' એક દિવસ નો પ્રેમ '
લેખક:- વિક્રમ સોલંકી 'જનાબ'
વિકાસ આજે ખૂબ જ ખુશ હતો. તેના ચેહરા પરથી તેની ખુશી જણાઈ આવતી હતી.તે ઓફિસે થી ઘરે આવ્યો એટલે તરત જ મમતાએ હંમેશની માફક તેને ચા બનાવી આપી.મમતાએ જાણવા છતાં તેની ખુશી નું કારણ ના પૂછ્યું.તે વિકાસ ને આવા પ્રશ્નો પૂછી ને તેની ખુશી છીનવી લેવા માગતી ન હતી.
આવતી કાલે વૈશાલી નો જન્મદિવસ હતો. વિકાસે વૈશાલી ના જન્મદિવસ માટે ઘણી તૈયારીઓ કરી હતી.રાત્રે તેને વિશ કરવા માટે અવનવા વીડિયો અને ફોટાઓ બનાવ્યા હતા.આટલો ખુશ તે મમતા ના જન્મદિવસે પણ ન હતો.
હજુ તો એકાદ મહિના પહેલાં તેને વૈશાલી અચાનક ફેસબૂક પર મળી ગઈ હતી.આ એ વૈશાલી હતી જેને વિકાસ ખૂબ જ પ્રેમ કરતો હતો, પરંતુ બીજી તરફ વૈશાલી ને વિકાસના તેની તરફ ના પ્રેમ ની જાણ નહોતી. એ બંને ની મુલાકાત થાય એ પહેલાં જ અચાનક વિકાસ ના લગ્ન મમતા સાથે થઈ ગયા.મમતા સુંદર અને પ્રેમાળ પત્ની અને સારી ગૃહિણી હતી પરંતુ વિકાસ જાણે વૈશાલી વિના અધૂરો હતો .
આમ ને આમ બે વર્ષ વિતી ગયા.વિકાસ એક બાળક નો પિતા પણ બની ગયો અને એક દિવસ ઓચિંતી વૈશાલી તેને ફેસબૂક પર મળી ગઈ.વિકાસ એક સારો લેખક હોવાને લીધે તે ફેસબૂક ના માધ્યમ થી પોતાની પ્રતિભાને ખીલવતો હતો.
શરૂઆત ની સામાન્ય વાતચીત પર થી વિકાસ ને જાણ થઈ કે આ એજ વૈશાલી છે જેને તે ખૂબ જ પ્રેમ કરતો હતો ત્યારે ખુશી ની સાથે તેની આંખો પણ છલકાઈ ગઈ. તેણે બધી હકીકત વૈશાલી ને જણાવી કે તેને તે કેટલો પ્રેમ કરતો હતો પરંતુ સંજોગોવશાત તેને તે પામી ના શક્યો.
વૈશાલી ના લગ્ન હજુ નહોતા થયા.રોજબરોજની વાતચીતમાં વિકાસ વૈશાલીને તેના તરફ ના પ્રેમ નો અહેસાસ કરાવતો ગયો. તે બંને નો સંબંધ ખૂબ જ ઓછા સમય માં અતૂટ બંધન જેવો થઈ ગયો.તે બંને એકબીજાની દરેક વાતો શેર કરવા લાગ્યાં.
તે રાત્રે બરાબર બાર વાગે વૈશાલીને તેણે જન્મદિવસની શુભેચ્છાઓ આપી.તેના માટે બનાવેલા વીડિયો,ફોટાઓ અને ખાસ તેણે વૈશાલી માટે પોતે લખેલા શબ્દોની પણ ભેટ આપી.વૈશાલી પણ ખૂબ જ ખુશ થઈ. તેણે દિલ થી થેંકસ કહ્યું.
વિકાસે કહ્યું,"વૈશાલી હું તને કંઇક કેહવા માંગુ છું."
" પ્લીઝ બોલ ને વિકાસ",વૈશાલી એ અધિરતાથી કહ્યું.
"હું ભલે તને પામી ન શક્યો છતાં તને ચાહું છું.આઇ લવ યૂ વૈશાલી.મારી એક વાત નો જવાબ આપીશ? શું આવતીકાલે એક દિવસ માટે તું મારી બનીશ?" વિકાસે લાગણીસભર અવાજે કહ્યું .
" ઓહ વિકાસ! રિયલી? હજુ પણ તું મને આટલો પ્રેમ કરે છે? આઈ લવ યુ ટુ યાર. હું કાલ ફક્ત તારી થઈ ને આવીશ." વૈશાલીએ જવાબ આપતા કહ્યું.
બીજા દિવસે બંને આખો દિવસ સાથે ફર્યા. વિકાસે વૈશાલી ને જે ગમે તે બધું જ કર્યું.રાત્રે મેરીગોલ્ડ હોટેલમાં બંને મળ્યા. કેન્ડલ લાઈટ ભોજન લઈને બંને હોટેલ ની રૂમ માં ગયા.
" વિકાસ આજે હું ફક્ત તારી જ છું " એમ કહી ને વૈશાલીએ પોતાના કપડા ઉતારવા માંડ્યા.
વિકાસે તેને અટકાવીને કહ્યું ," તેની કોઈ જરૂર નથી. તારા શરીર કરતા મારે તારી ચાહત અને લાગણીની જ જરૂર છે." એમ કહી તેના હોઠ ચુમી લીધા.વૈશાલીની આંખોમાં ત્યારે ખુશીનાં આંસુ હતાં.
.
કોઈને સાચા દિલથી કરેલો પ્રેમ ક્યારેય અધૂરો રહેતો નથી. શરત માત્ર એટલી જ કે એ પ્રેમ નિઃસ્વાર્થ અને લાગણીસભર હોવો જોઈએ.. પ્રેમમાં વાસનાને સ્થાન હોતું જ નથી. જે પ્રેમ ફક્ત વાસના સાથે જોડાયેલો હોય તે ક્યારેય ટકી શકતો નથી.