Dramatic heists in Gujarati Crime Stories by Anwar Diwan books and stories PDF | ફિલ્મોને ગોથા ખવડાવે તેવી નાટ્યાત્મક લુંટ

Featured Books
Categories
Share

ફિલ્મોને ગોથા ખવડાવે તેવી નાટ્યાત્મક લુંટ

આપણે ક્રાઇમ પેટ્રોલ જોઇએ છે ત્યારે તેમાં પોલિસ અધિકારીઓ કહેતા હોય છે કે પરફેક્ટ ક્રાઇમ એક મીથ છે પણ જ્યારે વિશ્વમાં થયેલા કેટલાક ગુનાઓ જોઇએ તો જણાય છે કે શાતિર ગુનેગારો ઘણીવાર પરફેક્ટ ક્રાઇમને અંજામ આપવામાં સફળતા મેળવે છે.આપણને જ્યારે આ ક્રાઇમ અંગે જાણ થાય છે ત્યારે એ ગુનેગારો દ્વારા જે રીતે ભેજાનો ઉપયોગ કરાયો હોય છે તે જોઇને આપણે દંગ રહી જતા હોઇએ છીએ...ક્યારેક તો તેમણે જે રીતે કામગિરીને અંજામ આપ્યો હોય છે તે કોઇ ફિલ્મનાં પ્લોટથી કમ હોતું નથી.આ કાર્ય તેઓ એ રીતે પાર પાડે છે કે આપણને તો એમ જ લાગે છે કે તેમણે જાણે કે જાદુ કર્યો હોય છે.
આન્દ્રે સ્ટેન્ડર આમ તો વ્યવસાયે ડિટેક્ટીવ હતો અને તેની કુશળતાને કારણે તે માત્ર એકત્રીસ જ વર્ષની વયે કેપ્ટનની રેંક પર પહોચ્યો હતો.સાઉથ આફ્રિકાનાં કેમ્પટન પાર્કનાં ક્રિમિનલ ઇન્વેસ્ટીગેશન ડિપાર્ટમેન્ટનાં હેડ તરીકે તેણે કામ કર્યું હતું.તેણે તેની કારકિર્દી દરમિયાન અનેક પ્રકારની લુંટ થતી જોઇ હતી અને તેમણે કેવા પ્રકારની રીત રસમો અપનાવી હતી તેનો તેણે ઉંડો અભ્યાસ કર્યો હતો.આ બધી બાબતો તેને ત્યારે કામ લાગી હતી જ્યારે તેણે પોતે જ ૧૯૭૭માં લુંટનાં ધંધામાં પ્રવેશવાનો નિર્ણય કર્યો હતો.તેણે એ રીતે કમાલ કર્યો હતો કે તે લંચબ્રેક દરમિયાન જ લુંટનાં કાર્યને અંજામ આપતો હતો અને ત્યારબાદ બપોર પછી જાતે જ એ લુંટની તપાસમાં પણ પરોવાઇ જતો હતો.તે એટલો શાતિર હતો કે તે તેની પાછળ કોઇ પુરાવા કે સાક્ષી છોડતો ન હતો.તેણે એ ગાળા દરમિયાન ત્રીસ જેટલી બેંકો લુંટી હતી જો કે તેની સાથે કામ કરનારા તેના સહાયક અધિકારીઓમાંનાં એકને તેની કામગિરી પર શંકા ગઇ હતી અને તેણે તેને રંગેહાથ પકડવાનો નિર્ણય કર્યો હતો.૧૯૮૦માં સ્ટેન્ડર પકડાયો હતો અને જેલમાં ગયા બાદ તેની આ લુંટની કામગિરીમાં ઓટ આવી ગઇ હતી.જો કે જેલમાં તે અન્ય બે લુટારાઓને મળ્યો હતો આ ત્રણેયે ત્યારબાદ જેલમાંથી ભાગી છુટવાનો પ્લાન બનાવ્યો હતો.જ્યારે તેઓ ફિઝીયોથેરેપી માટે ગયા ત્યારે તેમણે ત્યાં રહેલા ગાર્ડને બંદી બનાવ્યા હતા અને ત્યાંથી ભાગી છુટ્યા હતા.તેમણે ત્યારબાદ સ્ટેન્ડર ગેંગ બનાવી હતી અને જાણે કે ઓલિમ્પિક ગેમ હોય તે રીતે તેમણે બેંકોને લુંટવાનું ચાલુ કર્યુ હતું.માત્ર બે મહિનાનાં ગાળામાં જ તેઓએ વીસ જેટલી બેંક લુંટી હતી.તેમાંય ચાર તો તેમણે એક જ દિવસમાં લુંટી હતી.તેઓ જે રીત અપનાવતા હતા તે જોરદાર હતી તેઓ બહું શાંત ચિત્તે બેંકમાં પ્રવેશતા અને ત્યારબાદ જે કેશિયર પાસે વધારે રોકડ હોય ખાસ કરીને મહિલા તેને તેઓ નિશાન બનાવતા હતા.તેઓ તેની પાસે જતા અને તેને ધમકાવીને તેમની બેગમાં રોકડ રકમ ભરવાનો આદેશ આપતા અને જોતજોતામાં કોઇને પણ કશો ખ્યાલ આવે તે પહેલા તો વીજળીની ઝડપે તેઓ બેગ લઇને રફુચક્કર થઇ જતા હતા.એક વાર તો જ્યારે તેઓ લુંટની રકમ લઇને બહાર નિકળતા હતા ત્યારે ત્યાનાં ચોકીદારે જાતે તેમનાં માટે દરવાજો ખોલ્યો હતો.મજાની વાત તો એ હતી કે આ દરમિયાન બેકને બચાવવા માટે હથિયારધારી પોલીસ પણ બહાર તૈનાત હતી પણ તેઓ કશું જ બન્યું ન હોય તેમ તેમની પાસેથી જ રોકડ ભરેલી બેગ લઇને નિકળી ગયા હતા.તેઓ એટલી ઝડપે ત્યાંથી નિકળ્યા હતા કે બેંકવાળા એલાર્મ પણ વગાડી શક્યા ન હતા.આ ગેંગની જીવનશૈલી એકદમ વૈભવી હતી.તેમની પાસે એક કરતા વધારે ઘર હતા અને આ ઘરમાં તમામ કામ કરવા માટે નોકરચાકર હતા અને તેઓ ફરવા માટે સ્પોર્ટસ કાર રાખતા હતા.તેઓ ક્યારેય ઘેર જમતા ન હતા મોટાભાગે સારામાં સારી હોટલોમાં તે બહાર જ જમતા હતા.માત્ર કબાબ જ નહિ તેઓ શબાબનાં પણ એટલાં જ શોખીન હતા અને તેમનાં દેહનાં આનંદ માટે તેઓએ એક કરતા વધારે વારાંગનાઓ રાખી હતી.જો કે આ ટેવ જ તેમને નડી ગઇ હતી કારણકે તેમની જ એક ગર્લફ્રેન્ડે તેમનાં વિશે પોલીસને માહિતી આપી દીધી હતી.૧૯૮૪ની ત્રીસમી જાન્યુઆરીએ પોલિસ તેમનાં સેફ હાઉસ પર ત્રાટકી હતી જો કે તે સમયે સ્ટેન્ડર ત્યાં હાજર ન હતો તે ત્યારે નકલી પાસપોર્ટનો ઉપયોગ કરીને મોજ માણવા માટે ફલોરિડા ગયો હતો.જ્યારે તેમનાં દ્વારા ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ કાર અંગે એક ડિલરે અખબારમાં વાંચ્યું અને સ્ટેન્ડર તેની મુસ્ટાંગને રિપેર કરવા માટે લઇ ગયો ત્યારે તે પોલીસનાં હત્થે ચડ્યો હતો.જો કે પોલીસે જ્યારે તેને પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે તેની પાસે રહેલી શોટગન કાઢીને પોલીસ પર ફાયર કરવાનો પ્રયાસ કર્યો હતો જેનાં જવાબમાં પોલીસે તેને ઠાર કર્યો હતો.આમ તેની ગુનાહિત કારકિર્દીનો આખરે કરૂણ અંજામ આવ્યો હતો.
સિક્યુરિટી કંપની બ્રિન્કસ એવી કંપની છે જેને ઘણીવાર લુંટવાનો પ્રયાસ થયો હતો અને ઘણીવાર લુંટારાઓ તેમાં સફળ પણ રહ્યાં હતા.આ લુંટોમાં સૌથી મહત્વપુર્ણ લુંટ ૧૯૫૦માં થઇ હતી જે તે સમયમાં ભારે તરખાટ મચાવનારી સાબિત થઇ હતી.આ લુંટને ધ ક્રાઇમ ઓફ ધ સેન્ચ્યુરી તરીકે ઓળખવામાં આવે છે.૧૯૫૦ની સત્તરમી જાન્યુઆરીએ બોસ્ટનનાં તેના આર્મર્ડ કાર ડેપોમાં કેટલાક લોકો પ્રવેશ્યા હતા અને ત્રીસ મિનિટમાં જ તેઓ ૨.૭ મિલિયન ડોલરની લુંટ કરીને ભાગી છુટ્યા હતા.તે સમયે તે અમેરિકાનાં ઇતિહાસની સૌથી મોટી લુંટ હતી.જો કે આ લુંટ કરનાર ગેંગે અઢાર મહિનાના સમયગાળા દરમિયાન ઓછામાં ઓછી છ વખત લુંટનો પ્રયાસ કર્યો હતો આખરે તેઓ મોટો દલ્લો મેળવવામાં સફળ રહ્યાં હતા.આ લુંટારાઓએ ચહેરા પર હેલોવિન માસ્ક પહેર્યા હતા અને નેવી શોફરનો યુનિફોર્મ ધારણ કર્યો હતો.આ લુંટ માટે તેઓએ ત્રણ જેટલા દરવાજા પસાર કર્યા અને બીજા માળે પહોંચ્યા હતા જ્યાં તેમણે આ લુંટને અંજામ આપ્યો હતો.તેમણે પાંચ કર્મચારીઓને બંદુક બતાવીને બંદી બનાવ્યા હતા પણ આ દરમિયાન તેઓ એ બહું ઓછી વાતચીત કરી હતી.આ લુંટ એફબીઆઇ માટે માથાનો દુખાવો બની ગઇ હતી તેમણે આ માટે હજાજારો લીડને ફોલો કરી હતી પણ તેમનાં હાથમાં કશું જ આવ્યું ન હતું.તેમણે લુંટમાં જે ટ્રકનો ઉપયોગ કર્યો હતો તે ફોર્ડ ડિલર પાસેથી ચોર્યો હતો અને બે મહિનાં બાદ તે તુટેલી ફુટેલી હાલતમાં મળ્યો હતો.ત્યારબાદ કોઇપણ એજન્સી આ લુંટનાં રહસ્યને ઉકેલવામાં સફળ રહી ન હતી.જો કે આ લુંટમાં સંડોવાયેલ એક લુંટારો સ્પેસ ઓ કેફી પોલીસનાં હાથમાં આવ્યો હતો પણ તે અન્ય ગુનામાં પકડાયો હતો.તેણે પોતાની લુંટનો હિસ્સો તેની ગેંગનાં અન્ય સભ્યોને આપ્યો હતો અને તેને લાગ્યું કે તેઓ તેને છોડાવવા મહેનત નહી કરે તો તેણે તેમને બધું જ કહી દેવાની ધમકી આપી હતી જે કારણે તેના સાથીઓએ જ તેને મારવા માટે એક ભાડુતી હત્યારાને મોકલ્યો હતો જેણે તેના પર ગોળી ચલાવી પણ ઓ કેફી બચી ગયો હતો અને ત્યારબાદ તેણે પોલીસ સામે બધી જ હકીકત જણાવી હતી.પોલીસે તેણે જે જગા બતાવી હતી ત્યાં દરોડો પાડ્યો હતો અને લુંટની અરધા ઉપરની રકમ તેમને મળી હતી પણ લુંટારાઓ તેમનાં હાથે આવ્યા ન હતા.
૧૯૧૩માં ઝવેરીઓએ પેરિસ થી લંડન એક બહુમુલ્ય મોતીઓનો નેકલેસ મોકલ્યો હતો અને તે માટે તેમણે હંમેશા જેનો ઉપયોગ કરતા હતા તે મેલ સર્વિસનો જ ઉપયોગ કર્યો હતો.તેની પાછળનું કારણ એ હતું કે હજ્જારો મેલની વચ્ચે કોઇ કિંમતી વસ્તુ લુંટારા માટે શોધવી મુશ્કેલ હોય છે આ કારણે જ તેમણે સામાન્ય મેલ સર્વિસનો ઉપયોગ કર્યો હતો.જો કે તેમણે જે પાર્સલ મોકલ્યું હતું તે સહીસલામત રીતે તેની જગાએ પહોંચી ગયું હતું અને તે મેલ પર ત્રણ જેટલા સીલ લગાવેલા હતા જે અકબંધ હતા પણ જ્યારે તેમણે પાર્સલ ખોલ્યું ત્યારે નેકલેસ ગુમ હતો અને તેની જગાએ એટલાં જ વજનનાં ખાંડનાં ટુકડા મુકાયેલા હતા.આ માટે જેણે ઉસ્તાદી કરી હતી તેણે ત્રણ જેટલા સીલ ખોલીને નેકલેસનાં સ્થાને એ ખાંડનાં ટુકડા મુક્યા હતા અને તેને ફરીથી સીલબંધ કરીને તે પાર્સલ તેણે એ જ જગાએ મોકલી આપ્યું જ્યાં તેને મોકલવામાં આવ્યું હતું.ન્યુયોર્ક ટાઇમ્સે એ નેકલેસની કિંમત સાડા છ લાખ ડોલરની હોવાનું જણાવ્યું હતું.જો કે એ કિંમત તો તે સમયની હતી આજે તો તેની કિંમત આશરે પંદર મિલિયન ડોલર જેટલી થાય.લુંટ તો પરફેક્ટ રીતે કરાઇ હતી હવે લુંટારો ત્યારે હાથમાં આવે જ્યારે તે તેને વેચવાનો પ્રયાસ કરે અને પોલીસે તેમનાં માટે જાળ પાથરી હતી અને એવા નકલી ગ્રાહકો ઉભા કર્યા હતા જે અંડરકવર પોલીસ અધિકારીઓ હતા.આ લુંટમાં સંડોવાયેલા ચાર લોકોની આગેવાની જાણીતા લુંટારા જોસેફ ગ્રીઝાર્ડે કરી હતી અને તેને પકડવા માટે જાણીતા ડિટેક્ટીવે દિન રાત એક કરી દીધા હતા અને આ લોકો હાથમાં આવ્યા ત્યારે તે ડિટેક્ટીવે જેલમાં ગ્રીઝાર્ડની મુલાકાત લીધી હતી અને તેને વહેલા છોડી દેવાની ઓફર આપી હતી.જો કે તેણે આ હેરત અંગેજ લુંટ કઇ રીતે કરી હતી તેની વિગતો તેણે ક્યારેય બહાર પાડી ન હતી જો કે તેણે આ લુંટ માટે ઓછામાં ઓછા બે પોસ્ટલ કર્મચારીઓને ફોડ્યા હતા જેમને તેણે તેમનાં વાર્ષિક પગાર કરતા પણ વધારે એક હજાર ડોલરની રકમ લાંચ રૂપે આપી હતી.આ માટે તેણે ઓછામાં ઓછા બાર હજાર ડોલરનો ખર્ચ કર્યો હતો.જો કે આ રમતનો વિજેતા એક પિયાનો મેકર ઓગસ્ટસ હોર્ને બન્યો હતો જેણે લંડનની એક ગટરમાં એક નાની બેગ જોઇ હતી અને તે બેગ તેણે ઉઠાવી લીધી હતી તેને પહેલા તો લાગ્યું કે તેમાં પથરા ભરેલા છે અને આ ટુકડામાંથી એક તેણે એક બેઘર વ્યક્તિને આપ્યો હતો અને કેટલાક ટુકડા બદલ તેણે બિયર ખરીદવાનો પ્રયાસ કર્યો હતો.જો કે બારમેને તેને આ ટુકડાઓ અંગે પોલીસને જાણ કરવાની સલાહ આપી હતી.હોર્નેને લગભગ અઠ્ઠાવન જેટલા મોતીનાં ટુકડા મળ્યા હતા જેને પાછા આપવા બદલ તેને ઇનામ રૂપે ૧૦,૦૦૦ ડોલર આપવામાં આવ્યા હતા.
૧૯૩૪માં ન્યુયોર્ક ખાતે યુનાઇટેડ સ્ટેટ્‌સ ટ્રસ્ટ કંપનીમાં ૫૯૦,૦૦૦ ડોલરની લુંટ થઇ હતી જે મામલે ન્યુયોર્ક ટાઇમ્સે અહેવાલ છાપ્યો હતો અને જણાવ્યું હતું કે પોલીસને એવું લાગ્યું હતું કે લુંટ જેવું કશું બન્યું જ ન હતું.પોલીસ માનતી હતી કે આ નોટો ભૂલથી અન્યત્ર મુકાઇ ગઇ હશે.આ નોટો ડિલિવર કરાયાનાં માત્ર દસ મિનિટમાં ગુમ થઇ ગઇ હતી અને ત્યારે ત્યાં એક બે નહિ પણ બાર જેટલા લોકો હાજર હતાં.એફબીઆઇને લાગ્યું હતું કે એ લુંટારાઓ તેમનાં હાથમાં જ છે અને તે સમયે જ બીજા ૧.૫ મિલિયન ડોલર ગુમ થયા હતા. આ વખતે લુંટની ઘટના મેનહટનની ઓફિસમાં બની હતી.આ વખતે પણ લુંટ માટે જે રીત અપનાવાઇ હતી તેમાં કોઇને પણ લુંટ થયાનો અહેસાસ જ થયો ન હતો.ત્યારબાદ તો આ ભૂતિયા લુંટારાની શોધ ચાલુ થઇ હતી.આ માટે તપાસ ચાલુ કરાઇ ત્યારે તે નાની સુની રહી ન હતી તપાસનો દૌર ત્રણ દેશોમાં ચાલ્યો હતો.તપાસમાં સૌથી પહેલા ૩૧૦,૦૦૦ ડોલરનાં બોન્ડ પરત મળ્યા હતા પણ આ માટે એજન્ટોએ ફલોરિડાથી કેલિફોર્નિયા અને ત્યાંથી બહામાનો આંટો માર્યો હતો.આ મામલે આઠ જેટલા લોકોની ધરપકડ કરાઇ હતી.બીજા ૪૪૦,૦૦૦ ડોલરનાં સગડ પેરિસમાં મળ્યા હતા.ગ્રાન્ડ સેન્ટ્રલમાં એક લાખ ડોલરનાં બે બોન્ડ મળ્યા હતા જે સુટકેસમાં હતા.બીજા બે લાખ ડોલરની રકમ એક ઘરમાં લિમા બીન્સનાં ડબામાં મળી હતી.ટેલિગ્રાફ મેસેન્જર બોયે એક માહિતી આપી હતી જેમાં એજન્ટોને ૬૪૦,૦૦૦ ડોલર સબવે સ્ટેશનનાં લગેજ બોક્સમાં મળ્યા હતા.આ મામલે કુલ સોળ લોકોની ધરપકડ કરાઇ હતી અને આ કેસની તપાસ જાણીતા ડિટેક્ટીવ જે. એડગર હુવરે જાતે કરી હતી જો કે લુંટની રકમ ભલે પાછી મળી હતી પણ આ લુંટને કઇ રીતે અંજામ આપવામાં આવ્યો હતો તેની પુરી વિગતો તો ક્યારેય બહાર આવવા પામી ન હતી.
ભારતનાં ચેલમ્બરાની ઉત્તર માલાબાર ગ્રામિણ બેંકમાં ચાર લોકોએ લુંટની ઘટનાને અંજામ આપ્યો હતો.આ લુંટ ૨૦૦૭માં થઇ હતી.આ લુંટ માટે લુંટારાઓએ ખાસ્સી તૈયારી કરી હતી અને ફુલપ્રુફ પ્લાન બનાવીને આ લુંટને અંજામ આપ્યો હતો.આ બેંકને લુટતા પહેલા તેમણે એક રેસ્ટોરન્ટ ભાડે લીધું હતું.તેમણે આ રેસ્ટોરન્ટની બહાર બોર્ડ લગાવ્યું હતું તેનું રિપેરિંગ કામ ચાલુ છે અને તે ૮ જાન્યુઆરી ૨૦૦૮માં ફરીથી ચાલુ કરવામાં આવશે.કોઇને તેમનાં પર શંકા ન આવે તે માટે તેઓ રિપેરિંગનાં સાધનો પણ લાવ્યા હતા.જો કે ત્યાનાં સ્વાદ રસિકોની એ કમનસીબી હતી કે તે રેસ્ટોરન્ટ ત્યારબાદ ખુલ્યું જ ન હતું.લુંટારાઓ બેંકની ફરસને તોડીને ત્રીસ ડિસેમ્બરે એંસી મિલિયન રૂપિયા એટલે કે આશરે ૧.૩ મિલિયન ડોલરની લુંટ ચલાવીને ફરાર થઇ ગયા હતા.તેમણે લુંટ માટે રવિવારનો દિવસ પસંદ કર્યો હતો અને તે કારણે જ લુંટની માહિતીની જાણકારી સોમવારે જ થવા પામી હતી લુંટારાઓને ત્યાંથી ફરાર થવા માટે એક દિવસનો સમય મળી ગયો હતો.આ લુંટમાં નકસલવાદીઓનો હાથ હોવાનો પુરાવો તપાસ એજન્સીઓને મળ્યો હતો.ત્યાંથી સાતસો કિ.મી દુર હૈદરાબાદની એક હોટલમાં એક કિલો સોનું બિનવારસી હાલતમાં મળ્યું હતું.તપાસકર્તાઓને ચકરાવે ચડાવવા માટે તેમણે આખા દેશનાં અલગ અલગ શહેરોમાં ફોન કર્યા હતા.પોલીસે તપાસ દરમિયાન લીડ માટે આશરે ત્યાંથી થયેલા લગભગ બે મિલિયન ફોન કોલ્સની તપાસ કરી હતી અને આ ઘાસમાંથી સોઇ શોધવાનાં કામમાં તેમને આખરે સફળતા હાથ લાગી હતી અને તેમને એ સિક્રેટ નંબરનો પત્તો લાગ્યો હતો જેનો તેમણે સંપર્ક કરવા માટે ઉપયોગ કર્યો હતો.તે પરથી જ લુટારાઓ કયાં છુપાયા હતા તેનો પત્તો લાગ્યો હતો.આખરે પોલીસે ૨૮મી ફેબ્રુઆરીએ લુંટની રકમ સાથે લુંટારાઓને ઝડપ્યા હતા જેમણે લુંટની આખી વિગતોનો ચિતાર આપ્યો હતો.ચારમાંથી ત્રણને દસ વર્ષની સજા થઇ હતી જ્યારે ચોથાને પાંચ વર્ષની સજા થઇ હતી.
૧૯૬૮ની દસમી ડિસેમ્બરે તોશિબા ફેક્ટરીમાંથી ૨૯૪.૩ મિલિયન યેનની સાથે ચાર બેંક કર્મચારીઓ નિકળ્યા હતા.ત્યારે એ રકમ આશરે ૮૧૭,૫૨૦ ડોલરની હતી આજનાં હિસાબે એ રકમ પાંચ મિલિયન ડોલર જેટલી ગણાય.તેઓ જ્યારે પોતાના ગંતવ્ય તરફ જતા હતા ત્યારે રસ્તામાં મોટર સાયકલ પર એક પોલીસ અધિકારી મળે છે જે તેમને જણાવે છે કે તેમની બેંકનાં મેનેજરનાં ઘરને બોમ્બથી ઉડાવી દેવાયું છે અને તેઓ જે કારમાં સફર કરી રહ્યાં છે તેમાં પણ બોમ્બ લગાવાયેલો છે.આ સાંભળતા કારમાં રહેલા લોકો ગભરાઇ જાય છે અને નીચે ઉતરી જાય છે અને પેલા પોલીસ અધિકારીને કારની નીચે તપાસ કરવા જણાવે છે અચાનક જ કારમાંથી ધુમાડાનાં ગોટેગોટા નિકળે છે અને કારમાંથી આગની જવાળાઓ બહાર આવતી જણાય છે.પેલો અધિકારી સ્ટાફને જણાવે છે કાર ફાટે તે પહેલા તેઓ ત્યાંથી ભાગી જાય આ સાંભળતાં જ તેઓ ત્યાંથી મુઠ્ઠીઓ વાળીને ભાગી છુટે છે.તેઓ પાછા ફરીને જુએ છે તો જણાય છે કે પેલો અધિકારી કાર લઇને ફરાર થઇ ગયો હોય છે અને તે પાછળ મોટર સાયકલ છોડી ગયો હોય છે.જો કે તેણે જે પુરાવાઓ પાછળ છોડ્યા હતા તે તપાસકર્તાઓ માટે સ્હેજે કામનાં ન હતાં પણ આ લુંટની તપાસ માટે ૧૭૦,૦૦૦ અધિકારીઓ કામે લાગ્યા હતા જેમણે ૧૧૦,૦૦૦ શંકાસ્પદોની તપાસ કરી હતી.જો કે ૧૯૭૫ સુધી થયેલી આ તપાસમાં કશું હાથ લાગ્યું ન હતું અને કોઇ પણ પકડાયો ન હતો.આ લુંટ કોણે કરી તે કયારેય બહાર આવ્યુ ન હતું.
૧૯૭૦ થી ૮૦નાં ગાળા દરમિયાન કેનેડામાં એક ગેંગે તરખાટ મચાવ્યો હતો જેણે આશરે સો જેટલી લુંટ ચલાવી હતી અને મીડિયામાં તેમને સ્ટોપવોચ ગેંગ નામ અપાયું હતું આ ગેંગે આ ગાળા દરમિયાન પંદર મિલિયન ડોલરની લુંટ ચલાવી હતી.આ લુંટારાઓ તેમની લુંટ દરમિયાન સ્ટોપ વોચનો ઉપયોગ કરતા હતા અને તેમને લુંટ માટે કયારેય બે મિનિટ કરતા વધારે સમય લાગ્યો ન હતો.તેઓ લુંટ માત્ર નેવું સેકન્ડમાં કરી લેતા હતા.તેમણે આટલી લુંટ કરી હતી પણ કયારેય ગોળી ચલાવી ન હતી.તેમણે સૌપ્રથમ તેમનો હાથ સાફ ઓટ્ટાવા એરપોર્ટ પર કર્યો હતો જ્યાં તેમણે આશરે ૭૫૦,૦૦૦ ડોલરની લુંટ ચલાવી હતી જો કે તેમણે આ લુંટ માટે સામાન ઉંચકનારાઓનો વેશ ધારણ કર્યો હતો અને આરામથી એ ગેેંગનો મેમ્બર સ્ટીફન રીડ લુંટની રકમ સાથે નિકળી ગયો હતો.તેઓ પોલીસનાં હાથે પકડાયા હતા પણ જ્યારે તેઓ છુટ્યા ત્યારે તેઓ અમેરિકા ચાલ્યા ગયા હતા જ્યાં જઇને તેમણે નવી ઓળખ ધારણ કરી હતી.એરિઝોનામાં તેઓ રોકાયા હતા અને તેમણે તેમનાં પાડોશીઓને જણાવ્યું હતું કે તેઓ મનોરંજન ઉદ્યોગ સાથે સંબંધ ધરાવે છે અને બિઝનેશ માટે હંમેશા કેલિફોર્નિયા જતા હોય છે.તેમણે ઓછામાં ઓછી ૧૪૦ જેટલી બેંકો લુંટી હતી.આ માટે તેમણે હોલિવુડની સ્ટાઇલ અપનાવી હતી.જો કે તેમણે જ્યારે છેલ્લો હાથ મારીને નિવૃત્ત થઇ જવાનો વિચાર કર્યો તે લુંટ તેમના માટે આખરી બની ગઇ હતી.૧૯૮૦ની ૨૩મી સપ્ટેમ્બરે તેમણે બેંક ઓફ અમેરિકાની એક બ્રાંચને લુંટવા માટે વાહનો ભાડે લીધા અને તેમણે ૨૮૩,૦૦૦ ડોલરની લુંટ ચલાવી હતી પણ આ લુંટ તેમનાં માટે પરફેક્ટ ન હતી કારણકે તેમણે ઘણાં પુરાવાઓ પાછળ છોડ્યા હતા જે તેમનાં માટે જોખમી પુરવાર થયા હતા.આખરે પુરી ગેંગ પોલીસનાં હાથમાં સપડાઇ હતી.સ્ટીફન રીડ એરપોર્ટ જતા પકડાયો હતો તે દેશ છોડીને નવું જીવન શરૂ કરવાની વેતરણમાં હતો.
આર્જેન્ટીનાનાં એકેસ્સુસો શહેરની બાંકો રિયોમાં બે લોકો ૧૩ જાન્યુઆરી ૨૦૦૬નાં રોજ પ્રવેશ્યા હતા અને તેમણે વીસ જેટલા લોકોને બંધક બનાવ્યા હતા.આ સમયે એ ઇમારતની બહાર ઓછામાં ઓછા બસ્સો જેટલા અધિકારીઓ તૈનાત કરાયા હતા જો કે લુંટારાઓને તેમનો કોઇ ભય ન હતો.તેમણે પિજ્ઝા અને પોપ માટે ચાર બંધકોને મુક્ત કર્યા હતા.તેમણે જે બંધકોને બાનમાં લીધા હતા તેમાં એક મહિલા હતી જેનો તે દિવસે બર્થ ડે હતો તેમણે તેની સાથે તેના જન્મદિનની ઉજવણી કરી હતી અને બધાએ હેપ્પી બર્થડે ગીત પણ ગાયું હતું.તેઓ ત્યાં સાત કલાક રોકાયા હતા અને જ્યારે પોલીસ અંદર આવી તે પહેલા તેઓ આઠ મિલિયન ડોલરની રકમ લઇને રફુચક્કર થઇ ગયા હતા.ભોંયરામાં તેમણે ખોદકામ કર્યું હતુ અને ત્યાંથી તેઓ નિકળી ગયા હતા.અહીંથી તેમણે એક ટનલ ખોદી હતી જે અહીની ગટરમાં થઇને નદીમાં નિકળતી હતી.તેમણે તેમની પાછળ એક ચિઠ્ઠી છોડી હતી જેમાં લખ્યું હતું સ્ટોલન મની, નોટ લવ, તેમણે તેમની લુંટ દરમિયાન ૧૪૦ જેટલા સેફ ડિપોઝીટ વોલ્ટ તોડ્યા હતા જેમાં ઘણી સંવેદનશીલ સામગ્રી હતી.૨૦૧૦માં નવાવર્ષની સાંજે લુંટારાઓએ બ્યુનોસ એર્સની બાંકો પ્રોવિન્સિયાની નીચે ત્રીસ મીટર લાંબી ટનલ ખોદી હતી.આ ટનલમાં તેમણે લાઇટ અને વેન્ટીલેશનની પણ વ્યવસ્થા કરી હતી.તેમણે તમામ એલાર્મ ઓફ કરી દીધા હતા અને ત્યાંથી ફરાર થતા પહેલા તેમણે દરવાજાઓ પણ બંધ કર્યા હતા.એક દિવસ બાદ જ્યારે બેંક ખુલી ત્યારે બેંક લુંટાયાની વાત બહાર આવી હતી.
૧૯૮૮માં બેંક ઓફ ઇંગ્લેન્ડને લુંટવામાં આવી હતી અને લુંટારાઓએ આ લુંટ માટે તદ્દન સાદી રીત અપનાવી હતી.એક મહિલા વર્કરે બેંકમાંથી પોતાના અંડરવેરમાં નોટો છુપાવીને લઇ જવાનું ચાલુ કર્યું હતું.તેણે આ કામ આશરે ચાર વર્ષ કર્યુ હતું અને તેણે બેંકમાંથી ૬૦૦,૦૦૦ પાઉન્ડની ચોરી કરી હતી.ક્રિસ્ટીન ગિબ્સન નામનાં એક સ્મગલરે એક ટોળકી તૈયાર કરી હતી અને આ લોકોએ નોટોની હેરફેર દરમિયાન હાથ મારવાનું નક્કી કર્યૂુ હતું જો કે આ નોટોની હેરફેર બે પાંજરામાં કરાતી હતી જેનો રંગ સફેદ અને કાળો હતો.ગિબ્સનની પાસે માત્ર કાળા પેડલોકની જ ચાવી રહેતી હતી પણ તેણે અન્ય ચાવીઓની ઓળખ માટે તેના પર સફેદ રંગ લગાવ્યો હતો આમ તે બંનેની હેરફેર કોઇની પણ નજરે ચડ્યા વિના કરી શકતી હતી.આ નોટો પાછી એવી હતી જેનો નાશ કરવાનો રહેતો હતો પણ તેઓ આ નોટો ત્યારે જ તફડાવતા જ્યારે તેને નાશ માટે લઇ જવાતી હતી આથી તેમની કામગિરી કોઇની નજરે ચડતી ન હતી.અહીંતો ઘણાંયે ઉસ્તાદો એવા પણ હતાં જે ગિબ્સનની ગેંગ સાથે જોડાયેલા ન હતાં.જો કે આખરે તેમની કરતૂતો અંગે લોકોને ગંધ આવી ત્યારે પોલીસને જાણ કરાઇ હતી જેણે ગિબ્સનનાં ઘર પર દરોડો પાડ્યો અને તેની ઉસ્તાદીનો ભાંડો ફોડ્યો હતો.જો કે કોર્ટમાં કોઇએ પણ તેમની વિરૂદ્ધ ગવાહી આપવામાં રસ લીધો ન હતો એ કારણે તેમને એટલી કડક સજા થઇ શકી ન હતી અને અદાલતમાં ઓછો પગાર હોવા છતાં વૈભવી જીવનશૈલીને ગુનો પુરવાર કરી શકાય તેમ ન હતું જો કે ઇંગ્લેન્ડ બેંક ત્રણ જેટલા પરિવારોનાં પૈસા તેમની પાસેથી પરત કઢાવવામાં સફળ રહી હતી.
ચોરીઓમાં આમ તો ચોરોની નજર મોટાભાગે તો રોકડ અને ઘરેણાં, ઝવેરાત અને સોના ચાંદી પર રહેતી હોય છે પણ ઘણાં ચોરોની નજર કલાત્મક વસ્તુઓ પર મંડાયેલી હોય છે કારણકે આ વસ્તુઓનાં મોંમાંગ્યા દામ મળતા હોય છે અને આ યાદીમાં જે સૌથી જોરદાર ચોરીની ઘટના સામેલ છે તે પણ આર્ટને લગતી જ છે.સ્ટીફેન બ્રીટવીઝરે સાત વર્ષનાં ગાળામાં અબજો ડોલરની કલાત્મક વસ્તુઓની ઉઠાંતરી કરી હતી.તેણે યુરોપનાં ઓછામાં ઓછા ૧૭૨ જેટલા મ્યુઝીયમો પર હાથ સાફ કર્યો હતો અને અબજોની કિંમતની કિંમતી કલાત્મક વસ્તુઓની ઉઠાંતરી કરી હતી.આ બધી વસ્તુઓ તેણે તેની માતાનાં ઘરમાં સંગ્રહી રાખી હતી તેણે આ ચોરીઓ માત્ર નાણાં માટે કરી ન હતી.તેણે યુરોપનાં ઘણાં શહેરોમાં એક વેઇટર તરીકે કામ કર્યુ હતું અને તેને કલામાં ઉંડો રસ હતો.તેની યોજના એકદમ સિમ્પલ રહેતી હતી.તે મોટાભાગે એવા સંગ્રહાલયો પર પસંદગી ઉતારતો જ્યાં સુરક્ષાની વ્યવસ્થા અત્યંત નબળી હોય તેની સાથે તેનાં આ કામમાં તેની ગર્લફ્રેન્ડ સાથ આપતી હતી જ્યારે તેઓ મ્યુઝીયમમાં જતા અને કોઇ વસ્તુ ઉઠાવવાનું નક્કી કરતા ત્યારે તેઓ એ વસ્તુની આસપાસ પહોંચી જતા અને તેની ગર્લફ્રેન્ડ એવો કોઇ તમાશો કરતી કે મોટાભાગનાં લોકોની નજર તેની તરફ જ રહેતી અને તે લોકોની નજર ચુકવીને પેલી કિંમતી વસ્તુ પર હાથ સાફ કરી લેતો હતો.તે વસ્તુને તેના કોટની અંદર છુપાવી લેતો અને આરામથી ત્યાંથી સરકી જતો હતો.જો કે ૨૦૦૧માં તે એક ચારસો વર્ષ જુના બ્યુગલે ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે પોલીસે તેને પકડ્યો હતો કારણકે તેણે આ વસ્તુને ઉઠાવવા માટે આ પહેલા પણ પ્રયાસ કર્યો હતો અને પોલીસને તેની હાજરી પર શંકા ગઇ હતી.આ પહેલા ૧૯૯૮માં તે એક કિંમતી વસ્તુને ચોરવાનાં પ્રયાસમાં આઠ મહિના જેલની હવા ખાઇ આવ્યો હતો.જો કે તે જ્યારે પોલીસનાં હાથમાં સપડાઇ ગયો ત્યારે તેની માતાએ તેના ઘરમાં મુકેલી ૧.૪ બિલિયનનની વસ્તુઓને નષ્ટ કરી નાંખી હતી.તેણે આમ તો એવું કહ્યું હતું કે તેના પુત્રની હરકતો પર તેને ગુસ્સો આવ્યો હતો પણ પોલીસનો દાવો હતો કે તેણે પુરાવાઓ નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો.તે જ્યારે જેલમાંથી બહાર આવ્યો ત્યારે તેણે તેની આ પ્રવૃત્તિઓમાંથી નાણાં રળવાનો વિચાર કર્યો અને તેણે તેની આત્મકથા પ્રસિદ્ધ કરી હતી.