Aaspaas ni Vato Khas - 22 in Gujarati Classic Stories by SUNIL ANJARIA books and stories PDF | આસપાસની વાતો ખાસ - 22

Featured Books
Categories
Share

આસપાસની વાતો ખાસ - 22

22. પાપા  કહતે હૈ બડા  નામ કરેગા..

શેઠનો આનંદ માતો ન હતો. માતાજીની અનેક બાધા આખડીઓ બાદ દેવે દીધેલો સાત ખોટનો દીકરો દેખાવે તો રાજકુંવર જેવો હતો જ, ભણવામાં પણ શિક્ષકોનો માનીતો હતો. ઘણો હોંશિયાર. હા, થોડું તો શેઠની પ્રતિષ્ઠા અને શાળાના ટ્રસ્ટીઓ સાથેના સંબંધ પણ શિક્ષકોના તે કિશોર પ્રત્યેના વધુ પ્રેમનું કારણ હોઈ શકે.

પોતાનો વિસ્તૃત, સમૃદ્ધ ધંધો સંભાળવા આ પુત્ર કાબેલ નીવડશે તેમાં શેઠને શંકા ન હતી.

પુત્ર દસમામાં આવ્યો. બોર્ડનું વર્ષ. કારકિર્દીનો ફાંટો અહીંથી પડે અને  શૈક્ષણિક તાકાતનું પાણી માપવાનું પ્રથમ પગલું. પુત્ર તો પહેલેથી તેજસ્વી છે જ. જોજોને, એવો ઝળકી ઉઠશે! શેઠ મનોમન પુત્રનો ફોટો છાપાંમાં જોઈ રહ્યા. 

આઠમા ધોરણથી પુત્રને વધુ હોંશિયાર બનાવવા ગણિતનાં તો ટ્યુશન રાખેલાં જ. પછી વિજ્ઞાન, અંગ્રેજીનાં પણ.  કોચિંગ ક્લાસમાં બધા વચ્ચે આવો તેજસ્વી અને આટલા શ્રીમંત શેઠનો છોકરો થોડો ભણે! પર્સનલ કોચિંગ. એમાં પણ હવે તો દરેક વિષયના અલગ શિક્ષક. એ પણ તેમની શાળામાં નીવડી ચૂકેલા. છતાં એ બધાની ઉપર એક મુખ્ય શિક્ષક. તેઓ અત્યંત વાત્સલ્યથી (કારણકે શેઠ અત્યંત ઊંચી ફી આપવાના હતા) ભરેલા અને પરીક્ષામાં વધુ ને વધુ ગુણ લાવવાની તરકીબો જાણતા હતા. બીજા શિક્ષકો તો 'બાબાભાઈ' કે 'નાના શેઠ'ને ભણાવે જ. પણ શું ભણાવ્યું ને તેનું શું પરિણામ છોકરો લાવ્યો એની દેખરેખ મુખ્ય શિક્ષક રાખતા રહ્યા.

શાળામાં તો ટ્રસ્ટી ખુદ તે વિદ્યાર્થીને બોલાવી દેખરેખ રાખતા અને ખુદ પ્રિન્સિપાલ તેની નોટ પર નજર ફેરવી જતા. શિક્ષકો તો રીતસર તૂટી જ પડેલા. આ છોકરો બોર્ડના પ્રથમ દસમાં આવે તો તેનું, શાળાનું અને પોતાનું પણ નામ થાય. જેથી પછીના વર્ષોમાં પોતાનાં ખાનગી ટ્યુશનોની ફી ખૂબ વધારી શકાય.

બાબાને વધુ ભણવા વધુ શક્તિની જરૂર પડે જ ને? બોર્નવિટા તો ખરું જ, ડોક્ટર તેની તપાસ કરતા અને એમણે  પુત્ર માટે ટોનિક પણ લખેલાં.

શેઠ જાતે પુત્રની ઊંઘના કલાક, વાંચવાના કલાક અને ફ્રેશ થવા  રમવાનો ફક્ત એક કલાક મોનીટર કરતા. 

પ્રિલિમિનરીમાં પુત્ર કલાસ ફર્સ્ટ આવ્યો. બોર્ડમાં આખી સ્કૂલના બધા ક્લાસમાં પહેલો આવે, બોર્ડમાં પણ આવી છાપામાં ફોટો આવે, પોતે અને શેઠાણી તેને મોં મીઠું કરાવતાં હોય એવો ફોટો આવે એ માટે ખૂબ મહેનત કરવી પડે. સમજીને. બધી બાજુ. એની તૈયારીઓ શરૂ  પણ થઈ ગઈ.

  

જાન્યુઆરીથી શેઠાણી ખુદ પરોઢે પોણા પાંચે ઉઠી પુત્રને ઉઠાડતાં. રસોયો પાંચ વાગે ગરમ ચા કરી આપતો અને સાત વાગે એટલે બોર્નવિટા.  ટીવી તો હવે બંધ જ. નહીં ચેનલ કે ન હતો મોબાઈલ. એફએમ રેડિયો પણ વાંચીને થોડી વાર રિલેક્સ થવા સિવાય  બંધ.

સ્કૂલવાળા પુત્રને ખાસ કોચિંગ આપવા પેપરો કાઢતા, જુના પેપરો પુત્ર લખી જ ગયેલો અને દરેકમાં મહત્તમ માર્ક આવે એટલે ફરીથી લખાવતા. પર્સનલ ટ્યુશનવાળા પણ અક્ષરો અને આકૃતિઓથી માંડી પેપરમાં પ્રશ્નોની લંબાઈ, ટુંકનોંધ, નિબંધની ભાષા બધું સુપરવાઇઝ કરતા. દરેકે પોતાની કારકિર્દી દાવ પર લગાવી દીધેલી.

શેઠ  રોજ મનોચક્ષુઓ સમક્ષ પુત્ર બોર્ડમાં આવે તેનાં સ્વપ્ના જોતા હતા.

શેઠે શિક્ષકો માટે પુરસ્કાર નક્કી કરી રાખેલા. ગુરુઓને તો માન આપવું જ પડે ને? મુખ્ય શિક્ષકને સોનું મઢેલી કાંડા ઘડિયાળ અપાશે તેવું ખાનગી સૂત્રોએ કહેલું.

બોર્ડની પરીક્ષા શરૂ થઈ. શેઠ પુત્રને વહાલથી સાડાચારે ઉઠાડતા. પુત્રને જે તે વિષયના પેપરની તૈયારી કરાવવા ને ટિપ્સ આપવા શિક્ષક આવી જતા. મુખ્ય શિક્ષક થોડું પૂછી અને સમજાવી જતા. પુત્રને પેટ હળવું રખાવાતું પણ ગમતી રસોઈ રસોયા દ્વારા બનાવી દેવાતી.

શેઠની કાર પુત્રને સેંટર લેવા મુકવા ફ્રી કરી દેવાયેલી. પેપર પતે એટલે બહાર આવતા પુત્ર માટે લીંબુપાણી અને નાસ્તો તૈયાર.

પરીક્ષા પુરી થઈ એટલે શેઠ પુત્ર, પત્ની સાથે હળવાશ માટે હીલ સ્ટેશન પણ જઇ આવ્યા.

આજે બોર્ડનું રિઝલ્ટ. શેઠની આંખોમાં પુત્રની કીર્તિનાં સ્વપ્નાં રમતાં હતાં. શિક્ષકો પુરસ્કારની રાહ જોઇને બેઠેલા. મુખ્ય શિક્ષકને સોનાના પટ્ટા વાળી ઘડિયાળ દેખાતી હતી. રિઝલ્ટ જોવા કોમ્પ્યુટરમાં લોગીન કરી નંબર નાખવાનો.  

બોર્ડની સાઇટ સવારે ખુલે. શેઠ એકદમ ઊંચા જીવે પુત્ર ક્યારે કોમ્પ્યુટર ચાલુ કરે અને ક્યારે શુભ સમાચાર આપે તેની રાહ જોતા આજે ધંધે ગયા વગર આંટા માર્યા કરતા હતા. 

પુત્ર કોમ્પ્યુટર પાસે બેસી ચૂપચાપ કઈંક કર્યે જતો હતો પણ રિઝલ્ટ અંગે કશી જાહેરાત હજી કરતો ન હતો.

કેટલી વાર? બહુ લોકો એક સાથે લોગીન કરે તો સાઇટ ક્રેશ થઈ જાય. વાર તો લાગે. કલાક વધારે. પણ હવે કેટલી વાર?

શેઠના શ્વાસ ઊંચા થઈ ગયેલા. શેઠ ખૂબ આતુર થઈ ઉચક જીવે પુત્ર તેના રૂમમાં કોમ્પ્યુટર સામે બેઠેલો તે તરફ જોયે રાખતા હતા. અગિયાર વાગ્યા, એક વાગ્યો. ન શેઠ જમ્યા ન પુત્ર. 

આ બાજુ શિક્ષકોના જીવ  પણ ઊંચા. કેટલી વાર? નેક્સટ વર્ષનાં ટ્યુશન માટે જાહેરાત કરવી છે. પુરસ્કાર પણ.. કેટલી વાર પછી? 

રસોઈયાએ મીઠાઈ તો રાંધી જ રાખેલી, શહેરનો શ્રેષ્ઠ કંદોઈ મઘમઘતી મીઠાઈ તૈયાર રાખીને બેઠેલો. શેઠના એક ફોનની જ રાહ જોવાતી હતી. પેકિંગ માટે બોકસો તૈયાર પડેલાં અને માણસો પણ ખડે પગે રાહ જોતા હતા.

બપોરે ત્રણ.. ચાર.. શેઠથી રહેવાયું નહીં. પુત્રને પૂછ્યું તો કહે કાંઈ ખબર પડતી નથી. શેઠે આખરે શાળામાં ફોન કર્યો.  

બાબાભાઈનું નામ બોર્ડમાં આવેલાઓની યાદીમાં ન હતું. એ ગ્રેડમાં પણ નહીં! અરે.. 

ખુદ પ્રિન્સિપાલ સાહેબ  શાળાનાં રિઝલ્ટમાં જે મળેલું   તેની ઉપર નજર ફેરવી ગયા, પાસમાં પણ નહીં? હશે,  ઓનલાઈન મુકવામાં ભૂલ હશે. સ્કૂલ પરથી બોર્ડનો સંપર્ક કરીએ. જે અધિકારી લાઈન પર આવે એની ખબર લઈ નાખીએ. ઉચ્ચ અધિકારીને ફોન આપવા કહીએ. તેઓ મળે એટલે એ લોકોના છોતરાં ઉખાડી નાંખશું. આવા હોંશિયાર અને આવા ગર્ભશ્રીમંત કુટુંબના  વિદ્યાર્થીનું રિઝલ્ટ આપવામાં ભૂલ?

સાંજ પડી. રાતનાં અંધારાં ઉતરી આવ્યાં.

ચિંતાતુર શેઠે પુત્ર સામે જોયું. તે નીચું જોઈ બેઠેલો. નીચું જ જોઈ રાખી લાલચોળ ચહેરે એટલું જ બોલી શક્યો "હું પહેલું પેપર હાથમાં આવતાં જ ખૂબ ટેંશનમાં આવી ગયેલો.  મેં પહેલું પેપર કોરું મૂકેલું.”

***

(સ્વ. રામનારાયણ પાઠક દ્વિરેફ ની એક 70 વર્ષ જૂની વાર્તાનાં કથાબીજ પર થી)