ગરબો ને ગરબડ ગોટાળો
માણસને જ ઘાત નડે એવું નહિ, ગયા વરસે નવરાત્રીને અંબાલાલના પાયે ઘાત બેઠેલી. ખુલ્લી ધમકીઓ મળેલી કે, ગરબા ગાવા ગયા તો ધોવાઈ જશો. ગાવા કરતાં નહાવાનું વધારે આવશે. એમાં ખેલૈયાઓની હવા નીકળી ગયેલી. છેલ્લે સુધી નક્કી જ નહિ કરો શકેલા, ઝઘમઘાટ કપડા પહેરીને ગાવાનું કે, ટુવાલ વીંટાળીને..? અમુકે તો રેઇ આભલા ટંકાવ્યા..! ગબ્બરસિંહ આવવાનો હોય એમ, ગરબા શરુ થયા પછી જીવ તાળવે ચોંટી જાય કે, વરસાદ તો નહિ ખાબકે ને..? માતાજીની આરતી કરતાં વાદળોની હિલચાલ ઉપર ધ્યાન વધારે જાય..! એવી ધાક બેસી ગયેલી કે, માતાજીનાં હેલાને બદલે મેહુલિયાનો ગરબો ઝીંકવા માંડ્યા. “મેહુલીયો રંગ તને લાગ્યો રે ગરબા, મેહુલીયો રંગ તને લાગ્યો રે લોલ..!” ચમનીયાએ તો ગરબાના ચોકમાં પાટિયુ લગાવી દીધેલું કે, ‘માતાજીના કસમ છે, કોઈએ પણ “ વાદલડી વરસી રે સરોવર છલી વળ્યા..!” વાળો ગરબો ગાવો નહિ..! એના કપાળમાં કાંદા ફોડું..!
અખિલ આકાશનો ધણી અંબાલાલ હોય એમ, નવરાત્રી અંબાલાલના પાયે બેઠેલી. છતાં, છત્રી અને રેઇનકોટમાં આભલા ચોંટાડીને પણ, ગરબાના ઠુમકે ચઢેલા. આભનો કોઈ ભરોસો નહિ ને..? ક્યારે ઝાપટું પાડીને, ગરબો વેરવિખેર કરી નાંખે..! “અંબા આવો તો રમીએ” આટલું ગાઈએ ને માતાજી પ્રગટ થવાને બદલે, વરસાદ પ્રગટ થાય તો ગરબો ગરબડવાળો થઇ જાય..! નર અને નારીના સ્વરૂપ માત્ર જીવ માત્રમાં જ હોય, એ ભ્રમ છે હંઅઅઅકે.? ગામના નામોમાં પણ નર-નારીના ભેદ હોય. જેમ કે, ધમડાછા ને ધમડાછી, અમલસાડ ને અમલસાડી, ચીખલા ને ચીખલી, ડુંગરા ને ડુંગરી, કછોલ ને કછોલી, ગણદેવા ને ગણદેવી એમ, ગરબામાં પણ બે સ્વરૂપ, ગરબો અને ગરબી..! વિદ્વાન શ્રી કે.કા. શાસ્ત્રીસાહેબે કહ્યું છે તેમ, “ઊર્મિકાવ્યના પેટા પ્રકારમાં સમાવિષ્ટ અને મધ્યકાળમાં પ્રચલિત બનેલું ગુજરાતી ગેય કાવ્ય સ્વરૂપ એટલે ગરબો કે ગરબી..! તેમાં કાવ્ય ઉપરાંત નૃત્ય અને સંગીત પણ ભળેલાં હોય.પંદરમા શતક પહેલાંના જૈન રાસાસાહિત્યમાં દોહરા, ચોપાઈ, ઝૂલણા વગેરે માત્રામેળ છંદોના બંધ વપરાયેલા. રચનાઓ ગાયકીની હોવાથી તેમાં ગેયતા સાધક પ્રયોગ વૈવિધ્ય હતું. તેમાંથી દેશીઓ બની, અને ટૂંકી દેશીઓમાંથી પદ બન્યાં, ને પદોમાંથી ગરબી અને ગરબા આવ્યાં. શીઈઈઈટ...! હું પણ ક્યાં ગરબા કે ગરબીની કુંડળીનાં રવાડે ચઢી ગયો? વાંચકની હાસ્ય તૃષાને ગળે ટુંપો દેવો નથી..! ગરબો એટલે આસ્થાનું ચાલક બળ. અંગ કસરતના ખેલ..! જેનામાં મજબુત બાંધાની આસ્થા હોય એ ખેલૈયો (કે ખેલણહારી) લાલચટક ભરેલી ચુંદડી જેવો લાગે. મૌસમમાં ખીલેલા ગુલમહોરની માફક ગરબાના શણગાર જેવો લાગે. એક બાજુ રંગીલા ઢોલમાં થપાટ પડતી હોય, નશીલા નોરતાની રાત હોય, તાલીઓના તાલે, મેંદીનો રંગ નીતરતો હોય, તેવી રાતને કોણ કોરીધાગડ જવા દે..? ભલે ને ચાલુ ગરબાએ ઝાપટાઓ પડે..! ભલે ને વાદળો આવીને માથે ટપલાબાજી કરે..! ગુજ્જુઓ આસ્થાને નેવે નહિ મૂકે..! “દળ ફરે વાદળ ફરે, ફરે નદીના પુર...ગુજ્જુ ગરબા નહિ મૂકે ભલે મેહુલો થાય ગાંડોતુર..!” કંકુવરણી પગની પાનીઓ કાદવ-પાણીમાં ઝબોળીને પણ, તાલીઓના તાલે ઝૂમી ઉઠે એ ગુજરાતી..! કાદવ-પાણી ને ઢોલના નાદમાં ગરબો તો ઠીક, આખી નવરાત્રી ખેંચી બતાવે. સાધના ને આરાધના એવી તો ફળે કે, “અંબા આવો તો રમીએ...!” નાં ગગનભેદી નાદ સાથે, અંબાલાલની આગાહીનો છૂંદો કરી નાંખે..! નોરતાની રાત હોય, થનગનતી યુવાની હોય, હૈયામાં ગરબો હટપટ થતો હોય, એવી નોરતાની રાતે ગરબા નહિ રમવાના તો, ઘરડે ઘડપણ ધોતિયા પહેરીને થોડા રમવાના..? ઢોલને મસ્તી ચઢે, થનગનતી યુવાની ફોરમ છોડે, ને પગના ઠેકા કાબુમાં નહિ રહે ત્યારે, વરસાદ તો ઠીક, વાદળ પણ આકાશ સાથે ફેમીલી પેકમાં ચોકે ઉતરી પડે તો પણ ગરબો નહિ થંભે..!
નોરતાની પણ એક મૌજ છે દાદૂ..! શ્વાસની છેલ્લી ઓવર ચાલતી હોય તો પણ, છત્રી કે રેઈનકોટ ચઢાવીને પણ ગરબો ખેંચી નાંખે..! થાય એવું કે, આવા ‘ડ્રેસકોડ’માં પીલ્લેલા મરઘા જેવા તો થઇ જવાય. ભૂતડાઓ તાંડવ નૃત્ય કરતાં હોય એવું પણ લાગે.ને આવા વેશે ઘરે જઈએ તો, આપણા તો ઠીક, આજુબાજુવાળાના છોકરા પણ ડરી જાય, ને પાછળ કુતરા દોડે તે અલગ..! ગરબામાં ભલે ગાઈ આવ્યા હોય કે, ‘રિદ્ધિ દે સિદ્ધિ દે અષ્ટ નવ નિધિ દે’ પણ, મોડી રાતે તો ઘરવાળી પણ પીલ્લેલો નજારો જોઇને એવી વંકાય કે, ‘સિદ્ધિ’ નહિ રહે..! ધોવાનું બાકી રહી ગયું હોય એમ, એ પણ ધોઈ નાંખે..! આ તો હસવાની વાત..! બાકી પેટ છૂટી વાત કરીએ તો, એકવાર નવરાત્રીના વેધ ભરાય એટલે, વણસેલા કમરના મણકા પણ આપમેળે ‘સેટ’ થઇ જાય, ઘૂંટણીયાના ‘એલાઈમેન્ટ’ ઠેકાણે આવી જાય..! કમરના ચીહાળા, ‘લોલ’ના તાલમાં એકરસ થઇ જાય. બોલ્લો જય માતાજી..!
ખોટ એ વાતની વર્તાય કે, સાલું ૬૦-૭૦ વર્ષ વહેલા જન્મી પડેલા. જીવવા ને જોવા જેવો જમાનો તો હવે આવ્યો. ઉમરની ખાધ જો ખાધી ના હોત તો, અત્યારે આપણે ફૂટડા યુવાન હોત. આમ તો ખાસ નહિ, પણ નવરાત્રી આવે એટલે મગજ ચગડોળે ચઢી જાય..! વિમાની પોલીસી ને પગના ઢીંચણ પાકી ગયા હોય, ત્યારે બીજું કરી પણ શું શકીએ? ૫૬ ભોગના દર્શન કરતાં હોય એમ પારોળી પકડીને ગરબા જોયા જ કરવાનાં આવે. ગાવા ગયા તો માતાજી તો નહિ,પણ હાંફ પ્રસન્ન થવા માંડે. ગરબાને બદલે આપણા જ મરશિયા ગવાતા હોય એવું લાગ્યા કરે. બાકી લટકાં કરવાની ફેણ તો ઉપડે હંઅઅકે..! બ્લડ પ્રેસર સુગર કોલેસ્ટ્રોલ સાથે સંબંધ જ એવા ગાઢ રાખેલા કે, ગરબામાં ફરીએ તો તરત આડા ફાટે..! જંગલની ધધુડીની માફક હોંશલો તો બહુ ઉછળે, પણ બેઠા બેઠા જ લોલ કર્યા કરવું પડે..! હવામાં જ બાચકા ભરવાના..!
અનાજમાં ધર્મ ભળે તો પ્રસાદ થાય, એમ ગરબામાં વરસાદ ભળે તો અમીવર્ષા થાય, એવું મન મનાવી લેવાનું. અમારો ચમનીયો ગરબાનો એવો અઠંગ નશેડી કે, એકવાર શ્રધ્ધાનો ટાવરપકડાવો જોઈએ, નવરાત્રી મહીને મહીને આવે તો પણ ખેલી નાંખે. ઢોલકની હીંચ, કાને પડવી જ જોઈએ, ધોતિયામાં પણ ફેરફુદરડી ફરી આવે..! પછી ભલે ને મોરના ટોળામાં વાંદરું ઘુસી ગયું હોય એવું લાગે..! યીવન વીંઝે પાંખને બદલે, “ડોહો વીંઝે આંખ” જેવું લાગે..! હોસ્પીટલના ખાટલે બાટલા ચઢાવીને કોઈ દર્દી સુતો હોય, ને ખાટલો હલવા માંડે તો એમ નહિ માનવાનું કે, ભાઈને ધ્રુજારી ચઢી છે. સંભવ છે કે નવરાત્રીનો પવન ભરાયો હોય. પથારીમાં સુતો સુતો ’ On line’ ગરબાપણ ગાતો હોય..! હરખના ધીંગાણા ચાલતાં હોય ત્યારે, હોસ્પિટલ પણ ચાચર ચોકમાં ફેરવાય જાય મામૂ ..! તંઈઈઈઈ..?
લાસ્ટ બોલ
રસ્તામાં ચમનીયો મળ્યો. એવો ગદગદ થઈ ગયો ને મને જોતા જ ભેટી પડ્યો. મને કહે, “ ક્યાં ગયો હતો યાર..? એક વર્ષ પછી તું આજે મળ્યો..! યાદ છે..? છેલ્લે આપણેગયા વરસે નવરાત્રીમાં મળેલા, શું ચાલે છે દોસ્ત..! ભાભી બાળકો મઝામાં છે ને..?
હા..યાર..! બોલ શું છે નવીનતા..?
કંઈ નહિ યાર..! મોંઘાભાઈ હોલમાં ગરબા ચાલે છે તો ગયા વર્ષની જેમ આ વરસે પણ પાસનું કંઈ ‘સેટિંગ’ કરી આપજે ને..?
તારા કપાળમાં કાંદા ફોડું..!
---------------------------------------------------------------------------------------------------------------------