નિતુ : ૯૦ (વિદ્યા)
વિદ્યા સામે બેઠેલા રોનીને નિકુંજ સમજી એનું નામ લેતી તે બેભાન થઈ ગઈ. રેસ્ટોરન્ટમાં થોડીવાર ઉહાપોહ મચી ગઈ. ડિનર લેનારા લોકો વિદ્યાને બેભાન થતી જોઈ ટેબલ ફરતે વીંટળાઈ વળ્યાં.
કોઈએ કહ્યું, "કોઈ એમ્બ્યુલન્સ બોલાવો."
તો વળી એક ભલા માણસે વચ્ચે કહ્યું, "હું ફોન કરું છું."
"કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. હું એને હોસ્પિટલ લઈ જાવ છું." કહેતા રોની ઉભો થયો અને બધાને પોતાની જગ્યાએ બેસી જવા કહ્યું. આવેલા વેઈટરે એને સાથ આપ્યો અને બંને વિદ્યાને લઈને રેસ્ટોરન્ટની બહાર નીકળ્યા. ત્યાં પહેલેથી જ અભિષેક ગાડી લઈને ઉભેલો. તેની ગાડીની પાછલી સીટ પર તેને બેસાડી રોની આગળ અભિષેકની બાજુમાં બેસી ગયો. અંદર બેસી તેણે લાલ આંખ કરતા વેઈટર સામે જોયું અને તેણે કહ્યું, "કોઈને જાણ નહિ થાય. અહીં હું બધું સંભાળી લઈશ."
"હમ્મ... ગુડ." કહી તેણે અમુક પૈસા આપ્યા અને અભિષેકને ગાડી ચલાવવા કહ્યું. ગાડી ત્યાંથી નીકળી ગઈ અને વેઈટર પૈસા ખિસ્સામાં નાંખતો અંદર પરત ફર્યો, એવા અંદાજ સાથે કે જાણે કશું થયું જ નથી.
હોસ્ટેલ નીચે લગભગ પોણા કલાકથી નિકુંજ સજી- ધજીને વિદ્યાની રાહ જોતો હતો. ફોન કરવાના ઘણા પ્રયત્ન કર્યા પણ એકેય વખત ફોન ના લાગ્યો. એકંદરે તેની ચિંતા વધી. તે દરવાજે ઉભેલા ચોકીદાર પાસે પહોંચ્યો, "સાંભળો..."
"હા બોલો." લોખંડની જાળીવાળા ગેટને પેલેપાર ઉભેલા ચોકીદારે કહ્યું.
"મારે વિદ્યાનું કામ છે. એ આવી ગઈ છે?"
"એની મને ખબર નથી સાહેબ. એની સાથે જે ભણે છે એ બધા લગભગ આવી ગયા છે. એમાં વિદ્યા હતી કે નહિ એનો મને ખ્યાલ નથી રહ્યો."
"હું અંદર જઈ શકું?"
"માફ કરજો સાહેબ. તમે અંદર નૈ જઈ શકો. લેડીઝ હોસ્ટેલ છે."
"જુઓ, મારે એનું અગત્યનું કામ છે અને અમે સાથે ડિનર લેવા પણ જવાના હતા. એ આવી જવાની હતી પણ હું ઘણા સમયથી એની રાહે છું. હજુ એ આવી નથી."
"માફ કરજો સાહેબ. પણ એમાં હું કંઈ નહિ કરી શકું."
"તમે પ્લીઝ અંદર જાણ કરાવીને પૂછોને કે એ આવી ગઈ છે કે નહિ?"
"જો સાહેબ, હું તમને ઓળખતો નથી અને આ રીતે કોઈ છોકરીની માહિતી હું તમને ના આપી શકું."
"હું એનો ફ્રેન્ડ છું. તમે કેવી વાત કરો છો?!"
"હશો, પણ મારી તો નોકરીનો સવાલ છેને!"
તેણે મનમાં કંઈક વિચાર્યું અને પછી કહેવા લાગ્યો. "તમે મને રિસેપશન સુધી તો જવા દેશોને?"
"અરે સાહેબ... તમે સમજતા કેમ નથી?"
"હું તમને રિકવેસ્ટ કરું છું."
"પણ..."
"પ્લીઝ." તેની સામે બે હાથ જોડતા નિકુંજે કહ્યું.
ચોકીદાર ઢીલો પડ્યો. એક શ્વાસ લઈ તે બોલ્યો. "તમે માત્ર રિસેપ્શન કાઉન્ટર સુધી જ જશો... એની બાંહેધરી આપો."
" હું રિસેપ્શન સુધી જ જઈશ. પ્લીઝ મને એકવાર અંદર જઈને જોવા દો."
" ઠીક છે. કોઈ જો કાંઈક કહે તો મારું નામ ના આવવું જોઈએ." શરત રાખતા ચોકીદાર બોલ્યો.
"હા. તમારું નામ કશેય નહિ આવે." તેણે સહમતી દર્શાવી એટલે ચોકીદારે દરવાજો ખોલ્યો.
નિકુંજ ઝટ દઈને અંદર ગયો. રિસેપ્શન કાઉન્ટર પર પહોંચ્યો તો ત્યાં કોઈ નહોતું. તેણે ચારેય બાજુ નજર ફેરવી પણ કોઈ ના દેખાયું. રાત્રી ભીજનનો સમય હતો એટલે હોસ્ટેલ ખાલી હતી.
તે કાઉન્ટર તરફ જોતો ઊંધા પગે ચાલતો હતો. એટલામાં પાછળથી એક અજાણી યુવતીનો અવાજ આવ્યો, "કોનું કામ છે?"
તે પાછળ ફર્યો અને સામે ઉભેલી તે યુવતીને એણે જોઈ. તે નિકુંજ પાસે આવતા બોલી, "કોણ છો તમે? કોનું કામ છે?"
અકળામણ સાથે તે બોલ્યો, "જી... અવ... મારું નામ નિકુંજ છે. હું જરીવાલા કોલેજમાં અભ્યાસ કરું છું. મારી એક બીબીએની ફ્રેન્ડ અહીં રહે છે."
"તમે વિદ્યાની વાત કરો છો?"
"હા. એ જ."
"તો?"
"તમે ઓળખો છો એને?"
કટાક્ષ ભરી નજરે તેણે નિકુંજ સામે જોયું અને પોતાના બંને ખભા ઊંચા કર્યા.
નિકુંજે પોતાનો સવાલ અટકાવી આગળ પૂછ્યું, "એક્ચ્યુલી અમે આજે ડિનર માટે જવાના હતા. હું ક્યારનો એની રાહે છું.?"
"એ હજુ આવી નથી."
"આવી નથી?"
તે યુવતીએ કહ્યું, "અમે બધા એક જ એકઝામ સેન્ટરમાં હતા. પેપર પત્યું પછી એ કોઈ સાથે બહાર ગઈ હતી અને હજુ આવી નથી."
"કોની સાથે ગઈ હતી?"
"એની તો મને ખબર નથી. પણ કોઈ છોકરો હતો અને તે બંને ક્યાં ગયા છે એની ભી ખબર નથી."
"ઓકે. થેન્ક યુ." કહી તે બહાર નીકળી ગયો. રસ્તા પર આવી તેણે વિચાર કર્યો, "ક્યાંક એ મને મળવા નક્કી કરેલા રેસ્ટોરન્ટમાં તો નહીં પહોંચી ગઈ હોયને? પણ એવું હોય તો એણે મને જાણ કેમ ના કરી? બની શકે એનો ફોન પાવર ઓફ થઈ ગયો હોય. કોઈ ફ્રેન્ડ સાથે ગઈ હોય અને ત્યાંથી મને મળવા સીધી જતી રહી હોય!"
તેણે તુરંત રીક્ષા પકડી અને પોતે નક્કી કરેલા રેસ્ટોરન્ટમાં પહોંચ્યો. અંદર ગયો અને પોતે જે ટેબલ બુક કરાવ્યું હતું ત્યાં જઈને ઉભો રહ્યો. ટેબલ સજાવેલું હતું અને ટેબલ પર પર્પલ રંગના ફૂલોનો એક બુકે મુકેલ હતો. તેણે તે બુકે હાથમાં લીધો એટલામાં એક વેઈટર ત્યાં આવ્યો.
"વેલકમ સર."
"મારે માટે કોઈ આવ્યું છે?"
"ના સર. તમારું બુક કરાવેલ ટેબલ તો ખાલી જ છે. હજુ સુધી કોઈ આવ્યું નથી." નિકુંજ વિચારમાં પડી ગયો. વેઈટરે પૂછ્યું, "ઈજ એવરીથીંગ ફાઈન સર?"
"હા... ઓકે. થેન્ક યુ."તેણે કહ્યું, વેઈટર ત્યાંથી ચાલ્યો ગયો. નિકુંજ પણ વિદ્યા માટે રાખેલ બુકે લઈને બહાર નીકળ્યો. "કોની સાથે ગઈ હશે? ક્યાંક... રોની..." તે સંભવિત તમામ બાબત અંગે વિચારવા લાગ્યો. તેને રોની પર શક ગયો. તેણે તુરંત એક રીક્ષા પકડી અને અભિષેકના રેસ્ટોરન્ટ તરફ નીકળ્યો. રસ્તામાં એના મનમાં જાતજાતના વિચારો આવી રહ્યા હતા. તે અંદર જઈ રહ્યો હતો એવામાં નિખીલે તેને સાદ કર્યો.
"નિખીલ!" તેને જોતાં નિકુંજ ઉભો રહ્યો.
"ક્યાં જાય છે?" નજીક આવી તેણે પૂછ્યું.
"કંઈ નહિ. બસ એમ જ."
"બાય દી વે, શું પ્લાન છે? નવા કપડાં, હાથમાં આ બુકે... કોઈ મળી ગઈ કે શું? પ્રપોઝ કરવા જાય છે?"
"અરે ના, એવું કંઈ નથી."
"હા... તું મને શું કામ સાચું કહેવાનો! આ તમારું ગ્રુપ ખાનગીમાં ઘણું બધું કરી રહ્યું છે."
"એટલે?" ગ્રુપનો ઉલ્લેખ થતા નિકુંજે આશ્વર્યસહ પૂછ્યું.
હોંશિયારી વાપરી નિખીલે જવાબ આપ્યો, "તે ગર્લફ્રેન્ડ શોધી લીધી છે અને વિદ્યાએ નવો બોયફ્રેન્ડ. તમારે લોકોએ ના કહેવું હોય તો કંઈ નહિ. બાકી મને તો બધી જાણ છે."
"તને કોણે કહ્યું કે વિદ્યાએ કોઈને બોયફ્રેન્ડ બનાવ્યો છે?"
"અરે આ તો જગ જાહેર છે. એણે કદાચ તને નહિ કહ્યું હોય. આજે પણ એની સાથે જ છે. હવે તો એકઝામ પતી ગઈ છે. કોલેજ પતી ગઈ છે. હવે તો બંને સાથે સાથે જ રહેશે એવું લાગે છે. એની સાથે એ બિઝનેસ કરવાનો પ્લાન બનાવે છે. બહુ ખુશ હતી વિદ્યા."
નિકુંજ વિચારી રહ્યો, "આ બધી નિખીલને ખબર છે. બાકીના બધા લોકોને પણ ખબર હશે. પણ વિદ્યાએ મને કશું ના જણાવ્યું. એ કોઈ વાત કરવા કહેતી હતી. એ... એના બોયફ્રેન્ડ અંગે તો નહોતીને?"
નિખીલ જતા જતા બોલ્યો, "ઓકે ચાલ બાય. મારે લેટ થાય છે."
"અ... રોની?" નિકુંજે તેને પૂછ્યું.
તેણે પાછળ ફરી જવાબ આપ્યો, "એ અભી સાથે છે. હું એને મળવ જ આવ્યો હતો પણ બંને બહાર ગયા છે." અને તે જતો રહ્યો.
નિકુંજે એકવાર પાછળ રેસ્ટોરન્ટ તરફ જોયુ પણ પછી અંદર જવાની હિમ્મત ના ચાલી. નિખીલની વાત પર વિશ્વાસ કરી તે પાછો જતો રહ્યો. દૂર ઉભેલો નિખીલ તેને જતા જોતો હતો. એણે તુરંત રોનીને ફોન લગાવ્યો.
"યાર રોની, તારો અંદાજો સાચો નીકળ્યો. પેલો અહીં સુધી આવી પહોંચ્યો."
"એને કોઈ જાણ તો નથી થઈને?" રોનીએ પૂછ્યું.
"હોતું હશે. તું બિન્દાસ થઈ જા. એને મેં એવી પટ્ટી પઢાવી છે કે એ હવે ટ્રેન પકડી સીધો ઘેર જતો રહેશે. વિદ્યાને શોધવાનો પ્રયત્ન પણ નહિ કરે."
"વેલ સેટ નિખીલ."
"ઓકે બાય... એન્ડ એન્જોય... "કહેતા નિખીલે ફોન રાખી દીધો.