શિક્ષકની નજરે એક શિક્ષક કેવો હોવો જોઈએ?
-Anita patel,
શિક્ષક ખાસ કરીને મૂળિયાંથી મજબૂત માસ્તર હોવો જોઈએ.
આપણે સાંભળતા આવ્યા છીએ કે,
"શિક્ષક કભી સાધારણ નહિ હોતા,
પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદમેં પલતે હૈ."
વળી,કબીરનો એક દુહો પણ છે,
"गुरु गोविंद दोऊ खड़े, काके लागूं पायें
बलिहारी गुरु आपनो जिन गोविंद दियो बताय|"
શિક્ષકની મહિમા આદિકાળથી અપાર રહી છે, અને રહેશે.
પણ,ટેકનોલોજીનાં આ યુગમાં પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને જો શિક્ષકે કાર્ય કરવું હશે, તો એને આજનાં હુલામણા નામો મુજબ બાળકનાં "મમ્મા અને પા" બંને બનવું પડશે.
"માસ્તર" તો એ પહેલેથી છે જ.
શિક્ષક એક જ એવું વ્યક્તિત્વ છે, જેનાં પર વિશ્વાસ કરીને માતાપિતા પોતાના સંતાનને એમની પાસે ભણવા મૂકે છે.અને બાળકો પણ કેટલા નિર્દોષ ને નિખાલસ હોય છે,કે શિક્ષક પર પોતાનાં માતા પિતા કરતાં પણ અધિક વિશ્વાસ મૂકે છે.
મારો પોતાનો દીકરો જ જોઈ લઉં તો, હું વ્યવસાયે શિક્ષક છું. આ વ્યવસાયમાં ૨૦૦૮થી કામ કરી રહી છું. ક્યારેક કંઈક હું મારા બાળકને શીખવાડું, તો મને કહે, " મા, તું મારા મેમ જેટલી હોંશિયાર નથી હો. "
બસ, મારા બાળકનું પોતાનાં શિક્ષક પ્રત્યેનું માન, એમની પ્રતિભાનું સન્માન, એમનાં માટેનું હેત જોઈને જ હું રાજી થઇ જાઉં છું કે ચાલો, મારા બાળકનું ભાવિ એક સારા હાથમાં ઘડાય રહ્યું છે. એક વાલી તરીકે જો હું મારા બાળકનાં શિક્ષકને સારું હોવાનું ઇચ્છુ, તો મારે પણ બીજા બાળકોનાં વાલીજગત માટે સારુ થવું રહ્યું.
શિક્ષકને વર્ગખંડમાં માત્ર ભણાવવાનું નથી હોતું, પણ ગણાવવાનું પણ હોય છે.
"ભણતર વિના ગણતર નકામું નથી બનતું, પણ ગણતર વિનાનું ભણતર ચોક્કસ વેડફાય છે."
શિક્ષક આજીવન વિદ્યાર્થી છે. "એક શિક્ષકને ઢગલો ભાષાઓ આવડે કે ના આવડે. પણ બાળકનાં માનસપટની ભાષા વાંચતા ચોક્કસ આવડવું જોઈએ."
દુકાનદાર સવારે ઉઠીને પોતાની દુકાન ખોલે છે, ત્યારે પહેલાં એ કચરો અને જાળાં સાફ કરે છે, પછી પોતાનાં ઇષ્ટદેવની પૂજા કરે છે.
જો,દુકાનદાર પોતાની નિર્જીવ દુકાનની પણ સાફ-સફાઈ કરતો હોય તો,હું તો એક શિક્ષક છું.બાળકનાં માનસપટ પર રહેલા અસંખ્ય સંકોચ,ડર, ગભરામણ, નિષ્ફ્ળતાનાં રચાયેલા જાળાં કેમ સાફ ના કરી શકું?
મારે તો, વગર પૂજાએ કુદરતનાં ચારેય હાથ મારાં પર છે કારણકે, મારે તો આજીવન બાળગોપાળોને જીવન કેવી રીતે જીવાય એનાં પાઠ શીખવવાનાં છે.
એક દિવસની વાત, મારા વર્ગખંડમાં એક દીકરો ભણવા આવ્યો
"બેટા, આ ટોપો આવી ગરમીનો કેમ ઓઢ્યો છે?કાઢી નાખ."
"દીદી, એ તો નઈ કાઢે એના વાળ ઢાંકે હે ઈ."એના મિત્રોઝ બોલ્યા.
"કાં, હુ થ્યું એના વાળને?"
"દીદી, તમે જ જુઓ પરા."એના ભાઈબંધ્યું બોલ્યા.
ઘણાં દિવસે એક તો ભાઈ આવેલા.
"અઇ આવ તો, ઓ મા...આતો ચકલાનો માળો બની ગ્યો. હવે કોઈ ઈંડા મૂકી જાય એમાં એટલી વાર છે."
"બેટા, કેમ વાળ નથી કપાવતો?"
"દીદી, એને જોર આવે, ઈ તો છે જ આવો.અને એના પપ્પા દારૂ પીવે ને મમ્મી ખેતરે આખો દિ' કામ કરે, કોણ ધ્યાન આપે?" એના ફિરેન્ડ બોલ્યા હસતાં હસાવતાં.
"બેટા, પોતાની જાતને પોતે જ સંભાળવી પડે મારા દીકરા, આ સરસ મજાનું શરીર મળ્યું ને તું આવો કેમ લઘર વઘર રે'?તું એકવાર આ અરીસામાં જો તો, તને જોવું ગમે છે?"
તો કે, "હા મને જોવું ગમે છે."મારા જેવો આખોબોલો
"તો, કાલે એટલો સરસ તૈયાર થઈને આવજે કે સામે અરીસામાં તને જે દેખાય છે. એને તું જોવો ગમે.💙"
થોડી વાતો કરી ને થોડું હેત આપ્યું, ત્યાંતો તરત જ પરિણામ આવી ગ્યું, ને બીજા દિવસે સરસ મજાનો તૈયાર થઇ આવી ગ્યો.બાળક હેત અને લાગણીનું ભૂખ્યું છે. બસ ઈ પીરસવામાં કમી એક શિક્ષક તરીકે ના રાખવી જોઈએ.
શબ્દોની અસર ગાઢ હોય છે. શબ્દોની સાથે લાગણી પીરસાય છે કે ધિક્કાર, ઈ બાળક સારી રીતે પારખી શકે છે.
તો, "શિક્ષક ભરપૂર હેતનાં અને લાગણીનાં નિખાલસ દરિયાથી ઉભરાતો હોવો જોઈએ."
"શિક્ષક એક જીવતાં પુસ્તક જેવો હોવો જોઈએ."
"શિક્ષક બાળકનાં માનસપટલને વાસ્તવિક જીવનનાં સુંદર ચિત્રોથી ચિતરનાર ચિત્રકાર હોવો જોઈએ."
"શિક્ષક બાળકને જીવનનાં સંઘર્ષ સમયે માનસિક, શારીરિક સંતુલન કેવી રીતે રખાય, એ માર્ગ બતાવનાર માર્ગદર્શક હોવો જોઈએ."
"શિક્ષક બાળકને જીવન કેવી રીતે જીવાય એનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવા પોતાની જાતને જ ઉદાહરણ બનાવી જીવી જનાર મરજીવો હોવો જોઈએ."
"શિક્ષક બાળકોનાં ડરને ફટકારી બાળકોમાં રહેલી મજબૂત ક્ષમતાઓનો અનુભવ કરાવનાર બેટ્સમેન હોવો જોઈએ."
"શિક્ષક બાળકનાં જીવનની થાળીમાં લાગણી, જીત, સ્નેહ, આદર, મહેનત, પ્રેમ,ધીરજ, નિખાલસતા, નિર્દોષતા પીરસનાર મા હોવો જોઈએ."
"શિક્ષક બાળકને તેના જીવનમાં આવતી તકલીફોને શાંત ચિત્તે ઉકેલ શોધી આપનાર પિતા હોવો જોઈએ."
"શિક્ષક બાળક જેને જોઈને અમૂલ્ય હાસ્ય છલકાવી દે એવો લાગણીનો વિશાળ દરિયો હોવો જોઈએ."
"શિક્ષક બાળક જેનો હાથ પકડીને, પોતાનાં દર્શાવેલા સાચા માર્ગે ચાલે એવો સાથીદાર હોવો જોઈએ."
"શિક્ષક બાળકને જીવનમાં આવનાર તકલીફો, સંઘર્ષોનાં તડકાંને છાંયો આપનાર વૃક્ષ હોવો જોઈએ."
"શિક્ષક આખરે વિનાશ નહિ, પણ શૂન્યમાંથી સર્જન કરનાર વિકાસકાર હોવો જોઈએ."
કારણકે, વર્ગખંડમાં માત્ર બાળકો નહિ, પણ સાથે સાથે એમની પેઢીઓ પણ ભણવા આવે છે.
શિક્ષકની જવાબદારી અનેકગણી વધી જાય છે, જયારે એ વર્ગખંડમાં ભાવિ પેઢીની રચનાની જવાબદારીને પોતાની થાળી સુધી આવનારો રોટલો ગણી એનું માન રાખવાનું નક્કી કરે છે.
સમસ્ત શિક્ષક સમાજને મારા વંદન.
-Anita patel.
(શ્રી ગણેશપુરા પ્રાથમિક શાળા,
થરાદ )