં એની ટર્મ મોટી બનાવી. હુડસને હા કહી ત્યારે જ મને એના પર શક ગયો. હું કોઈ રિસ્ક લેવા નહોતો માંગતો એટલે મેં એની મિટિંગ ટાળી દીધી." 

વિદ્યાએ પૂછ્યું, "પણ રોની હુડસનને આપણી સાથે ડીલ કરવા શું કામ કહે? એનાથી તો આપણો ફાયદો થવાનો હતો. જો એનામાં બદલાની ભાવના હોય તો પછી એ ડીલ ન કરવાનું કહેને!" 

"એ જ મને નથી સમજાતું. જો એને બદલો લેવો છે તો પછી ડીલ કરવાનું શું કામ કહ્યું હશે?" 

શાહે કહ્યું, "હુડસનની ડીલ અલગ પ્રકારની હતી." 

"અલગ હતી એટલે?" 

"જનરલી બધી ડીલ થાય એ પછી કામ પતે ત્યારે જ પેમેન્ટ કરવાનું હોય છે. પણ એણે જે.સી. માંથી બધું જ પેમેન્ટ એડવાન્સ કરાવી આપ્યું." 

ત્રણેય આ અંગે વિચારી રહ્યા હતા. રોનીનો આગળનો પ્લાન શું હશે એને સમજવાની કોશિશ કરી રહ્યા હતા. એટલામાં નિકુંજને રમણની વાત યાદ આવી. એણે તુરંત કહ્યું, "રમણભાઈએ મને ફોન કરી જણાવ્યું કે તારા વિરુદ્ધ એક કમ્પ્લેઈન આવી છે. એમાં નામ મારુ છે પણ એ રોની અને રોહિતની કોઈ ચાલ છે." 

"હે ભગવાન!" માથું પકડી વિદ્યા બેસી ગઈ. 

નિકુંજ ઉભો થયો અને બાજુમાં ઉભેલા શાહને કહ્યું, "તમે એક કામ કરો. સૌથી પહેલા ટાઈમ્સમાં પહોંચો. ત્યાં કોઈ એવા માણસનું રહેવું જરૂરી છે જે એને સંભાળી શકે. મારી કે વિદ્યાની ગેરહાજરીમાં ટાઈમ્સ આવા સમયે મુસીબતમાં મુકાય શકે છે." 

શાહે કહ્યું, "ચિન્તા ન કરો. ઓફિસ હું સંભાળી લઈશ. તમે બંને પોતાનું ધ્યાન રાખજો અને ખાસ, આવા સમયમાં એકબીજાનાં કોન્ટેક્ટમાં રહેવું જરૂરી છે."

"ફાઈન. હું રમણભાઈને પણ જાણ કરી દઉં છું. આપણે દરેક લોકો એકબીજાનાં સમ્પર્કમાં રહીશું."

"ઠીક છે સર." કહેતા શાહ ત્યાંથી ઓફિસ માટે નીકળી ગયા. વિદ્યા આગળ આવી અને કહેવા લાગી, "હવે?"

"હું પોલીસ સ્ટેશન જઈને તપાસ કરું છું કે એણે તારી સામે શું કમ્પ્લેઈન કરી છે!"

વિદ્યા આશાભરી નજરે એને જોઈ એના બંને હાથ પકડી કહેવા લાગી, "નિકુંજ! મને ડર લાગે છે. તું ત્યાં ન જા. પ્લીઝ."

"જો, ડરવા જેવું કંઈ નથી. આ વખતે એ વધારે કંઈ નહિ કરી શકે. બસ આપણે હિમ્મત રાખવી પડશે અને સંભાળીને ચાલવાનું છે. ડરવાનું નથી. ઓકે."

એ વિદ્યાને સમજાવી ત્યાંથી નીકળી ગયો. તે પોલીસ સ્ટેશન પહોંચ્યો. તે જોતાંની સાથે જ રમણને ઝટકો લાગ્યો. પરંતુ રોહિત એની સામે જ બેઠો હતો એટલે રમણથી કંઈ બોલાય એમ નહોતું. ટેબલ પર એકની માથે બીજો પગ ચડાવી રોહિત આરામથી બેઠો હતો. નિકુંજને જોઈ એના ચેહરા પર કટુ હાસ્ય વીખરાયું. એવું લાગતું હતું, કે એ એની રાહ જોઈને જ બેઠો છે.

"આવો નિકુંજભાઈ... આવો." તેણે વ્યવસ્થિત બેસતા કહ્યું.

એક શ્વાસ લઈ એ બોલ્યો, "તમે મારું નામ જાણો છો. તો પછી એ પણ જાણતા જ હશો કે હું શું કામ આવ્યો છું?"

"કેમ નહિ? ઓફ કોર્સ, તમે વિદ્યા માટે જ આવ્યા હશો."

"હા... એની સામે કમ્પ્લેઈન થઈ છે. હું જાણી શકું કે શું કામ્પ્લેઈન છે?"

રોહિત હસ્યો અને મજાકિયા સ્વભાવમાં બોલ્યો, "કમાલ છે. ફરિયાદી કરતા પોતે જ પૂછે છે કે ફરિયાદ શું છે?"

નિકુંજને સમજાયું નહિ. એણે એકબાજુ ઉભેલા કોન્સ્ટેબલ રમણ સામે જોયું. એ દયનિય નજરે એને જોતો, જાણે કહેવા માંગતો હોય કે અહિં નહોતું આવવું.

"ફરિયાદી કરતા એટલે?" તેણે પૂછ્યું.

રોહિતે કહ્યું, "અહિં... આ પોલીસ સ્ટેશનમાં, એક એવી કમ્પ્લેઈન આવી છે કે એની બોસ એને દાબમાં રાખી કામ કરાવે છે. એની બોસ ઓછી સેલેરીમાં વધારે કામ કઢાવે છે. બોસનું નામ છે વિદ્યા અને જેણે ફરિયાદ કરી છે, એ... તમે છો મિસ્ટર નિકુંજ."

સાંભળીને નિકુંજના પગ નીચેની જમીન ખસી ગઈ. એણે આવા પ્રકારની આશા નહોતી રાખી. પણ એને એટલું સમજાય ગયું કે વિદ્યાને એકલી પાડવાનું આ કાવતરું ઘડવામાં આવ્યું હતું.