મિત્રો ,આપ સૌ મને મારા સેક્સ એજ્યુકેશન ના કન્ટેન્ટ થી જાણો છો. આપ સૌનો પ્રેમ પ્રતિસાદ રોજ વધતા જતા ફોલોવર્સ અને વ્યુઝ માં દેખાય જ છે. મારા જેવા યુવાન યુવતીઓ પણ આ કન્ટેન્ટ ને વાંચે અને સમજે છે.મારી પ્રોફાઈલ માં મારા ઇમેલ આઇડી થકી આપ મને પ્રશ્નો પૂછી શકો છો. હું વ્યવસાયે એક અભ્યાસુ જ્યોતિષ છું. આજના સમયમાં ફેલાયેલી અશ્લીલતા,બલાત્કાર અને શોષણ ના પ્રભાવથી ચિંતિત થઈ ને કામ શાસ્ત્ર અંગે ઘણા લેખો ,વાર્તાઓ અને વિચારો મે મારા આ પ્લેટફોર્મ પર રજુ કર્યા છે. દાંપત્ય (લગ્નજીવન અને સેક્સ્યુઅલ લાઇફ)વિશે યોગ્ય ,વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક માહિતી આપવી એ મારું પેશન છે. જ્યોતિષ અને અંકશાસ્ત્ર પણ મારું પેશન છે. તો આજે હું મારા બન્ને પેશન ને જોડતો લેખ રજૂ કરું છું. આપનો પ્રતિસાદ અને આવકાર ઇચ્છું છું.
જ્યોતિષ 9 ગ્રહો અને કામ શાસ્ત્ર
(૧) સૂર્ય : કપલ્સ વચ્ચે પરસ્પર સમ્માન અને એક બીજાપર પ્રેમાધિકાર ની ભાવના.
(૨) ચંદ્ર : એકબીજા પ્રત્યે ની લાગણી અને પરસ્પર કાળજી નો ભાવ.
(૩) મંગળ : એકબીજા પ્રત્યેનો શારીરિક આવેગ અને વાસના
(૪) બુધ : પરસ્પર ની સમજણ, હાસ્યવૃત્તિ અને સંવાદ
(૫) ગુરુ : એક બીજા ના મન ,હૃદય અને વિચારો ના પક્ષ ની સમજ અને એકબીજા તરફથી મળતા સંગ નો સંતોષ
(૬) શુક્ર : પરસ્પર એકબીજા પ્રત્યે પ્રેમ ,સ્નેહ ,ચાહત અને સાવેંગિક આકર્ષણ ની સંવેદના.
(૭) શનિ : સહિયારા સંબધ ની બાબત માં પરિપક્વતા અને આદર.
(૮) રાહુ : એકબીજા ને surprise કરનારી અને દાંપત્યજીવન ની સાથે જોડાયેલી ભવિષ્યના પ્લાનિંગ ની બાબતો.
(૯) કેતુ : દાંપત્યજીવન સાથે જોડાયેલી આધ્યાત્મિક અને આત્મિક બાબતો.
આમ કામશાસ્ત્ર અને દાંપત્યજીવનની દૃષ્ટિ એ ગ્રહો નું ચિંતન જોયું.
હવે આપણે ૧૨ ભાવ ની દૃષ્ટિ એ કામ શાસ્ત્ર અને દાંપત્ય નું ચિંતન કરીએ.
જ્યોતિષ માં પ્રથમ ભાવ, પાંચમો ભાવ અને નવમો ભાવ એ ધર્મ ત્રિકોણ ગણાય છે. તેમ જ તૃતીય ભાવ ,સપ્તમ ભાવ અને અગિયારમો ભાવ એ કામ ત્રિકોણ ગણાય છે.
સૌપ્રથમ આપણે ધર્મ ત્રિકોણ પર ચર્ચા કરીએ.
પ્રથમ ભાવ : શારિરિક આરોગ્ય, દેખાવ ,સ્વભાવ અને પ્રભાવ નું ચિંતન બતાવે છે
પાંચમો ભાવ : પ્રેમ, રોમાન્સ અને શારીરિક સંતોષ નું ચિંતન બતાવે છે,પ્રથમ સંતાન પણ અહીંયાથી જોવાય છે.
નવમ ભાવ : પરસ્પર સંબંધ નું સુખ,સંબધ નું ભાગ્ય તેમ જ પરસ્પર પરિપૂર્ણતા દર્શાવે છે.
હવે કામ ત્રિકોણ વિશે વાત કરીએ.
તૃતીય ભાવ : પ્રેમ પ્રસ્તાવ ,પ્રેમ કરવાની અને વ્યક્ત કરવાની હિંમત ,પરસ્પર આકર્ષણ અને સંવાદ દર્શાવે છે.
સપ્તમ ભાવ : જીવનસાથીનું વ્યક્તિત્વ, જાતીય લાગણીઓ, અને દાંપત્ય સુખ નું ચિંતન બતાવે છે.
એકાદશ ભાવ : પરસ્પર મિત્રતા, અધિકાર ,ઇચ્છાપૂર્તિ અને એકબીજા તરફથી મળતા લાભનું ચિંતન બતાવે છે.
આમ કામ અને દાંપત્ય માટે ઉપર જણાવેલા ભાવો અતિ મહત્વના છે.
આ સિવાય,
બીજો ભાવ તેમ જ આઠમો ભાવ એકબીજા ના પરિવાર નું ચિંતન બતાવે છે, ચોથું સ્થાન માનસિક વૃતિઓ ,દસમું સ્થાન કર્મ ની બાબત માં અનુકૂળતા ,છઠ્ઠું સ્થાન વિયોગ ,છૂટાછેડા ,બારમું સ્થાન શૈયસુખ તેમ જ એક કરતા વધારે સાથી વિશે ખ્યાલ આપે છે.
લગ્ન મેળાપક
હવે બહુ ચર્ચિત ગુણ મેળાપક વિશે વાત કરીએ. જેમાં ૩૬ ગુણો ના આધારે કુંડળી મેળાપક નું ચિંતન કરાય છે. ( પ્રાચીન અષ્ટગુણ મેળાપક)
મેળાપક માં મુખ્યત્વે..
(૧) નાડી ( સ્વાસ્થ્ય : ૮ ગુણ)
(૨) યોનિ (માનસિકતા :૪ ગુણ)
(૩) ભકૂટ ( પ્રેમ ,રોમાન્સ: ૭ ગુણ)
(૪) મૈત્રી (પરસ્પર અનુકૂળતા : ૫ ગુણ)
(૫) તારા (સૌભાગ્ય: ૩ ગુણ)
(૬) ગણ (સદગુણ: ૬ ગુણ)
(૭) વર્ણ ( કર્મ : ૨ ગુણ)
(૮) વૈશ્ય ( પ્રભાવ અને વર્ચસ્વ :૧ ગુણ)
આમ ટોટલ ૩૬ ગુણ થયા.. અને વિવાહ સંબધ પહેલા સ્ત્રી અને પુરુષ ની કુંડળી મેળવી , બન્ને માટે વિવાહ ની અનુકૂળતા નક્કી કરાય છે.
- એમાં પણ નાડી (પરસ્પર સ્વાસ્થ્ય ) ના ગુણ મળવા જરૂરી છે. (સ્વાસ્થ્ય અને બાળક ના સ્વસ્થ જન્મ માટે ત્રણ નાડી (આધ્ય - વાત પ્રકૃતિ, મધ્ય - પિત્ત પ્રકૃતિ, અને અંત્ય - કફ પ્રકૃતિ ) નું ચિંતન કરવું. આયુર્વેદ ના ત્રિદોષ સાથે નાડી નો સંબંધ છે. નર અને નારી બન્ને ની કુંડળી માં નાડી અલગ હોવી જરૂરી છે.સરખી નાડી એક જ પ્રકારની પ્રકૃતિ બતાવે છે એટલે આવનારા બાળક ના જન્મ સમયે એટલે કે પ્રથમ બાળક ના જન્મ વખતે સમસ્યાઓ થવાની શક્યતાઓ છે.(સમસ્યાઓ થશે જ એ નક્કી નથી)
- જો પરસ્પર સરખી નાડી વાળા વ્યક્તિઓ વચ્ચે વિવાહ થાય,તો દાંપત્યજીવન માં અને સેક્સ લાઇફ માં સમસ્યાઓ આવતી નથી. પરંતુ બન્ને એ પોતાની જીવનશૈલી અને ખાન -પાન નું ધ્યાન રાખવું જોઈએ.
- આધુનિક સમય પ્રમાણે.. મૈત્રી, ભુકુટ અને યોનિ (એટલે કે પ્રેમ ,માનસિકતા અને અનુકૂળતા ને વધારે મહત્વ આપવું જોઇએ.)
- બદલતા સમય પ્રમાણે મેળાપક ન જોતા, મારા જેવા જ્યોતિષી ઓ બન્ને ની કુંડળી માં સૂર્ય(પરસ્પર સમ્માન ),ચંદ્ર ( લાગણીઓ), મંગળ(આવેગ),ગુરુ( સમજ અને સંતોષ) અને શુક્ર (પરસ્પર પ્રેમ) નો મેળ પણ જુવે છે.
કામ સ્વભાવ નો મેળ
હવે, બાર રાશિઓ પ્રમાણે આપણે દાંપત્યજીવન માં સ્વાભાવિક અનુકૂળતાઓ વિશે ચિંતન કરીએ.જ્યોતિષ ના જાણકારો જાણે છે કે કુંડળીમાં દરેક રાશિના ક્રમ અને તત્વ નિશ્ચિત છે. પણ નવા અભ્યાસુઓ નીચે મુજબ જાણી શકે.
૧.મેષ ,૨.વૃષભ,૩.મિથુન,
૪.કર્ક ,૫.સિંહ,૬.કન્યા,
૭.તુલા,૮.વૃશ્ચિક,૯.ધનુ,
૧૦.મકર, ૧૧. કુંભ ,૧૨. મીન
આમ, બાર રાશિઓના ક્રમ નિશ્ચિત છે. હવે હું રાશિઓ ના નામ ન લખતા અંક જ લખીશ.
તત્વો પ્રમાણે,
રાશિ (૧,૫,૯) - અગ્નિ તત્વ : આવેગ,ઉત્સાહ,ઉર્જા, બળ અને ક્રોધ.
રાશિ (૨,૬,૧૦) - પૃથ્વી તત્વ : સ્થિરતા, તટસ્થતા, વ્યવહારિકતા, સહનશીલતા અને નિષ્ઠા.
રાશિ (૩,૭,૧૧) - વાયુ તત્વ : કલ્પના, હાસ્ય,સંવાદ,શોખ અને વિલાસિતા.
રાશિ (૪,૮,૧૨) - જળ તત્વ: લાગણી,પ્રેમ, સંવેદનશીલતા,કાળજી, દયા.
બન્ને કુંડળીઓ વચ્ચે સ્વભાવ નો મેળ જોવા માટે કામ ત્રિકોણ નો મેળ કરવો.ત્રિકોણમાં એક જ તત્વની રાશિ જોવા મળે છે.
હવે, તત્વ મેળાપક જોઈએ(કામ મેળાપક માં તત્વ જોવું)
વર અને વધુ બન્ને ના કામ ત્રિકોણ માં
- અગ્નિ (સારું)
- અગ્નિ અને વાયુ (ખૂબ જ સરસ)
- વાયુ (સારું)
- જળ - અગ્નિ (ખરાબ)
- જળ (સારું)
- જળ - પૃથ્વી (ખૂબ જ સરસ)
- પૃથ્વી (સારું)
(આ તત્વ મેળાપક સેક્સ્યુઅલ નેચરની અનુકુળતા દર્શાવે છે, એટલે જ આનું ચિંતન કરવું આવશ્યક છે.)
અને છેલ્લે,
અનુભવ અને વ્યવહારિક દૃષ્ટિએ કહું છું કે , દરેક કુંડળી જે મળે છે એ ૧૦૦% સારા દાંપત્યજીવનની ગેરંટી આપતી નથી, અને જે કુંડળીઓ મળતી નથી,એ પણ સારું દામ્પત્યજીવન આપી શકે છે. જ્યોતિષ વિધ્યા માત્ર નિર્ણય લેવામાં સહાયક હોઈ શકે, પોતે નિર્ણય ન હોઈ શકે.
કારણ કે
(સફળ દાંપત્ય નો આધાર,એકબીજા પ્રત્યે ના પ્રેમ, સમ્માન અને પરસ્પર ની સમજણ તેમ જ અનુકૂળતા પર છે.એટલે જ હમેશાં યાદ રાખવું કે કુંડળી નું મહત્વ ૨૦ ટકા છે. વ્યક્તિ અને સંબંધો માં આદર નું મહત્વ ૮૦ ટકા છે. એટલે કુંડળી ની બાબત માં જડ અને જિદ્દી બનવું નહી.)
આ લેખ, એ પ્રેમી પંખીડાઓ ને સમર્પિત છે, જે લગ્ન મેળાપક ના અભાવે પ્રેમ અને સમ્માન હોવા છતાં પરણી શકતા નથી.