Antim Musafar in Gujarati Thriller by Aarti Garval books and stories PDF | અંતિમ મુસાફર

Featured Books
Categories
Share

અંતિમ મુસાફર

રાતના ૧૨ વાગ્યે, અમદાવાદના બસ સ્ટેશન પર ભયજનક શાંતી છવાઈ ગઈ હતી.


રસ્તાની લાઇટ્સ ઝબૂકતી હતી, અને સ્ટેશન પર માત્ર થોડાંક મુસાફરો પોતાની બસ પકડવા માટે હડબડાતા હતા. એકલતાનો અહેસાસ ઘનાશક હતો.

જયેશ એકલો જ જૂનાગઢ જવાની બસ માટે વાટ જોઈ રહ્યો હતો.

ઓફિસનું કામ પૂરૂં કરી બસ સ્ટેશન પહોંચતા જ એણે ઘડીયાળ જોઈ—૧૨:૦૫.

"આટલી મોડી રાતે મુસાફરી કરવી ખરેખર ઊંડા શ્વાસ ભરાવે છે," - એણે મનમાં વિચાર્યું.

રાતભરના થાકથી એની આંખો ભારી થઈ રહી હતી. થોડી ઊંઘ પણ આવી રહી હતી, પણ હવે બેસવાની જગ્યાએ બસની રાહ જોવી પડી.

સ્ટેશન પર થોડીક યાંત્રિક અવાજો સિવાય બધું શાંત હતું.

અચાનક, હવામાં એક અસામાન્ય ઠંડક ફેલાઈ. હવા પણ જાણે ઠપ થઈ ગઈ.

બસ ધીમી ગતિએ સ્ટેન્ડ પર આવીને અજાણ્યા ભય સાથે અટકી.

જયેશે ગભરાટભરી શ્વાસ ખેંચી, એક નજર આસપાસ નાખી, અને મૌન માહોલ વચ્ચે અંદર પગ મૂક્યો.

અંદર પ્રવેશતા જ એક અસામાન્ય શાંતિએ એને ઘેરી લીધો.

એક એવું શાંત વાતાવરણ, જ્યાં હવા પણ ક્યારેક થંભી ગઈ હોય એવું લાગે.

તેના પગલાંના અવાજો બસમાં ગુંજતા હતા, જાણે કોઈએ વર્ષો થી આ શાંતી તોડી ન હોય.

સીટો એકદમ ખાલી...

એક ખાલીપણું, જે સામાન્ય ખાલી બસ કરતા પણ વધુ ભયાનક લાગતું હતું.

જાણે આખી બસ અવકાશમાં ઊભી હોય... કે કોઈ અનોખી દુનિયામાં ખોવાઈ ગઈ હોય.

ડ્રાઈવર અને ક્લીનર સિવાય કોઈ યાત્રિ નહોતો.

એના અંદર એક અજીબ અણસાર રાતના નિતાનંદ કારમી શાંત રસ્તા જેવો વીતવા લાગ્યો.

જયેશે ધીરેથી આગળની સીટ પર બેસી, બારીની બહાર જોયું.

આજુબાજુ અંધકાર ફેલાયો હતો.

રસ્તા પર અજવાળાની ઝબૂક ધીમે ધીમે અદ્રશ્ય થવા લાગી.

નગરની લાઈટો પાછળ રહી ગઈ...

અને હવે બસ એક ખાલી હાઈવે પર દોડવા લાગી.

આસપાસ કંઈ નહોતું.

કોઈ ઈમારત... કોઈ વાહન... કોઈ માનવી નહીં...

માત્ર ખાલી, અનંત સફર...

જ્યાં સુધી શહેર પાછળ રહ્યું, ત્યાં સુધી બધું સામાન્ય લાગ્યું.

પરંતુ, જેમ જેમ બસ એકલતા ભર્યા હાઈવે પર પ્રવેશી, બહારનું દૃશ્ય પણ અનોખી ભયાનકતા સાથે બદલાતું ગયું.

ઝાંઝવાના ઊંચા ઝાડ પવનમાં લચકતા હતા, પણ એ લચકણમાં એક પ્રકારની બેચેની છુપાયેલી લાગતી હતી...

જાણે એ ઝાડ નહીં, કોઈ અદ્રશ્ય સાયા રાતના પડછાયાઓ વચ્ચે શૂન્યમાં ધીમે ધીમે સરકતા હોય.

અવિરત સિસવાટા સાથે પવન ચાલતો રહ્યો, પણ એ પવન સામાન્ય નહોતો...

એમાં કોઈક અજાણી અણસાર ભરેલી ઉર્જા હતી.

જેમ જેમ બસ આગળ વધી, રસ્તા પરના દીવા ધીરે ધીરે ઓગળવા લાગ્યા.

પ્રથમ તો બે-ત્રણ દીવા દૂર ઊભેલા દેખાતા, પછી માત્ર એક-એક દીવો, અને અંતે બસની હેડલાઈટ્સ સિવાય કંઈ જ ન દેખાતું.

અંધારું વધુ ઘેરું થતું ગયું... એક એવું અંધારું કે જ્યાં દેખાય પણ એટલું જ, જેટલું એને જોવું હોય.

બસની હેડલાઈટ્સ ટૂંકી રેન્જ સુધી જ ઝગમગતી, પણ તે પ્રકાશ પણ અનોખો લાગતો હતો... એવો કે જે આગળ એક અણજાણ્યું રહસ્ય ઉજાગર કરે કે દૂરસ્થ ધૂંધળું કરી દે—સમજવું એકદમ મુશ્કેલ.

રસ્તાને જાણે છેવટ ન હોય એવું લાગતું.

એક અણમોલ સફર... એક અજાણું મુકામ...

અને એક ખાલી બસ, જે બસ આગળ વધી રહી હતી... કોઈ અનંત શૂન્ય તરફ. 

જયેશે થોડું બાજુમાં જોયું—સંપૂર્ણ ખાલી સીટો.

ઘડીક માટે એને વિચાર આવ્યો, "શા માટે આટલી રાતે બસ એટલી ખાલી છે?"

શું ખરેખર આજ રસ્તા પર કોઈ મુસાફર નથી? કે પછી...?"

એના હૃદયના ધબકારા અસામાન્ય રીતે સંભળાવવા લાગ્યા.

એટલામાં, બસ અચાનક ધીમે થવા લાગી.

ચારે બાજુ શાંત.

ફક્ત એન્જિનની હળવી ગુંજ અને બસના ટાયરનો કચરાપટ ઉપર ધીમે ધીમે અટકતો અવાજ.

જયેશે બારીમાંથી બહાર જોયું—

આગળ એક સ્ટોપ હતું. પણ એ એકલતું, નિર્જન અને અદ્રશ્ય લાગતું હતું.

વિચિત્ર વાત એ હતી કે ત્યાં કોઈ જણનજીવંત જોવા મળતો નહોતો.

એકપણ જીવંત આત્મા નહીં...

તો પછી બસ અહીં શા માટે રોકાઈ?

કોઈ ઉતરવાનું હતુ? કે... કોઈ ચડવાનું હતુ?

અજાણ્યા ભયે એના શરીરમાં રોમાંચ દોડી ગયું.

અચાનક, બસના દરવાજા ધીમે ધીમે કરકરાટ સાથે ખૂલવા લાગ્યા...

જાણે કોઇ અદૃશ્ય બળ દબાણ કરી રહ્યુ હોય.

બસના અંદરના નિમિષ અંધકારથી હળવી અજવાળું કાંપતું દેખાયું.

પવનની એક હલકી ઠંડી લહેર અંદર પસાર થઈ ગઈ.

સાટસાટ પવન જાણે નીમંત્રણ આપી રહ્યો હોય… કે ચેતવણી?

જયેશે આંખો મીચી અને ઊંઘભર્યું માથું ઉચક્યું.

એણે આગળ જોયું...

અને એ જોઈને એના શ્વાસ અટકી ગયા...

અચાનક…

એક ઊંચો, સફેદ કપડાં પહેરેલો માણસ ધીમા પગલે બસમાં પ્રવેશ્યો.

આગળ બેઠેલા ડ્રાઈવર અને ક્લીનરે કોઈ પ્રતિક્રિયા ન દર્શાવી. જાણે કોઈ દેખાતું જ ન હોય!

જયેશે ગળાનો ગટકો ગળી, એની તરફ જોયું.

એના કપડાં ધીમે ધીમે હલતા હતા, પણ શરીર જાણે સ્થિર—એક અણમોલ શાંતીમાં બંધાયેલું.

"એના ચહેરા પર કંઈક અસ્પષ્ટ છે…"

જયેશે ધબકતા હૃદય સાથે નજર ઘુમાવી.

...અને ત્યારે જ એના શ્વાસ અટકી ગયા.

એના ચહેરા પર કોઈ આંખો જ નહોતી!

સફેદ, ફોલાદ જેવો ગોળાશ ચહેરો, ખાલી! માત્ર એક અસહ્ય શૂન્ય!

એ વ્યક્તિ ધીમે ધીમે આગળ આવ્યો.

ન પગલીઓના અવાજ. ન શ્વાસ. બસની ફ્લોર પર એના પગ ન હતાં—એ જાણે હવામાં તરતો આવતો હોય.

"હું આ શું જોઈ રહ્યો છું?"—જયેશે પોતાને પછાડી, શરીર પાછળ ખેંચવાની કોશિશ કરી.

પણ એ યાત્રિ એના બાજુમાં આવીને બેઠી ગયો.

સીટની ગાદી હલતી જોવા મળી. પરંતુ…

પગ?

સીટ નીચે ક્યાંય એના પગ નહોતા!

જયેશે ગભરાટ છુપાવવા હળવી હાસ્ય સાથે પૂછ્યું, "ક્યાં જાઓ છો?"

આ શબ્દો બોલતા જ એની જીભ કાંપતી હતી.

આજ સવાલ એના માટે એક પડકાર હતો.

એ વ્યક્તિએ ધીમે ધીમે માથું વાળ્યું.

થોડા ક્ષણો માટે સન્નાટો છવાઈ ગયો…

...પછી એક ઠંડો, વિરહમય અવાજ એના કાનમાં ગૂંજ્યો.

"જ્યાં તું જઈ રહ્યો છે..."

જયેશના હાથમાં અચાનક કંપારી શરૂ થઈ.

એણે બસની બારીમાંથી બહાર જોયું…

...પણ કંઈક બદલાઈ ગયું હતું.

રસ્તાઓ હવે સામાન્ય લાગતા ન હતા.

કોઈ લાઈટ નહોતી.

કોઈ સિમાચિહ્ન નહોતું.

કોઈ નિશાની કે બસ શહેરની બહાર જઈ રહી છે, એવું પણ નહોતું.

બસ જાણે કોઈ અજ્ઞાત શૂન્યમાં દોડી રહી હતી…

જયેશે ઝડપથી પોતાની આસપાસ જોયું. એ વ્યક્તિ હજી પણ તેની બાજુમાં બેઠી હતી.

...સાવ શાંતિથી....

...નરમાશથી હસતા…

એના ઠંડા હલનચલન વચ્ચે પણ કંઈક વિચિત્ર હતું.

"એટલે?"—જયેશે જોરથી શ્વાસ ખેંચતા કહ્યું, "તમે પણ જૂનાગઢ જઈ રહ્યા છો?"

...એ વ્યક્તિએ આંખ ઉઠાવી.

આંખ?

ના…

એનાથી ઠંડકભર્યો અંધકાર વરસતો હતો.

એણે ધીમા અવાજમાં કહ્યું, "શબ્દો ક્યારેક સત્યને છુપાવે છે...પરંતુ હંમેશાં નહીં."

જયેશના શરીર પર વાંસકોડા ચડી ગયા.

એને અચાનક ભાન થયું કે બસની હવાના તાપમાનમાં પણ ભયાનક બદલાવ આવ્યો હતો.

બસ અંદરથી વધુ ઠંડી લાગે... જાણે જમણાં તરફથી કોઈ બેસીને નિશ્ચલ નજરે જોયું કરે…

જયેશે બીજી બાજુ જોયું.

બસ હજુ કાળા હાઈવે પર જ ચાલી રહી હતી...

...પરંતુ હવે તે રસ્તો પણ અદ્રશ્ય થઈ રહ્યો હતો.

શૂન્યમાં ગાયબ થઈ રહ્યો હતો.

એના થાકેલા મને થોડી ક્ષણ માટે હળવી ઊંઘ ખેંચી લીધી.

પણ…

…હવે પણ એને એવું લાગતું રહ્યું કે એ અજાણ્યો યાત્રિ હળવું હસતો હતો.

અને… એ એકલો નહોતો...

પરંતુ અચાનક...

એક અસહ્ય ઠંડી વાગી.

જયેશે ઓચિંતો કંપારી અનુભવ્યો.

એ તુરંત જાગી ગયો, અને આંખો ખોલતાં જ ચોંકી ઉઠ્યો!

...અજાણ્યો મુસાફર ગાયબ થઈ ગયો હતો!

"શક્ય જ નથી...!"

જયેશે ગળામાં ઊઠતા બોજ સાથે ગાંઠ વાળી. એ ત્યાં જ હતો… એ હમણાં જ મારી બાજુમાં હતો... તો હવે...?!

સાંભળવા માટે શ્વાસ લંબાવ્યો, પણ બસમાં એક અણધારી શાંતી છવાઈ ગઈ હતી.

વિચિત્ર શાંતી.

...ભયાનક શાંતી.

એ તરત જ આગળ બેઠેલા ડ્રાઈવરને અવાજ કરવા લાગ્યો.

"ડ્રાઈવરભાઈ, એ માણસ ક્યાં ગયો?"

ડ્રાઈવરે રિયર મિરર માં જોયું.

એક ક્ષણ માટે...

...એ ચુપ રહ્યો.

...અને પછી એમ જ ચાલતો રહ્યો.

કોઈ જવાબ નહીં.

જયેશે હઠથી સીટમાંથી ઊઠીને વધુ ઉગ્ર અવાજમાં કહ્યું, "ડ્રાઈવરભાઈ! સાંભળો છો?!"

...પણ હજુ પણ કોઈ પ્રતિસાદ નહોતો.

આ વખતે ડર સ્પષ્ટ લાગવા લાગ્યો.

એ ઝડપથી ક્લીનર તરફ ગયો. "ભાઈ, સાંભળો…!?"

ક્લીનરે એક ક્ષણ માટે પલટીને જોયું…

…અને પછી ફરી બસની અવ્યક્ત શાંતીમાં સમાઈ ગયો.

જયેશના શ્વાસોમાં ગભરાટ ભળતો ગયો.

એના ચહેરા પર અવિશ્વાસ અને ભય સ્પષ્ટ દેખાતા હતા.

"પણ... મેં એને જોયો હતો! એ મારી બાજુમાં બેઠા હતા!"

એ ફરી જોરથી બોલ્યો.

...પણ બસમાં કોઈ જ હલચલ નહીં.

જયેશે હાથ લંબાવી, સીટ પર હાથ ફેરવીને ચેક કરી.

ગરમીથી ઓગળી રહેલી સીટ... ઠંડી પડી ગઈ હતી.

...જેમ કે ત્યાં કદી કોઈ બેઠું જ ન હોય.

...અથવા...

...કોઈ એવી અસ્તિત્વથી બહારની વસ્તુ બેઠી હોય... જે હવે અદૃશ્ય થઈ ગઈ હતી.

ક્લીનર ધીમેધીમે પાછળ વળ્યો.

એના ચહેરા પર ગંભીરતા છવાઈ ગઈ.

ઠંડી, રહસ્યમય અવાજમાં એ બોલ્યો...

"આજે તો એ જ અમાસની રાત છે ને?"

"કઈ રાત? શું કહે છે તું, મને સમજ નથી પડી."—ડ્રાઇવરે પછતાવાથી ભરેલા અવાજમાં પૂછ્યું.

"એ જ રાત્રિ... જ્યારે... આપણે પેલા યાત્રીને લૂંટી લીધા હતા...

...અને પછી આ જ હાઈવે પરથી ગૂંગળાતી નદીમાં ધકેલી દીધો હતો..."

અચાનક, ડ્રાઈવરે બ્રેક મારીને બસ રોકી.

એની આંખો ભય અને ગુસ્સાથી લાલ થઈ ગઈ.

"ચૂપ થઈ જા!" - એ ગર્જાયો.

"એ રાત્રિ વિશે વાત કરવાની તારે કોઈ જરૂર નથી!"

બસની અંદર એક અણધારી શાંતી છવાઈ ગઈ.

...સૌભાગ્યે કે બસ ચાલુ હતી.

...પણ...

...કોઈક, ક્યાંક, તેમની વાત સાંભળી રહ્યું હતું.

…અને બસની છેલ્લી સીટ પર, એક અજાણી છાયાએ હળવું હસવાનું શરૂ કર્યું…

જયેશે હૃદય ભરચક અનુભવ્યો.

એના શરીર પર ઠંડા પરસેવા આવી ગયા.

હવામાં એક અસહ્ય શૂન્યતા છવાઈ ગઈ.

...અને એજ ક્ષણે...

બસની અંદર ગુંજાતા અવાજો ધીમેધીમા ધૂંધળા થતા ગયા...

...જેમ કે હકીકત અને ભય વચ્ચેની સરહદ જ ગુમ થઈ ગઈ હોય.

એક અશરીરી અવાજ ગુંજ્યો—

એક ભયાનક, મૃત્યુના ભેદભર્યા ફૂસફસાટ જેવો...

"જ્યાં તું જઈ રહ્યો છે... ત્યાં હવે હું પણ છું..."

જયેશે ઝટકે થી દરવાજા તરફ જોયું.

દરવાજા પાસે... એક પલળતું પડછાયો ઊભું હતું...

...હલકો... પણ સ્પષ્ટ...

...અને એ ધીમે ધીમે બસની અંદર આવતું લાગ્યું.

બસની લાઈટ્સ ઝબૂકવા લાગી.

ડ્રાઈવરે ગભરાઈને સ્ટિયરિંગ પકડવાનો પ્રયાસ કર્યો,

પણ...

એના હાથ જાણે લોચવાં બની ગયા!

"બસ પર કંટ્રોલ નથી રહી રહ્યો!!" એ ગર્જાયો.

ક્લીનરે ભયભર્યા અવાજમાં ભાંગોળ માર્યું:

"આપણે હવે... બચી નહી શકયે"

ડ્રાઈવરે બ્રેક દબાવવાનો પ્રયત્ન કર્યો, પણ...

પહેલાં કરતાં બસ વધુ જોરથી આગળ ધસી!

બસમાંથી અજાણી ગંધ આવવા લાગી.

...એક સડેલી ભીની માટીની ગંધ.

...નદીની ગંધ.

...અને પછી...

સફર પૂરી થઈ.

બસ ભયાનક ગતિએ હાઈવે પરથી નદીમાં ખાબકી!

ઘર્ષણ... એક ચીસ... પછી એક ભયાનક શાંતિ.....


--------------------‐---------------------------------------------

બીજા દિવસની સવાર...

ટીવી ચેનલ પર બ્રેકિંગ ન્યૂઝ ચાલી રહી હતી...

"રાતે એક ભયાનક અકસ્માત...

એક બસ નદીમાં ખાબકી...

...ડ્રાઈવર અને ક્લીનરનું સ્થળ પર જ મૃત્યુ..."

...પણ સૌથી અજૂબી વાત?

...આ બસ એ જ હતી...

જેમાં એક મહિના પહેલા...

એમએસસી કંપનીના મેનેજર જય સુથારિયા...

ગાયબ થઈ ગયા હતા.

...અને આજે...

...કોઈએ...

...તેમને બસની છેલ્લી સીટ પર...

...સફેદ કપડામાં બેઠેલા જોયા હતા...