Ajanabi Mitro in Gujarati Short Stories by S I D D H A R T H books and stories PDF | અજનબી મિત્રો (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-1)

Featured Books
Categories
Share

અજનબી મિત્રો (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-1)

અજનબી મિત્રો (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૧)

પ્રસ્તાવના

પ્રિય વાચકમિત્રો,

આશા છે આપ સૌ સકુશળ હશો.

“લવ રિવેન્જ” નવલકથાની સફર આપણે સૌ સાથે મળીને પૂરી કરી. આ સફર દરમિયાન તમે આ નવલકથાને અને તેના પાત્રોને અનહદ પ્રેમ આપ્યો. લાવણ્યા, સિદ્ધાર્થ, આરવ, અંકિતા, નેહા...વગેરે પાત્રોને તમારા પ્રેમે જ આટલાં ઓળખીતા બનાવી દીધા. હજી પણ અનેક વાચકો મને આ પાત્રો વિશે તેમજ નવલકથા વિશે અનેક પ્રશ્નો પૂછ્યા જ કરે છે. આપ સૌ વાચકોના ઘણા પ્રશ્નોના જવાબો  હજી પણ આપવાના બાકી રહી ગયા છે, જે સમયના અભાવે હું નહોતો આપી શક્યો. ટૂંક સમયમાં વાચકોના શક્ય એટલા બાકી પ્રશ્નોના જવાબ આપવાના પ્રયત્ન કરીશ.

“લવ રિવેન્જ” નવલકથાના પાત્રોને લઈને મેં કેટલીક ટૂંકી વાર્તાઓનો એક સંગ્રહ લખ્યો છે. એ વાર્તા સંગ્રહમાંની જ એક ટૂંકી વાર્તા “અજનબી મિત્રો” છે. આવનારા સમયમાં લવ રિવેન્જ નવલકથાના પાત્રોને લઈને લખેલી એ ટૂંકીવાર્તાઓ હું માતૃભારતી ઉપર શેયર કરીશ. આ સિવાય લવ રિવેન્જની મૂળ વાર્તાની નેક્સ્ટ સિઝન “ન્યુ બિગીનીંગ” પણ માતૃભારતી ઉપર રિલીઝ થશે.

લવ રિવેન્જના “અંકિતા” અને “વિવાનના” પાત્રોને લઈને લખેલી વાર્તા “અજનબી મિત્રો” જે આજે હું આપ સમક્ષ રજુ કરી રહ્યો છું, આશા છે આપ સૌને પસંદ આવશે. આપના કીમતી પ્રતિભાવો કોમેન્ટમાં અવશ્ય આપશો. “લવ રિવેન્જ” વાર્તા અંગે આપનાં પ્રશ્નો આપ મને મારા ઈન્સ્ટાગ્રામ આઈડી ઉપર પણ પૂછી શકો છો.

(નોંધ: આ ટૂંકી વાર્તાને લવ રિવેન્જની મૂળ વાર્તા સાથે કોઈ જ લેવાદેવા નથી).

આભાર : પ્રોફેસર શ્રી બી. એ. રોહિત સર, L.D. Arts, આ વાર્તામાં રહેલી ભૂલો સુધારવા માટે તેમજ આ વાર્તાને L.D. Arts જેવી પ્રતિષ્ઠિત કૉલેજની મેગેઝીનમાં પબ્લીશ કરવા માટે.

“સિદ્ધાર્થ”

****

 

અજનબી મિત્રો (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૧)

 

          “મારી આ જ લાઈફ સ્ટાઈલ છે....!”  

રિવરફ્રન્ટનાં “અપર વૉક વે” ની પાળી પાસે ઊભાં-ઊભાં લક્ષ્ય ઉપરથી દેખાતાં રિવરફ્રન્ટનાં નીચેનાં વૉક વે સામે જોઈ રહ્યો હતો.

          થોડીવાર પહેલાં જ તેનો તેની પત્ની નીરા સાથે ફૉન ઉપર ઝઘડો થયો હતો. નીરાના શબ્દો હજીપણ તેનાં કાનમાં પડઘાઈ રહ્યાં હતાં. અત્યંત આધુનિક અને વધુ પડતી બૉલ્ડ વિચારધારા ધરાવનાર નીરા સાથે આમેય લક્ષ્યને લગ્નના સાતેક મહિના થયા પછી પણ હજી સુધી નહોતું બનતું. તેમની વચ્ચેના આવા ઝઘડાં રોજના થઈ ગયાં હતાં. બે ઘડી પ્રેમની વાતો તો ઠીક, દિવસ આખામાં એકાદ હળવું આલિંગન પણ સાવ “સુકી” નીરા તરફથી લક્ષ્યને કદી નહોતું મળ્યું.

          કૉલેજમાં સાથે ભણતાં પ્રેમ થયો અને બંનેનાં પરિવારોની સહમતીથી સાતેક મહિના પહેલાં જ તેઓએ ધામધૂમથી લગ્ન કરી લીધા હતાં. લગ્ન કરતાં પહેલાં જ નીરાએ લગ્ન પછી અલગ રહેવાની શરત મૂકી હતી. જે લક્ષ્ય અને તેના પરિવારે થોડી આનાકાની પછી સ્વીકારી લીધી હતી. અમદાવાદ શહેરના પોર્શ અને મોંઘા કહેવાય તેવા બોપલ એરિયામાં તેમનો પોતાનો બંગલો હતો જેમાં તે બંને પતિ-પત્ની સિવાય ત્રીજું કોઈ નહોતું રહેતું.

          લક્ષ્યે પોતે પોતાનાં દમ ઉપર ફેબ્રિકેશનનો બિઝનેસ શરૂ કર્યો હતો. શરૂઆત હોવાથી ધંધો હજી બરાબર જામ્યો નહતો. આમ તો લક્ષ્ય પોતે પૈસાદાર પરિવારનો હતો. છતાય, પિતાના વ્યવસાયથી દૂર રહેવાનું મન અને પોતાનાં બળે કઈંક કરવાની ઈચ્છાને લીધે તેણે સ્વબળે ધંધો શરૂ કર્યો હતો.

          અત્યંત મોડર્ન અને બૉલ્ડ વિચારધારા ધરાવનાર નીરા લગ્ન પછી લક્ષ્ય સાથે જુદાં ઘરમાં રહેવાનું મળતાં વધુ ને વધુ બેફામ બની હતી. કૉલેજના મિત્રો સાથે લગભગ રોજે રખડવું, પાર્ટી કરવી, હોટલોમાં જમવું વગેરે હાઈપ્રોફાઇલ લાઈફ સ્ટાઈલ જીવતી નીરાના પગ ઘરમાં ટકાતા જ નહોતા. પોતે મોર્ડન હોવાને નામે પુરુષ મિત્રો સાથે તેણીનું વધુ પડતું છૂટછાટ ભર્યું વર્તન લક્ષ્યથી સહન નહોતું થતું અને નીરાની ખર્ચાળ મોડર્ન લાઈફ સ્ટાઈલ પરવરડતી નહોતી. ધંધાની શરૂઆત હોવાથી લક્ષ્ય શક્ય એટલાં પૈસા બચાવવાનો પ્રયત્ન કરતો અને નીરાને પણ એ જ સમજાવતો. લક્ષ્યની વાત સમજવાની જગ્યાએ ઊલટું નીરા પોતાનાં અમીર પિતા પાસેથી પૈસાં લઈ લેતી અને પોતાનાં પુરુષ મિત્રો સાથે જલસાથી રાખડી ખાતી. લક્ષ્યને કહ્યા વગર તે ઘણીવાર પુરુષ મિત્રોના ગ્રુપ સાથે અમદાવાદ બહાર ટૂર ઉપર ફરવા નીકળી જતી. ગોવા જવી જગ્યાએ જઈ તેઓ ચિક્કાર દારુ પીતા અને ક્યારેક તો દિવસોથી નીરા તેઓની સાથે રખડ્યા કરતી. લગ્ન પછી હનીમૂન બાદ નીરા તેના અસ્સલ સ્વરૂપમાં આવી ગઈ હતી અને બેફામ બની હતી. હનીમૂન બાદ બંને વચ્ચે ભાગ્યેજ મધુરજનીનો “પ્રસંગ” બન્યો હશે. એમાંય છેલ્લા બે મહિનાથી તો લક્ષ્ય અને નીરા એક દિવસ માટે પણ એક નહોતા થયા.

આ બધી વાતોને લઈને તેમની વચ્ચે લગભગ રોજના દરે ઝઘડો થતો. થોડા કેટલાક વખતથી નીરાએ પોતાનાં પુરુષ મિત્રોના ગ્રૂપને બોપલના બંગલે જ બોલાવી પાર્ટીઓ કરવાનું શરૂ કરી દીધું હતું. બેફામ નીરા લક્ષ્યને ગાંઠતી નહોતી તો સામે લક્ષ્ય પણ ખોટી બાબતો ચલાવી લેવામાં માનતો ન હોવાથી તેમની વચ્ચે દરરોજના ઝઘડા કાયમી થઈ ગયા હતાં. બંનેમાંથી કોઈ પણ નમતું જોખવાં તૈયાર નહોતું. નીરાથી મન ઉતરી ગયું હોવાથી લક્ષ્ય હવે તેણીથી છૂટવા માંગતો હતો પણ તે જાણતો હતો કે ડિવોર્સની વાત કરતાં જ નીરા પોતાની લાઈફ સ્ટાઈલને અનુરૂપ ભરણપોષણનો મોટો દાવો માંડશે. અને હાલ લક્ષ્યનું “લક્ષ્ય” પોતે ચાલુ કરેલા ફેબ્રીકેશનના ધંધાને આગળ વધારવાનું હોઇ છૂટાછેડાનું આર્થિક નુકશાન તેને પરવડે એમ નહોતું.

          રોજના આવા ઝઘડાઓથી કંટાળતો લક્ષ્ય સાંજે ઓફીસથી નીકળી રીવરફ્રન્ટ ઉપર આવી જતો. અહીની એકલતા હવે તેને “શાંતિ” બક્ષતી હતી. ધીરે-ધીરે અહિયાં આવવું લક્ષ્ય માટે નિત્યક્રમ બની ગયો. તે ક્યાંય સુધી અહિયાં એકલો ઉભો રહેતો અને સાબરમતી નદી, રિવરફ્રન્ટ, સામેની બાજુ દેખાતો શહેરનો નજારો વગેરે માણતો. તેને આ બધું હવે નીરા કરતા વધુ સુંદર લાગતું. એવું નહોતું કે લક્ષ્ય મોડર્ન નહોતો, પરંતુ મોડર્ન હોવાને નામે તે નીરાની બેફામ કે ઉડાઉ નહોતો. તેનાં ગ્રુપમાં પણ છોકરીઓ હતી, ઘણી છોકરીઓ નીરા જેવી મોડર્ન હતી અને કૉલેજ વખતે અમીર એવા લક્ષ્યની પાછળ પડેલી હતી. છતાંય લક્ષ્ય ક્યારેય એ બધામાં નહોતો પડ્યો. આમ છતાંય, તેને એ નહોતું સમજાતું કે પોતે નીરને ઓળખવામાં ક્યાં થાપ ખાઈ ગયો. કૉલેજમાં નીરા આટલી બેફામ નહોતી. ઉલટું તે લક્ષ્યને એ સમયે એવી જ લાગી હતી જેવી તેને જોઈતી હતી. લગ્ન પછી નીરા જાણે આખી બદલાઈ જ ગઈ હતી.

સાંજ ઢળી ગઈ હતી. શિયાળાની સિઝન હતી અને અત્યંત ઠંડો પવન વાઇ રહ્યો હતો. રિવરફ્રન્ટનાં એ ઉપરનાં ભાગેથી નીચેનાં ભાગનો સરસ મજાનો વ્યૂ દેખાતો હતો. સૂર્ય વહેલો આથમી ગયો હોવાથી રિવરફ્રન્ટ રોશનીથી ઝળહળી ઉઠ્યો હતો. ડિસેમ્બર મહિનાનો આકરો શિયાળો હોવાને લીધે રિવરફ્રન્ટ ઉપર મોટેભાગે પાંખી કહી શકાય તેટલી પબ્લિક હતી.

વિચારે ચઢેલા લક્ષ્યની નજર હવે સામે સાબરમતી નદીના પાણી ઉપર પડી. રિવરફ્રન્ટ ઉપર કરવામાં આવેલી રોશની, નદી ઉપર બનેલા અનેક બ્રિજની રોશનીમાં કાળું દેખાતું નદીનું પાણી હાલક-ડોલક થતું દેખાતું હતું. નદીના સામેના કિનારે  જંગલના ઊંચા વૃક્ષોની ઘાટી જેવી દેખાતી અમદાવાદ મહાનગરની ઊંચી ઇમારતોમાં આગિયાની જેમ લાઈટના ગોળા ટમટમતા દેખાતાં હતાં. ઠંડીને કારણે ઓછી ભીડ હોવાથી અહિયાં ઘોંઘાટ ઓછો હતો. ઘોંઘાટથી દૂર હોવા છતાય લક્ષ્યના મનમાં “નીરાનો ઘોંઘાટ” શમતો નહોતો. ઓફિસે પણ કામનો બોજ હોવાથી લક્ષ્ય કામથી પણ થાક્યો હતો. બંને બાજુથી ઘેરાયેલો હોવાથી લક્ષ્ય અત્યંત મનોભાર અનુભવી રહ્યો હતો. થાકેલો હોવાં છતાંય લક્ષ્ય બેસવા માટે બનવાયેલી સિમેન્ટની બેઠક ઉપર શાંતિથી બેસવાની જગ્યાએ ક્યારનો ઊભાં-ઊભાં વિચારોમાં ખોવાયેલો હતો. ઠંડી જાણે વર્તાતી જ ન હોય કે પછી નીરાનાં વિચારોએ મચાવેલાં તોફાનને લીધે જાણે ભૂલી ગ્યો હોય એમ લક્ષ્ય પોતાનું બ્લેઝર હાથમાં કોણીએ લટકાવીને ઉભો હતો.             

          “સમજે છે શું પોતાને.....! હુંહ....!”

          લક્ષ્ય વિચારોમાં ખોવાયેલાં હતો ત્યાં જ ઘાંટા પાડીને બોલતી કોઈ યુવતીના સ્વરથી તેનો વિચારભંગ થયો. વિચારોમાંથી બહાર આવી લક્ષ્યે જોયું તો બાજુમાં કોઈ યુવતી આવીને ઊભી હતી. પીળા કલરનું ઢીંચણથી સહેજ ઊંચું ફ્રૉક સ્ટાઈલ વન પીસ ડ્રેસ, મધ્યમ લાંબા છુટ્ટાવાળ, સુંદર નમણો ચેહરો, બદામ જેવી અણીદાર આંખો, સીધું નાક અને ગોરો વાન. તે દેખાવાડી હતી. તેણીએ ખભે લાલ કલરનું મોટું હેન્ડબેગ ભરાવ્યું હતું.

          “હું કઈં એનું રમકડું છું....!”  એ યુવતી પણ નદીના સામેનાં કિનારે દેખાતાં શહેર તરફ જોઈ રહીને ઘાંટા પાડી-પાડીને બોલી પછી જોડે ઉભેલા લક્ષ્ય સામે જોઈને બોલવા લાગી “એ જેમ રમાડે એમ મારે રમાવાનું...! હેં..!?”

          “અમ્મ....સોરી....!” લક્ષ્ય જાણે પોતે ગુનેગાર હોય એમ ગભરાઈ ગયો અને તેનાથી બોલાઈ ગયું.

          ગુસ્સાથી લાલચોળ થઈ ગયેલાં ચેહરે એ યુવતી લક્ષ્ય સામે ઊંડા-ઊંડા શ્વાસ લઈ એકાદ બે ક્ષણ જોઈ રહી.  પછી લક્ષ્યનો ડરી ગયેલો ચેહરો જોઈ ખડખડાટ હસી પડી.

          “હા....હા....હા......!”

          તેણીને હસતાં જોઈને લક્ષ્યને થોડી હાશ થઈ. થોડીવાર સુધી તે ખડખડાટ હસતી રહી. પછી લક્ષ્ય સામે એક નજર ઉપરથી નીચે જોયું.

સ્કાય બ્લૂ શર્ટ, ગળામાં ઢીલી ટાઈ, નીચે નેવી બ્લ્યુ પેન્ટ, ફોર્મલ શૂઝ, હાથમાં નેવી બ્લ્યુ બ્લેઝર લટકાવીને ઉભેલાં લક્ષ્યને જોતાં જ તે સમજી ગઈ કે તે યુવાન ઓફિસેથી સીધો જ અહિયાં આવ્યો હશે.

          એક નજર તે યુવતીએ પાછું સામે દેખાતા અમદાવાદના શહેરના વ્યૂ તરફ જોયું. સામે ટમટમતા તારા જેવી દેખાતી શહેરની નાની-નાની બિલ્ડીંગો અને તેની લાઈટો સામે જોઈ તેણીએ પાછું લક્ષ્ય સામે જોયું.

          “સુસાઈડ કરવા આયો ‘તો....!?” તેણીએ પૂછ્યું.

          “વ્હોટ....!? ના અવે....!” તેણીએ અચાનક આવો પ્રશ્ન પૂછતાં લક્ષ્યને આશ્ચર્ય થયું અને તરત જ નકારતો હોય એમ માથું ધુણાવીને બોલ્યો “કોઈ શાંતિથી આઈને ક્યાંય ઊભું પણ ના રે’ કઈં...!?”

          “ શાંતિ માટે કોઈ અહિયાં આવે....!?” તેણીએ ટોન્ટમાં પૂછ્યું “રિવરફ્રન્ટ જેવાં પબ્લિક પ્લેસ ઉપર...!?”

          “ઠંડીને લીધે અત્યારે અહિયાં ભીડ ઓછી છે...તો....!”

          “તો સુસાઈડ કરતાં કોઈ રોકે નઈ...!” લક્ષ્યનો ઈરાદો પકડી પાડ્યો હોય એમ એ છોકરી તરત જ વચ્ચે બોલી પડી “નઈ....!?”

          “અહિયાં પાછળ  આશ્રમ રોડ  ઉપર ઘણી બધી હોટલ છે....!” લક્ષ્ય પાછળની દિશા તરફ હાથ કરીને બોલ્યો “હું રોજે એમાંથી કોઈકમાં જમવા આવું છું....!”

             “કેમ...ઘેર વાઈફ જમવાનું નઈ બનાઈ આપતી....!?” તેણીએ વધુ એકવાર ટોન્ટ માર્યો.

          “આજની કઈ છોકરીને હસબન્ડ માટે જમવાનું બનાવવાનું ગમે....!? અને કઈ વાઈફ જમવા માટે હસબન્ડની રાહ જોવે....!?”   લક્ષ્યે પણ ચિડાઈને સામો ટોંન્ટ માર્યો.

          “તો તમે અહિયાં હોટલોમાં જમી-જમીને પેટ ભરીને જાઓ.....તો શું કરવા તમારી રાહ જોવે...!?” તે યુવતી એક ડગલું આગળ આવીને લક્ષ્યને ધમકાવતી હોય એમ ઘાંટો પાડીને બોલી “એ કઈં રમકડું છે તમારું....!? કે તમે જેમ ચાવી ભરો એમ બિહેવ કરે...!? હેં...!?”

          “સ...સોરી...!” લક્ષ્ય ગભરાઈ ગયો હોય એમ સહેજ પાછું ખસ્યો અને બોલ્યો.

          “હી...હી....હી....!” લક્ષ્યનો એવો ગભરાયેલો ચેહરો જોઈને એ યુવતી પાછું ખડખડાટ હસી પડી.

          લક્ષ્યે ચિડાઈને નજર ફેરવી લીધી અને પાછું સામેનાં કિનારાના શહેરના વ્યૂ તરફ જોવા લાગ્યો.

          તે યુવતી પણ મૌન થઈ ગઈ અને સામેની બાજુ જોવા લાગી. થોડું ઘણું હસ્યાં પછી તેણીનું મન હળવું થયું હતું. તેણીએ નજર ફેરવીને પાછું લક્ષ્ય સામે જોયું. લક્ષ્યના ચેહરા ઉપરના પરેશાન ભાવો જોઈને તેણીને દયા આવી ગઈ.

          “અમ્મ....ઝઘડો થયો...!?” તે યુવતીએ લક્ષ્યને સહેજ ખચકાટ સાથે પૂછ્યું.

          “રોજનું છે....!” લક્ષ્ય નીરસ સ્વરમાં તેણી સામું જોઈ બોલ્યો અને પછી નજર સામેની તરફ ફેરવી લીધી.

          “મારે પણ....!” એ યુવતી પણ ગમગીન સ્વરમાં બોલી અને શહેર સામે જોવા લાગી “બધા જ છોકરાઓ એક જેવાં હોય છે....!”

          “છોકરીઓ પણ....!” લક્ષ્ય પણ એવા જ સ્વરમાં બોલ્યો.

          તે યુવતીએ મોઢું ચઢાવીને શહેર સામે જોવા માંડ્યુ. થોડીવાર સુધી તેઓ મૌન થઈ ગયાં. આજના દરેક યુવાનોની જેમ પોતાનું દુ:ખ કોને કહેવું એ અંગે બંનેના મનમાં એક સરખી મૂંઝવણ હતી. 

          “એ ઈચ્છે છે કે હું આખો દિવસ ઘરના ઢસરડાં કર્યા કરું....!” થોડીવાર પછી એ યુવતી બોલી અને લક્ષ્યે તેણી સામે જોયું.

          “અંકિતા મારુ નામ....!” તે યુવતીએ લક્ષ્ય સામે જોઈને પોતાની ઓળખાણ આપતી હોય એમ કહ્યું.

          તે યુવતી અંકિતાના ચેહરા સામે લક્ષ્ય કેટલીક ક્ષણો જોઈ રહ્યો. તેણીના ચેહરા ઉપર તેને પીડાના ભાવો દેખાયાં. બોલવા માટે તે હોંઠ ફફડાવી રહી હોવાનું લક્ષ્યને લાગ્યું. પરંતુ લક્ષ્યે હજી સુધી પોતાની ઓળખાણ આપી ન હોવાથી તે કદાચ ખચકાઈ રહી હતી.

          “લક્ષ્ય....!” પોતાની ઓળખ આપતા લક્ષ્ય બોલ્યો અને પરાણે ઔપચારિક સ્મિત કર્યું.

          અંકિતાને હાશ થઈ હોય એમ તેણીએ ઊંડો શ્વાસ ભર્યો. બંને પોત-પોતાના વિષે થોડી વધુ ઔપચારિક વાતો એકબીજાને કહી. અંકિતાને લક્ષ્ય એક ભલો અને ભરોસાપાત્ર છોકરો લાગ્યો તો સામે લક્ષ્યને પણ અંકિતા થોડી મહત્વકાંક્ષી પણ ખાનદાની છોકરી લાગી. ઔપચારિક ઓળખાણ પછી બંનેને એકબીજા ઉપર થોડો વધુ વિશ્વાસ બેઠો અને તેમની વચ્ચે અજાણતા મિત્રતા બંધાઈ.   

          “ઓકે...! હું તને મારી વાત શેયર કરીશ...!” અંકિતા બોલી “પણ કેટલાક રૂલ્સ ફોલો કરવાના...!”

          લક્ષ્યે સ્મિત કરીને હકારમાં માથું ધુણાવ્યું. અંકિતાએ ઈશારો કર્યો અને બાજુમાં દેખાતી સિમેન્ટની બેઠક ઉપર બેસવા માટે કહ્યું. રિવરફ્રન્ટના એ ઉપરના રસ્તે એક બાજુએ દર થોડા અંતરે આવી સિમેન્ટની બેઠકો બનાવેલી હતી. તેઓ જે બેઠક પાસે ઊભા હતાં ત્યાં આજુબાજુ લગભગ કોઈ નહોતું. બેઠક ઉપર એકબીજાથી થોડું અંતર રાખી તેઓ બેઠા અને વાતો કરવા લાગ્યાં.   

          “ફર્સ્ટ રૂલ...! તારે પણ મારી સાથે તારી વાત શેયર કરવાની...!” અંકિતા બોલી.

          લક્ષ્યે હકારમાં માથું ધુણાવ્યું.

          “સેકન્ડ...આપણાં બેયમાંથી કોઈ કોઈનો મોબાઈલ નંબર નઈ માંગે....! સોશિયલ મીડિયા ઉપર એકબીજાને ફોલો પણ નઈ કરે...!”

          “ઓકે...!” લક્ષ્ય બોલ્યો.

          “એકબીજા ઘરના એડ્રેસ પણ નઈ પૂછવાના....!” કોઈ ટીચરની જેમ સમજાવતી હોય એમ હાથ કરીને અંકિતા બોલે જતી હતી અને લક્ષ્ય કોઈ વિદ્યાર્થીની દરેક વખતે સહમતીમાં માથું ધુણાવતો “એકબીજાની ઓફિસના એડ્રેસ પણ નઈ...!”

          “હમ્મ...!”

          “કોઈ વાતે ખોટું નઈ લગાડવાનું....કોઈ એક્સ્પેક્ટેશન પણ નઈ રાખવાની....! ક્યારેક આપડે આપડા ફેમેલી સાથે નીકળ્યાં હોય અને જો સામા મળી જઈએ....તો આપડે એકબીજાને નથી ઓળખાતા ઓકે...!?”

          “ઓકે...!”

          “અને પોતાની વાત કહેવા માટે જ્યારે મૂડ હોય કે કમ્ફર્ટેબલ ફીલ થતું હોય...તો જ કહેવાનું...!” અંકિતા બોલી “કોઈએ કોઈ જ વાત માટે એકબીજાને ફોર્સ નઈ કરવાનો.....! અને આપડે રોજે અહિયાં જ મળીશું...! અને આ બેઠક ઉપર બેસસું...! જો કોઈ ના આવે તો બીજા દિવસે એનું કારણ નઈ પૂછવાનું...! હા...ઈચ્છા હોય તો સામેથી શેયર કરી શકાય...!”

          લક્ષ્યે પોતાનો અંગુઠો બતાવી થમ્સ અપની સાઇન બતાવી. એક પછી એક અંકિતાએ તેમની અજાણી ફ્રેન્ડશિપ માટે ઘણા બધા રૂલ્સ કહ્યાં. હકારમાં માથું ધુણાવતા રહી લક્ષ્યે બધામાં સહમતી દર્શાવી.

          “ટૂંકમાં આપણે બેય એકબીજા માટે totally unknown રહેવાનુ...!” અંકિતા બોલી “એટ્લે કે અજનબી...!”    

          “ફાઇન...!” લક્ષ્યે સ્મિત કર્યું અને બોલ્યો.

          “અને હા સહુથી મોટો અને ઇમ્પોર્ટન્ટ રૂલ...!” અંકિતા હવે સહેજ ગંભીર સ્વરમાં બોલી “બંનેમાંથી જો કોઈને પણ એકબીજા માટે ફ્રેન્ડશીપથી વધારે કોઈ “અધર ફીલિંગ”  આવે....!”

          પોતાના બંને હાથની આંગળીઓ હવામાં ઊંચી કરી અંકિતાએ અવતરણ ચિન્હોની નિશાની કરીને કહ્યું-

          “તો એ દિવસથી ફ્રેન્ડશીપ પૂરી....! એ વ્યક્તિએ અહિયાં આવવાનું બંધ કરી દેવાનું....! એટ્લે બીજી વ્યક્તિ સમજી જાય કે શું થયું હશે....! ઓકે...!?”

          “સારું....!” લક્ષ્ય પણ માથું હલાવીને બોલ્યો.

          “હવે આજે લેટ થઈ ગ્યું છે...તો કાલે મળીએ...અહિયાં જ ઓકે....!” પોતાના કાંડે બાંધેલી નાના ડાયલવાળી લેડિઝ વૉચ સામે જોઈ અંકિતા બોલી.

          “હમ્મ...!” લક્ષ્ય સ્મિત કરીને બોલ્યો.

          બીજા દિવસે મળવાનું નક્કી કરી બંને છૂટા પડ્યાં.

***

          “સાડા સાત થઈ ગ્યાં....! અંકિતા હજી ના આઈ...!?”  પોતાના કાંડે બાંધેલી વૉચ સામે જોઈને લક્ષ્ય બબડ્યો.

          રોજની જેમ જ તે પાછો રિવરફ્રન્ટ પર એજ જગ્યાએ આવીને ઊભો હતો અને રાત્રે સામેના કિનારે દેખાતાં શહેરના વ્યૂ સામે જોઈ રહ્યો હતો. અંકિતા હજી આવી નહોતી. બંને વચ્ચે ત્રણેક મહિનાથી અજાણી મિત્રતા બંધાઈ હતી. લગભગ દરરોજ સાંજે તેઓ રિવરફ્રન્ટ ઉપર એ જ જગ્યાએ મળતાં. અને ત્યાં એ બેઠક ઉપર બેસીને પોત-પોતાની લગ્ન લાઈફમાં ચાલતી પ્રોબ્લેમ્સ એકબીજા જોડે શેયર કરી મનનો ભાર હળવો કરતાં.

          બંને હવે એકબીજા વિષે ઘણું શેયર કરી ચૂક્યા હતાં. લક્ષ્યે જાણ્યું હતું કે અંકિતા એક મહત્વકાંક્ષી યુવતી હતી અને પોતાનાં કૅરિયરમાં આગળ વધવા માંગતી હતી પરંતુ સાસરીમાં તે પોતાનાં પરિવારને પણ સાચવવા ઇચ્છતી હતી. એકલા હાથે તે બધુ પહોંચી વળે એમ ન હોવાથી પોતાનાં હસબન્ડ વિવાનનો સાથ ઝંખતી હતી. સામે વિવાન ટ્રેડીશનલ હોવાને નામે વધુ “માવડિયો” હતો. તે ઈચ્છતો હતો કે એક કહ્યાગરી “ભારતીય નારી” ની જેમ અંકિતા સાસુ-સસરાનાં અને ઘરના અન્ય સભ્યોનાં ઢસરડાં કર્યા કરે. તે અંકિતાને જોબ છોડી દેવા દબાણ કરતો હતો અને ઘરમાં રહીને “હાઉસ વાઈફ” બનવા દબાણ કરતો.

 લક્ષ્યે પણ પોતાનાં નીરા સાથેનાં પોતાના સૂકાં અને અશાંત લગ્ન જીવન વિષે જણાવ્યુ હતું. લક્ષ્ય પાસે પોતાના જીવન વિશે શેયર કરવા માટે ઘણું ઓછું હતું તો અંકિતા પાસે ઘણું બધુ. આથી મોટેભાગે રોજે તેઓ અંકિતાની પ્રોબ્લેમ્સ વિષે જ ચર્ચા કરતાં અને એ પ્રોબ્લેમ સોલ્વ કરવા લક્ષ્ય અંકિતાને પોતાને સૂઝે એવો કોઈ ઉપાય સૂચવતો. ત્રણેક મહિનાની ફ્રેન્ડશીપમાં તેઓ અંકિતાએ નક્કી કરેલાં નિયમોને મોટેભાગે વળગી રહ્યાં હતાં. ક્યારેક ભૂખ લાગે તો તેઓ આશ્રમ રોડ ઉપર આવેલી કોઈ હોટલમાં ડિનર પણ કરી આવતાં. એકાદ બે વખત બહુ કંટાળો આવતાં તેઓ મૂવી પણ જોઈ આવ્યાં હતાં. પોતાની સમસ્યાઓ એકબીજાના મનનું દુ:ખ શેયર કરવાથી બંને હળવાશ અનુભવતાં. પછીના દિવસે મળવાનું નક્કી કરી તેઓ રોજે છૂટાં પડતાં. બંને એકબીજા વિષે હવે ઘણું જાણતાં હતાં, છતાય અંકિતાએ નક્કી કરેલાં રૂલ્સને લીધે તેમની પાસે એકબીજાનો કોન્ટેકટ થઈ શકે એવાં કોઈ નંબર, સોશિયલ મીડિયા કે બીજું કોઈ માધ્યમ ન હોવાથી તેઓ એકબીજાથી હજીપણ અજાણ્યાં હતાં.  

          “બઉ લેટ થઈ ગ્યું....!” થોડી વધુ વાર વીતી જતાં વૉચ સામે જોઈને લક્ષ્ય બબડ્યો અને શહેરની લાઈટો તરફ જોઈ અંકિતાની રાહ જોઈ રહ્યો.       

          થોડીવાર પછી તેણે એ બેઠક સામે જોયું. છેલ્લાં ત્રણેક મહિનાથી અંકિતા સાથે અહિયાં બેસવું અને વાતો કરતાં રહેવું એ નિત્યક્રમ થઈ ગયો હતો.     

          પાછું ફરી ત્યાં સુધી આવવાના રસ્તા તરફ લક્ષ્ય ઘણીવાર જોઈ લેતો. અંકિતા એ તરફથી જ રોજે આવતી હતી. સામેની બાજુ જોઈ લક્ષ્ય ફરીવાર અંકિતા વિશે વિચારે ચઢી ગ્યો. તે વિચારોમાં ખોવાયેલો હતો ત્યાં થોડીવાર પછી અંકિતા તેની જોડે આવીને ઊભી રહી.  

           “અરે બાપરે...!”  અંકિતાને જોતાં જ લક્ષ્ય બોલી પડ્યો.

          લક્ષ્યે જોયું કે અંકિતાનાં ચેહરા ઉપર જખમોનાં નિશાન હતાં આ સિવાય નજર ફેરવતાં તેને અંકિતાનાં શરીર ઉપર ગરદન, હાથ વગેરે જગ્યાએ પણ ઉઝરડાં દેખાયાં. લક્ષ્યની જોડે ઊભાં-ઊભાં અંકિતા ક્યાંય સુધી મૌન થઈને શહેર સામે જોઈ રહી. તેણીનો ચેહરો નિરાશ હતો. વાત જાણવા આતુર લક્ષ્ય પરેશાન ચેહરે અંકિતા સામે જોઈ રહ્યો. અંકિતાએ નક્કી કરેલાં રૂલને લીધે ઈચ્છવા છતાંય લક્ષ્યે સામેથી કશું ના પૂછ્યું અને અંકિતા બોલે એની રાહ જોઈ રહ્યો.

          “શું થયું...!?” ક્યાંય સુધી અંકિતા કશું નાં બોલતા લક્ષ્યે છેવટે પૂછી લીધું.

          અંકિતા છેવટે ભાંગી પડી અને લક્ષ્યને વળગીને રડી પડી. અંકિતાનાં અજાણ્યાં સ્પર્શથી લક્ષ્યનું આખું શરીર ધ્રુજી ઉઠ્યું. રડતાં-રડતાં અંકિતાએ બધી વાત કહી સંભળાવી.

          અંકિતાના સાસરિયામાં બધા બાળક લાવવા માટે ફોર્સ કરી રહ્યાં હતાં. કેરિયરમાં આગળ વધવાની ઈચ્છા હોઈ અને લગ્નને હજી માંડ દોઢ વર્ષ થયું હોવાથી અંકિતા બાળક નહોતી ઇચ્છતી. અગાઉ પણ અનેકવાર તે પોતાની ઈચ્છા સ્પષ્ટ કહી ચૂકી હતી. લગ્ન પહેલા પણ તેણી વિવાનને આ બાબતે સ્પષ્ટતા કરી ચૂકી હતી. છતાંય એ વખતે અંકિતાની વાત ઉપર સહમત થયા પછી પણ વિવાન લગ્ન પછી પોતાનાં મા-બાપની “હા” માં “હા” મિલાવી રહ્યો હતો અને બાળક લાવવા માટે જીદ કરી રહ્યો હતો. આટલું ઓછું હોય એમ નોકરીનાં સ્થળે અંકિતાનું કોઈ યુવાન સાથે લફડું છે એવો આરોપ પણ લગાવી તે અંકિતાને જોબ છોડી દેવા દબાણ કરી રહ્યો હતો. તેમનાં ઘરેલું ઝઘડામાં આજે છેલ્લું પગલું પણ વિવાને ભરી લીધું હતું અને અંકિતા સાથે ભયંકર મારઝૂડ કરી હતી. લક્ષ્યે તેણીને પોલીસ ફરિયાદ કરવા જણાવ્યું હતું. ઘણું વિચાર્યા પછી અંકિતાએ ના પાડી દીધી હતી. રાતના દસ વાગતા બંને બેઠક ઉપરથી ઊભાં થયાં અને ઘરે જવા લાગ્યાં.           

          “તારી સાથે વાત કરીને તોય મને હવે મારો દુખાવો ઓછો થયો હોય એવું લાગે છે...!” જતાં-જતાં અંકિતા દર્દભર્યું હળવું સ્મિત કરીને બોલી.

          તેણીના ચેહરા ઉપર આવી ગયેલાં પોતાનાં માટે સહેજ જુદા ભાવો લક્ષ્ય ઓળખી ગયો. તે પણ દર્દભર્યું હસ્યો.

          “હું થોડીવાર પછી જઈશ...!” લક્ષ્ય બોલ્યો “મારે હજી થોડું બેસવું છે....!”

          હકારમાં માથું હલાવી અંકિતાએ હળવું સ્મિત કર્યું અને પાછી ફરીને જવા લાગી. અંકિતા દેખાતી બંધ થઈ ત્યાં સુધી લક્ષ્ય તેણીને જતી જોઈ રહ્યો. અંકિતાનાં ગયાં પછી તે ખાસું એ બેઠક ઉપર બેસી રહ્યો અને અંકિતા વિષે વિચારી રહ્યો.

          રાતના મોડું થઈ જતાં પત્ની નીરાનો કૉલ આવતાં તેના વિચારો ભંગ થયાં અને છેવટે તે બેઠક ઉપરથી ઊભાં થઈ જવા લાગ્યો.

          થોડું ચાલી પાછું જોઈ તેણે ફરી એ બેઠક તરફ જોયું જેની ઉપર તે અને અંકિતા છેલ્લાં ત્રણેક મહિનાથી રોજે બેસતાં અને પોતાની વાતો શેયર કરતાં. ક્યાંય સુધી તે એ બેઠક તરફ જોઈ રહ્યો અને પોતાનાં મનમાં ઉઠતાં ભાવો વિશે અને અંકિતાનાં ચેહરા ઉપર જતી વખતે જોયેલાં એ ભાવો વિશે વિચારતો રહ્યો. શિયાળાની ઠંડી ઋતુ વિદાય લઈ રહી હતી અને બદલાયેલી હળવી ગરમ-હૂંફાળી હવા “નવી ઋતુનું આગમન” સૂચવી રહી હતી. 

          કઈંક આવી જ બદલાયેલી ગરમ હુંફ જ્યારે અંકિતા તેને વળગીને રડી પડી ત્યારે લક્ષ્યે અનુભવી હતી. અને અંકિતાએ પણ કદાચ એવું જ ફીલ કર્યું હશે.  

           છેવટે અંકિતાએ નક્કી કરેલો સહુથી મોટો અને ઇમ્પોર્ટન્ટ રૂલ લક્ષ્યને યાદ આવી ગયો.

          “I’m sure તને પણ રૂલ યાદ હશે અંકિતા.....!” બેઠક તરફ જોઈને લક્ષ્ય મનમાં બોલ્યો અને પાછું ફરીને ત્યાંથી ચાલ્યો ગયો. 

***

          ઋતુ બદલાઈ ગઈ અને બદલાતી રહી.

          પરંતુ ત્યાર પછીના દિવસથી કોઈ જ દિવસે એ બેઠક પર બે માંથી કોઈ બેસવા નહોતું આવતું.  

****

“સિદ્ધાર્થ”

instagram@siddharth_01082014