College campus - 127 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 127

Featured Books
Categories
Share

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 127

કૉલેજ કેમ્પસ ભાગ-127

"હા હા ખરેખર હું હવે આમાંથી છૂટવા માંગુ છું પ્લીઝ મારી મદદ કર કવિશા.." દેવાંશ હજી પણ તેને આજીજી કરી રહ્યો હતો..
"પછી ડોક્ટર કહેશે તેમ તારે બધું જ કરવું પડશે.."
"હા હા હું તૈયાર છું કવિશા.."
"ઓકે તો ચાલ હવે ઉભો થા અને જલ્દીથી તૈયાર થઈ જા અને આમ જરા માણસ જેવો દેખાય એવો તૈયાર થજે..."
દેવાંશ પોતાના વોશરૂમમાં ગયો અને કવિશા આંખો મીંચીને મનોમંથન કરવા લાગી....
હવે આગળ....
આજે પરી ક્લિનિક ઉપર થોડી લેઈટ આવી હતી પરંતુ ડોક્ટર નિકેત સમયસર આવી પહોંચ્યા હતા..
દેવાંશના કેસ વિશે પરીએ ડોક્ટર નિકેતને અગાઉથી જ બધી માહિતી આપી દીધી હતી...
આવા કેસમાં શું કરવું તે ડોક્ટર નિકેત સારી રીતે જાણતા હતા..
કવિશા અને દેવાંશ બંને ડોક્ટર નિકેતના ક્લિનિક ઉપર સમયસર પહોંચી ગયા હતા પરંતુ પરી જ્યાં સુધી ન આવે ત્યાં સુધી બંને વેઈટ કરવા માંગતા હતા...
થોડી વારમાં પરી ક્લિનિક ઉપર આવી પહોંચી...
ડોક્ટર નિકેત રાઉન્ડમાં ગયેલા હતા...
થોડી વારમાં ડોક્ટર નિકેત પણ પોતાના કેબિનમાં આવી પહોંચ્યા એટલે દેવાંશ અને કવિશાને અંદર કેબિનમાં બોલાવી લીધા...
ડોક્ટર નિકેતે દેવાંશને ચેક કર્યો...
ડોક્ટર નિકેતના કહેવા પ્રમાણે દેવાંશ દોઢેક વર્ષથી ડ્રીંક અને ડ્રગ્સ લેતો હોય તેવું તેમને લાગ્યું...
અને આટલા બધા લાંબા ગાળાથી આ વ્યસન કરતો હોવાને કારણે તેની તબિયત હવે લથડતી જાય છે.
અને હવે જો તે આ વ્યસન ન કરે તો તેના હાથ પગમાં અને શરીરમાં ધ્રુજારી પણ થઈ શકે છે...
જે તેને ફરી અને ફરી આ વ્યસન કરવા માટે મજબૂર કરી દે છે...
અને આ જ બાબત કોઈ પણ માણસને વ્યસન છોડવા દેતી નથી...
ડોક્ટર નિકેતના જણાવ્યા પ્રમાણે હજુ પણ દેવાંશ પાસે સમય છે તેને આ રસ્તેથી પાછો વાળી જ દેવો પડે નહીં તો તે ખલાસ થઈ જશે...
કવિશા અને દેવાંશ આ વાતની ગંભીરતાને સમજી રહ્યા હતા...
ડોક્ટર નિકેતે કહેલી આ બધી જ વાત દેવાંશને ગળે ઉતરે તે રીતે પરી તેને પ્રેમથી સમજાવી રહી હતી...
પરી તેને કહી રહી હતી કે, એક વખત દવા શરૂ કર્યા પછી દેવાંશે ખૂબ જ હિંમત રાખવી પડશે...
કોઈ પણ ભોગે.. શરીરમાં ગમે તેવી ધ્રુજારી થાય, ચક્કર આવે, માથું ભમવા લાગે, માથામાં સખત દુખાવો થાય અને શરીરમાં ભયંકર કળતર થાય છતાં પણ તેણે પોતાનું મન મક્કમ રાખવું પડશે અને તો જ આ દવાની પણ અસર થશે....
જો તે વ્યસન ચાલુ રાખીને દવા લેવા જશે તો તેનો કોઈ મતલબ નહીં રહે...અને તેને વોમિટીંગ થશે અને તેની હાલત ગંભીર બની જશે.... માટે આ બાબતે સાવધાની રાખવી ખૂબ જરૂરી છે...
દેવાંશ પરીની સામે ચૂપચાપ બેઠો હતો અને હિંમત એકઠી કરી રહ્યો હતો...
તેણે કવિશાની સામે જોયું....
કવિશાએ તેના હાથ ઉપર પોતાનો હાથ મૂક્યો અને તેને હિંમત આપતાં કહ્યું કે, "દેવાંશ તારે આ બધું જ કરવાનું જ છે અને તું કરી જ શકીશ.. હું હર પળ તારી સાથે છું."
દેવાંશની આંખમાંથી આંસુ સરી પડ્યા...
પરીએ પોતાની સામે રાખેલો પાણીનો ગ્લાસ તેની સામે ધર્યો અને કવિશાએ એ ગ્લાસ પોતાના હાથમાં લીધો અને તે દેવાંશને  પાણી પીવડાવવા લાગી અને તેને પાછળ બરડામાં પંપાળવા પણ લાગી....
દેવાંશને જાણે શું કરવું કંઈ જ સમજમાં નહોતું આવતું તે ખૂબ ઢીલો પડી ગયો હતો...
તે ફરીથી ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો...
કવિશા પરીને કહી રહી હતી કે દેવાંશ આમ વારંવાર રડ્યા કરે છે...
પરીએ પણ કવિશાને સમજાવ્યું કે આવા કેસમાં પેશન્ટની હાલત ખૂબજ નાજુક થઈ જાય છે અને તે પોતાનું માનસિક સંતુલન પણ ગુમાવી બેસે છે અને ક્યારેક ક્યારેક પોતે ભૂતકાળમાં કહેલી વાતો કે વર્તન ભૂલી પણ જાય છે....
પરંતુ ધીમે ધીમે બધું જ આવી જશે...
દેવાંશે ખૂબ જ હિંમત રાખવી પડશે અને સાથે તારે પણ...
એ પૂરેપૂરો નોર્મલ ન થઈ જાય ત્યાં સુધી તારે સતત એની સાથે રહેવું પડશે અને એને ખૂબ હિંમત, હૂંફ અને ભારોભાર પ્રેમ આપવો પડશે..
કવિશાની આંખનો ખૂણો પણ ભીંજાઈ ગયો..
પરીએ એ જોયું અને તે બોલી કે, "એમ હિંમત હારી જવાથી કંઈ નહીં થાય બેટા આપણે એની પડખે ઉભા જ રહેવું પડશે..."
કવિશાએ હકારમાં માથું ધુણાવ્યું...
થોડી વાર માટે પરીની કેબિનમાં ચૂપકીદી છવાયેલી રહી...
થોડી વાર પછી કવિશા ઉભી થઇ અને પરીને તેની માધુરી મોમ વિશે પૂછવા લાગી...
પરી તેને માધુરી મોમની રૂમમાં લઈ ગઈ અને એ બંનેની પાછળ પાછળ દેવાંશ પણ જઈ રહ્યો હતો..
કવિશા તેમજ દેવાંશ માધુરી મોમની હાલત જોઈને દુઃખી થઈ રહ્યા હતા પરંતુ પરી એ બાબતે મક્કમ હતી કે પોતે પોતાની મોમને ભાનમાં લાવીને જ જંપશે...
કવિશા અને દેવાંશ પરીની હિંમતને દાદ આપી રહ્યા હતા...
માધુરી મોમની એક બાજુ પરી ઉભી રહી હતી અને બીજી બાજુ કવિશા ઉભી રહી હતી બંને માધુરી મોમને પ્રેમથી પંપાળી રહ્યા હતા...
પરી પોતાની માધુરી મોમને કહી રહી હતી કે, "જો મા આ તારી બીજી દિકરી તને મળવા માટે આવી છે આંખ તો ખોલ મા...
જો મા એ કેવી લાગે છે એ તો જો મા એ ક્રિશા મોમ અને શિવાંગની લાડલી દીકરી છે. જો ને તે શિવાંગ ડેડ જેવી જ લાગે છે...તેની બોલવાની, બેસવા ઉઠવાની બધીજ સ્ટાઈલ શિવાંગ ડેડ જેવી જ છે...
અલબત્ત તેનો સ્વભાવ પણ શિવાંગ ડેડ જેવો જ છે...ભગવાને તેને ભૂલથી જ છોકરી બનાવી દીધી છે બાકી તે આબેહૂબ શિવાંગ ડેડની ઝેરોક્ષ કોપી જ છે અને શિવાંગ ડેડનો છોકરો જ છે છોકરો..."
પરી પોતાની મોમને ગાલ ઉપર પંપાળી રહી હતી...અને આ બધું બોલી રહી હતી...
અને પોતાની મોમ હમણાં જ આંખ ખોલીને પોતાની સામે વ્હાલથી જોશે તેમ વિચારીને તેની નિસ્તેજ આંખો સામે તે જોઈ રહી હતી....
તે પોતાની મોમ પાસે આવતી અને અલકમલકની વાતો કરતી ત્યારે સ્વાભાવિક પણે જ તેની આંખમાંથી આંસુ તેની પોતાની મા માટેની તીવ્ર લાગણી અને ભરપુર પ્રેમ દર્શાવવા માટે વહી નીકળતા હતા...
અત્યારે પણ તેનાં ગરમ ગરમ આંસુ અજાણતાં જ તેની મોમના હાથ ઉપર વરસી રહ્યા હતા જેનું તેને ભાન શુધ્ધા નહોતું અને તે પોતાના ડેડ શિવાંગની વાતો કરી રહી હતી....
પોતાના શિવાંગનું નામ માધુરીના ફક્ત કાને જ નહોતું અથડાઈ રહ્યું પરંતુ હ્રદયના પટલ ઉપર અથડાઈ રહ્યું હતું અને કદાચ તે હ્ર્દયસ્પર્શી બની રહ્યું હતું....
અને આજે આ નામને કારણે ફરીથી માધુરીના શરીરમાં ચેતના પ્રગટી હતી...
તેનો એક હાથ કવિશાએ પકડેલો હતો તે હળવેથી હલ્યો એટલે કવિશાએ પરીની સામે જોયું અને એટલી વારમાં તો તેના બીજા હાથમાં પણ ચેતના આવી જે હાથ ઉપર પરીના ગરમ ગરમ આંસુ સરી રહ્યા હતા....
પરી પોતાના આંસુ લૂછવાનો પ્રયત્ન કરતી રહી અને ડોક્ટર નિકેતને બોલાવવા માટે તેમની કેબિન તરફ તે દોડી ગઈ....
વધુ આગળના ભાગમાં....
~ જસ્મીના શાહ 'સુમન'
    દહેગામ
     4/4/24