prem thay ke karay? Part -50 - last part in Gujarati Love Stories by Tejas Vishavkrma books and stories PDF | પ્રેમ થાય કે કરાય? ભાગ - 50 (છેલ્લો ભાગ)

Featured Books
Categories
Share

પ્રેમ થાય કે કરાય? ભાગ - 50 (છેલ્લો ભાગ)

ખરાબ સપનું

"માનવી એકવાર ટિફિન ઘણી લેજે ને દસ જ છે ને?" નીતાબેન આખા મહિનાનું બિલ કાઢી તેમાં એક નજર દોડાવી રહ્યાં છે.

"હા દસ જ છે." દસ ટિફિન થતાં જ માનવીનાં ચહેરા પર એક સ્માઈલ આવી જાય છે. કે હવે પાક્કું થઈ ગયું છે કે અગિયારમું ટિફિન છે જ નહિ. અને અગિયારમાં ટિફિનવાળો કેવિન પણ નથી ને મારે જોવતો પણ નથી.

"નીતાબેન ટિફિન.."સોમાકાકા ઘંટડીનાં રણકાર સાથે એક બુમ મારે છે.

"હા આવી." નીતાબેન માનવીનાં હાથમાં આખા મહિનાનું બિલ આપતાં સોમાકાકાને જવાબ આપે છે.

"લે આ બિલ. સોમાકાકાને આપીને કહેજે કે શાકભાજીનાં ભાવ વધ્યા હોવાથી આવતા મહિનેથી પર ટિફિનમાં દસ રૂપિયાનો વધારો કર્યો છે." માનવી તેની મમ્મીની વાત અને બિલ લઈને સોમાકાકાને આપવા આવે છે.

સોમાકાકાનાં હાથમાં બિલ અને તેની મમ્મીએ કહેલી વાત રજુ કરીને જેવી ઘરમાં પાછી વળે તેવી તેને સપનામાં જોયેલી એક વાત યાદ આવે છે. તે સોમાકાકાને એ વાતની ખરાઈ કરવા પૂછે છે.

"સોમાકાકા તમારી તબિયત હવે કેમ છે?"

"લે છોરી કેમ આજે આવું પૂછે છે? હું તો એકદમ બોડી બિલડર જેવો મજૂબત છું મને શું થવાનું."

"આ તો કોઈ કહેતું હતું કે સોમાકાકાને આંખની મોતિયાનું ઓપરેશન કરાવ્યું છે એટલે.."

"કોણ નાલાયક મારા વિરુદ્ધ આવી અફવા ફેલાવે છે? બેટા મને કંઈ નથી થયું. ભગવાનની દયાથી એકદમ તંદુરસ્ત છું." સોમાકાકાનો જવાબ સાંભળીને માનવીને પાક્કી ખાતરી થઈ જાય છે કે રાત્રે જોયેલું એક ખરાબ સપનું હતું.

માનવી ઘરમાં આવી તેની મમ્મી સાથે વાતે વળગે છે.

"મમ્મી તને ભીંડીની સબ્જી કેવી લાગે છે?"

" ભીંડી... ભીંડી તો મને બિલકુલ ભાવતી નથી. એટલે તો ટિફિનમાં પણ બનાવતી નથી. અને મનુ એક વાત કહું કોઈને કહેવાની નહિ. કે મને ભીંડીની સબ્જી બનાવતા આવડતી પણ નથી." નીતાબેન મનુને તાળી આપીને હસવા લાગે છે.

મનુનાં ચહેરા પર હવે મુસ્કાન પાછી આવી રહી છે. તેને ખાતરી થતી જાય છે કે મમ્મીની વાત સાચી છે.આ ઘરમાં મેં કોઈ દિવસ ભીંડી બનતા નથી જોઈ. એટલે કેવિનને ભીંડી ભાવે છે તે પણ એક સપનું હતું. માનવી મનોમન સપના વિશે વિચાર કરી હસવા લાગે છે.

કેવું સપનું હતું? અગિયારમું ટિફિન બનાવવું. કેવિનની ઘરમાં આવવું. મારી મમ્મી સાથે.... માનવી સપનું ભૂલવાની કોશિશ કરી આંખો બંધ કરી એક ઉંડો શ્વાસ લે છે. હે ભગવાન આવું સપનું બીજીવાર બતાવતા પણ નહિ. અને આવું સપનું ક્યારેય સાચું થવા પણ ના દેતા. માનવી મનોમન ભગવાનને પ્રાર્થના કરે છે.

"બેટા એક વાત કહું?"

"હા "

"આ મોંઘવારીમાં દસ ટિફિનથી માંડ પૂરું થાય છે. તો એકબાજુ વિચાર આવે છે કે બીજા પણ ટિફિન ચાલુ કરી દઉં તો બીજી બાજુ મારું શરીર પણ હવે થાકી જાય છે. અને આ ઘરનાં વધી રહેલા ખર્ચા.." નીતાબેન એક નિશાશો નાંખે છે.

"ના હો મમ્મી. દસ ટિફિન બસ છે. એક પણ ટિફિન વધારે નથી કરવાનું. વાત રહી ખર્ચાની તો મેં એક કોલ સેન્ટરમાં એપ્લાય કર્યું છે જેનું કાલે ઇન્ટરવ્યૂ પણ છે. એટલે તું ખર્ચાની ચિંતા ના કર. એ બધું થઈ જશે. તું ખાલી તારી તબિયત પર ધ્યાન આપી." માનવી તેની મમ્મીનો સહારો બનતા એક સાચી વાત કરી રહી છે.

માનવી મનોમન વિચાર કરે છે. મમ્મી મારે કોઈનાં ઘરે કચરા પોતું પણ કરવા પડશે તો હું કરીશ, પણ અગિયારમું ટિફિન તો કોઈ કાળે હું ચાલુ નહિ કરવા દઉં.

                                 ***

સાંજે 7:30 વાગે.

સોમાકાકા રાતના ટિફિન લેવા આવી જાય છે. આમતો તે કોઈ દિવસ ઘરમાં આવતા નથી બહારથી જ ટિફિન લઈને ચાલ્યા જાય છે, પણ આજે ઘરમાં આવે છે.

"બોલો કાકા ચા પીસો કે ઠંડુ?" માનવી સોમાકાકાને પૂછે છે.

"તારે જે લાવવું હોય તે લાવ."

"ચાલો ઠંડો ઠંડો. લીંબુ નો શરબત લાવું." માનવી રસોડામાં શરબત બનવા જાય છે.

"નીતાબેન તમે જે ટિફિનનાં ભાવમાં વધારો કર્યા તો ઘણાં લોકોએ ના પાડી. કે તેમને આ વધારો પોસાય તેમ નથી. તેથી તેમના બે ચારે તો એમ પણ કહ્યું કે જો નીતાબેનને ખરેખર ભાવ વધારવો હોય તો આજપછી આપણું ટિફિન ના લાવતા." સોમાકાકાની વાત સાંભળીને નીતાબેનનાં મોતિયા મરી જાય છે.

"પણ કાકા મને પણ આ મોંઘવારીમાં પોસાવું જોઈને.બીજાના ટિફિન અને મારા ટિફિન જોવો. બંનેની ક્વોલિટીમાં કેટલો ફર્ક હોય છે તે લોકો એટલું પણ નથી સમજતા." નીતાબેન પોતાનો ઉભરો કાઢી રહ્યાં છે.

"એટલે નીતાબેન તમારી પાસે એક રસ્તો છે. જો તે કરી શકતા હોવ તો બીજા 6-7 લોકો ટિફિન બંધાવા મને કહેતા હોય છે. પણ તમે મને ના પાડો છો. એટલે હું પણ ના પાડી દઉં છું. પણ હવે જો તમને વાંધો ના હોય તો બીજા ટિફિન ચાલુ કરી દો." સોમાકાકાની વાત સાંભળીને નીતાબેન કંઈ જવાબ આપે તે પહેલા જ માનવી શરબતનાં ગ્લાસ સાથે 
સોમાકાકાને જવાબ આપી દે છે.

"કાકા દસે દસ ટિફિન બંધ થઈ જશે તો ચાલશે પણ દસ ઉપર અગિયારમું ટિફિન આ ઘરમાં ક્યાંરેય નહિ બને." માનવી નો આત્મવિશ્વાસ ભરેલો જવાબ સાંભળી સોમાકાકા સમજી જાય છે કે માનવી હવે માનવી નથી રહી. તેને પણ તેની મમ્મીની તબિયતની ચિંતા થવા લાગી છે.

સોમાકાકા રાતનાં ટિફિન લઈને ચાલ્યા જાય છે.

"બેટા તે ના કેમ પાડી?"

"તારી તબિયત જોઈને. તે આખી જિંદગી બહુ ટિફિન કર્યા.અને મને ખુશ રાખી હવે મારો વારો છે એક સારી જોબ કરી તને ખુશ રાખવાની."માનવી તેની મમ્મીને ભેટીને ઈમોશનલ થઈ જાય છે. નીતાબેનને પણ મનુ પર ગર્વ થઈ રહ્યો છે.

"મારી મનુ હવે મનુ નથી રહી. પણ માનવી થઈ ગઈ છે."

                              સમાપ્ત 


તમારો અમૂલ્ય પ્રતિભાવ આપવા વિનંતી. કે તમને આ ધારાવાહીક કેવી લાગી.પહેલીવાર આટલી લાંબી ધારાવાહિક લખી છે એટલે ભૂલ ચૂક માફ કરજો. અમે સુધારો વધારો અને સાચો પ્રતિભાવ આપશો. તેવી આશા રાખું છું.🙏🙏🙏