Zarukho (Stories of the characters of Love Revenge-2) in Gujarati Short Stories by S I D D H A R T H books and stories PDF | ઝરુખો (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-2)

Featured Books
Categories
Share

ઝરુખો (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-2)

ઝરુખો (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-2)

પ્રસ્તાવના

આપ સૌ વાચકોએ લવ રિવેન્જ નવલકથાને મારી કલ્પના બહારનો જે આવકાર આપ્યો એ ખરેખર ખૂબ મોટીવેશનલ છે. ઘણા વાચકોએ લવ રિવેન્જ નવલકથાને “દિલથી લખેલી નવલકથા” પણ કહી અને સાથે-સાથે વિનંતી પણ કરી કે લવ રિવેન્જ નવલકથાના પાત્રોને નવી વાર્તા સાથે રજુ કરવા. અગાઉ અંકિતા અને વિવાનના પાત્રોને લઈને “અજનબી મિત્રો” નામની લઘુકથા હું રીલીઝ કરી ચુક્યો છું. હવે લવ રિવેન્જ નવલકથાના અન્ય બે પાત્રો “પ્રેમ” અને “રોનક”ને લઈને હું અહિયાં એક નવી જ લઘુવાર્તા આપ સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. આશા છે આપ સૌને પસંદ આવશે. આપના અમૂલ્ય પ્રતિભાવો કોમેન્ટમાં અવશ્ય આપશો. (નોંધ: આ ટૂંકીવાર્તા “અજનબી મિત્રો” ની જેમ લઘુકથા હોવાથી માત્ર આ એક જ પ્રકરણ પ્રકાશિત થશે.).

“સિદ્ધાર્થ”

ઝરુખો (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-2)

આજે વર્ષો બાદ ફરીથી એકવાર તમે આણંદથી લગભગ દસ-પંદર કિલોમીટર દૂર આવેલાં એક નાનકડા રજવાડી ગામ સારસાની ભાગોળેથી ચાલતાં-ચાલતાં ગામમાં પ્રવેશી રહ્યાં હતાં. રજવાડી ગામ હોવાથી જે-તે વખતના કોઈ સુબાએ ગામની ફરતે બંધાવેલી કોટની એ ઉંચી દિવાલ ક્યાંક-ક્યાંક જીર્ણશીર્ણ અવસ્થામાં હજીપણ પોતાનું રહ્યું-સહ્યું અસ્તિત્વ સાચવીને બેઠી હતી.        

        ઊંચા કોટની એ તુટેલી-ફૂટેલી દીવાલની વચ્ચે બનેલા એ વિશાળ અને કમાનાકાર દરવાજાની અંદરથી તમે ગામની ભાગોળમાં દાખલ થયા. સારસા ગામમાં અંદર જવાનો એ સીધો જ રસ્તો હતો અને ભાગોળથી આગળ જતા ગામના દરવાજાની સામે અનેક પહોળી શેરીઓ પડતી. શેરીઓમાં આજુબાજુ અનેક મકાનો બનેલાં હતા. શેરીઓ એટલી પહોળી હતી કે સામસામે બંને દિશામાંથી આવતા બળદગાડાઓ આરામથી પસાર થઇ શકે. ગામની એ પહોળી શેરીઓ આજે વર્ષો બાદ ફરીવાર જોયા પછી પણ તમને એવું જ આશ્ચર્ય થઇ રહ્યું હતું જેવું પહેલીવાર આ ગામમાં વરસો પહેલા તમે જયારે પોતાના મિત્રના લગ્નની જાનમાં આવ્યા હતાં ત્યારે જોઇને થયું હતું. આજુબાજુ બનેલા બે માળના મકાનો અને નીચે બનેલી અનેક દુકાનો જોઈ મલકાતાં-મલકાતાં તમે ગામના દરબારવાસમાં જતી એ મુખ્ય શેરીમાં ચાલતાં-ચાલતાં શેરીની એકબાજુએ બનેલી ચહાની એક નાનકડી દુકાનની જોડે આવીને ઉભાં રહ્યાં. આ એ જ દુકાન હતી જ્યાં વર્ષો પહેલાં તમે તમારાં કૉલેજકાળના મિત્ર સાથે ઉભા ચા પીવા ઊભાં રહ્યાં હતાં અને ચા પીતા-પીતા શેરીની સામેની બાજુએ દેખાતું દ્રશ્ય જોઇને તમે ફરી એકવાર એક “પરિચિત આકર્ષણ”ના ભાવો અનુભવ્યા હતા.

        એ જ ચ્હાની દુકાને ઉભા રહીને વર્ષો પહેલાં યુવાન અને હવે લગભગ વૃદ્ધાવસ્થાની શિખરે પહોંચી ગયેલાં તેનાં એ જ દુકાનદાર પાસે તમે વધુ એક કપ એ જ સ્વાદિષ્ટ ચા માંગી અને ફરીવાર શેરીની સામેની તરફ એ દ્રશ્ય જોઈ રહ્યાં. ચ્હાવાળાએ પોતાની જોડે મુકેલાં રેડિયોમાં ક્યારના ગીતો વાગી રહ્યાં હતાં. તમે ગીતો સાંભળતાં રહ્યાં અને વર્ષો પહેલાના આ જ જગ્યાના ભૂતકાળમાં ખોવાઈ ગયાં.

----

        “જો દોસ્ત....મારે કોઈ માથાકૂટ ના જોઈએ....તું યુવરાજના લગનમાં આવે છે એટલે આવે છે...!”
તમારાં મિત્ર રોનકને ધમકાવતાં હોય એમ તમે બોલ્યાં.

        “બે યાર ...એ તારો ભાઈબંધ છે....મારો નઈ....હું શું કરીશ એની જાનમાં આઈને....!?” રોનકે આનાકાની કરતાં કહ્યું “હું તો એને ઓળખાતો પણ નઈ...!”

        “અલા ભાઈ ચલને...હુંય ખાલી યુવરાજને ઓળખું છું...એનાં લગન હશે એટ્લે એ તો મારી જોડે રે’વાનો નથી....એટલે લગનમાં મારે તો એકલાએ જ ફરવાનું છે...!” તમે કંટાળેલા સ્વરમાં કહ્યું.

        “અરે તું એનો ભાઈબંધ છે તો એનો અણવર બની જા એટ્લે એની જોડે જ રે’વા મલશે...!”

        “પે’લ્લી વાત તો અણવર એનો નાનો ભાઈ બનશે એ નક્કી થઈ ગ્યું છે...અને બીજી વાત...મારે અણવર બનવાનું થાત તોય હું ના બનત...અણવર બનો એટલે લગન પતે ત્યાં સુધી એની જોડે ને જોડે ફરવું જ પડે...કોઈ એનાં માથે ચાંલ્લો કરે અને કંકુથી કપાળ બગડે નઇ એ માટે વારેઘડીએ એનાં કપાળે રૂમાલ વડે સાફ કરવાનું...એને પાણી પીવું હોય...કે પછી કઈં આમતેમ આઘુંપાછું થવું હોય....એકે એક સેકન્ડ એની જોડે જ રે’વાનું....ના ભાઈ ના...આપડે તો રખડતાં જીવ...આપડને ના ફાવે.....!”

        “ઓહો..આટલી બધી જફા...!” રોનક બોલ્યો “સારું થયું તે કીધું ભાઈ...હવે તારાં લગનમાં હું અણવર નઈ બનું...!”

        “બે એ ...તું જબરો છે ભાઈ....!” તમે માંડ પોતાનું હસવું રોકી બોલ્યાં “મારી બિલાડી...મને જ મ્યાઉં.?”

        “હી...હી...!” રોનક હસી પડ્યો.

        થોડી આનાકાની પછી રોનક તમારા મિત્ર યુવરાજના લગ્નમાં આવવાં માની ગયો હતો. અને તમે બંને તૈયાર થઈને અમદાવાદથી સારસા ગામે જતી યુવરાજની જાનમાં જવા નીકળી ગયાં.

---

        “યે દેશ હે વીર જવાનો કા...અલબેલો કા મસતાનો કા....!”

        આણંદથી લગભગ દસ-પંદર કિલોમીટર દૂર આવેલાં સારસા ગામની ભાગોળે આવી પહોંચેલી જાનમાં બેન્ડ બાજાનો ગાયક એક પછી એક જાનમાં “રિવાજ” પ્રમાણે ગવાતાં ગીતો ગાઈ રહ્યો હતો. બેન્ડની પાછળ જાનૈયાની ભીડમાં નજીકના સગાઓ નાચી-કૂદી રહ્યાં હતાં. બાકીનાં જાનૈયાઓ તેમની પાછળ ચાલી રહ્યાં હતાં. જાનમાં આવેલાં બાળકો અને અમૂક યુવાનોની બનેલી “ફટાકડાં ગેંગ” બેન્ડવાળાની થોડે આગળ ફટાકડાં-બોમ્બ વગેરે ફોડી રહી હતી. ફટાકડાં ગેંગને લીધે સારસા ગામની ભાગોળે ક્યારની આવી પહોંચેલી જાન હજી માંડ થોડી આગળ વધી હતી. વધુમાં બેન્ડ બાજાની પાછળ ચણિયાચોલી પહેરેલી સગાવ્હાલાઓની યુવાન કન્યાઓની “ગરબા ગેંગ” સર્કલ બનાવી ગરબા પણ ગાવા લાગી જેન લીધે જાનની આગળ વધવાની સ્પીડ સાવ ઓછી થઈ ગઈ હતી.

        “ખબર નઈ લગનમાં આ ગીત શું કામ વગાડતાં હશે....!?” બેન્ડવાળાનું એ સોંગ સાંભળીને તમે હસીને પોતાની જોડે ઉભેલા રોનકને પૂછ્યું.

        તમારો મિત્ર યુવરાજ દરબાર હોવાથી તેનાં ભવ્ય લગ્નની જાનમાં આવનારા લોકોની સંખ્યા ઘણી વધારે હતી. આથી બેન્ડના ઘોંઘાટથી બચવા જાનમાં તમે બંને મિત્રો જાનમાં સૌથી પાછળ ચાલી રહ્યાં હતાં.

        “અરે કેમ....!? તારો આ ભાઈબંધ વીર જવાન જ છેને....જે અત્યારે શહીદ થવા જઈ રહ્યો છે....! તો આ ગીત તો વગાડે જ ને..એનાં વખાણમાં...!” રોનકે મજાક કરતાં કહ્યું અને તમે હસી પડ્યાં.

         ભાગોળે ખાસ્સું ધમાલ-મસ્તી કરી રહેલી જાનને છેવટે ઘરના કેટલાંક વડીલોએ જેમ તેમ કરીને આગળ વધારી. જાન છેવટે બેન્ડ બાજા સાથે આગળ ચાલી. તમે બંને પણ હવે જાનમાં પાછળ ચાલતાં-ચાલતાં જવા લાગ્યાં. ભાગોળ વટાવી જાન હવે એક મોટી-પહોળી શેરીમાં દાખલ થઈ.

        તમે અને રોનક શેરીમાં બંને બાજુ બનેલાં ઘરો સામે જોઈ રહ્યાં. રજવાડી ગામ હોવાથી મોટાભાગના ઘરો લાકડાની પિઢોવાળા બનેલાં હતાં. મોટેભાગે બે માળના ઘરોમાં ઘણાં ઘરો કોતરણીવાળા ઝરૂખા ધરાવતાં હતાં અને નીચે અનેક લોકોએ ઘરમાં નાની-મોટી દુકાનો કરી હતી. કોઈ-કોઈ ઘરના ઓટલે ચ્હાની કીટલીનો સામાન ગોઠવીને ચ્હા બનાવી વેચી રહ્યું હતું, તો કોઈ કરિયાણાની આઇટમો વેચી રહ્યું હતું. કોઈ પાન-મસાલાનું પાર્લર ચલાવી રહ્યું હતું તો કોઈ પ્લાસ્ટિકની આઈટમોની નાની દુકાન કરીને બેઠું હતું. ટૂંકમાં જીવન જરૂરીયાતની લગભગ બધી જ વસ્તુઓની આવી નાની-મોટી દુકાનો શેરી અને ભાગોળે પણ હતી. ગામના લોકોની સારી એવી ભીડ આવી બધી નાની મોટી દુકાનોએ લાગેલી હતી અને અત્યારે શેરીમાંથી પસાર થઈ રહેલી બેન્ડ બાજા મ્યુઝિકની તાલે જાનમાં નાચતી-કૂદતી કન્યાઓ સામે જોઈ રહી હતી. 

        “આટલા પહોળાં રસ્તાઓ તો અમદાવાદ જેવા શહેરમાં પણ નઈ હોતા...!” પહોળી શેરીમાંથી આરામથી પસાર થઈ રહેલી મોટી જાનમાં ચાલતાં રોનકે તમને કહ્યું.

        અમદાવાદના સાંકડા અને ઉબડ-ખાબડ રસ્તાઓ ઉપર થતાં ટ્રાફિકમાં સાંકડ-માંકડ ચાલવા ટેવાયેલાં તમે રોનકની વાત સાથે સહમત થયાં અને સ્મિત કરીને હકારમાં ડોકું ધૂણાવ્યું.

        પહોળી શેરીમાં ઘણું ચાલ્યાં પછી જાન છેવટે તેમને આપવામાં આવેલા ઉતારાના સ્થળે આવી પહોચી. શિવજીનાં કોઈ મોટા મંદિરની આગળ ખુલ્લી જગ્યામાં બાંધેલાં વિશાળ મંડપમાં તમારા મિત્ર યુવરાજની જાનને ઉતારો આપવામાં આવ્યો હતો.

        ઉતારે આવીને બધાં જાનૈયા હવે રિલેક્સ મોડમાં આવી ગયાં. કેટલાક લોકો તો સારસા ગામ જોવા નીકળી ગયાં તો કેટલાક ઉતારાના મંડપમાં પાથરાવામાં આવેલા ગાદલાંઓમાં આરામથી બેઠાં. વડીલો “રિવાજ” મુજબ મોદ જમાવીને બેસી ગયાં અને પોતાની સાથે કન્યા પક્ષને આપવાં લાવેલા ઘરેણાં, કપડાં વગેરે વિશે ચર્ચા કરવા લાગ્યાં. જાનમાં બધાની સાથે આવેલા બાળકોને તો મંડપમાં પાથરેલાં ગાદલાંઓમા કૂદાકૂદ કરવાની મજા આવી ગઈ. વરરાજાને અને તેની જોડેના “અંગત સ્ટાફ”નો ઉતારો મંદિરમાં પૂજારીઓ વગેરે માટે બનેલી ધર્મશાળામાં આપવામાં આવ્યો હતો. તમે પણ તમારા દુલહેરાજા મિત્ર યુવરાજની સાથે ધર્મશાળાના એક રૂમમાં હતાં.      

        જાનને ઉતારો આપ્યાં બાદ કન્યાપક્ષ તરફના લોકો “મોંઘેરા મહેમાન” એવા જાનૈયાઓની સેવા-સરભરામાં લાગી ગયાં. ઠંડીની મોસમ હોવાથી ગરમ-ગરમ ચ્હા લોકોને પીરસાઈ રહી હતી. જોકે મોટી સંખ્યામાં આવેલાં જાનૈયાઓ માટે બનેલી સાવ પાણી જેવી અને અનહદ ગળી ચ્હા પીને તમારું અને રોનકનું મોઢું બગડી ગયું હતું.   

        “કેવું લાગ્યું ગામ...!?” શેરવાની અને સાફો પહેરેલાં તમારા મિત્ર યુવરાજે તમને પૂછ્યું.    

        “ગામ તો સરસ છે...!” તમે વખાણ કરતાં બોલ્યાં.        

        “હા..પણ ચા નઈ...!” રોનક બોલી પડ્યો.

        “અરે તો ગામ જોતાં ‘વો ને ચ્હા પીતા ‘વો...!” યુવરાજ બોલ્યો “એમેય....હજી હાલ ઉતારો આપ્યો છે...લગન વિધિ માટે લઈ જવામાં હજી સે’જેય બે-ત્રણ કલ્લાક નીકળી જશે....!”

        “ઓહો...આટલી બધી વાર...!?” તમે પૂછ્યું.

        “અરે બકા....આ ગામડું છે..અને અમે દરબારો....અમારામાં લગનમાં કેટલો ટાઈમ લાગે એ નક્કી નઈ...હી..હી...!” યુવરાજ મજાક કરતાં બોલ્યો.

        તમે અને રોનક મલકાયાં અને છેવટે ઉતારેથી નીકળી સારસા ગામ જોવા નીકળી પડ્યાં.

---

        “ભાઈ ચ્હા આપોને...!” રોનકે ચ્હાની કીટલીવાળા ભાઈને કહ્યું.

        આખા ગામમાં ફરીને તમે ગામમાં એક જગ્યાએ ચ્હા પીવા ઊભા રહ્યાં હતાં. આમેય ઉતારે પીધેલી ચ્હાને લીધે તમારું મોઢું બગડેલું અને મૂડ પણ. ગામ જોઈને તમને બેયને મજા આવી ગઈ હતી અને મૂડ સારું થઈ ગયું હતું હવે મોઢું સારું થાય એટ્લે ગરમ-ગરમ ચ્હા પીવા તમે બંને જણા ચ્હાની એ દુકાને ઊભા રહ્યાં હતાં.

        “આપડે અહિયાંથી જ જાન લઈને ગ્યાં’તાને....!?” ચ્હાનો કપ હાથમાં લેતા-લેતા તમે રોનકને પૂછ્યું.

        રોનકે પણ ચ્હાનો કપ હાથમાં લઈને હકારમાં માથું ધૂણાવ્યું.

        શેરીની આજુ બાજુના લાકડાની પિઢોવાળા અને બીજા માળે શેરી તરફ પડતાં કોતરણીવાળા ઝરૂખાંવાળા મકાનો જોઈને તમને યાદ આવી ગયું કે આ જ શેરીમાંથી તમે જાન સાથે પસાર થયાં હતાં. શેરીના ઘરોમાં અને ઘરોના ઓટલે બનેલી નાની-મોટી દુકાનો જે તમે જતી વખતે જોઈ હતી તેમાની અમૂક દુકાનો અને તેમાં સામાન વેચવા બેઠેલાં કેટલાક લોકોના ચેહરા પણ તમે ઓળખી ગયાં. તમે જ્યાં ચ્હા પીવા ઊભા હતાં એ  કીટલીવાળાએ પોતાનાં ઘરના ઓટલે જ ચ્હાની કીટલી કરી હતી. ઓટલે એક નાનો પ્રાઈમસ ગોઠવી ગાદીવાળા આસન ઉપર બેઠાં-બેઠાં તે મસ્ત ચ્હા બનાવતો હતો.

        “આહા... સરસ ચ્હા છે કાકા....!” તમારાથી સહેજ ઉમ્મરમાં મોટા એ ભાઈને તમે કહ્યું.

        તે ભાઈએ એક ઔપચારિક સ્મિત કરીને પ્રાઈમસ ઉપર મૂકેલી તપેલીમાં ઉકળતી ચ્હામાં ચમચો નાંખી હલાવવાનું ચાલુ રાખ્યું. તેણે પોતાનાં આસનની જોડે ગોઠવેલાં રેડિયોમાં ક્યારના અલગ-અલગ ગીતો વાગી રહ્યાં હતાં.

        સ્મિત કરીને તમે અને રોનક વાતો કરતાં-કરતાં ચ્હા પી રહ્યાં. જાનમાં અપાયેલી ચ્હા કરતાં આ ચ્હા ટેસ્ટી હોવાથી તમે વધુ એક કપ ચ્હાનો પીવા માટે ત્યાંજ રોકાયાં. અમદાવાદ જેવા શહેરમાં રોજની દોડધામવાળી લાઈફ જીવતાં તમને તમારા ખાસ મિત્ર રોનક સાથે કૉલેજ પૂરી થયાં બાદ આજે ઘણાં વર્ષો પછી આવી ફુરસતથી લાંબો સમય વાતો કરવાનો ચાન્સ મળ્યો હતો જે તમારે જતો કરવો નહોતો. એમેય યુવરાજે કહ્યું હતું એમ, લગનની મુખ્ય વિધિ માટે તેને ચોળીમાં લઈ જવા અને લગન પતવામાં હજી ઘણો સમય લાગવાનો હતો. આથી તમે લગભગ આખા દિવસ માટે અહિયાં “ફસાઈ” ગયાં હતાં. આથી તમારી પાસે પૂરતો સમય હતો.

        વાતો કરતાં-કરતાં તમે બંને ચ્હા પીવા લાગ્યાં. ઠંડીની મોસમ હતી અને એમાંય ગુજરાતના હરિયાળા જિલ્લા તરીકે પ્રખ્યાત આણંદની નજીક આવેલાં સારસા ગામની આજુબાજુ ઘટાદાર વૃક્ષોને લીધે અહિયાં વાતાવરણ અમદાવાદ કરતાં ક્યાંય વધુ ઠંડુ હતું. આથી વાતો કરતાં-કરતાં એક-બેની જગ્યાએ વધુ કપ ચ્હા પીવાઈ ગયાનું તમને ખબર જ ના રહ્યું. રોનકની સાથે વાતો કરતાં-કરતાં તમે મસ્ત મજાની સ્વાદિષ્ટ ચ્હાની લહેજત માણી રહ્યાં હતાં ત્યાં જ તમારી નજર શેરીની સામેની બાજુએ આવેલાં એક લાકડાંની પીઢોવાળા ઘરના બીજા માળે બનેલાં કોતરણીવાળા ઝરૂખાં ઉપર પડી. એ દ્રશ્ય જોઇને તમારી નજર ત્યાં જ “ઠરી” ગઈ. રજવાડી સ્ટાઈલની કોતરણીવાળા એ ઝરૂખામાં એક સુંદર યુવતી ઊભી હતી. ગુલાબી કલરની ચણિયા ચોલી પહેરેલી તે સુંદર યુવતી ઝરૂખાંની પેરાપેટના ટેકે સહેજ નમીને નીચે શેરીમાં આમ-તેમ જોઈ રહી હતી.

        “કદાચ કોઇની વાટ જોતી હશે...” કેટલીક વાર સુધી તેણી સામે જોઈ રહીને સંમોહનમાંથી બહાર આવી તમે વિચાર્યું અને ચ્હાનો કપ મોઢે માંડી ઝરૂખામાં ઊભેલી તે યુવતી સામે જોઈ રહ્યાં.

        તે અત્યંત સ્વરૂપવાન હતી. એકદમ ગોરી. ગુલાબી કલરની ચણિયાચોલીમાં તેણીનો ગોરો વાન વધુ ખીલી ઊઠતો હતો. તે સંપૂર્ણપણે સજેલી ધજેલી હતી. લાલ હોંઠ, ઓળેલા લાંબા છુટ્ટા વાળ અને કાનમાં પહેરેલાં લટકણ. ચણિયા ચોલીમાં દેખાતી તેણીની ખુલ્લી ગોરી કમર ઉપર તેણીએ સરસ મજાનો ચાંદીનો કંદોરો બાંધ્યો હતો. ઝરૂખામાંથી નીચે આમતેમ જોઈ રહેલી તે યુવતી સાક્ષાત કોઈ અપ્સરા જેવી તમને લાગી હતી. તેણીને જોઈને તમે વર્ષો પહેલા અનુભવેલું એ જ “પરિચિત આકર્ષણ” અનુભવ્યું.

        “બહુ સરસ છે...! નઈ..?” તમારી નજીક આવીને રોનકે ચ્હાની દુકાનવાળાને સંભળાય નહીં એ રીતે ધીરેથી કહ્યું.

        તમે ચાનો નાનો ઘૂંટ ભરી હળવું સ્મિત કરીને રોનક સામે જોયું. કપમાંની ચા ઝડપથી પતી ના જાય એટલે હવે તમે નાના-નાના ઘૂંટ ભરી ધીરે-ધીરે ચા પીતા હતાં. કોઈ-કોઈવાર તમે આમતેમ બીજે જોવાનો ડોળ કરી લેતાં. પરંતુ ઝડપથી તમારી નજર ઝરૂખામાં ઉભેલી એ સ્વરૂપવાન યુવતી તરફ પાછી ચાલી જતી. તમને એ રીતે એ યુવતી તરફ જોતા જોઇને રોનકે પણ સાચવીને એ યુવતી તરફ કેટલીક વખત જોઈ લીધું હતું. તમારા ચેહરા ઉપર આવી ગયેલાં મુગ્ધ ભાવોને પણ રોનક ઓળખી ગયો. તમે તેની સામે જોવો ત્યાં સુધી રોનક તમારી સામે પ્રશ્નભાવે જોઈ રહ્યો. એ યુવતી હજી પણ નીચે શેરીમાં આમતેમ જોઈ રહી હતી.

        થોડીવાર સુધી એ યુવતી તરફ જોઈ રહ્યાં પછી તમે નજર ફેરવી રોનક સામે જોયું. તેના ચેહરા ઉપર રહેલાં પ્રશ્નભાવોને તમે વાંચી ગયાં. તમે હળવું સ્મિત કર્યું અને નજર પાછી એ ઝરૂખામાં ઉભેલી યુવતી તરફ ફેરવતાં કહ્યું –

        “એનાં જેવી જ દેખાય છે...!”

        “તું હજી એને નથી ભૂલ્યો ને....?” તમારી તરફ સહાનુભૂતિપૂર્વક જોઈ રહી રોનકે પૂછ્યું “આટલાં વર્ષો વીતી ગયાં પછી પણ..!?”

        “એ ભૂલાય એવી છોકરી ન’તી દોસ્ત...!” તમે સ્મિત કરીને કહ્યું તો ખરા પરંતુ તમારાં સ્વરમાં ભૂતકાળની યાદોની જે વેદના હતી એ તમારો મિત્ર રોનક પારખી ગયો.  

        “પંદર વર્ષ વીતી ગ્યા ભાઈ.....!” રોનક ફરીવાર એવા જ સ્વરમાં બોલ્યો.

        તમે હળવું સ્મિત કર્યું અને ચ્હાનો કપ ખાલી થતાં ચ્હાવાળાના ઓટલા ઉપર મુક્યો.  

        “તોયે...હજી એવું જ લાગે છે જાણે ગઈકાલની જ વાત હતી...!” તમે બોલ્યાં અને વધુ એકવાર એ ઝરૂખા તરફ જોયું જ્યાં હજુ એ યુવતી ઉભી હતી “એવું લાગે છે જાણે મેં ગઈકાલે જ એને કૉલેજનાં ગેટમાંથી અંદર એન્ટર થતાં જોઈ હોય....! એવું લાગે છે જાણે મેં હજી ગઈ કાલે જ એને કૉલેજના કોરીડોરમાં ચાલતા જોઈ હતી....! કેન્ટીનમાં જોઈ હતી...! એવું લાગે છે જાણે ગઈકાલની જ વાત હોય...!”  

        તમે મૌન થઇ એ યુવતી તરફ જોઈ રહ્યાં અને રોનક તમારી તરફ સહાનુભૂતિપૂર્વક. 

        “એ જતી રહી દોસ્ત....કૉલેજ પૂરી થયે વર્ષો વીતી ગ્યાં.....હવે તો એની યાદોમાંથી બા’ર આવ..!” રોનક બોલ્યો.  

        કશું બોલ્યાં વગર તમે ઝરૂખામાં ઉભેલી એ યુવતી સામે શૂન્યમનસ્ક જોઈ રહ્યાં. તમારી આંખો સમક્ષ તમારી કૉલેજનો એ ભૂતકાળ તરવરી ઉઠ્યો. અને તમારાં પ્રથમ પ્રેમની યાદો પણ. તમારી આંખોમાં દેખાતી એ વેદના તમારો પરમમિત્ર રોનક વાંચી ગયો. તેણે પણ હવે પોતાનો ખાલી કપ ઓટલા ઉપર મુક્યો.

        “બીજી ચા ભરું મે’માન...!?” પોતાનાં ગામમાં આવેલી જાનના મહેમાન માટે પરંપરાનુસાર માનપૂર્વકનું સંબોધન કરતા ચ્હાવાળાએ પૂછ્યું “કપ ખાલી થઇ ગ્યો...?”

        “ના કાકા...બસ...હવે મન ભરાઈ ગયું...!” ભૂતકાળમાંથી બહાર આવીને તમે કહ્યું અને રોનક સામે હકારમાં માથું ધુણાવી દીધું.

        રોનકે ચાના પૈસા ચૂકવી દેતાં તમે પાછાં દરબારવાસમાં જાનના ઉતારે જવા શેરીની અંદર તરફ ચાલવા લાગ્યાં.

        રોનક પણ તમારી સાથે મૌન રહીને ચાલવા લાગ્યો. શેરીમાં આગળ પહોંચ્યા પછી તમે વધુ એકવાર ચાલતા-ચાલતા પાછળ નજર ફેરવીને એ ઝરૂખા તરફ જોયું. એ યુવતી હજી ત્યાં જ હતી. પણ તમે આગળ ચાલતાં જતાં હોઈ તે હવે ધીરે-ધીરે તમારાથી દુર જઈ રહી હતી અને તેનો ચેહરો ધૂંધળો દેખાઈ રહ્યો હતો.

----

        વર્ષો બાદ...ફરીથી...આજે તમે એ જ ઝરુખો જોયો છે...!

        તમે અહિયાં આવ્યા ત્યારના એ ઝરૂખા સામે આશાભરી નજરે જોઈ રહ્યાં છો અને એક પછી એક ચ્હાના કપમાંથી ચ્હા પી રહ્યાં છો. તમારાં મિત્ર યુવરાજના લગ્નમાં અહિયાં આવ્યે વર્ષો વીતી ગયાં પરંતુ ઘરના ઓટલાં ઉપર પ્રાઇમસ મૂકીને ચ્હા બનાવી રહેલાં આ કાકાના હાથની ચ્હાનો એ સ્વાદ નહોતો બદલાયો અને આ જગ્યા સાથે જોડાયેલી તમારી યાદો પણ નહોતી બદલાઈ. કેમકે, ઝરૂખામાં જોયેલી એ યુવતીએ તમને તમારાં ભૂતકાળનાં પ્રેમની યાદ અપાવી દીધી હતી.

        હવે તો સામે ખાલી દેખાતાં ઝરૂખાવાળી એ યુવતી પણ ઘણાં વર્ષો પહેલાનો ભૂતકાળ બની ચૂકી હતી. છતાંય, આજે ફરિવાર તમે એ ભૂતકાળમાં જીવવા પાછાં અહિયાં આવ્યાં હતાં. એ ઝરૂખાની ભવ્યતાને સમયનો થોડો માર વાગ્યો હતો અને આ ચ્હાવાળા કાકાની ઉમ્મરને પણ. તમે પોતે પણ હવે આધેડ ઉમ્મરે પહોંચવા આવ્યાં હતાં.  

        તમે ખાસ્સું રોકાયાં. ત્યાં જ ચ્હાવાળા કાકાનાં રેડિયોમાં સૈફ પાલનપુરીએ લખેલું અને મનહર ઉધાસે ગયેલું એ ભવ્ય અને એવરગ્રીન ગુજરાતી ગીત વાગ્યું.

        “શાંત ઝરૂખે વાટ નિરખતી રૂપની રાણી જોઈ હતી....!”

        ગીતનાં શબ્દો સાંભળી તમારાંથી મલકાઈ જવાયું.

        વર્ષો પહેલાં તમે જ્યારે ઝરૂખામાં એ સ્વરૂપવાન યુવતીને જોઈ હતી ત્યારે પણ તે ઝરૂખામાં ઊભા-ઊભા કોઇની વાટ જોઈ રહી હતી.

        જેમ-જેમ તમે એ ગીતનાં શબ્દો સાંભળતાં ગયાં, તમને ઝરૂખામાં એ દિવસે જોયેલી યુવતીનું સૌંદર્ય યાદ આવી ગયું.

        “એના હાથની મહેંદી હસતી તી...એના આંખનું કાજલ હસતું તું...!”

        સરસ મજાની ચણિયા ચોલીમાં તૈયાર થયેલી એ યુવતીએ તે દિવસે આંખોમાં કાજલ અને હાથોમાં મહેંદી લગાવેલી હોવાનું તમને યાદ આવ્યું. એ જોઈને તમે એમ વિચાર્યું હતું કે કદાચ ગામમાં કોઈ અન્ય વ્યક્તિને ત્યાં લગ્ન પ્રસંગે જવાનું હોઈ તે યુવતી આ રીતે તૈયાર થઈ હશે.

        “જરા નજરને નીચી રાખીને....એણે સમયને રોકી રાખ્યો ‘તો...!”

        એ યુવતીએ એ વખતે તમને વધુ એકવાર તમને તમારાં ભૂતકાળનાં સમયખંડમાં પહોંચાડી દીધાં હતાં. અને જ્યાં સુધી તમે ત્યાંથી ગયાં નહોતાં ત્યાં સુધી તે યુવતી તમને એ સમયમાં રોકી રાખ્યાં હતાં.

        “એ નહોતી મારી પ્રેમિકા...કે નહોતી મારી દુલ્હન...!”

        તમે માત્ર તેણીને એ ઝરૂખે “વાટ નિરખતી જોઈ હતી...”

છતાંય, આજે એ ઝરૂખો તમને તમારાં અંતરમાં વ્યાપેલા એ સૂનકાર જેવો સાવ સૂનો-સૂનો લાગ્યો. એ યુવતીની હાજરી વિના એ ભવ્ય ઝરૂખો તમને સાવ નિષ્પ્રાણ અને નિસ્તેજ લાગ્યો.   

        ખાસ્સું ઊભાં રહ્યાં બાદ પણ તમને ઝરૂખામાં એ યુવતીનાં દર્શન નાં થયાં. એ ઘરે હશે કે નઈ હોય, કે પછી ક્યાંક બહાર ગઈ હશે, એવી કેટલીયે સંભાવનાઓ વિચારતાં-વિચારતાં તમે પાછું ફરીને ગામથી બહાર જવા નીકળવાં લાગ્યાં. તમારાં કાનમાં ગીતનાં એ શબ્દો હજી પણ સંભળાઈ રહ્યાં હતાં.

        “બહુ સૂનું સૂનું લાગે છે....બહુ વસમું વસમું લાગે છે...!”

        તમને એ શબ્દો સંભળાઈ પણ રહ્યાં હતાં અને તમે એ ભાવનાઓ ફરીવાર અનુભવી પણ રહ્યાં હતાં. તમને ખબર નહીં કેમ પણ એ ઝરૂખાવાળી યુવતી ફરીવાર ન જોવા મળતાં ફરીવાર તમે એ જ ખાલીપો અનુભવ્યો હતો જે કૉલેજ દરમિયાન તમારાં પ્રથમ પ્રેમને ખોયા બાદ અનુભવ્યો હતો. તમારો પ્રથમ પ્રેમ તમને એ પછી ક્યારેય જોવા નહોતો મળ્યો અને ઝરૂખાવાળી એ યુવતી પણ.

        જોકે ત્યાંથી વિદાય લેતી વખતે તમે એ નહોતાં જાણતાં, કે ઝરૂખાવાળી એ યુવતી જેને ત્યાં જોઈ તેના વિશે તમે એ વખતે એવું વિચાર્યું હતું કે તેણી ગામમાં કોઇનાં લગ્નમાં જવા તૈયાર થઈ હશે, હકીકતમાં તે દિવસે એ યુવતી પોતાના લગ્ન માટે જ તૈયાર થઈ હતી. ઝરૂખામાં આવીને તે પોતાની જાન લઈને આવી રહેલાં વરરાજાની રાહ જોઈ રહી હતી. તમે એ નહોતાં જાણતા કે વરસો પહેલાં જ એ દિવસે તે યુવતી લગ્ન કરીને એક દૂરના ગામે વિદાય થઈ ચૂકી હતી અને મહામારી દરમિયાન તમારાથી સહેજ ઓછી પણ આધેડ ઉમ્મરે તેણીનું મૃત્યુ પણ થઈ ચૂક્યું હતું. તમે એ નહોતાં જાણતાં કે વર્ષો પહેલાં જેને તમે કૉલેજમાં પ્રેમ કરતાં હતાં એનાં જતાં રહ્યાં પછી જેમ એ તમને કદી ફરીવાર જોવા ન મળી તે જ રીતે હવે આ ઝરૂખાવાળી યુવતી પણ હવે તમને કદી જોવા નથી મળવાની, ભલને એ ઝરૂખાવાળી યુવતીને જોવા તમે અહિયાં ફરીવાર આવવાનું વિચારતાં હતાં.

તમે નથી જાણતાં કે તમારાં હ્રદયમાં વ્યાપેલો એ સૂનકાર હવે કાયમ એવો જ રહેવાનો છે એ તમે નથી જાણતાં પ્રેમ.....તમે નથી જાણતાં...!

***

“પુરુષો ઉપર એક આરોપ હમેશાં લાગે છે કે તેઓ પોતાનો પ્રેમ હમેશાં ભૂલી જાય છે.

પરંતુ સાચું કહું છું....ગમે તેટલાં વર્ષો કેમ નાં વીતી જાય...અમે કદી નથી ભૂલતા....ક્યારેય નહીં...!”

*****

નોંધ: આ કાલ્પનિક વાર્તામાં આવતાં યુવરાજનું પાત્ર વાસ્તવિક છે. યુવરાજ મારો મિત્ર છે અને એના લગ્ન વાસ્તવિક જીવનમાં પણ આણંદ નજીક આવેલાં સારસા ગામે થયેલાં છે. અને તેનાં લગ્નમાં પણ હું સારસા ગામે જાનમાં વર્ષો પહેલાં જઈ ચૂક્યો છું. એ પ્રસંગની અને એ ગામની વાસ્તવિક સ્મૃતિઓનાં આધારે આ લઘુકથા લખી છે.

“સિદ્ધાર્થ”

instagram@siddharth_01082014