વ્હાલ
પોતાની મમ્મીનાં ગળા પર ચાકુનાં ઘાથી ઉડેલા લોહીનાં ફુવારા જોઈને માનવી જોરથી ચીસ પાડી નાંખે છે. "મમ્મી...."
નીતાબેન માનવીની ચીસ સાંભળીને રસોડામાં શાક સમારતા સમારતા દોડીને માનવીનાં રૂમમાં આવી પહોંચે છે. તે માનવીને ખભેથી પકડીને તેને જગાડે છે.
"મનુ... મનુ.. શું થયું બેટા કેમ ચીસ પાડી?"
માનવી સફાળા બંધ ઉંઘમાંથી બેઠી થઈ જાય છે. તે પોતાની સામે મમ્મીને સહી સલામત હાલતમાં જોતા તે એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર ભેટી પડે છે. નીતાબેન વિચારમાં પડી જાય છે કે માનવીને આમ અચાનક શું થયું? પણ તે સમજી જાય છે કે નક્કી મનુએ કયાંક ખરાબ સપનું જોયું હશે.
"બેટા શું થયું. કેમ આટલી હાંફે છે? હું અહીંયા જ છું." નીતાબેન પલંગની બાજુમાં નાના ટેબલ પર મુકેલી પાણીની બોટલમાંથી પાણી લઈને મનુને આપે છે.
"લે થોડું પાણી પી લે."માનવીનાં ચહેરા પર ખબર નહિ એક ડર દેખાઈ રહ્યો છે. તે તેની મમ્મી સામે એક નજરે તાકી રહી છે.
"બેટા શું થયું?"
"કંઈ નહિ." માનવી આંખો ચોળતા ચોળતા તેની મમ્મીને જવાબ આપે છે.
"રોજ બુમો પાડી પાડીને કહું છું કે રાત્રે મોડા સુધી આ વેબસીરીજો જોવાનું બંધ કર. તો આવા ખરાબ સપના ના આવે." નીતાબેન માનવીને વણમાંગી સલાહ આપે ત્યાં કુકરની સીટી વાગવાનો અવાજ આવતા તે ત્યાંથી ઉભા થઈ રસોડામાં દોડી જાય છે.
માનવી આખા રૂમમાં નજર ફેરવી રહી છે. પોતાની મમ્મીને પોતાની સામે જોઈને તે મનોમન ખુશ છે કે ચાલો જે જોયું તે હકીકત નહિ પણ એક ખરાબ અને લાબું સપનું હતું. છતાં તે રૂમમાંથી બહાર આવી એકવાર પોતાની જાતને સાબિત કરવા લાગી જાય છે કે ખરેખર આ સપનું જ હતું ને.
તે બેડરૂમમાં નજર કરે છે તો ત્યાં કોઈ જ નથી. ના કેવિન, ના કેવિનનાં પપ્પા, ના કેવિનની મમ્મી, ના વિપુલભાઈ. તે ડાઇનિંગ ટેબલ તરફ નજર કરે છે પણ ત્યાં તેને બધી વસ્તુ સહિસલામત દેખાઈ રહી છે. તે રૂમની બારીમાંથી એક નજર બહાર કરે છે, પણ ઝગડામાં દેખાઈ રહેલી ભીડમાંથી હાલ કોઈ જ નથી. ધીમે ધીમે તેનાં શ્વાસ શાંત થતાં જાય છે. તે વિખરાયેલા વાળને સરખા કરીને પંખો ચાલુ કરીને સોફા પર બેસે છે.
તે આખા ઘરમાં એક નજર ફેરવી સપનામાં બનેલી તમામ ઘટના જોઈ રહી છે. તેની નજર સામે રહેલા શો કેશમાં જાય છે. તે ઉભી થઈ. શો કેશનાં દરેક ડ્રોવર, ખાના તપાસવા લાગે છે. કે તેની મમ્મીને કોઈ લેખન ક્ષેત્રે મળેલું સર્ટિફિકેટ કે મેડલ કદાચ હોય તો, પણ તેને કશું હાથ લાગતું નથી. તેને હવે પાક્કી ખાતરી થઈ ગઈ છે કે આ સપનું હતું. પણ તેનું મન કેમ કરી હજુએ સપનામાં જોયેલી તમામ વસ્તુઓની ખરાઈ કરવાનું કહી રહ્યું હતું. એટલે તે ઉભી થઈ તેની મમ્મીનાં રૂમમાં જઈને તેનાં કબાટમાં દરેક ડ્રોવર અને ખાના તપાસવા લાગે છે. કદાચ ખરેખર મમ્મીને ડાયરી લખવાનો શોખ હતો? પણ આખું કબાટ તપાસતા તેનાં હાથે કંઈ લાગતું નથી. તે એક ઉંડો શ્વાસ લઈ હવે પોતાના મન પર એક વિશ્વાસ કરી રહી છે માનવી આ ખરેખર એક સપનું હતું.
તે ઉભી થઈ રસોડામાં જઈ તેની મમ્મીને ભેટી પડે છે.ભેટીને રડવા લાગે છે.
"કેમ રડે છે?" નીતાબેન માનવીનાં માથે હાથ ફેરવી વ્હાલ ભર્યા ચુંબન સાથે પૂછે છે.
"કંઈ નહિ."
"શું કંઈ નહિ. બોલો ખરાબ સપનું જોયું હતું. મારા વિશે?" નીતાબેન હસતા હસતા પૂછે છે.
માનવી સહેજ હસીને માથું હકારમાં ધુણાવીને તેની મમ્મીને ભેટી પડે છે.
"બેટા એવા સપના આવ્યા કરે. એમાં રડવાનું ના હોય. અને આજથી મોડા સુધી એ ખૂન ખરાબાવાળી ફિલ્મો જોવાનું બંધ કરી દે. કાલથી વહેલા ઉઠીને ભગવાન સામે પ્રાર્થના કરવાનું ચાલુ કરી દે. કોઈ ખરાબ સપના નહિ આવે."
"મમ્મી લોકો કહેતા હોય છે કે સવારે જોયેલું સપનું સાચું પડતું હોય છે. તો મેં જોયેલું સપનું સાચું પડશે?" માનવી અચકાતા અચકાતા બોલે છે.
"તું ખરેખર ગાંડી થઈ ગઈ લાગો છો. ઘડિયાળમાં જો બપોરનાં અગિયાર વાગવા આવ્યા. શું કંકોરા તારા સપના સાચા થાય? વહેલા ઉઠી છો કોઈ દિવસ જીવનમાં?"
"એટલે આ સપનું સપનું જ રહેશે ને?"
"અરે હા સપનું સપનું જ રહેશે તું ખાલી ઝટ આ ટિફિન તૈયાર કરવા માંડ. સોમાકાકા આવતા હશે." ત્યાં તો સોમાકાકાની સાઇકલની ઘંટડીનો અવાજ નીતાબેન અને માનવીના કાને સંભળાય છે.
ક્રમશ :