Nitu - 98 in Gujarati Women Focused by Rupesh Sutariya books and stories PDF | નિતુ - પ્રકરણ 98

Featured Books
  • અભિનેત્રી - ભાગ 18

    અભિનેત્રી 18*                                "એય.શુ કરે છે?...

  • ફરે તે ફરફરે - 96

    ૯૬ સાંજના ચારેક વાગ્યા હતા.૨૦૦ફુટથી વધારે પહોળા વોશિગ્ટનના વ...

  • Old School Girl - 10

    અમે લોકોએ પાસ થઈ જઈએ અને પરીણામ લેવા જઈએ ત્યારે ભુદરકાકાને ત...

  • મારા અનુભવો - ભાગ 35

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 35શિર્ષક:- વાડકો વેચ્યોલેખક:- શ...

  • ભાગવત રહસ્ય - 247

    ભાગવત રહસ્ય -૨૪૭   નંદ મહોત્સવ રોજ કરવો જોઈએ.મનથી ભાવના કરવા...

Categories
Share

નિતુ - પ્રકરણ 98


નિતુ : ૯૮ (વિદ્યા અને નિકુંજ) 


"વિદ્યાને લઈ જનાર એ વ્યક્તિ કોણ હતી?" નિતુએ નિકુંજને પૂછ્યું.


"રમણ."

"રમણ? યુ મીન રમણ દેસાઈ, પેલા કોન્સ્ટેબલ?" નિતુએ આશ્વર્યથી પૂછ્યું.

"હા... એ તેને લઈને સીટી હોસ્પિટલ પહોંચ્યા. બીજે કશે જવાને બદલે ત્યાં જવાનું કારણ હતું કે તેની એ હોસ્પિટલમાં બહુ ઓળખ હતી. સીટી હોસ્પિટલના ચીફ, ડોક્ટર જસવંત રમણના ભાઈ હતા. એટલે વિદ્યાની વાત ડોક્ટરોએ કોઈને ના કરી. તેને હોસ્પિટલ પહોંચાડી રમણ દેસાઈએ મને ફોન કર્યો અને કહ્યું કે એનું એક્સિડન્ટ થયું છે. જાણ થતા હું સીધો જ હોસ્પિટલ પહોંચ્યો."

હોસ્પિટલના પેસેજમાં રમણ ઉભેલો અને વિદ્યાનો વોર્ડ શોધતો નિકુંજ ત્યાં આવ્યો. તેને જોતા રમણે શકની નજર કરી અને તેની સામે આવી પૂછ્યું, "તું નિકુંજ છે?"

"હા... તમે?"

"મેં જ તમને ફોન કરેલો. મારુ નામ રમણ દેસાઈ છે, હું પોલીસ કોન્સ્ટેબલ છું."

"વિદ્યા ક્યાં છે? અને આ બધું થયું કેવી રીતે?" તે બેબાકળો બની પૂછવા લાગ્યો. તેને શાંત કરતા રમણે કહ્યું, "એક મિનિટ. પહેલા તમે શાંત થઈ જાવ. તેની સારવાર શરુ કરી દેવામાં આવી છે. થોડી ઈજા પહોંચી છે. કોઈ મૂંઝાવા જેવી વાત નથી."

"પણ એનો એક્સિડન્ટ થયો કેવી રીતે?"

રમણે કહ્યું, "મને જાણ થઈ કે તમે વિદ્યાના ખાસ દોસ્ત છો એટલે મેં સૌથી પહેલા તમને ફોન કર્યો. તમે મારી સાથે આવો હું તમને બધી જાણકારી આપું છું." તે નિકુંજને લઈને કેન્ટીનમાં ગયો અને પોતાની વાત રાખતા તેણે બધું જણાવ્યું.

"જુઓ, તમે પેનિક ના થાઓ એ માટે મેં તમને એક્સિડન્ટ થયાનું કહ્યું હતું."

"એટલે?"

"તમે રોનીને તો ઓળખાતા જ હશોને?"

"હા. તે કોલેજમાં અમારી સાથે જ હતો. એનું શું છે?"

"તમારી વચ્ચે કોઈ વાતે નાનકડો ઝઘડો થયો હતો અને એનો બદલો લેવા એણે વિદ્યા સાથે... " તે અટક્યો અને પછી ઉમેર્યું, "વિદ્યા એનો કેસ કરવા પુલીસ સ્ટેશન આવી હતી. પણ ત્યાં બધા રોનીના જ માણસો છે. એનો બાપ રતન દેસાઈ બધાને પૈસા ખવરાવી પોતાના કરી રાખે છે. ઈન્સપેકરે એની વાત ના સાંભળી અને તેને ધક્કા મારીને બહાર કાઢી મૂકવામાં આવી. મને એના પર દયા આવી એટલે મેં એને કોઈ સારા વકીલ પાસે જઈ કોર્ટ કેસ કરવા કહ્યું. તે ઘણું ભટકી, ઘણા વકીલોને મળી. કોઈ એની મદદ કરવા તૈય્યાર ન્હોતું અને અંતે તે સીધી જજ સાહેબ પાસે પહોંચી ગઈ. પણ કોઈ અર્થ ના નીકળ્યો."

"જજે પણ કંઈ ના કર્યું?"

"એણે સાથ આપવા ઈચ્છા વ્યક્ત કરી પણ પહેલા લીગલ પ્રોસિજર કરવા કહ્યું. તે વધુ કંઈ કરે એ પહેલા રતનને એના માણસો દ્વારા આ બધી જાણ થઈ ગઈ અને તેણે જાળ ફેલાવી હોંશિયારી પૂર્વક વિદ્યાને પોતાની પાસે બોલાવી. આ વાતની મને જાણ થઈ એટલે હું વિદ્યાની હોસ્ટેલ પહોંચ્યો અને ત્યાં માયા પાસેથી બધી ડિટેલ લીધી એટલે ખબર પડી કે તમે એના ખાસ દોસ્ત છો. માયાએ મને વિદ્યાએ જે નવી રૂમ રાખી એનું એડ્રેસ આપ્યું. એ સેફ નહોતી. હું એને લેવા ત્યાં પહોંચું એ પહેલા રતનની ગાડી એને લેવા આવી ગયેલી. મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો એટલે મેં તેમનો પીછો કર્યો. હાઈવેથી યુ ટર્ન લઈ તેઓએ એક સાંકડા રસ્તા પર ગાડી ઉતારી દીધી. ત્યાં સુધી તો હું એની પાછળ પાછળ જ હતો. પણ આગળ જતા બે અલગ રસ્તા જતા હતા અને તેમણે મારુ ધ્યાન ચૂકવી દીધું. હું ઊંધા રસ્તે ચડી ગયો."

"તેણે વિદ્યા સાથે શું કર્યું? ક્યાં લઈ ગયા હતા એને?"

"એની મને જાણ નથી. પણ ઘણું અંતર કાપ્યા બાદ મને લાગ્યું કે હું ખોટા રસ્તે આવ્યો છું ત્યારે મેં મારી ગાડી પાછી વાળી. મને દૂરથી એક જીપ દેખાઈ અને અમુક લોકો ત્યાં ઉભેલા દેખાયા. કદાચ એ રોની અને એના દોસ્ત જ હશે! મેં હોર્ન વગાડ્યો જે સાંભળી તેઓ નાસી છૂટ્યા. પણ એનો પીછો કરવાને બદલે મેં તેઓ જ્યાં ઉભેલા ત્યાં જોયું તો રોડથી નીચે વિદ્યા બેભાન હાલતમાં લોહી લુહાણ થઈને પડેલી હતી."

નિકુંજને આ બધું સાંભળી આઘાત લાગ્યો. એ રડી પડ્યો અને રમણે એના ખભે હાથ રાખતા એને શાંત કર્યો. તેણે રમણને પૂછ્યું, "વિદ્યાની આટલી મદદ કરવાનું કારણ?"

રમણ બોલ્યો, "આ હોસ્પિટલનો ચીફ જસવંત દેસાઈ મારો ભાઈ છે. તેને એકનો એક દીકરો હતો કૃણાલ. થોડા સમય પહેલા નશાની હાલતમાં રોની તાપી બ્રિજ પર પુરપાટ જઈ રહ્યો હતો અને મોજ મસ્તીમાં એણે કૃણાલને અડફેટે લીધો. માથું પટકાવાથી એને બ્રેઈન હેમરેજ થઈ ગયું. કમનસીબે એનો જીવ ના બચી શક્યો. મેં અને જસવંતભાઈએ ઘણી મહેનત કરી એને સજા અપાવવાની પણ એના બાપ સામે પડવા કોઈ તૈય્યાર ના થયું. અમારા કેસને ફોડી નખાયો અને રોનીને તો પોલીસ સ્ટેશન સુધી આવવાની પણ જરૂર ના પડી. તમે ચિંતા ના કરો. હું અને જસવંત બંને તમારી સાથે છીએ. તે આ હોસ્પિટલનો ચીફ છે એટલે હોસ્પિટલનો આખો સ્ટાફ આપણને મદદ કરશે."

નિકુંજે બંને હાથ વડે એનો હાથ પકડી કહ્યું, "થેન્ક યુ સો મચ સર. જો તમે સમયસર ના પહોંચ્યા હોત તો ખબર નહિ એ વિદ્યાની શું હાલત કરેત."

રમણ ઉભો થયો અને કહ્યું, "ઈટ્સ ફાઈન નિકુંજ. હવે મારી ડ્યૂટીનો સમય થવા આવ્યો છે. વિદ્યાને સંભાળજે અને મારી કોઈ જરૂર પડે તો બેફિર થઈ મને ફોન કરી દેજે. હું તમારી પાસે આવતો જતો રઈશ."

"ઠીક છે સર. થેન્ક યુ."

રમણ પોતાની ફરજ પર પાછો ફર્યો અને નિકુંજ હોસ્પિટલમાં અંદર ગયો. વિદ્યા સાથે જે થયું એની જેટલી માહિતી રમણ પાસે હતી એ સાંભળી તે ખિન્ન બની ગયેલો. ધીમા પગે ચાલતા તે વિદ્યાના વોર્ડમાં પ્રવેશ્યો. કોઈને જાણ ના થાય એ માટે તેને ખાસ એક સુરક્ષિત અને ખાનગી બેડ આપવામાં આવ્યો હતો. નિકુંજ તેના વોર્ડમાં પ્રવેશ્યો. અંદર જવાની મનાઈ હતી. તે બારી પાસે ઉભો રહ્યો અને બાજુમાં રહેલી દોરી ખેંચી.

બારી ખુલ્લી અને તેને સામે બેડ પર પડેલી વિદ્યા દેખાય. હાથ અને પગ પર જ્યાં ઇજા થયેલી એ બધા પર પાટા પિંડી કરેલી. હાથની નસ મારફતે ચડતો લોહીનો બાટલો, માથા પર પટ્ટી બાંધેલી અને વાળના નામે ચાકુથી કપાયેલા અસ્ત વ્યસ્ત ટૂંકા વાળ. તેનું આખું શરીર ખરડાયેલું હતું. બેભાન વિદ્યાની બાજુમાં લોહીભીના પડેલા એના જુના કપડાં. તેની આવી દશા જોઈ નિકુંજ અંદર સુધી કંપી ગયો. નિરૂપાય અવસ્થામાં તેનાથી બેન્ચ પર બેસી જવાયું. એનાથી વિદ્યાની આ કફોડી હાલત સહન ના થઈ. નિખીલ પર વિશ્વાસ કરી તે દિવસે વિદ્યાને એકલી છોડી દેવાના અફસોસમાં એ ક્યાંય સુધી પોતાને દોષી માનીને એ બેન્ચ પર રડતો રહ્યો.

પછી તે ડોક્ટર જસવંતને મળવા એની કેબિનમાં ગયો. "એની હાલત કેવી છે? એને વધારે ઈજા તો નથી થઈને? એ ક્યાં સુધી ભાનમાં આવશે?"

"લૂક નિકુંજ હું સમજી શકું છું કે તને કેટલી ચિંતા થતી હશે. પણ ડરવા જેવું એની ઈજાથી નથી."

"શું અર્થ છે એનો?" નિકુંજે પૂછ્યું.

જસવંતે ચિંતા વ્યક્ત કરતા કહ્યું, "જો... રમણે મને બધી વિસ્તારથી વાત કરી એટલે અમે દરેક પ્રકારે તપાસ કરી છે. એના શરીર પર જે ઘા થયા છે એ તો રૂઝાય જશે. પણ મનના ઘા રૂઝાશે કે કેમ એ કહેવું અઘરું છે."

તેની આ વાત સાંભળી નિકુંજ ડર્યો. "એ..."

"હા. એ અત્યાર સુધી આ બધામાં એકલી ઝઝૂમી છે. એવું લાગી રહ્યું છે કે કાલે રાત્રે એની સાથે જે કરવામાં આવ્યું એનાથી એના મન પર ઊંડી અસર થઈ હશે. ભાનમાં આવ્યા પછી એનું રિએક્શન શું હશે એ કહેવું અઘરું છે."

નિકુંજે પૂછ્યું, "માનો કે કંઈ ખરાબ અસર થઈ તો?"

"નિકુંજ, એ તો થવાની જ છે. કેટલી હદ સુધી થશે એ ના કહી શકાય. અમને આશંકા છે કે એ આત્મવિશ્વાસ ખોઈ બેસે કે પછી કોઈ અવળું પગલું ભરવાના વિચાર કરે. હું તમને સલાહ આપીશ કે તમે એને એકલી ના છોડતા."

"ઓલરાઈટ ડોક્ટર. હું એની પાસે જઈ શકુને!"

"હા. પણ એની સેફટી માટે અમે બીજા કોઈને એની પાસે નથી જવા દીધા. જ્યાં સુધી એ અહીં છે ત્યાં સુધી એક નર્સ ચોવીસ કલાક એની સાથે રહેશે. ભાનમાં આવ્યા પછી એની તપાસ કરી, જો જરૂર નહિ હોય તો અમે એને ડિસ્ચાર્જ કરી દઈશું. એ સમય એના માટે ખૂબ કપરો બની શકે છે. શક્ય હોય તો તમે એની પાસે જ રહેજો."

નિતુને વાત કરતા નિકુંજે આગળ કહ્યું, "હું ડોક્ટરને થેન્ક યુ કહી વિદ્યા પાસે ગયો."

નિતુએ પૂછ્યું, "તો એ ભાનમાં ક્યારે આવ્યા? એના મન પર શું કોઈ અસર થઈ?"

"હા... " તે વાત કરતા ઉભો થયો અને થોડી ક્ષણ પછી એણે ગળગળા થતા કહ્યું, "એને ભાનમાં આવતા વધારે વાર ના લાગી. પણ અસર એવી થઈ જેનો અમને ડર હતો."