Mother in Gujarati Short Stories by VIKRAM SOLANKI JANAAB books and stories PDF | જનેતા

Featured Books
Categories
Share

જનેતા


   ' જનેતા '

લેખક :- વિક્રમ સોલંકી 'જનાબ'
 
" બાપા, મારી માં મારી પાસે ક્યારે આવશે? બીજા મારાં જેવડા છોકરાવની માં તો હંમેશા એમની સાથે જ હોય છે. તો મારી માં મારી સાથે કેમ રહેતી નથી? " છ વર્ષના નાનકડા વિશાલે બાળ સહજ સવાલો કરીને શિવરાજભાઈને વિચલીત કરી નાખ્યાં.
 
   આજથી આઠ વર્ષ પૂર્વે એમનાં લગ્ન બાજુનાં જ ગામની વિમલા સાથે થયાં હતાં. સ્વભાવે શાંત અને ઘરરખ્ખુ વિમલાએ થોડાક જ સમયમાં શિવરાજની બધી ચિંતાઓ દૂર કરી દીધી હતી. ઘરકામ ઉપરાંત વિમલા શિવરાજને ખેતીકામમાં પણ ખૂબ મદદ કરતી હતી.
 
   તેમનું ગામ આદિવાસી વિસ્તારમાં આવેલું હોવાથી ગામમાં સુવિધાઓનો અભાવ હતો. ગામમાં દવાખાનું પણ નહોતું. પીવાનું પાણી ભરવા પણ દૂર સુધી જવું પડતું હતું.
 
   લગ્નના બે વર્ષ પછી વિમલા ગર્ભવતી થઈ. શિવરાજે પણ એક આદર્શ પતિની જેમ તેની પૂરતી કાળજી રાખી હતી. તેઓ બંને જાણે એકબીજા માટે જ બન્યા હોય એવો એમનો પ્રેમ હતો.
 
  એક દિવસ બરાબર મધરાતે વિમલાને પ્રસૂતિ પીડા ઉપડી. શિવરાજ હાંફળો - ફાંફળો થઈને ગામ આખામાં ફરી વળ્યો. પ્રસૂતિમાં જેમને ખબર પડતી હતી તેવી સ્ત્રીઓને પણ બોલાવી લાવ્યો પરંતુ વિમલાને પ્રસૂતિ ન થઈ.
 
  શિવરાજ ઝોળીમાં વિમલાને બાજુનાં ગામમાં લઈ જાય છે પરંતુ રસ્તામાં બાળકને જન્મ આપીને વિમલા પ્રભુને પ્યારી થઈ જાય છે. શિવરાજ એક રીતે ભાંગી પડે છે પરંતુ તે હવે બધુ ધ્યાન પોતાના બાળકનાં ઉછેરમાં આપે છે.
 
   એનો દિકરો વિશાલ આજે છ વર્ષનો થયો છે. ગામથી થોડે દૂર આવેલી શાળામાં તે બીજા છોકરાઓ સાથે ભણવા પણ જાય છે પરંતુ તેની માં અંગેના તેનાં સવાલો શિવરાજને હ્રદય સોંસરવા ઉતરી જાય છે.
 
   શિવરાજ એને સમજાવે છે કે તેની માં બીજા કરતાં એકદમ અલગ છે. ભગવાને એને પોતાની પાસે બોલાવી છે પરંતુ તે તેને મળવા જરૂર આવશે એવું તે એને રોજ સમજાવે છે.
 
   આમને આમ સમય પસાર થતો જાય છે. વિશાલ પણ પોતાની માં એને જરૂર મળવા આવશે એવું મનમાં સમજે છે અને રોજ તેની રાહ જુએ છે.
 
   એક વખત બધા બાળકો ચાલીને નિશાળેથી આવતા હોય છે ત્યારે અચાનક એક દિપડો આવી ચડે છે. બધા બાળકો ડરીને ભાગી જાય છે પરંતુ વિશાલ ભાગવા જતાં પડી જાય છે.
 
    અચાનક એક સફેદ વસ્ત્રો પહેરેલી સ્ત્રી ત્યાં આવે છે અને વિશાલને ઊભો કરીને તેડી લે છે. દિપડો પણ જંગલમાં જતો રહે છે.
 
  તે દિવસે વિશાલ બહુ ખુશ હતો. તેણે બધી હકીકત શિવરાજને જણાવી અને કહ્યું કે, " આજે મારી માં આવી હતી અને મને બચાવ્યો. તેણે મને ખોળામાં લઈને ખાવાનું પણ આપ્યું હતું. "
 
  શિવરાજે તેની બાળ સહજ વાતો પર હસવું આવ્યું તેને એમ હતું કે કદાચ કોઈ સ્ત્રી હશે જેને વિશાલ પોતાની માં સમજતો હશે.
 
    આમને આમ ઘણાં દિવસો સુધી ચાલ્યું. વિશાલ રોજ તે સ્ત્રીની વાતો શિવરાજને કરતો. એક દિવસ વિશાલ એક સફેદ રંગનો ઝભ્ભો લઈને આવ્યો. જેમાં સુંદર અક્ષરે શિવરાજનું નામ લખેલું હતું.
 
  એ ઝભ્ભાને જોઈને શિવરાજની આંખો ભરાઈ આવી. વિમલા તેને ઘણી વાર કહેતી કે તે તેના માટે એક ઝભ્ભો બનાવશે. આ સિવણ વિમલાનું જ હતું એ તે જાણતો હતો. તેણે વિશાલને પોતાના ખોળામાં લઈને એટલું જ કહ્યું કે, " બેટા, તારી માં તારી સાથે મારી પણ બહુ ચિંતા કરે છે. ભગવાનને પણ તેને તારી પાસે મોકલવી પડે છે."
 
    પૃથ્વી પર માં સૌથી મોટો ભગવાન છે. તે તેના બાળક માટે ગમે તે કરી શકે છે. મૃત્યુ પામ્યા પછી પણ તેને પોતાના બાળકની એટલી જ ચિંતા હોય છે. તે ક્યારેય પોતાના બાળક પર ઊની આંચ પણ આવવા દેતી નથી.