Prem thay ke karay? Part - 43 in Gujarati Love Stories by Tejas Vishavkrma books and stories PDF | પ્રેમ થાય કે કરાય? ભાગ - 43

Featured Books
Categories
Share

પ્રેમ થાય કે કરાય? ભાગ - 43

ગુસ્સો

કેવિનનો અવાજ સાંભળીને નીતાબેનને હૈયે ફાળ પડે છે. કેવિનનાં પપ્પા અને મમ્મી કેવિનનું આવું વર્તન જોઈને વિચારમાં પડી જાય છે.

કેવિન એક પગે લંગડાતો લંગડાતો ડ્રોઈંગરૂમમાં આવે છે.

"શું થયું બેટા?" કેવિનની મમ્મી પૂછે છે.

"મારી અને માનવીની સગાઈ નહિ થઈ શકે!"કેવિન હળવેકથી ધડાકો કરે છે.

કેવિનની વાત સાંભળતા જ માનવીની આંખો પહોળી થઈ જાય છે. નીતાબેનનાં ધબકારા વધી જાય છે. તે મનોમન ભગવાનને પ્રાર્થના કરી રહ્યાં છે."કેવિન માનવી સાથે સગાઈ કરી લે. નહીંતર મારી ઈજ્જત.."
કેવિનનાં મમ્મી પપ્પા એકબીજા સામે જોવે છે.

"હું તને નહતો કહેતો. એકવાર તારા આ રાજકુમારને પૂછી લે. તેને માનવી પસંદ છે કે નહિ નહીંતર પાછળથી ગોટાળા કરશે. પણ નહિ મને તો મારા રાજકુમાર પર પૂરો વિશ્વાસ છે. એ મારી વાત કોઈ દિવસ ટાળે જ નહીં.લે ટાળી હવે.."કેવિનનાં પપ્પાનાં ગુસ્સો કેવિનની મમ્મી પર ફૂટી રહ્યો છે. કેવિનની મમ્મીને કંઈ સમજણ નથી પડી રહી. કે આ બધું શું થઈ રહ્યું છે.

"બેટા કેવિન તને તો માનવી પસંદ છે ને તો પછી તું કેમ ના પાડે છે? " કેવિનની મમ્મી કેવિન પાસેથી ફોસલાવી જવાબ જાણવાની કોશિશ કરી રહી છે.

કેવિનનાં પ્રશ્નનો જવાબ જાણતા નીતાબેન એકદમ મૌન થઈને ઉભા છે. કેવિન તેની મમ્મીનાં કોઈ પ્રશ્નનો જવાબ આપતો નથી. તે આંખો નીચી કરીને ચુપચાપ ઉભો છે.

"બેટા કંઈક બોલીશ તો અમને ખબર પડશે. એમ નેમ શું ખબર પડશે?" કેવિનની મમ્મી ફરીથી કેવિન પાસે તેની ના નો જવાબ જાણવાની કોશિશ કરી રહી છે.

"શું બોલે. નક્કી કોઈ બીજી છોકરી સાથે બહાર લફરું કર્યું હશે. એટલે ભાઈ શું બોલે?" કેવિન તેનાં પપ્પાનો ગુસ્સો જોઈને થોડીકવાર થથરી જાય છે.

"તમે બંને આટલા સમય સુધી સાથે રહ્યાં. એકબીજા સાથે ફર્યા આમ અચાનક એવું તો તને શું થયું કે તે સીધી જ ના પાડી.તું માનવી સામે તો એકવાર જો. તેને તને લઈને કેટલા સપના જોયા હશે. તેનાં પર શું વીતશે એનો તો એકવાર વિચાર કર." કેવિનની મમ્મી કેવિન પાસે જવાબ જાણવાની કોશિશ કરી રહી છે.

"મેં કહ્યું ને મારે માનવી સાથે સગાઈ નથી કરવી." કેવિન આંખો નીચી કરી હળવેકથી જવાબ આપે છે.

"તને કોઈ બીજી છોકરી પસંદ છે?" કેવિનનાં પપ્પાનો ઉંચો થયેલો અવાજ સાંભળીને કેવિન ડરીને હળવેકથી ના કહે છે.

"તો પછી ના કેમ પાડે છે?"

"એ... તો...એ." કેવિન નીતાને પ્રેમ કરે છે. તેવું તેની મમ્મી પપ્પા આગળ કહેતા તેની જીભ થોથવાય રહી છે.

નીતાબેન કેવિનની આ પરિસ્થિતિનો લાભ લઈ આ આખી વાત પર પડદો પાડવાની કોશિશ કરે છે.

"વાંધો નહિ. જો કેવિનને માનવી પસંદ ના હોય તો આપણે કંઈ જબરદસ્તી બંનેનાં લગ્ન ના કરાવાના હોય. એને દિલ ખોલીને વાત કરી એ જ મોટી વાત છે." નીતાબેન પોતાનું મન મક્કમ કરીને આગળ વધી રહ્યા છે.

નીતાબેનની વાત સાંભળીને કેવિનને કંઈ સમજાતું નથી કે તેની નીતા શું કરી રહી છે. તેને સાથ આપી રહી છે કે પછી તેને પોતાનાથી દૂર કરવાની કોશિશ કરી રહી છે. તે જ વિચારમાં તે ખોવાયેલો છે.

"પણ નીતાબેન તમે પોતાના સગા છોકરાની જેમ મારા દીકરાને રાખ્યો. તેને આ વાગ્યું તો પણ તમે તમારા ઘરે લાવીને તેની સારવાર કરાવી. માનવી જેવી રૂપાળી, ભણેલી-ગણેલી દીકરી છે તો પછી આના કરતા કેવી જોઈએ. મારી તો એક વાતની સો વાત કેવિન.. મને તો માનવી પસંદ છે." કેવિનની મમ્મી પોતાનો વિચાર રજૂ કરે છે.

"પણ મને નથી પસંદ. મારે સગાઈ નથી કરવી." કેવિન સહેજ ઉગ્ર થઈને જવાબ આપે છે.

કેવિનનાં પપ્પા કંઈ બોલવા જાય ત્યાં જ નીતાબેન તેમને અટકાવી પોતાની વાત મૂકે છે.

"જોવો કેવિનને માનવી નથી પસંદ તો કંઈ વાંધો નહિ. આજનાં છોકરા છોકરીમાં આ બધું નોર્મલ ચાલતું હોય છે. એટલે મને તો કંઈ વાંધો નથી. એને માનવી ના પસંદ હોય તો. આ તો માનવીની મનની વાત હતી કે તેને કેવિન પસંદ છે અને બંને સાથે ફરે છે. એટલે મને લાગ્યું કે કેવિન પણ મારી દીકરીને પસંદ કરતો હશે. પણ વાંધો નહીં." નીતાબેન મનોમન રાજી થઈ રહ્યાં છે કે ચાલો કેવિન તેનાં મમ્મી પપ્પા આગળ મારા અને તેનાં સબંધની વાત બીકના મારે કરી શકશે નહીં. ને કેવિન આમ પણ માનવી સાથે લગ્ન કરવાનો છે નહિ. એટલે સાપ મરી પણ જાય અને લાકડી ભાંગે પણ નહીં તેવું કામ આપણું થઈ ગયું.

"પણ સાલો મૂંગો એ વાતનો ફોડ તો પાડે ને કે માનવી જેવી દીકરીને ના કેમ પાડે છે?" કેવિનનાં પપ્પા ગુસ્સે થઈ કેવિનને થપ્પડ મારવા જાય ત્યાં માનવી તેમને રોકે છે.

"અંકલ એક મિનિટ. મને ખબર છે કે તે કેમ મારી સાથે સગાઈ કરવાની ના પાડે છે?"

                                                             ક્રમશ :