Nitu - 91 in Gujarati Women Focused by Rupesh Sutariya books and stories PDF | નિતુ - પ્રકરણ 91

Featured Books
Categories
Share

નિતુ - પ્રકરણ 91

નિતુ : ૯૧(વિદ્યા) 


વિદ્યાને હોંશે હોંશે મળવા જનાર નિકુંજ હતાશ થઈને પરત ફરેલો. અડધી રાત વિતી ગઈ અને એની સાથે કોઈ સમ્પર્ક ના થયો. નિખીલની વાત પર વિશ્વાસ કરી તે પોતાને ઘેર જવા નીકળી ગયો.


રેલવે સ્ટેશન પર પોતાની બેગ લઈને પહોંચ્યો અને એક ખાલી બાંકડા પર બેઠો. વિદ્યા માટે લીધેલ પર્પલ રંગના ફૂલોનો બુકે એના હાથમાં જ હતો. પોતાના પૉકેટ્માંથી એણે પેલું બોક્સ બહાર કાઢ્યું અને ખોલ્યું, એમાં એક ડાયમંડ રિંગ હતી, જે તેણે તેના માટે લીધી હતી.

બોક્સ બંધ કરી એણે બેગમાં મૂક્યું અને હાથમાં રહેલ બુકેને જોઈ રહ્યો. તેને યાદ આવ્યું જ્યારે સાથે બેઠા બેઠા વિદ્યાએ તેને કહ્યું હતું કે, "યુ નો નિકુંજ, મને પર્પલ કલરના ફૂલ બહુ જ ગમે. ઈનફેક્ટ મને પર્પલ કલર જ એટલો ગમે છે."

"કેમ?"

"બસ એની ખાસિયત જ એવી છે. બ્લુ રંગ ઠંડો કહેવાય છે અને રેડ, એટલે ઉગ્ર. પણ પર્પલ આ બંનેને એક સાથે પોતાનામાં સમાવે છે. આ બંનેને ભેગા કરીને તો પર્પલ બને છે."

નિકુંજ થોડું હસ્યો. એ ભૂતકાળનો પણ, અને અત્યારે સ્ટેશન પર બેઠેલો પણ. બુકેને ખોળામાં રાખીને એક હાથ એણે બાંકડાના ઉપરના ભાગમાં ટેકવી લંબાવ્યો. દિલ તૂટવાથી થોડો અસ્વસ્થ ખરો પણ પોતાને સંભાળી રહ્યો હતો. સ્ટેશન પર ગાડી આવ્યાની એનાઉન્સમેન્ટ થઈ.

ટ્રેન દૂરથી આવતી દેખાવા લાગી હતી. તેને હજુ વિદ્યાએ કોઈ સાથે સમ્બન્ધ છે એવી વાત છૂપાવી એ માન્યામાં નહોતું આવતું. એણે ફરી વિદ્યાનો નંબર લગાવવાનો વિચાર કર્યો, આ વખતે પણ ફોન ના લાગ્યો અને જવા માટે તે તૈય્યાર થયો. બુકે હાથમાં રાખી બીજા હાથે બેગ ઉઠાવી તે સજ્જ થયો. આગળ ચાલતા એક પિલ્લર નજીક ડસ્ટબીન હતી.

હાથમાં રહેલ બુકે થોડીવાર જોયા કર્યો, એમાં એક નાનકડાં કાર્ડ પર કંઈક લખેલું હતું જે તેણે પોતાના હાથેથી લખ્યું હતું. "તું મારી સૌથી સારી અને સૌથી ખાસ ફ્રેન્ડ છે. મને તારી આ દોસ્તી બહુ ગમે છે. શું તું આ તારી દોસ્તીને આજીવન મારા નામે કરીશ? વુડ યુ લાઈક ટુ બી માઈન?"

તેણે એ કાર્ડને બહાર કાઢ્યું અને એક હાથેથી ચોળીને લઈ લીધું અને ડસ્ટબીનમાં એ બુકે નાંખતા મનમાં કહ્યું, "કદાચ આપણો સંબંધ માત્ર મિત્રતા સુધી જ હતો."

એની આંખ ભીની થઈ ગઈ. અણનમ હતો છતાં અંદરથી ભાંગી ગયેલો. એટલામાં ટ્રેન ત્યાં આવી પહોંચી અને નિકુંજ પોતાની બેગ સરખી કરતો ટ્રેનમાં બેસી ગયો.

"તો તમે જતા રહ્યા?" નિતુએ પૂછ્યું.

નિકુંજે કહ્યું, "હા. વિદ્યાને કોઈ અન્ય સાથે મનમેળ છે એ વાતથી હું એટલો સેડ થઈ ગયો હતો કે મને કોઈ વિચાર જ ના આવ્યો. હું આગળ પાછળનો કોઈ વિચાર કર્યા વિના જતો રહ્યો. એ જ મારી ભૂલ હતી, કે તે દિવસે વિદ્યા કરતાં મને નિખીલની વાત પર વધારે વિશ્વાસ આવી ગયો."

"તમે એક વખત ખાત્રી ના કરી?"

"પ્રયત્ન મેં કર્યો. હું એને વારંવાર ફોન કરતો હતો. એનો ફોન બંધ આવતો હતો અને નિખીલની વાત અલગ હતી. એના પર હું વિશ્વાસ ના કરેત, પણ ...હોસ્ટેલમાં મળેલી પેલી છોકરીએ મને કહ્યું કે એ કોઈ સાથે..." તે અટક્યો અને એક શ્વાસ લઈ આગળ બોલ્યો, "એટલે હું..." એણે વાત અધૂરી છોડી દીધી.

તેના ચેહરા પર પસ્તાવો દેખાઈ રહ્યો હતો. તે ઘણું બધું કહેવા માંગતો હોય એવું લાગતું હતું પણ શબ્દો બહાર નહોતા નીકળતા. તે થોડો સ્વસ્થ થતા ફિક્કી મુસ્કાન સાથે ફરી બોલ્યો, "હંહ... તારી જેમ એને પણ પર્પલ રંગ ખુબ ગમતો."

"તમને...?"

"નવીને કેબીન સજાવી હતીને તારા માટે?"

નિતુ આશ્વર્યથી નિકુંજ સામે જોઈ રહી. તેણે કહ્યુ, "ઓફિસમાં શું ચાલી રહ્યું છે એની બધી મને જાણ છે. એક વાર મેં વિદ્યાને એકલી છોડી દીધી, પછી ક્યારેય એને હું છોડી નથી શક્યો. હું એની દરેક પળની જાણકારી રાખું છું."

"તે દિવસે રોનીએ એની સાથે શું કર્યું હતું?"

"રોનીએ વિદ્યાને જ્યુસમાં દવા ભેળવી પીવરાવી હતી. તે આખી રાત બેભાન રહી હતી."

સવાર થયું અને રૂમના એક પારદર્શક કાચની બારીમાંથી સૂર્યનો પ્રકાશ રૂમમાં પ્રવેશી રહ્યો હતો. પલંગ પર એક ચાદર ઓઢી વિદ્યા બેભાન પડી હતી. ધીમે ધીમે એના શરીરમાં સળવળાટ જાગ્યો. એની આંખો સળવળી રહી, ચેહરામાં ચેતના આવી.

એકાદ બે વખત પડખું ફેરવી હળવેથી તે ઉભી થઈ. તે માત્ર શરીરથી જાગી હતી, આજુબાજુનું કોઈ ભાન નહોતું. બંને પગ જમીનથી નીચે મૂક્યા. અડધી ખુલતી આંખ સાથે તે ઉભી થઈ કે તુરંત લથડિયું લેતી પલંગ પર બેસી ગઈ. રાતે જેવો માથાનો દુખાવો હતો એવો જ માથાનો દુખાવો અત્યારે હતો.

પોતાના શરીર પર એક નજર નાખી અને પોતે કઢંગી અવસ્થામાં છે એવી અનુમાન લગાવ્યું. એણે પોતાનું માથું પકડ્યું અને આંગળીઓને એકઠી કરી કપાળ પર ગોળ ગોળ ફેરવવા લાગી. એટલામાં રૂમનો દરવાજો ખુલવાનો અવાજ આવ્યો અને કોઈ આવ્યાનો અહેસાસ થયો. તેને બધું ધુંધળું દેખાઈ રહ્યું હતું. બેસાદ્ય  જેવી અવસ્થામાં તે બોલી, "નિકુંજ, મારું માથું સખત દુઃખે છે. ખબર નહિ મને શું થાય છે!"

બાજુમાં બેસતાં તે બોલ્યો, "ડોન્ટ વરી. લે, કોફી પીય લે. થોડીવારમાં મટી જશે."

તેનો અવાજ સાંભળી વિદ્યાને ફાળ પડી. આ અવાજ નિકુંજનો નથી, ધુંધળાયેલું દ્રશ્ય તુરંત સ્પષ્ટ થઈ ગયું. તે ઝબકી અને નીચે ઢળેલું માથું ઊંચું કરી તેણે સામે જોયું. પલંગ પર પડેલી ચાદર તુરંત તેણે પોતાના શરીર ફરતે વીંટાળી દીધી. તેની શ્વશન ક્રિયા વધી ગઈ, તે જોર જોરથી શ્વાસ લેવા લાગી અને અકળાયેલા સ્વરે આશ્વર્યથી બોલી, "રોની! તું?"

"હા... કોઈ બીજાની રાહ જોતી હતી?"

"તું અહીં શું કરે છે?" કડક શબ્દોમાં વિદ્યા બોલી.

આ બધું તેની માટે એક સાધારણ વાત હોય એમ તે બોલ્યો, "કમોન વિદ્યા, તું મારા ઘરમાં છે. મારા ફ્લેટમાં. તારું આવું પૂછવું બરાબર ના કહેવાય."

વિદ્યાએ આજુબાજુ નજર ફેરવી અને અજાણી રૂમનું દ્રશ્ય જોઈ રહી. રોની એની સામે જોતો મંદ મંદ હસી રહ્યો હતો. તેને આ રીતે હસતા જોઈ વિદ્યાને કંઈક ખોટું થયાનો આભાસ થયો. તેણે ચાદર થોડી વધારે ઉપર ચડાવી.

તે કહેવા લાગ્યો, "એની કોઈ જરૂર નથી વિદ્યા. ક્યાં કેવા નિશાન છે? એ બધી મને ખબર છે." વિદ્યાને એના શબ્દો પર વિશ્વાસ નહોતો આવતો. તે આગળ બોલ્યો, "યાર કહેવું પડે, સુંદરતા તો ઉપરવાળાએ તને ભરપૂર જ આપી છે. માથાથી લઈને પગ સુધી, એક જ સરખી..."

"બસ રોની." ઘૃણાભાવથી તે બોલી, "તને શરમ નથી આવતી બોલતા."

"કમોન, તું કોઈ પહેલી નથી. હા... બીજી બધી એની મરજીથી આવતી અને તને મારે પરાણે લાવવી પડી."

વિદ્યાની આંખોમાં પાણી આવી ગયું. "આ શું કર્યું તે? તું તો મારી સાથે મળી બિઝનેસ સેટ કરવા માંગતો હતો. મેં તને મારો દોસ્ત માન્યો અને તું..."

તેની વાતને હસીમાં ઉડાવી કહ્યું, "હાન્હ... કેવી દોસ્તી? ક્યા બિઝનેસની વાત કરે છે? તારી સાથે બિઝનેસ કરી હું શું મેળવી લેવાનો હતો? અત્યાર સુધી તારા પેલા બંને ફ્રેન્ડ મારી વચ્ચે આવ આવ કરતા હતા. જેવી જ તું એકલી થઈ... " રોનીએ એક મુઠ્ઠી વાળી વિદ્યાના ચેહરા સામે રાખી અને પાંચેય આંગળી ખોલતા બોલ્યો, "... બૂમ... મોટો ધડાકો." અને રક્ષેશી હાસ્ય વેરવા લાગ્યો.

એના પર નકામો વિશ્વાસ કર્યાનો અહેસાસ થતા વિદ્યાએ આંખો બંધ કરી લીધી અને ભીની આંખમાંથી એક ટીપું એના ગાલ પર સર્યું.

તે આટલે અટક્યો નહિ અને આગળ કહેવા લાગ્યો, " ત્રણ વર્ષ પછી ચાન્સ મળ્યો. મેં તો આશા જ છોડી દીધી હતી. પણ કાલે જે એકપીરીયન્સ થયો... ઉફ્ફ... જો મેં ફરીથી પ્રયત્ન ના કર્યો હોત તો અફસોસ રહી જાત. તને યાદ નહીં હોયને. શું હું પણ... જાણવું છે તારે?" કહેતા રોનીએ એની નીચે આવેલી એક લટને એના કાન પાછળ રાખતા, તેના ગાલ પર આંગળી ફેરવી. નફરત ભરી વિદ્યા એકબાજુ જોઈ ગઈ.

"તું આટલો નફ્ફટ હોઈશ એવું મેં નહોતું ધાર્યું."

"મેં તને કહ્યું હતુંને, મારી સાથે દુશ્મની મોંઘી સાબિત થશે."

હસીને રોની ઉભો થયો અને કહેવા લાગ્યો, "કોફી રાખી છે તારા માટે. ઠંડી થઈ જશે." અને પોતાના હાથમાં રહેલી કોફીની ચુસ્કી લેતો તે જવા લાગ્યો. થોડું ચાલી તે પાછો ફર્યો અને કહ્યું, "અને હા... બાજુના ડ્રોવરમાં તારું પર્સ પડ્યું છે. ફેંકી દેત, પણ અંદર એક બોક્સ હતું. બહુ સરસ રિંગ લાવી છે, નિકુંજ માટે? હા... ટ્રુ લવ. મને લાગે છે એ પણ..."

વિદ્યાએ એની સામે જોયું અને રોની ફરી તેની પાસે આવી એની બાજુમાં બેસી બોલ્યો, "કાલે તમારા બંનેનો કોઈ પ્લાન હતો? બહુ શોધી એણે તને. આખા સિટીમાં આમથી તેમ ભાગતો રહ્યો, એને શું ખબર કે તું તો... વેલ, અભિના રેસ્ટોરન્ટ સુધી પહોંચી ગયો હતો. માંડ એને સમજાવી પાછો વાળ્યો. નિખીલે કહ્યું કે એ કદાચ તને પ્રપોઝ કરવાનું પ્લાનિંગ કરી રહ્યો હતો. સોરી. મારે લીધે એ તને પ્રપોઝ ના કરી શક્યો."

વિદ્યા જાણે પથ્થર બની ગઈ હોય એમ બેઠેલી. રોનીએ એની મજાક કરતા ઉમેર્યું, " બિચારો, એને શું ખબર કે નિખિલ ખોટું બોલે છે. એ ટ્રેન પકડી જતો રહ્યો. હવે તો તારે એની પાસે જવું પડશે." વિદ્યાની ચેતના ફૂટી અને જોરથી એનો હાથ રોનીના ગાલ તરફ ગયો.

એની થપ્પડ વાગે એ પહેલા જ એણે એનો હાથ પકડી લીધો અને આવેશમાં આવી કહ્યું, "આવી ભૂલ ના કરતી. રોની સામે પડવાની સજા હતી આ. હવે ચુપચાપ અહીંથી નિકળ." કહેતો એ જતો રહ્યો. વિદ્યાએ તુરંત ડ્રોવરમાંથી પર્સ કાઢ્યું.

ફોન તપાસ્યો. સ્વીચ ઓફ હતો. ઓન કર્યો અને રડતા રડતા રિસેન્ટ કોલ લિસ્ટ તપાસી. બે કલાકના સમય ગાળામાં નિકુંજના પંદર મિસ્ડ કોલ. હતાશ થઈ ફોન બાજુમાં રાખ્યો. બોક્સ ખોલી નિકુંજ માટે ખરીદેલી રિંગ તાકી જોર જોરથી એનું નામ લઈ, એને યાદ કરતી રડવા લાગી.