પોતાના શિવાંગનું નામ માધુરીના ફક્ત કાને જ નહોતું અથડાઈ રહ્યું પરંતુ હ્રદયપટલ ઉપર પણ અથડાઈ રહ્યું હતું અને કદાચ તે હ્ર્દયસ્પર્શી બની રહ્યું હતું....અને આજે આ નામને કારણે ફરીથી માધુરીના શરીરમાં ચેતના પ્રગટી હતી...તેનો એક હાથ કવિશાએ પકડેલો હતો તે હળવેથી હલ્યો એટલે કવિશાએ પરીની સામે જોયું અને એટલી વારમાં તો તેના બીજા હાથમાં પણ ચેતના આવી જે હાથ ઉપર પરીના ગરમ ગરમ આંસુ સરી રહ્યા હતા....પરી પોતાના આંસુ લૂછવાનો પ્રયત્ન કરતી રહી અને ડોક્ટર નિકેતને બોલાવવા માટે તેમની કેબિન તરફ તે દોડી ગઈ....પરીને આમ દોડતી આવેલી જોઈને ડૉક્ટર નિકેત પણ પોતાની ચેરમાંથી ઉભા થઈ ગયા...પરી એટલી બધી તો ઈમોશનલ થઈ ગઈ હતી કે તેના મોંમાંથી શબ્દો નીકળી નહોતા રહ્યા... તે શું કહેવા માંગતી હતી તે ડૉક્ટર નિકેતને સમજાઈ નહોતું રહ્યું...પરંતુ તેના ઈમોશન્સ અને તેના હાથનો ઈશારો તેમને એટલું સમજવા માટે કાફી હતો કે તે પોતાની મોમ વિશે કંઈક કહી રહી છે...ડૉક્ટર નિકેત પોતાની ચેરમાંથી ઉભા થઈને ડોર પાસે આવ્યા ત્યાં જ પરીએ તેમનો હાથ પકડી લીધો અને તેમને ખેંચીને પોતાની મોમના રૂમ તરફ લઈ ગઈ....પરીના નાજુક નમણાં કૂણાં કૂણાં હાથનો એ પ્રેમાળ સ્પર્શ ડૉક્ટર નિકેત ત્રિવેદીના દિલમાં એક અનેરો રોમાંચ ઉત્પન્ન કરી રહ્યો હતો..તે અજાણપણે એમ ચાહી રહ્યા હતા કે બસ આમજ જીવનભર પરીનો પ્રેમાળ હાથ મારા હાથમાં રહે...ડૉક્ટર નિકેત પણ માધુરીને આમ ભાનમાં આવતી જોઈને ખુશ થઈ ગયા હતા...તે માધુરીને ચેક કરવા લાગ્યા અને તે પૂરેપૂરી ભાનમાં આવે તેવી કોશિશ કરવા લાગ્યા..પરી તેમને કહેવા લાગી કે, કવિશા સાથે હું શિવાંગ ડેડની વાત કરતી હતી અને મોમ ભાનમાં આવી ગઈ...શિવાંગનું નામ સાંભળતા ફરીથી માધુરીના શરીરમાં ચેતના આવી...ડૉક્ટર નિકેતે પરીને શિવાંગ ડેડને આપણે અહીં બોલાવવા પડશે તેવી સૂચના આપી..પરીએ પોતાના ડેડને ફોન કર્યો અને બધી જ હકીકત જણાવી અને તેમને હોસ્પિટલમાં આવવા જણાવ્યું...કવિશા દેવાંશને લઈને તેના ઘર તરફ રવાના થઈ અને આ બાજુ શિવાંગ હોસ્પિટલમાં પ્રવેશ્યો...ડૉક્ટર નિકેતને મળીને શિવાંગ પોતાની માધુરી પાસે પહોંચ્યો...પરી તો જાણે આજે પાગલ જ થઈ ગઈ હતી...તે પોતાના ડેડને વળગી પડી અને માધુરી તરફ ઈશારો કરીને કહેવા લાગી કે, ડેડ તમે આવી ગયા ને હવે મોમ ભાનમાં આવી જશે...મારી વર્ષોની ઈચ્છા પૂરી થશે...આજે ભગવાને મારી સામે જોઈ લીધું છે..ભગવાને મારી અરજી સ્વીકારી લીધી છે..શિવાંગ માધુરીની નજીક જઈને બેઠો અને તેનો હાથ પોતાના હાથમાં લીધો અને પ્રેમથી હળવેથી તેને પંપાળવા લાગ્યો અને સાથે સાથે બોલવા લાગ્યો કે, "માધુરી, આંખ તો ખોલ જો હું તને મળવા માટે આવ્યો છું..તારો શિવાંગ..જેની તું વર્ષોથી પ્રતિક્ષા કરતી હતી તે શિવાંગ તને મળવા માટે આવ્યો છે તું આંખ નહીં ખોલે તો કઈરીતે ચાલશે... એકવાર તો આંખ ખોલ..."શિવાંગ સતત માધુરીને પોતાના પ્રેમની યાદ અપાવતો રહ્યો અને તેના દિલના તાર ઝણઝણે અને તે ભાનમાં આવે તેવા પ્રયત્નો કરતો રહ્યો...કવિશા દેવાંશને લઈને તેના ઘરે પહોંચી ગઈ હતી...અને એટલામાં દેવાંશના સેલફોનમાં રીંગ વાગી...તેના પેલા રખડેલા ભાઈબંધનો ફોન હતો...જે દેવાંશની ઈચ્છા ન હોવા છતાં પણ તેને પોતાની સાથે ખેંચી જતા હતા અને તેને સારા માર્ગે પાછો નહોતો વળવા દેતા...દેવાંશ તેમને હું નહીં આવી શકું તેમ જણાવી રહ્યો હતો અને સમજાવી રહ્યો હતો પરંતુ એના ફ્રેન્ડ્સ તે વાત માનવા તૈયાર જ નહોતા...છેવટે દેવાંશના હાથમાંથી ફોન કવિશાએ ઝૂંટવી લીધો અને તેના ફ્રેન્ડને ખરીખોટી સંભાળાવી દીધી અને ફરીથી દેવાંશને કદી પણ ફોન ન કરીશ તેમ પણ કહી દીધું...પોતાના ફ્રેન્ડ સાથેનું આવું વર્તન દેવાંશથી સહન ન થઈ શક્યું...તે ઉકળી ઉઠ્યો કવિશા ઉપર કે, "તને કંઈ ભાન બાન પડે છે કે તે આ શું કર્યું તે શું કામ એ લોકોને આમ ખરીખોટી સંભળાવી દીધી? મારા બધા જ સંબંધો ઉપર તે પાણી ફેરવી દીધું..હું કરતો હતો શાંતિથી વાત એ લોકો સાથે..તારે આ રીતે મારા હાથમાંથી ફોન ઝૂંટવી લેવાની શું જરૂર હતી..??""દેવાંશ તારી સાથે આટલું બધું થયું તો પણ હજી તું સુધર્યો નથી કે પછી સુધરવા માંગતો જ નથી..??""કવિશા એ મારા ફ્રેન્ડ્સ છે..""આવા બે નંબરના લુખ્ખા તત્વોને તું તારા ફ્રેન્ડ્સ કહે છે..?""કવિશા એ લુખ્ખા તત્વો નથી એ કરોડપતિ બાપના બેટા છે. તું એમને લુખ્ખા ન સમજીશ અને એમના માટે એવું બોલીશ પણ નહીં..""જેનામાં સંસ્કાર કે કેળવણીનો છાંટો પણ ન હોય એ લુખ્ખા જ કહેવાય... ગમે તેટલા કરોડપતિ બાપના બેટા હોય.. મારા હિસાબે તો તે કરોડપતિ બાપની બિગડેલી ઔલાદ જ છે..અને જો હજુ પણ તને એમને માટે આટલું બધું લાગી આવતું હોય કે તારે એમની સાથે સંબંધ રાખવો હોય તો આજથી મને ફોન ન કરતો.."અને કવિશા પગ પછાડીને મોં ફેલાવીને દેવાંશના બંગલામાંથી સડસડાટ બહાર નીકળી ગઈ....રામુકાકા તેને આમ રિસાયેલી જતાં જોઈ રહ્યા...અને વિચારવા લાગ્યા કે આ બરાબર નથી થઈ રહ્યું...કવિશા પોતાની કોલેજમાં પહોંચી અને ત્યાં તેની ફ્રેન્ડ પ્રાપ્તિ તેને આમ આટલી બધી લેઈટ આવેલી જોઈને વિચારમાં પડી અને તેને આમ મોડા આવવાનું કારણ પૂછવા લાગી..પ્રાપ્તિ, કવિશા અને દેવાંશ વચ્ચે બનેલી ઘણી બધી ઘટનાઓની મૂક સાક્ષી હતી... તે કવિશાની દેવાંશ સાથે તાજેતરમાં થયેલી લડાઈની રસપ્રદ વાતો શાંતિથી સાંભળી રહી હતી અને કવિશાની બધી જ વાત સાંભળ્યા પછી તે કવિશાને સમજાવવાની કોશિશ કરવા લાગી કે, "કવિ, એમ એકદમથી દેવાંશ પોતાના મિત્રોને ન છોડી શકે..અને તું આમ એનાથી રિસાઈ જઈશ તો કેવી રીતે ચાલશે..? દેવાંશ ફરીથી પાછો અવળે પાટે ચડી જશે અને તારી અત્યાર સુધીની કરેલી બધી જ મહેનત પાણીમાં વહી જશે.. જરા વિચાર અને સમજવાની કોશિશ કર..""મારે તો કંઈ વિચારવું પણ નથી અને સમજવું પણ નથી.. હવે હદ થઈ ગઈ છે દેવાંશને ખાડામાં પડવું હોય તો પણ પડે મને કોઈ ફરક પડતો નથી.."અને તેણે પોતાના બંને હાથ વચ્ચે પોતાનું માથું દબાવી દીધું અને કંઈક બબડવા લાગી...કવિશા થોડી જીદ્દી છોકરી છે...હવે તે દેવાંશની કેર લેશે કે પછી તેને ફરીથી પાછો આમ અવળે રસ્તે ચડવા દેશે અને કૂવામાં પડવા દેશે..??શિવાંગના અથાગ પ્રયત્નોનું પરિણામ આવશે..? માધુરી ભાનમાં આવી જશે..?તો જોઈએ આગળના ભાગમાં શું થાય છે તે....~ જસ્મીના શાહ 'સુમન' દહેગામ 8/3/25