vinay ane vinamrata in Gujarati Motivational Stories by Harshad Kanaiyalal Ashodiya books and stories PDF | વિનય અને વિનમ્રતા

Featured Books
Categories
Share

વિનય અને વિનમ્રતા

વિનય અને વિનમ્રતા

વાંચેલી આ વાત ક્યાંક યાદ આવે છે.

વિસરાય તે પહેલા કહી દઉં કે જેથી,

જીવનમાં મારા દ્રઢ થઇ જાય.

"नमन्ति फलिनः वृक्षाः, नमन्ति गुणिनः जनाः।

शुष्कवृक्षाश्च मूर्खाश्च, न नमन्ति कदाचनः"

ફળદાર વૃક્ષો નમે છે, ગુણવાન લોકો નમે છે, પરંતુ સૂકા વૃક્ષો અને મૂર્ખ ક્યારેય નમતા નથી।


એક શ્રીમંત દેખાતી અત્યંત સુંદર મહિલાએ વિમાનમાં પ્રવેશ કર્યો.  અને પોતાની બેઠક શોધવા માટે નજર ફેરવી. સીટ નો નંબર જોયો. હા બરાબર આ તેની જ જગા હતી. તેણે જોયું કે તેની બેઠક એક એવા વ્યક્તિની બાજુમાં છે જેના બંને હાથ નથી. મહિલાને તે અપંગ વ્યક્તિની બાજુમાં બેસવામાં ખચકાટ થયો. તે શ્રીમંત  મહિલાએ એરહોસ્ટેસને બોલાવી કહ્યું, "હું આ સીટ  પર માનસિક રીતે આરામથી  મુસાફરી નહીં કરી શકું. કારણ કે બાજુની બેઠક પર જે વ્યક્તિ બેઠો છે તેના બંને હાથ નથી."

તે શ્રીમંત સુંદર  મહિલાએ એરહોસ્ટેસને બેઠક બદલવાની વિનંતી કરી.

અચંબિત  થયેલી એરહોસ્ટેસે પૂછ્યું, "મેડમ, શું તમે મને કારણ જણાવી શકો..?"

'સુંદર' મહિલાએ જવાબ આપ્યો, "મને આવા લોકો પસંદ નથી. હું આવા વ્યક્તિની બાજુમાં બેસીને મુસાફરી નહીં કરી શકું." દેખાવમાં ભણેલી અને શ્રીમંત  લાગતી મહિલાની આ વાત સાંભળીને એરહોસ્ટેસ આશ્ચર્યચકિત થઈ ગઈ. એરહોસ્ટેસ કઈ કહે તે પહેલા,

શ્રીમંત મહિલાએ ફરીથી એરહોસ્ટેસને ભારપૂર્વક કહ્યું, "હું તે બેઠક પર નહીં બેસી શકું. તેથી મને કોઈ બીજી બેઠક આપો."

એરહોસ્ટેસે ખાલી બેઠક શોધવા માટે ચારે બાજુ નજર ફેરવી, પરંતુ કોઈ બેઠક ખાલી દેખાઈ નહીં. એરહોસ્ટેસે મહિલાને કહ્યું, "મેડમ, આ ઇકોનોમી ક્લાસમાં કોઈ બેઠક ખાલી નથી, પરંતુ મુસાફરોની સુવિધાનું ધ્યાન રાખવું એ અમારી જવાબદારી છે. તેથી હું વિમાનના કેપ્ટન સાથે વાત કરું છું. કૃપા કરીને ત્યાં સુધી થોડી ધીરજ રાખો." એમ કહીને એરહોસ્ટેસ કેપ્ટન સાથે વાત કરવા ગઈ.

થોડા સમય પછી પાછી આવીને તેણે મહિલાને જણાવ્યું, "મેડમ! તમને જે અસુવિધા થઈ તેના માટે ખૂબ જ ખેદ છે. આ આખા વિમાનમાં ફક્ત એક જ બેઠક ખાલી છે અને તે પ્રથમ શ્રેણીમાં છે. મેં અમારી ટીમ સાથે વાત કરી અને અમે એક અસાધારણ નિર્ણય લીધો. એક મુસાફરને ઇકોનોમી ક્લાસમાંથી પ્રથમ શ્રેણીમાં મોકલવાનું કામ અમારી કંપનીના ઇતિહાસમાં પહેલી વાર થઈ રહ્યું છે."

આ દરમિયાન આ આખી વાત અરોપ્લેન માં બેઠેલા બધા લોકો સાંભળતા હતા.

'સુંદર' મહિલા અત્યંત ખુશ થઈ ગઈ, પરંતુ તે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરે અને એક શબ્દ પણ બોલે તે પહેલાં...એરહોસ્ટેસ તે અપંગ અને બંને હાથ વિનાના વ્યક્તિ તરફ આગળ વધી અને નમ્રતાપૂર્વક તેમને પૂછ્યું, "સર, શું તમે પ્રથમ શ્રેણીમાં જઈ શકશો..? કારણ કે અમે નથી ઇચ્છતા કે તમે એક અભદ્ર મુસાફર સાથે મુસાફરી કરીને પરેશાન થાઓ."

अभिवादनशीलस्य नित्यं वॄद्धोपसेविन: |

चत्वारि तस्य वर्धन्ते आयुर्विद्या यशो बलम् ||

જે વ્યક્તિ પુખ્તવયના લોકો અને મોટી ઉંમરના લોકો પ્રત્યે નમ્ર હોય છે અને તેમને સન્માન આપે છે, તે ચાર બાબતો એટલે કે લાંબી આયુ, જ્ઞાન, સફળતા અને શક્તિમાં વૃદ્ધિ પામે છે. સંક્ષેપમાં, આવી વ્યક્તિ સફળ અને સંપૂર્ણ જીવન પ્રાપ્ત કરે છે.

 

આ વાત સાંભળીને બધા મુસાફરોએ તાળીઓ પાડીને આ નિર્ણયનું સ્વાગત કર્યું. તે અતિ સુંદર દેખાતી મહિલા હવે શરમથી નજર ઉઠાવી શકતી ન હતી.

ત્યારે તે અપંગ વ્યક્તિ ઊભો થયો અને બોલ્યો, "હું એક ભૂતપૂર્વ સૈનિક છું. અને મેં કાશ્મીર સરહદ પર એક ઓપરેશન દરમિયાન થયેલા બોમ્બ વિસ્ફોટમાં મારા બંને હાથ ગુમાવ્યા હતા. સૌથી પહેલાં, જ્યારે મેં આ દેવીજીની ચર્ચા સાંભળી, ત્યારે હું વિચારતો હતો કે મેં પણ કયા લોકોની સુરક્ષા માટે મારો જીવ જોખમમાં મૂક્યો અને મારા હાથ ગુમાવ્યા..? પરંતુ જ્યારે મેં તમારા બધાની પ્રતિક્રિયા જોઈ, તો હવે મને મારી જાત પર ગર્વ થાય છે કે મેં મારા દેશ અને દેશવાસીઓ માટે મારા બંને હાથ ગુમાવ્યા." અને એટલું કહીને તેઓ પ્રથમ શ્રેણીમાં ગયા.

भवन्ति नम्रास्तरवः फलोद्गमैः नवाम्बुभिर्भूमिविलंबिनो घनाः  |
अनुद्धता  सत्पुरुषाः समृद्धिभिः स्वभाव एवैष  परोपकारिणाम्   ||  -भर्तृहरि (नीति शतक)

જ્યારે વૃક્ષોમાં ફળ લાગે છે, ત્યારે તેઓ ફળોના ભારથી નમી જાય છે, અને નવા જળથી ભરેલા વાદળો પણ પૃથ્વી પર વરસવા માટે આકાશમાં નીચે ઉતરી આવે છે. એ જ રીતે, સજ્જન અને મહાન વ્યક્તિઓ પણ સમૃદ્ધ થયા પછી નમ્ર અને સહૃદય રહે છે, કારણ કે પરોપકાર કરનારાઓનો સ્વભાવ જ એવો હોય છે.

 

સુંદર શ્રીમંત  મહિલા પોતાની જાત પર ધિક્કાર ની ભાવના લઇ માથું નમાવીને બેઠક પર બેસી ગઈ.

જો વિચારોમાં ઉદારતા ન હોય તો એવી સુંદરતાનુ અને શ્રીમંતાઈ નું  કોઈ મૂલ્ય નથી.