નિતુ : ૮૯(વિદ્યા)
વિદ્યા પોતાના હોસ્ટેલ પરત ફરી અને રોનીની કરેલી વાત પર મનોમંથન કરી રહી હતી. નિકુંજે એની કુશળતા પૂછવા કોલ કર્યો. રિંગ વાગી એટલે તેની તંદ્રા તૂટી અને સામે રહેલ ફોનમાં નિકુંજનું નામ વાંચી કોલ રિસીવ કર્યો. વાત ઘણી લાંબી ચાલી. નિકુંજે આડાઅવળી વાત કરી રોની અંગે પૂછવાનો પ્રયત્ન જરૂર કર્યો, પરંતુ વિદ્યાએ નિકુંજને તેના વિશે કશું ના કહ્યું. કહ્યું તો એટલું, "હું બિઝનેસ શરુ કરવા અંગે વિચારી રહી છું."
પોતાના સપના તરફ ચાલતી વિદ્યાના આ શબ્દો સાંભળી તેના ચેહરા પર સ્મિત રેલાયું. "અરે વાહ! આ તો સારી વાત છે."
"હમ."
"પણ પહેલા તું તારી સ્ટડી તો કમ્પ્લીટ કર."
"એ તો થઈ જશે. પણ હું અત્યારથી કોઈ પ્લાનિંગ નહિ કરું, તો પછી સમય લાગી જશેને!"
"યુ આર રાઈટ વિદ્યા. પણ ધ્યાન રાખજે. બિઝનેસ રિસ્કી છે... અને તું એકલી..."
તેને અટકાવતા વિદ્યા બોલી, "ડોન્ટ વરી નિકુંજ. બિઝનેસ સેટ કરવો હોય તો રિસ્ક તો લેવું જ પડશે."
"હા... એ તો છે જ."
"આમેય મારા ખાસ મિત્રો મારી સાથે નથી તો મારી એકલીએ જ બધું કરવું પડશે."
નિકુંજ થોભયો. જાણે કે આ રીતે તેને પરત ફરવા પર અફસોસ થતો હોય. પોતાની જાતને દોષિની જેમ પરખતો હોય. તે બોલ્યો, "સોરી વિદ્યા. અમે બંને આમ તને એકલી એ જ કોલેજમાં છોડીને જતા રહ્યા."
"ઈટ્સ ઓકે નિકુંજ. મજબૂરી છે, એમાં કોઈ શું કરે?"
"છતાં, તું એકલી છે. મારી કોઈ હેલ્પ જોઈતી હોય તો મને કહેજે."
"ઑફકોર્સ. તને તો હું સૌથી પહેલા જણાવીશ. તું અહીં આવ તો ખરો. મારે તને બીજું પણ કંઈક કહેવાનું છે." પલંગની પાળીને અઢેલી વિદ્યાએ બીજા હાથમાં એક નાનકડું બોક્સ પકડી રાખ્યું હતું. તે ઊંચું કરી નજર સામે લાવી જોઈ રહી હતી.
"શું કહેવાનું છે? બાકી બધું ઠીક છેને?"
"હા નિકુંજ... પહેલા હતું એવું અત્યારે છે. ઈનફેક્ટ એમ કે' કે પહેલા કરતા પણ સારું છે."
"ઓકે. જરૂર પડે તો મને કહેજે. હું તને હેલ્પ કરવા આવીશ."
"થેન્ક યુ નિકુંજ. દિશા તો આટલી દૂર ચાલી ગઈ છે. હવે મારા માટે તું જ વધ્યો છે તો મારે તો તને જ કહેવું પડશે."
"આપણુ આટલું મોટું ગ્રુપ હતુંને. એ પણ બધા અલગ અલગ થઈ ગયા?"
"ના... ગ્રુપ તો હજુ છે જ... પણ તારી અને દિશાની વાત અલગ છે. યુ નો, હું તને મારી લાઈફમાંથી ક્યારેય દૂર નહિ કરી શકું."
"આભાર તમારો, આટલું માન આપ્યું." નિકુંજે હળવી મજાકના સ્વભાવમાં કહ્યું. જો કે વિદ્યા એને પોતાની આટલો નજીકનો ગણાવે છે એ સાંભળી એને અલગ પ્રકારનો આનંદ પણ થતો હતો.
એની આ મજાકને પારખતા વિદ્યાએ હસીને જવાબ આપ્યો, "એમ?"
"હા..."
"ઠીક છે. ચાલ... એકઝામ નજીક છે અને મારે એના પછી બિઝનેસ કઈ રીતે શરુ કરીશ એના વિશે પણ વિચારવાનું છે."
"ઓકે... ટેક કેર વિદ્યા." ફોન રાખતા નિકુંજે કહ્યું અને વિદ્યાએ પણ "બાય" કહી ફોન રાખ્યો.
નિતુએ નિકુંજને પૂછ્યું, "તો... વિદ્યાએ આજે આટલું મોટું જે બિઝનેસ સેટઅપ કર્યું છે, એ રોનીની મદદથી કર્યું છે?"
"ના. વિદ્યાના આજનાં બિઝનેસમાં રોનીનો કોઈ હાથ નથી."
"મતલબ, તેણે બંનેએ બિઝનેસ શરુ કર્યો અને પછી અલગ થઈ ગયા?"
"ના નિતુ. તેણે વિદ્યા સાથે ક્યારેય કોઈ બિઝનેસ કર્યો જ નથી. તે તો માત્ર રમત રમી રહ્યો હતો. સાવ નાની એવી વાત હતી. વિદ્યાને ડેકોરેશનમાં હેરાન કરતો હતો અને એણે પ્રિન્સિપલને કમ્પ્લેઈન કરી. આવી વાત યાદ પણ કોને હોય? પણ એ મોટા બાપની બગડેલ ઔલાદ હતી. વિદ્યા સાથે બદલો લેવાની ભાવના એનામાં શમી નહોતી. કમ્પ્લેઈન કરી, એમાં એના અભિમાનને ઠેશ વાગી હતી. એ વિદ્યાને પોતાની વેલ્યુ બતાવવા માંગતો હતો."
"એણે તો વિદ્યાને પોતાની દોસ્ત બનાવી હતીને!"
"હા. કારણ કે એ વિદ્યાનો વિશ્વાસ જીતવા માંગતો હતો..." નિકુંજના મુખમાંથી શબ્દો સરી રહ્યા હતા અને બંધ મુઠ્ઠીએ જોર કરતા ગુસ્સો. "...એની નજીક જવા માંગતો હતો. બિઝનેસના નામે પ્રપંચ રચી રહ્યો હતો." વાત કરતા નિકુંજે દાંત ભીંસ્યાં. એના ચહેરા પર આજે પણ એ ભૂતકાળને યાદ કરતા ગુસ્સો આવી રહ્યો હતો. એ ખરાબ રોની માટે કે પછી પોતે એક સમયે જેના માટે દિલ હારી બેઠો, એ માસૂમ અને નિઃસહાય વિદ્યા માટે. જેની તે મદદ કરવા તે ત્યાં હાજર નહોતો.
તેણે આગળ ઉમેર્યું, "વિદ્યાને એકલી જોઈ રોની બિઝનેસના નામે એને પોતાની નજીક કરતો રહ્યો. થોડાં ઘણા પૈસા બગાડી એણે એ પુરવાર કર્યું કે સાચે જ વિદ્યા સાથે બિઝનેસ કરવા માંગે છે."
બિઝનેસ વિશે જાણવા અને નવા માર્ગ અપનાવવા એ વિદ્યા સાથે ચર્ચાઓ કરવા લાગ્યો. જો કે એકઝામ પતી ગયા બાદ જ તે બિઝનેસને સ્થાન આપશે એવો અડગ નિર્ણય પણ તે લઈ બેઠેલી. દરમિયાન તે વારંવાર વિદ્યાને મળતો અને ઘણીવાર તે બંને અભિષેક સાથે તેના રેસ્ટોરન્ટમાં પણ જતાં. મહદંશે તે વિદ્યાનો વિશ્વાસ જીતી ચુક્યો હતો. એકઝામના છેલ્લા દિવસે જ તે એકજામ સેન્ટરમાંથી બહાર આવી કે રોની તેની રાહે ગેટ પર બેઠેલો.
"રોની તું...!" તેને આ રીતે એકઝામ સેન્ટરની બહાર જોઈ વિદ્યાને આશ્વર્ય થઈ રહ્યું હતું.
"હા, હવે હું બિઝનેસ માટે તલપાપડ થઈ રહ્યો છું અને માંડ કરીને તારી કોલેજ પતી છે."
"પણ તું અહીં શું કરે છે?"
"મને થયું આપણે બહાર જઈએ, સો... "
વિદ્યાને તેની વાત થોડી અજુગતી લાગી. "રોની..."
"જો વિદ્યા, આજે ના નહિ કહેતી પ્લીઝ."
"એવી વાત નથી. પણ... નિકુંજ અત્યારે એકઝામ આપવા માટે અહીં આવ્યો છે અને અમે બંને સાથે ડિનર માટે જવાના છીએ. મેં એને કહી દીધું છે કે એ મારી હોસ્ટેલ પાસે આવી મને પીક કરે."
"એની સાથે કાલે જજે."
"એની રાત્રે ટ્રેન છે. એ નીકળી જવાનો છે. ઈટ્સ ઓલરેડી સિક્સ." કાંડામાં પહેરેલી ઘડિયાળ બતાવતા તેણે કહ્યું.
"કમોન વિદ્યા તું... અભી, તું નિકુંજને બોલાવી લેજે. આપણે બધા સાથે ડિનર લઈશું. ઓકે, હવે તો આવીશને?"
નિઃસાસો નાંખતા તેણે કહ્યું, "તું માનવાનો તો નથી જ."
"ના."
"ચાલ."
"અભી, નિકુંજને બોલાવી લેજે." કહેતા રોનીએ અભિષેકને કંઈક ઈશારો કર્યો. તે હકારમાં માથું હલાવતો પોતાની કારમાં આગળ ડ્રાઈવિંગ સીટ પર બેસી ગયો.
ત્રણેય અભિષેકના રેસ્ટોરન્ટ પર પહોંચ્યા. અભિષેક અંદર જતો રહ્યો અને રોની તથા વિદ્યા એક ટેબલ પર બેઠા હતા. વિદ્યા નિકુંજની રાહે હતી. અડધા કલાક જેટલો સમય પસાર થઈ ગયો.
"આ નિકુંજ હજુ આવ્યો કેમ નહિ હોય?" ચિંતા વ્યક્ત કરતા વિદ્યા બબડી.
"અરે આવી જશે. ક્યાંક અટવાય ગયો હશે."
"હું એને ફોન કરું છું." કહેતા વિદ્યાએ પોતાનો ફોન હાથમાં લીધો.
તેને રોકતા રોનીએ કહ્યું, "અભીએ ફોન તો કરેલોને. તું શું કામ તકલીફ લે છે. ત્યાં સુધીમાં તું જ્યુસ પી." બોલતા બોલતા રોનીએ હોંશિયારીથી એના હાથમાંથી ફોન લઈ લીધો. તેણે સામે કાઉન્ટર તરફ જોયું અને માથું હલાવી હા ભણી એટલે અભિષેક જાણે સમજી ગયો હોય એમ અંદર જતો રહ્યો.
આ બાજુ વિદ્યાની હોસ્ટેલ પાસે પહોંચી નિકુંજ તેની રાહ જોતો હતો. તેણે ફોન કર્યો પણ માત્ર "બીપ બીપ" નો અવાજ આવ્યો. તેણે કાનેથી ફોન પાછો લીધો. એક નજર એના હોસ્ટેલ તરફ ફેરવી અને ફરી ફોન લગાવ્યો. એ જ સ્થિતિ. રોનીએ વિદ્યાનો ફોન સ્વીટ્ચ ઓફ કરી દીધેલો. અભિષેકે એક વેઈટરને હાથ જ્યુસનો ગ્લાસ મોકલાવ્યો અને વિદ્યા સામે રાખતા રોનીએ કહ્યું, "લે આ પીય લે."
"મને જ્યુસ પીવાનું મૂડ નથી. મારો ફોન આપ, મારે નિકુંજ સાથે વાત કરવી છે."
"મેં અભિષેકને કહી દીધું છે અને એ નિકુંજ સાથે વાત કરી લેશે. તું પ્લીઝ, નિકુંજ આવે ત્યાં સુધી જ્યુસ પી. એણે કહ્યું કે એ ટ્રાફિકમાં છે. થોડી વાર લાગશે. તને તો ખબર જ છેને, સાંજે સાત વાગે એટલે સુરતનું ટ્રાફિક કેટલું વધી જાય છે!"
નિકુંજનાં ન પહોંચવાથી એ બેચેન થઈ રહી હતી. એક નજર એણે પોતાના પર્સ તરફ નાંખી. પર્સ હાથમાં લીધું અને ચેઈન ખોલી, અંદર એ જ નાનકડું બોક્સ હતું. આંખોમાં સુકાઈ અને મનમાં તડપ વધી. એણે ચેઈન બંધ કરી અને પર્સ પાછું રાખી દીધું. રોની આ બધું જોઈ રહ્યો હતો. પર્સ પાછું રાખતા એ થોડી ઉદાસ થઈ ગઈ. રોનીએ ગ્લાસ આગળ હડછેલ્યો.
વિદ્યાએ જ્યૂસના ગ્લાસ તરફ નજર કરી અને કશું જ વિચાર્યા વિના આખો ગ્લાસ એક સાથે ઘટઘટાવી ગઈ.
"રોની મને કંઈક ખોટું થવાનો આભાસ થાય છે. મારે નિકુંજનું અગત્યનું કામ છે. એ ક્યારે આવે છે?" તેની બેચેની વધી રહી હતી. એક એક સેકેંડ મુશ્કેલ સાબિત થતી હતી.
"કમ ડાઉન વિદ્યા એ આવી જશે."
"મને ગભરામણ થાય છે. ખબર નહિ... આચાનક માથું દુખવા લાગ્યું છે." માથામાં ટાપસીઓ મારતા તે બોલી. રોનીએ અભિષેક સામે જોયું અને તેણે એક વેઈટર, જે તેનો ખાસ હતો. તેને બોલાવી કાનમાં ગણગણવાનું શરુ કર્યું.
વિદ્યાએ સામે જોયું તો દ્રશ્ય ધૂંધળું પડતું જઈ રહ્યું હતું અને માથુંમાં કોઈ ચારેય બાજુથી દબાવી રહ્યું હોય એવું અસહ્ય દબાણ અનુભવાય રહ્યું હતું. સામેની ખુરશી પર બેઠેલા રોનીનો એણે હાથ પકડ્યો અને બોલી, "મને કંઈક થઈ રહ્યું છે."
એટલામાં પેલો વેઈટર ત્યાં આવી પહોંચ્યો અને અભિષેક બહાર નીકળી ગયો. વિદ્યાએ રોનીનો હાથ વધારે મજબૂતાઈથી પકડ્યો. પરંતુ ધીમા રવે એના મુખમાં એક જ આલાપ હતો, "નિક... નિકુંજ. નિકુંજ..." અને તે ટેબલ પર ઢળી પડી.