Nitu - 97 in Gujarati Women Focused by Rupesh Sutariya books and stories PDF | નિતુ - પ્રકરણ 97

Featured Books
Categories
Share

નિતુ - પ્રકરણ 97

નિતુ : ૯૭ (અન્યાય) 


વિદ્યાના મનમાં અનેક પ્રકારના વિચારો ચાલી રહ્યા હતા. રતનની કરતૂતથી એનું આત્મ સન્માન ઘવાયું હતું. એ જ સ્થિતિમાં વિચાર મગ્ન અને ઉદાસ એ અંધકાર ભરેલા ખાલી રસ્તા પર બેધ્યાન બની ચાલી રહી હતી.


રતન અને અમર બંને બેઠા હતા એવામાં રોની નીચે આવ્યો. કાનમાં હેન્ડ્સફ્રી લગાવી ફોન જોઈ રહ્યો હતો. તે કશું કહ્યા વગર તેઓની બાજુમાં બેઠો. રતને તેને પૂછ્યું, "તું આ બધું શું કરી રહ્યો છે?"

આશ્વર્ય સાથે એણે હેન્ડ્સફ્રી હટાવી અને પૂછ્યું, "તમે શેની વાત કરો છો?"

"હું વિદ્યાની વાત કરું છું."

રોની થોડું ગભરાયો, "વિદ્યા!... તમને એના વિશે કેમ ખબર?"

નિસાસો નાંખતા તે બોલ્યો, "લ્યો કરો વાત! અહિંયા આટલી મોટી રામાયણ થઈ રહી છે અને સાહેબજાદાને કંઈ ખબર જ નથી. તે હરામખોર તારો કેસ લઈને કોર્ટ સુધી પહોંચી ગઈ અને તને કંઈ ખબર જ નથી!"

"શું? એટલે?"

"તારી કરતૂતનો કેસ લઈ એ કોર્ટમાં ગઈ હતી. સારું થયું કે કોઈએ એનો કેસ ના લીધો. જો કોઈ વકીલ વચ્ચે પડશે તો તારું કરિયર રાજનીતિમાં શરૂ થતા પહેલા જ ઓલવાય જશે."

"પપ્પા... આ... બધું...?"

ગુસ્સે થઈ તે બોલ્યો, "હું કંઈ સાંભળવા નથી માંગતો. જો અમરે મને જાણ ના કરી હોત તો કંઈ ખબર જ ના પડેત અને મોટો બખેડો ઉભો થઈ જાત. એ જિદ્દી છોકરી છે. તારે જે કરવું હોઈ એ કર, પણ એ છોકરી આજ પછી મારા રસ્તામાં ના આવવી જોઈએ. સમજ્યો?"

અમરે વચ્ચે પડતા સરળતાથી કહ્યું, "એ નાનો છે હજુ. તમે પણ નકામો ગુસ્સો કરો છો. આપણે આનો કંઈક તોડ પાડી લઈશું. રોનીને એમાં વચ્ચે પડવાની જરૂર નથી."

"હાય ડેડ. કેમ છો અંકલ?" કહેતા નિખીલ અને અભિષેક પણ નીચે આવ્યા.

રતને એ ત્રણેયને જોઈને કહ્યું, "અમર, એ તોડ આપડે નથી પાડવાનો. આ ત્રણેયે સાથે મળીને આ રમત શરુ કરી છે. રેસ્ટોરન્ટમાં જ્યુસ પીવરાવી પીવરાવી તમે જે કરતૂત કરો છો એ બહાર પડી ગઈને તો બીજી ઘણી વિદ્યા જાગી જશે... અને તું..." તેણે અભિષેકને ઉલ્લેખી કહ્યું, "તારો બાપ જે ડરને માર્યો ફોન કરે છેને એ સાચો પડી જશે. રેસ્ટોરન્ટ બંધ થશે અને તમે ત્રણેય જેલમાં જશો."

અમરે કહ્યું, "આજ સુધી ઘણા લોકોને શાંત કરી દીધા છે. આને પણ કરી દઈશું."

તે ફરી બોલ્યો, "અમર તે જોયું નહિ કઈ રીતે એણે વાત કરી. એ શાંત થાય એમાંથી નથી. એક તો ચૂંટણી માથા પર આવી ઉભી છે અને જો કંઈ આડાઅવળું થઈ ગયું તો કરેલા પ્રચાર પર પાણી ફરી જશે. તમારે ત્રણેયને જે કરવું હોય એ કરો. એ છોકરી હવે પછી મને ના મળવી જોઈએ." ગુસ્સા વશ કહીને તે જતો રહ્યો.

અભિષેકે રોનીને કહ્યું, "હવે શું કરીશું? એનો કેસ કોઈએ હાથમાં લઈ લીધો તો?"

રોનીએ અમરને પૂછ્યું, "અંકલ! આ પપ્પા શું કહી રહ્યા હતા? એ અહીં આવી હતી?"

અમર બોલ્યો, "હા... હમણાં જ આવી હતી, જયારે તમે ત્રણેય ઉપર પાર્ટી કરી રહ્યા હતા. તમે ત્રણેય લોકોએ જે કર્યું છે એ બધું જણાવીને ગઈ છે. ધમકી આપીને કે તમારી પોલ બધા સામે ખોલી દેશે. ચાલતા મોકલી છે, હજુ વધારે દૂર નહિ પહોંચી હોય."

વિદ્યા રોડની વચ્ચો વચ્ચ ચાલી રહી હતી. એવામાં પાછળથી એના તરફ આવતી ગાડીએ હોર્ન માર્યો. પહેલા તો બેધ્યાન વિદ્યાને કંઈ સંભળાયું નહિ. એટલે એણે બીજીવાર હોર્ન માર્યો. તે સભાન થઈ, પાછળ થોડે દૂરથી આવતી ગાડી જોઈ અને એકબાજુ ખસી ગઈ.

ઓપન જીપ ચાલ્યા જવાને બદલે એની બાજુમાં આવી અને એના તરફ ટર્ન લઈને ઉભી રહી. તેની હેડ લાઈટ તેની આંખોમાં પડતી હતી જેથી અંજાઈને વિદ્યાએ પોતાના બંને હાથ લાઈટના આવતા પ્રકાશ આડા રાખ્યા. શેલસી બૂટનો જમીનને સ્પર્શ થતો અવાજ આવ્યો. કોઈ ગાડીમાંથી નીચે ઉતર્યું. આંખો પર પડતા પ્રકાશને લીધે એનો ચેહરો નહોતો જોઈ શકાતો.

ડ્રાઈવિંગ સીટ પર કોઈ બેઠું હતું અને જીપમાંથી અન્ય બે વ્યક્તિ ઉતરીને એના તરફ આવી રહ્યા હતા. જીપની હેડ લાઈટ સામે આવતા જ વિદ્યાને રોની અને નિખીલનો ચેહરો દેખાયો. તેના ચેહરા પર રાક્ષસી હાસ્ય તરવરતું હતું. રોની તેની સામે આવી બોલ્યો, "હાય વિદ્યા..."

"તું?"

"હા, હું."

વિદ્યા જાણે કે એનો ચેહરો પણ જોવા ના માંગતી હોય એમ એક બાજુ જોઈ ગઈ.

"કેમ બીજીબાજુ ફરી ગઈ?"

તે કશું ના બોલી. નિખીલે કહ્યું, "એ તારા માટે કશુંક પ્લાન કરે છે. એ પણ તને જણાવ્યા વગર."

"અરે હા... તું તો મારી સામે કેસ કરવા માંગે છે, નહિ?"

નિખીલ બોલ્યો, "શું થયું? કોઈએ કેસ ના લીધો." બંને હસ્યાં અને રોનીએ આગળ ઉમેર્યું, "જવા દે નિખીલ. કરવા દે જે કરવું હોય એ. શું કરશે?"

વિદ્યાના મનમાં ગુસ્સો ભરાતો હતો. શ્વાસ વધી રહ્યા હતા, અંદર જાણે કે નફરતની આગ ભભકતી હતી. તે ત્રણેય તેની આ દશા જોઈ શકતા હતા. તેની હસી ઉડાવતા રોની બોલ્યો, "ઓહ હો... બહુ ગુસ્સો આવે છે!"

એનાથી ત્રાસી વિદ્યા બોલી ઉઠી, "એક વાત યાદ રાખજે રોની, હું તને સજા તો જરૂર અપાવીશ."

એના પર વિદ્યાની વાતની કોઈ અસર નહોતી. તે બોલ્યો, "ઠીક છે, જા. જે કરવું હોય એ કર, જા. શહેરથી આટલી બધી દૂર નીકળી ગઈ છે. ચાલીને જવાની છે? જા."

રોની અને નિખીલ બંને હસી રહ્યા હતા. વિદ્યાએ એના પર ધ્યાન ના આપ્યું અને ફરી રસ્તો પકડી ચાલવા લાગી. તે બંને જીપમાં બેસી ગયા અને જીપ જે રસ્તે આવેલી એ જ રસ્તે પાછી ફરી. તે એકલી હતી એટલે તેની સાથે થનાર આવી ઘટનાઓ તેને રડાવતી. આંખો ભીની હતી અને અંધકારમાં કંઈ સૂઝતું ન હતું.

એ આગળ ચાલી, એવામાં એના કાને અચાનક કોઈ ગાડીનો અવાજ સંભળાયો. તેણે પાછળ ફરી જોયું તો અંધારામાં કંઈ ન હતું પણ અવાજ તીવ્ર થતો જઈ રહ્યો હતો. તે ચારેય બાજુ જોવા લાગી. પાછળથી અચાનક હેડ લાઈટ શરૂ થઈ અને એ પાછળ ફરી તો રોનીની જીપ એની એકદમ નજીક પહોંચી ચુકી હતી. તે રોડથી એકબાજુ જાય એ પહેલા જ તેઓ ત્યાં પહોંચી ગયા.

ગતિ ધીમી કરી અને ચાલતી જીપમાંથી હાથ બહાર કાઢી રોનીએ વિદ્યાના વાળ પકડ્યા. આંખો પહોળી કરી એ વિદ્યાને જોઈ રહ્યો હતો કે એનું મન વિદ્યા પ્રત્યે ખુન્નસતાથી ભરાઈ ગયું હતું. તે બરાડ્યો, "મેં તને કહ્યું હતુંને ચાલ્યા જવા માટે... તો પણ તું કેસ કરવા કોર્ટ સુધી પહોંચી ગઈ. મારી ફરિયાદ લઈને મારા બાપ પાસે ગઈ હતી... હાં..."

તેણે અભિષેક સામે જોયું અને અભિષેકે ગાડીની ગતિમાં થોડો વધારો કર્યો. તે સાથે ચાલવાનો પ્રયત્ન કરતી તો ક્યારેક ઢસડાઈ રહી હતી અને પોતાના વાળને રોનીની પકડમાંથી છોડાવવા મથી રહી હતી. થોડું આગળ જતા રસ્તો ખુલ્લો પડતો હતો. તેણે વિદ્યાનું માથું પકડી ધક્કો માર્યો અને તે જીપથી થોડે દૂર જઈ જમીન પર પડી ગઈ. જીપ સાથે ઢસડાવાથી બંને પગે ખાસ્સી એવી ઈજા થઈ ગઈ હતી.

ગાડી રોકી ત્રણેય નીચે ઉતાર્યા. તે ઉભા થવાનો પ્રયત્ન કરતી હતી. એની બાજુમાં ઢીંચણભેર અડધું બેસી રોનીએ પોતાનો ગુસ્સો ઠાલવ્યો. એક હાથે વાળ પકડ્યા અને બીજા હાથે એના જડબાને જોરથી દબાવ્યું. "બહુ શોખ છે તને કેસ કરવાનો... મને સજા અપાવીશ! તું રોની જરીવાલાને સજા અપાવશે..."

તેણે તેને ઉભી કરી અને શરીરમાં રહેલું બધું જોર હાથમાં ઉતારી વિદ્યાને કિનારા પર રહેલા એક વૃક્ષના થડ સાથે પટકી. નાક અને મોંમાંથી લોહી નીકળવા લાગ્યું. નિખીલ આગળ આવ્યો અને તેને પકડી વચ્ચે મૂકી. ત્રણેય એને ઘેરીને ઉભા હતા.

આવેશવશ તે ત્રણેયને જોઈ રહી. નિખીલે કહ્યું, "રોની... એટીટ્યુડ દેખાય છે મેડમનો."

"ટેંશન ના લે, એટીટ્યુડ હું પણ બતાવું છું." તે ફરી તેની પાસે બેઠો. મુઠ્ઠીમાં મજબૂત રીતે વાળ પકડી નીચેની બાજુ ખેંચ્યા જેથી એનો ચેહરો એના તરફ ઉપર આવે. આવેશમાં આવી વિદ્યાએ દાંત ભીસી કહ્યું, "આઈ એમ... નોટ સ્કેર્ડ..." અને એના મોઢા પર તેણે થૂંક ઉડાડ્યું.

થૂંક સાફ કરતા રોનીએ નસકોરા ફુલાવ્યા અને અભિષેકને ઈશારો કર્યો. તે જીપ તરફ ગયો. રોની બોલ્યો, "નોટ સ્કેર્ડ...? એકવાર સજા આપી અને એટલી વાર કહ્યું છતાં સમજાતું નથી? હવે હું તને બતાવીશ કે રોની સામે પડવાની સજા શું મળે છે."

અભિષેક હાથમાં એક હન્ટિંગ ચાકુ લઈને આવ્યો અને રોની સામે ફેંક્યું. વિદ્યાની આંખો એ ચાકુ તરફ ગઈ. એ જોઈ રોનીએ  રાક્ષસી હસતા કહ્યું, " ચિંતા ના કર. હું તને મારીશ નહિ. પણ એવી સજા આપીશ કે જિંદગીમાં કોઈ દિવસ ભૂલી નહિ શકે. બહુ ઘમંડ છે તને?" કહેતા તેણે નિખીલ તરફ જોયું.

તે આવ્યો અને ચાકુ લઈ તેની બાજુમાં ઉભો રહ્યો. રોનીએ પહેલાથી જ એના વાળ પકડી રાખેલા. નિખીલ ધીમે ધીમે ચાકુ ચલાવી શક્ય એટલા નજીકથી એના વાળ કાપવા લાગ્યો. નીચે પડતા એના વાળને હાથમાં લઈ રોનીએ એની સામે લોલકની જેમ હવામાં હલાવ્યા. તે બોલ્યો, "સી... નોટ સ્કેર્ડ? હમ્મ..."

"ઓલ ફિનિશ વિદ્યા." એના માથાના બધા વાળ કાપી નિખીલ બોલ્યો. તે ત્રણેયને ગુસ્સામાં જોઈ શકતી હતી. પણ કશું કરવા સમર્થ નહોતી. તે ત્રણેયની સામે લાચાર હતી. મનમાં એટલી આગ જરતી હતી કે નસો જાણે ઉગ્રતાથી ફાટી જશે. આંખો લાલ બની ગયેલી.

પાછળ ઉભેલા અભિષેકે કહ્યું, "અન્હ... હજુ એટલો જ ગુસ્સો છે રોની."

એ સાંભળી રોનીને ખીજ ચડી અને એણે તેને ઢસડી, જીપના બમ્પર સાથે માથું પટક્યું. પાસે બેઠેલી વિદ્યાનો ખભો પકડી જોરથી દબાવ્યો. વિદ્યાની ચિંસ નીકળી ગઈ. તેના મનમાં આજે એવું ખુન્નસ હતું કે વિદ્યાને કોઈ ભોગે છોડવા તૈય્યાર નહોતો. પણ એ તેને મારવા નહોતો માંગતો. તેની ઈચ્છા તેને હેરાન કરવાની હતી. વિદ્યાના જીવનું જોખમ એને આનંદ આપી રહ્યું હતું.

"તારે તો ચાલીને જવાનું છેને! આવી હાલતમાં તને કોઈ લિફ્ટ નહિ આપે." કહીને તેણે તેના ખભા પરથી કપડાને ચાકુ મારી અને એક છેડો પકડી એના કપડાં ચીરી નાખ્યા. પછી ઉમેર્યું, "પણ હા... હવે તને લિફ્ટ જરૂર મળશે."

તેની આ કરતૂતથી પાછળ ઉભેલા અભિષેક અને નિખીલ હસી રહ્યા હતા. વિદ્યાની આંખોમાં આંસુનું વહેણ છલકતું હતું. પણ મદદ માટે કોઈ નહોતું. રોનીએ બીજી તરફના કપડાને ચાકુ મારી. વિદ્યાએ પોતાના કપડાં પકડી રાખ્યા અને એની સામે કહેવા લાગી, "એવું ના કર, મને જવા દે..."

"શું કહ્યું?"

"મને જવા દે. પ્લીઝ."

રોની હસ્યો અને કપડાનો છેડો પકડી બોલ્યો, "જોયું! હવે ગુસ્સો, એટીટ્યુડ, બધું નીકળી ગયુંને!" જોર કર્યું અને તેના કપડાં ફાડી નાખ્યા. તેનું બાવડું પકડી ઉભી કરી અને રોડ તરફ ધકેલી. "જા... કર કેસ જા. મારી સામે લડવું છેને! જા..."

રોની જીપના બોનેટ પર ટેકવી ઉભો રહ્યો અને વિદ્યા લોહી લુહાણ અને અર્ધનગ્ન હાલતમાં ત્યાંથી ચાલી. માંડ થોડું ચાલી કે રોની એની સામે આવી ઉભો રહ્યો. બોલ્યો, "શું લાગે છે તને, હું હવે તને જવા દઈશ?"

તેણે પાછળ જોયું તો અભિષેક અને નિખીલ તેને ઘેરીને ઉભેલા. "રો... રો... રોની..." વિદ્યાના શબ્દો નહોતા નીકળી શકતા. તેણે ચાકુનો અભિષેક તરફ ઘા કર્યો અને વિદ્યાનું ગળું પકડ્યું. તે જોરથી બોલી, "બચાવો... કોઈ બચાવો..."

રોની હસ્યો અને કહ્યું, "બોલ, જેટલું જોરથી બોલી શકતી હોય બોલ. આ વગડામા તારું કોઈ નહિ સાંભળે." તેણે દબાણ વધુ મજબૂત કર્યું. વિદ્યા ગૂંગળાય, શ્વાસ અંદર જતો બંધ થઈ ગયો. તેનો ચેહરો લાલ પડ્યો. અભિષેક થોડું ડર્યો અને રોનીને કહેવા લાગ્યો, "રોની છોડ." પણ તેણે એની વાત કાને ન ધરી. અભિષેક ફરી બોલ્યો, "રોની છોડ એ મરી જશે."

તે બેફિકરાઈથી બોલ્યો, "તો મરવા દે. પણ હું હવે નહિ છોડું. મારી સામે જવા માંગે છે. એટલી બધી હિમ્મત છે તારામાં? યુ કેન્ટ થિન્ક વોટ આઈ કેન. સો સ્ટુપિડ યુ બિચ."

એવામાં કોઈ ગાડીનો દૂરથી હોર્ન સંભળાયો. અભિષેક અને નિખીલે એકબીજા સામે જોયુ. બંનેએ કાન ખોલ્યા, કોઈ ગાડીનો  અવાજ સંભળાયો. બંને સમજી ગયા કે કોઈ આવે છે. તેણે રોનીને ચેતવ્યો, "રોની છોડ ગાડી આવે છે."

પણ એના કાન બંધ થઈ ગયા. એ કોઈની વાત સાંભળતો નહોતો. ગાડીનો અવાજ વધ્યો અને બંને અકળાયા. અભિષેકે કહ્યું, "તું એને ઉપાડ હું ગાડી લઈને આવું છું." નિખીલ હા ભણી રોની પાસે ગયો.

તેણે બળજબરીથી રોનીના હાથ છોડાવ્યા. વિદ્યાનો ચેહરો લાલચોળ બની ગયેલો અને આંખો અધ્ધર ચડી ગઈ. તેણે હાથ છુટા કર્યા કે તુરંત એક મડદાની જેમ તે જમીન પર ઢળી પડી. તેની આંખોમાં સામે બધું ધૂંધળું ધુંધળું દેખાઈ રહ્યું હતું. અભિષેક જીપ લઈ ત્યાં પહોંચ્યો અને બંને એમાં બેસવા જઈ રહ્યા હતા. રોની પાછો વાળ્યો અને કોઈ જોઈ ના શકે એમ વિદ્યાને રોડથી નીચે ધકાવી દીધી. તેની જીપ ફાર્મ હાઉસ તરફ પરત ફરી.

 એક ગાડી પુરપાટ ઝડપે આવી અને તેની સામે ઉભી રહી. એવું લાગતું હતું કે ગાડી માત્ર એના માટે જ આવી છે. એક આદમી એમાંથી ઉતરી એના તરફ આવ્યો અને "વિદ્યા... વિદ્યા..."ની પોકાર કરતા એને હડબડાવવા લાગ્યો. પણ તેણે કોઈ જવાબ ના આપ્યો. આંખો બંધ કરી દીધી અને બેભાન થઈ દઈ.


કોણ હતો એ વ્યક્તિ? શું કારણે એ વિદ્યા પાસે આવ્યો? શું રોની હજુ કંઈ કરશે કે વિદ્યા સફળ થશે એને સજા અપાવવામાં? જાણવા માટે જોડાયેલા રહો આ વાર્તા "નિતુ" સાથે. આ વાર્તા અંગે આપનો મત જરૂર જણાવશો.