Nitu - 105 in Gujarati Women Focused by Rupesh Sutariya books and stories PDF | નિતુ - પ્રકરણ 105

Featured Books
Categories
Share

નિતુ - પ્રકરણ 105


નિતુ : ૧૦૫ (વિદ્યા અને નિકુંજ) 


વિદ્યા અંગે વાત કરવા મિહિર પોતાને વતન પાછો ફર્યો. નિકુંજ પોતાના ઘરે તેની વાત કર્યા વિના જ એને છોડી દેવા તૈય્યાર થયો હતો. મિહિરને એ મંજુર નહોતું. એને વિદ્યાની આંખોમાં નિકુંજ માટે લાગણી દેખાઈ રહી હતી. સ્વાભાવિક રીતે જ એ એની લાગણીની કદર કરતા નિકુંજના ઘર સુધી પહોંચી ગયો હતો. એની ઈચ્છા એ બંનેનું ભલું કરવાની જ હતી.


બીજી બાજુ નિકુંજ તેની પાર્ટનરશીપમાં જોડાઈને કાફેની શરૂઆત કરવામાં લાગ્યો હતો. તે પોતાની કાફેના કોઈ કામથી બહાર ગયો અને ટાઈમ્સમાં એ અંગે કોઈને જાણકારી નહોતી. વિદ્યાને તેનું કહ્યા વગર જવું પસંદ ન આવ્યું અને તેણે આખી ઓફિસ માથા પર લીધી.

તે પોતાની કેબિનમાંથી બહાર આવી. શાહ એની પાછળ પાછળ જ ચાલી રહ્યા હતા. સામે ભાર્ગવ ઉભેલો. તેને જોઈ ઉભા થતા તે બોલ્યો, "મેડમ, એક થોડું મારે ચેક કરવાનું હતું કે આ વખતની પ્રિન્ટમાં કઈ કઈ વસ્તુઓ સામેલ કરવાની છે?"

વિદ્યાએ થોડી કડકાઈથી પૂછ્યું, "કેમ તમે આ સવાલ અત્યારે પૂછો છો? મેગેજીન પ્રિન્ટ થવાના આરે છે. હજુ તમે કંઈ તૈય્યારી નથી કરી?"

તે થથરતાં બોલ્યો, "ના એવું નથી. એક્ચ્યુલી જે પોઇન્ટ આ વખતે મેગેજીનમાં પ્રિન્ટ કરવાના છે એ તો બધા થઈ ગયા છે. પણ શું છે કે આ વખતે કન્ટેન્ટ થોડું વધારે છે અને મેગેજીનમાં ઓલમોસ્ટ ચાર પેજ વધી ગયા છે. ચાલીસને બદલે ચુમ્માલીસ થઈ ગયા છે." સાંભળતા વિદ્યાએ વિમુખતાથી આંખો બંધ કરી, જાણે કે એ કોઈ ભૂલ કરી રહ્યો હોય. છતાં એણે બોલવાનું ચાલુ રાખ્યું, "હજુ જે બાકી છે એ બધું એડ કરી દઈશું તો મેગેજીન ચાલીસને બદલે પચાસેક પેજ ઉપરનું થઈ જશે."

"પ્રિન્ટ મીડિયાનું એડિટર કોણ છે મિસ્ટર ભાર્ગવ?" ગંભીર થતાં એણે પૂછ્યું.

તે સમજી ગયો કે આ સવાલ મેડમને નહોતો પૂછવાનો. તે ફરી થોથરાયો અને ધીમા અવાજે બોલ્યો, "અશોકભાઈ છે."

તુરંત એના પર વિદ્યા ગુસ્સાથી બરાડી, "તો પછી જઈને એને પૂછોને, કેટલું અને શું પ્રિન્ટ કરવાનું છે! આ મારુ કામ છે જે મને પૂછો છો?"

"સોરી મેડમ." ભાર્ગવે ધીમેથી કહ્યું.

ઓફિસની વચ્ચો વચ્ચ ઉભા રહીને ગુસ્સો ઠલવાયો. એની સામે જે આવ્યું એ એના કોપનો શિકાર બનતું. ભાર્ગવ, અનુરાધા, સ્વાતિ, કરુણા, અશોક કે પછી મેનેજર જસપ્રિત શાહ. બસ્સો વ્યક્તિઓનો સ્ટાફ એના ગુસ્સાને સહી રહ્યો હતો. શાહ સિવાય એના ભૂતકાળથી દરેક અજાણ હતા એટલે એના આ ગુસ્સાને કોઈ નહોતું સમજતું કે ન નિકુંજના વધારાના કામને. તેઓને એમ જ લાગતું કે મેડમ નિકુંજને ઓછી સેલેરી આપે છે અને એક્સ્ટ્રા કામ કરાવે છે. કામના બોજાથી થાકીને નિકુંજ ચાલ્યો ગયો છે. વાસ્તવમાં તો તે કાફેના કામથી ગયો હતો અને આ વાત વિદ્યાને કદાચ ના ગમે એટલે એણે ન કરી.

શાહ વિદ્યાની પાસે ગયો અને શાંત કરવા ધીમેથી કહ્યું, "મેડમ, આ રીતે બધા પર ગુસ્સો કરવાનો કોઈ અર્થ નથી. આપણને મિટિંગ માટે લેટ થાય છે."

"શાહ તમને ખબર છેને ઓપરેટર તરીકે નિકુંજ કામ કરે છે! જે.સી.ની આ ડીલ એને કરવાની છે. એની બધી ડિટેઇલ પણ એની પાસે જ છે."

"એ બધી મને ખબર છે મેડમ. પણ એ અત્યારે હાજર નથી અને મિટિંગ તો આપણે કરવી જ પડશે. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. આઈ નો કે તમે એના વગર મિટિંગમાં જવા નથી માંગતા. એ ક્યાં છે એની કોઈને જાણ નથી. એ આવશે પછી તમે એની સાથે બધી ચોખવટ કરી લેજો. પણ અત્યારે આપણી મિટિંગ ઈમ્પોર્ટન્ટ છે. હુડસન આપણી રાહ જોતાં હશે."

"યુ આર રાઈટ શાહ. ચાલો પહેલા જઈને મિટિંગ પતાવીયે." તે હુડસન સાથે મિટિંગ કરવા નીકળી ગયા.

આ બાજુ મિહિર પોતાને વતન પહોંચી ગયો. એણે વિદ્યા અંગે નિકુંજ પાસેથી જેટલી માહિતી મેળવી હતી એના આધારે એ રીતે સમજી વિચારીને વાત કરી કે તેઓ માની જાય. માનવાની વાત દૂર રહી, પણ તેઓએ એને દોસ્ત તરીકે રાખવાની પણ મંજૂરી ના આપી. મિહિરને સ્પષ્ટ રીતે કહી દેવામાં આવ્યું કે એ વિદ્યા સાથે સંબંધ તોડી નાંખે. તેના માતા પિતા જૂનાં વિચારસરણી વાળા હતા. એટલે સમજાવવું અઘરું હતું. પણ મિહિરે વારંવાર વિનંતી કરી એને સમજાવવાના પ્રયત્નો કર્યા.

એના પપ્પાએ એની સામે જ નિકુંજને ફોન લગાવ્યો અને આ સંબંધ અંગે સ્પષ્ટીકરણ માંગ્યું. નિકુંજે એને વિદ્યાના ભૂતકાળની અને કોલેજમાં સાથે હોવાની વાત કરી. પરંતુ એ સાંભળી એને મનદુઃખ થયું. એની જૂની વિચારધારામાં વિદ્યા માટે કશેય સ્થાન નહોતું. એણે તુરંત ટાઇમ્સમાંથી નોકરી છોડી દેવા અને વિદ્યા સાથેના સંબંધને પૂર્ણવિરામ લગાવવા કહ્યું. તે પોતાની રીતે એના લગ્ન કરાવશે એવું કહી દીધું.

જોકે નિકુંજે એની એ વાત તો ન જ માની. એમ વિચારી કે કદાચ ભવિષ્યમાં એ એને સમજાવી લેશે. એટલા સમયમાં આજ સુધી એ એના માતા પિતાને સમજાવી નહોતો શક્યો. એણે પપ્પાને હા તો કહી કે વિદ્યા સાથેનો સંબંધ તોડશે, છતાં એના જેવી દોસ્તને એ ક્યારેય છોડવા રાજી નહોતો. મિહિરે પોતાની રીતે ઘણી મહેનત કરી પણ વિફળ ગઈ. અંતે થાકી અનિચ્છાએ તે ત્યાંથી સુરત આવવા રવાના થઈ ગયો.

પોતાના કાફેના કામને પતાવી એ ટાઈમ્સમાં પરત ફર્યો. એના તરફ બધાનું ધ્યાન હતું. ભાર્ગવ એને કશુંક કહેવા ઉભો થયો. પણ એ આવી ઉતાવળા પગલે સીધો વિદ્યાની કેબિનમાં ગયો. દરવાજો ખોલી જોયું તો એની ખુરશી ખાલી હતી. ત્યાંથી એ શાહની કેબિનમાં ગયો. એ પણ હાજર નહોતા. બંનેના ન હોવાથી એને આશ્વર્ય થયું.

બહાર આવ્યો તો ભાર્ગવ ફરી ઉભો થયો અને એની તરફ ચાલ્યો, "કાં, શું થયું નિકુંજભાઈ?"

તે રોકાયો અને કમરે હાથ રાખતા વિચારમગ્ન મુદ્રામાં પૂછ્યું, "આ મેડમ અને શાહ તેઓની કેબિનમાં નથી. ક્યાં ગયા છે?"

"અરે એની છોડોને. આ ઓફિસમાં બધા કમાવા માટે કામ કરે છે. નહિતર આવી માથા ફરેલ સ્ત્રી સાથે કોણ કામ કરે!"

"વળી પાછું શું થયું?"

"આ તમને સવારના નહોતા જોયા એટલે આખી ઓફિસ માથાપર લીધી. મારાથી એક સવાલ શું પુછાયો, મારી માથે તો માછલાં ધોય કાઢ્યા."

"કેમ?"

"ખબર નહિ કેમ! મેં કોઈ ભૂલ થોડી કરેલી. તમે કંઈ બોલતા નથી અને એનું આપેલું વધારાનું કામ કરો છો એટલે ચાલે છે. હું તો કહું છું તમારે બીજી ઓફિસ શોધી લેવી જોઈએ. આના કરતા તો ઓછી લપ."

માથું નકારમાં ધુણાવતા એ બોલ્યો, "ના એમાં લપ જેવું કંઈ નથી."

એટલામાં પાછળ બેઠેલી અનુરાધા એના તરફ ખુરશી ફેરવી વચ્ચે બોલી, "ભાર્ગવભાઈની વાત એકદમ સાચી છે. આ તો તમારી સારીપાઈ છે કે તમે અહીં કામ કરો છો. નહિતર એટલો બધો વર્કલોડ કોણ ઉઠાવે?"

ફરી ભાર્ગવે કહ્યું, "તમારી જગ્યાએ હું હોતને તો સીધો હરેસમેન્ટનો કેસ ઠોકી દેત."

"આ તમે લોકો શું બોલો છો?"

"અરે સાચે નિકુંજભાઈ. તમે બીજી જોબ શોધી લો એ જ સારું છે." અનુરાધા બોલી.

નિકુંજે ફરી પૂછ્યું, "એ બધું છોડો. મેડમ અને શાહ ક્યાં ગયા છે?"

"એ જ્યાં ગયા હોય એને જવા દેને હવે. તું ક્યાં હતો સવારનો. તને ના જોયો એટલે જ મને ખીજ પડી."

"હું એક કામ માટે ગયો હતો."

એક આંગળી એના તરફ કરી જાણે ચોરી પકડી પાડી હોય એમ હસતા એ બોલ્યો, "હા... જોયું...! મને ખબર જ હતી. ભલે તું ન કહેતો હોય. પણ મને સમજાય ગયું કે તું નવી નોકરી માટે ગયો હતો. હેને... હેને...?"

નિકુંજને તેઓની આ વાતમાં કોઈ રસ નહોતો. વાત પતાવવા તે બોલ્યો, "હા હું એના માટે જ ગયેલો. હવે તમે મને કહેશો કે એ બંને ક્યાં ગયા છે?"

"એ તો હું કહીશ. પણ તમે છેને જતા પહેલા આ મેડમને સારો પાઠ ભણાવીને જજો."

એમના ટેબલ પાસે સ્વાતિ પણ હાથમાં એક ફાઈલ લઈને આવી અને ઉભી રહી. નિકુંજને ગુસ્સો ભરાયો અને ત્રાસીને એણે પૂછ્યું, "ઠીક છે. હવે બોલશો કે એ ક્યાં ગયા છે?"

પાછળ બેઠેલી અનુરાધા બોલી, "અરે રિલેક્સ નિકુંજભાઈ. એ બંને હુડસન સર પાસે ગયા છે. એડ્વર્ટાઇઝ માટે."

"શું?" નિકુંજને ધક્કો લાગ્યો. એ બોલ્યો, "એ બંને હુડસન સાથે મિટિંગ કરવા ગયા છે!"

સ્વાતિએ જાણકારી આપતા કહ્યું, "હા... ઘણી વાર લાગી, હવે તો મિટિંગ પતી ગઈ હશે અને એ લોકો પાછા પણ આવતા હશે."

તે અફસોસ કરતા બોલ્યો, "ઓહ ગોડ, એ નહોતું કરવાનું. મને જણાવ્યા વિના વિદ્યા હુડસન સુધી પહોંચી ગઈ." તે એકબાજુ જવા લાગ્યો કે ભાર્ગવ ચકિત થતા બોલ્યો, "હેં... મેડમમાંથી સીધું વિદ્યા?"

અનુરાધાએ કહ્યું, "હવે તો બીજી જોબ શોધી લીધી છે. બોલે જ ને!" અને એ ત્રણેય હસ્યા.

નિકુંજે  એકબાજુ આવી ફોન કાઢી વિદ્યાને ફોન લગાવ્યો. કોઈ સમ્પર્ક ન થતા એણે શાહને ફોન કર્યો. બંનેમાંથી કોઈનો કોલ નહોતો લાગી રહ્યો. "લાગે છે મિટિંગમાં હશે એટલે ફોન બંધ રાખ્યો છે." તે એને રોકવા માટે ઓફિસથી નીકળ્યો અને હુડસન જે હોટલમાં રોકાયો હતો ત્યાં પહોંચ્યો.

રિસેપ્શન પર આવી એણે પૂછ્યું, "એક્સ્ક્યુઝમી, આ હુડસન કેમ્પબેલ કઈ રૂમમાં રોકાયા છે એ કહેશો?"

રિસેપ્શનિસ્ટે કહ્યું, "સોરી સર. પણ એ તો આજે સવારે જ નીકળી ગયા."

"ના ના એવું નથી. લાગે છે તમારી કોઈ ભૂલ થાય છે. તેની તો અત્યારે મિટિંગ હતી."

રિસેપ્શનિસ્ટે ફરી કહ્યું, "ના સર. અમારી કોઈ ભૂલ નથી થતી. એમણે ચાર દિવસ માટે આ હોટલમાં રૂમ રાખી હતી. આજે સવારે એ ચેક આઉટ કરીને નીકળી ગયા છે. મેં વાત વાતમાં એમને પૂછ્યું કે એક દિવસ વહેલા જઈ રહ્યા છો! તો એણે કહ્યું કે કોઈ મિટિંગ છે, એ પતાવી ત્યાંથી સીધા નીકળી જશે."

નિકુંજ મનમાં વિચારવા લાગ્યો, "મિટિંગ તો આ હોટેલમાં જ રાખેલી. તો પછી અચાનક મિટિંગની જગ્યા શું કામ ફેરવી હશે? અને સવારે ચેક આઉટ કરી લીધું. એની ફ્લાઈટ તો સાંજે સાત વાગ્યાની હતી." એણે પોતાની કાંડા ઘડિયાળમાં નજર નાંખી, "હજુ તો બે જ વાગ્યા છે. મિટિંગ પતે તો પણ આટલો બધો સમય! ક્યાંક મારો અંદાજો સાચો તો નથી ને? શાહ અને વિદ્યા."

એના મનમાં આડા અવળા વિચારો ચાલી રહ્યા હતા. એવામાં એના ફોનની રિંગ વાગી. તેણે નામ જોયું, "રમણ દેસાઈ?"  થોડું પણ મોડું કર્યા વિના ફોન ઊંચકાવી કાને રાખ્યો. "હા રમણભાઈ."

"નિકુંજ, એક બેડ ન્યુઝ છે."

તે ગભરાયો, ડરતા ડરતા એણે પૂછ્યું, "શું થયું છે?"

"વિદ્યા... " રમણનાં અવાજમાં અજાણ્યો ડર હતો અને તે બોલતા ખચકાતો હતો.

"શું થયું વિદ્યાને?"

ગળગળા અવાજે એ બોલ્યો, "વિદ્યા મુસીબતમાં છે. રોનીએ આ વખતે એના બાપની સત્તાનો ઉપયોગ કરી જબરો પ્રહાર કર્યો છે."