ધ ડિપ્લોમેટ
-રાકેશ ઠક્કર
જે લોકો ‘પઠાન’ જેવી એક્શન ભૂમિકાની જોન અબ્રાહમ પાસે અપેક્ષા રાખતા હોય એમના માટે ‘ધ ડિપ્લોમેટ’ નથી. પરંતુ જોન એક્શન જ નહીં ઇમોશનમાં કાબેલ છે એ જોવા ફિલ્મ જરૂર જોવી જોઈએ. એમાં ભારત-પાકિસ્તાનનો મુદ્દો અલગ રીતે લેવામાં આવ્યો છે. ભારત-પાક વચ્ચેની ક્રિકેટ મેચ હોય કે કોઈ ફિલ્મ ત્યારે લોકો દિલથી જુએ છે.
‘ધ ડિપ્લોમેટ’ એવી છે કે દિલ અને દિમાગ બંને સાથે રાખીને જોઈ શકાય એમ છે. સત્ય ઘટના પર આધારિત ફિલ્મની વાર્તાની મોટી ખાસિયત એ છે કે પાકિસ્તાનને નીચું બતાવ્યા વગર ભારતીય ઓફિસરને ઊંચા બતાવવામાં આવ્યા છે. વાર્તા બહુ સરળ છે પણ એને રસપ્રદ રીતે રજૂ કરવામાં આવી છે. નિર્દેશકે એક ટિપીકલ ભારત-પાકની વાર્તા બનાવવાને બદલે એને માનવીય વાર્તાના રૂપમાં રજૂ કરી છે. ભારત-પાકની આંતરિક બાબતોને સંભાળવાનું કામ ડિપ્લોમેટ કરે છે. પણ વાર્તા એની નહીં એક છોકરીની છે. સૌથી સારી વાત એ છે કે એ કોઈ રીતે કંટાળાજનક નથી. ફિલ્મને થિયેટરમાં જ જોવી જોઈએ એવું કશું વિશેષ નથી છતાં અર્થપૂર્ણ ફિલ્મો જોનારાએ OTT પર આવે એની રાહ જોવાની જરૂર નથી.
‘ધ ડિપ્લોમેટ’ નો ક્લાઇમેક્સ સારો છે. એને થોડો ફિલ્મી બનાવી દેવામાં આવ્યો છે. એ કદાચ નિર્માતા અને નિર્દેશકની મજબૂરી હશે. કેમકે જોનના ચાહકોને ખુશ રાખવા પડે એમ હતા. જોનને શાબાશી આપવી પડશે કે લાંબા સમય બાદ એક્શન વગર એક ગંભીર ભૂમિકાને પૂરો ન્યાય આપ્યો છે. ‘ઉજમા અહમદ’ ની ભૂમિકામાં સાદિયા ખતીબનું કામ સારું છે. જ્યારે ઉજમા સામે એના પતિની સચ્ચાઈ સામે આવે છે એ દ્રશ્યમાં માત્ર આંખોથી અભિનય કરી ગઈ છે. એની આંખોમાં પહેલાં ગુસ્સો દેખાય છે અને પછી આઘાત ફેલાય છે. ‘શિકારા’ અને ‘રક્ષાબંધન’ માં નાની ભૂમિકાઓ કરનાર સાદિયાએ બોડી લેન્ગ્વેજ અને હાવભાવથી પોતાની અભિનય ક્ષમતા સાબિત કરી છે. ઘણા દ્રશ્યોમાં એ જોન પર ભારે પડી છે. વકીલ તરીકે કુમુદ મિશ્રા મનોરંજન પૂરું પાડે છે. એજન્ટ માલિકના રૂપમાં અશ્વથ કુટિલતા બતાવી ગયો છે. સુષ્મા સ્વરાજના રૂપમાં રેવતી પ્રભાવશાળી છે.
‘યે પાકિસ્તાન હૈ બેટા, યહાં આદમી ઔર ઘોડા સીધી ચાલ નહીં ચલ સકતા’ જેવા ઘણા તાળીમાર સંવાદ છે. તેમ છતાં એમ લાગશે કે જોન અબ્રાહમે આવી ફિલ્મો માટે ડાયલોગ ડિલિવરી વધારે દમદાર બનાવવી જોઈએ. ‘મદ્રાસ કાફે’ પછી જોને ફરી રંગ જમાવ્યો છે. ઘણા દ્રશ્યોમાં એમ લાગશે કે જો અક્ષયકુમાર હોત તો ભૂમિકા હજુ વધુ સારી રીતે ભજવી હોત! એ માનવું પડશે કે આજ સુધી જોને નિર્માતા તરીકે જે ફિલ્મો બનાવી છે એ કોઈ સંદેશ આપી ગઈ છે. જોનની ‘અટેક’ અને ‘વેદા’ પછી ‘ધ ડિપ્લોમેટ’ ને સમીક્ષકોએ એમ કહીને વખાણી છે કે એ ભલે માસ મસાલા ફિલ્મ નથી પણ આવી વણકહી વાર્તાઓ લોકોને કહેવી જ જોઈએ. કેમકે આ એક એવું યુદ્ધ છે જે હથિયારો વગર લડાતું હોય છે અને જીતાતું પણ હોય છે.
આ ફિલ્મની સત્ય વાર્તા એવો વિશ્વાસ અપાવે છે કે આપણાં દેશના રાજદૂત સાથે એમનું તંત્ર પોતાના જીવના જોખમે લોકોની સુરક્ષા કરશે. આવી ફિલ્મ બનાવવાનું કામ એટલે પડકારરૂપ છે કે કોઈ નિર્દેશક એમાં સિનેમાની સ્વતંત્રતાનો ઉપયોગ કરી શકતો નથી. એમાં કામ વગરની મારધાડ કે રોમાન્સ દ્રશ્યો જ નહીં આઈટમ ગીત રાખી શકાતા નથી. ફિલ્મ ‘નામ શબાના’ અને ‘સ્પેશ્યલ ઓપ્સ’ જેવી વેબસિરીઝ બનાવનાર નિર્દેશક શિવમ નાયર એટલે શાબાશીના હકદાર છે કે ‘ધ ડિપ્લોમેટ’ બહુ પ્રામાણિકતાથી બનાવી છે. વાર્તાની ખબર તો બધાને જ હતી. એને તથ્ય આધારિત બનાવવામાં મહેનત કરી છે. સત્ય ઘટનાઓ પર આધારિત અન્ય હિન્દી ફિલ્મોની જેમ કોઈપણ પ્રકારનો મસાલો નાખ્યો નથી. તેથી પડદા પર અસલ લાગે છે. ભારત-પાકની વાર્તા હોવા છતાં એમાં જબરદસ્તી દેશભક્તિ રાખવાની કોશિશ કરી નથી.
સવા બે કલાકની જ ફિલ્મ છે છતાં શરૂઆત બહુ ધીમી થાય છે. પછી થ્રીલર તરીકે અંત સુધી જકડી રાખે છે. પાકિસ્તાન પહોંચ્યા પછી ઉજમાનો ફ્લેશબેક વધુ દમદાર બનાવી શકાયો હોત. કેટલાક કોર્ટરૂમ દ્રશ્યોને વધુ દમદાર રીતે રજૂ કરી શકાયા હોત. નિર્દેશકે સત્ય વાર્તા પરની અને બાયોપિક પ્રકારની ફિલ્મ હોવાથી હકીકતની નજીક રહેવાનુ પસંદ કર્યું છે. બીજા ભાગમાં પરિસ્થિતિઓ એવી સર્જાય છે કે ફિલ્મ તણાવ ઊભો કરવામાં સફળ રહે છે.