મેરે હસબન્ડ કી બીવી
- રાકેશ ઠક્કર
ફિલ્મ ‘મેરે હસબન્ડ કી બીવી’ માટે એક પર એક ટિકિટ ફ્રી હોવા છતાં ઘણા થિયેટરોમાં માત્ર એક દર્શક હોય એવા વિડીયો વાઇરલ થયા છે એનું કારણ એની સામાન્ય સ્ટારકાસ્ટ પણ છે. જે અભિનેતા (અર્જુન કપૂર) આજ સુધી કોઈ ભૂમિકામાં ફિટ રહ્યો નથી. એના માટે હંમેશા ખોટી ભૂમિકામાં ખોટા અભિનેતાને લઈ લીધો હોય એવું લાગ્યું છે. સાથે એક એવી હીરોઈન (રકુલપ્રીત સિંહ) જેના નામ પર ફ્લોપ ફિલ્મોનો રેકોર્ડ છે. અને બીજી હીરોઈન (ભૂમિ પેડનેકર) જેની કારકિર્દી ઊંધી દિશામાં જઈ રહી છે. જે એને પસંદ કરતા હતા એ પણ ભૂલી રહ્યા છે. હવે વાત નિર્દેશક (મુદસ્સર અઝીઝ) ની કરીએ. તે પારિવારિક ફિલ્મો બનાવે છે પણ પરિવાર તો ઠીક એકલી વ્યક્તિ પણ એને જોવા માગતી નથી. હવે આ ચાર હસ્તી એક જ ફિલ્મ ‘મેરે હસબન્ડ કી બીવી’ માં આવે તો શું સ્થિતિ થાય એ સમજી શકાય એમ છે.
વાત છે અંકુર (અર્જુન) ની જેના પત્ની પ્રભલીન (ભૂમિ) થી તલાક થઈ ગયા છે. છતાં એના પર પ્રભલીનનો હેંગઓવર હોય છે. એના દ્વારા ત્રાસ અપાતો હોવાના સપના આવે છે. એ કારણે તે ફરી પ્રેમમાં પડવાનું કે લગ્ન કરવાનું વિચારતો નથી. એનો મિત્ર રેહાન (હર્ષ) બીજી છોકરીને પ્રેમ કરવા પ્રોત્સાહન આપતો રહે છે. પણ અંકુર પત્નીના ખરાબ સપનાને કારણે હિંમત કરી શકતો નથી. આખરે અંકુરની મુલાકાત કોલેજની અંતરા (રકુલ) સાથે થાય છે અને તેના દિલની ઘંટડી વાગે છે. રેહાન એને આગળ વધવા ઉકસાવે છે. અંકુર અંતરાને વાત કરે છે ત્યારે જ એના જીવનમાં ફરી પત્ની પ્રભલીન વાવાઝોડાની જેમ આવે છે. એ એક બીમારીને કારણે પાંચ વર્ષ સુધીની યાદશક્તિ ગુમાવી બેઠી હોય છે. એને અંકુર સાથેના સારા દિવસો જ યાદ હોય છે. પછી ત્રણેય વચ્ચે ધમાચકડી શરૂ થાય છે.
ફિલ્મની વાર્તા કાગળ પર મનોરંજક લાગે છે પણ પડદા પર ઉતારવામાં નિર્દેશક બહુ સફળ થયા નથી. કદાચ આ પહેલી એવી ફિલ્મ છે જેનું ટ્રેલર ફિલ્મ કરતાં સારું હતું. સમીક્ષકોએ બહુ સ્પષ્ટ કહી દીધું છે કે આ ફિલ્મ થિયેટર માટે બની જ નથી. જો એને OTT પર રજૂ કરી હોત તો થોડા લોકોએ જોઈ હોત. વળી એમાંથી કેટલાકને પસંદ પણ આવી હોત. મુદસ્સર અઝીઝ અગાઉ ‘દે દે પ્યાર દે’ જેવી ફિલ્મ આપી ચૂક્યા છે જેમાં થોડો મસાલો અને મનોરંજન તો હતા. આ ફિલ્મ એનાથી જાય એવી છે. અર્જુનની છેલ્લી ફિલ્મ ‘લેડી કિલર’ લાખોમાં જ કમાણી કરી શકી હોવાથી ઘણાએ એને હીરો માનવનું જ બંધ કરી દીધું છે. બોલિવૂડમાં આ પ્રકારની ફિલ્મો બનતી નથી એવું નથી. ગોવિંદા જેવા અભિનેતાઓની કારકિર્દી આવી જ ‘બીવી નંબર વન’ જેવી ફિલ્મોથી મજબૂત બની હતી!
ફિલ્મની સૌથી મોટી નબળાઈ એનું નામ છે. અને સમસ્યા એ છે કે ખાસ કોમેડી નથી માત્ર ફેમિલી ડ્રામા છે. વિષય નવો અને રોમાંચક હતો પણ વાર્તામાં એટલા બધા લોચા છે કે તર્ક પર ખરી ઉતરતી નથી. પહેલો ભાગ સહન થઈ શકે એમ છે પણ બીજા ભાગમાં રકુલ અને ભૂમિની લડાઈ શા માટે જોવી જોઈએ એવો પ્રશ્ન થશે. કોમેડી સાથે ઇમોશન અને ડ્રામાને કારણે વાર્તા પોતાની પકડ ગુમાવી દે છે.
ફિલ્મમાં મુખ્ય કલાકારો કરતાં એક કોમેડિયન (હર્ષ ગુજરાલ) સારું કામ કરી ગયો છે. તેના વન લાઇનર થોડું મનોરંજન આપે છે. હર્ષ માટે અર્જુન કરતાં ભવિષ્ય ઉજળું છે. અર્જુન કપૂરે કોમેડી અને ઇમોશનના દ્રશ્યોમાં પણ સપાટ ચહેરો રાખ્યો છે. એણે અગાઉની ફિલ્મો જેવું જ ઠીક કામ કર્યું છે. ભૂમિની ભૂમિકાને નકારાત્મક બતાવી હોવા છતાં નિભાવી ગઈ છે. આમ તો શક્તિ કપૂર, ડિનો મોરિયા, અનિતા રાજ વગેરે જાણીતા કલાકારોને કારણે કેટલાક દ્રશ્યો જોવાલાયક જરૂર બન્યા છે.
ફિલ્મનું બેકગ્રાઉન્ડ સંગીત સારું છે પણ ગીતો મજેદાર બની શક્યા નથી. આમ તો ફિલ્મ અઢી કલાકની છે પણ ક્લાઇમેક્સ વખતે ઉતાવળ કરી છે. ફિલ્મના એડિટિંગમાં કેટલાક એવા દ્રશ્યો કપાઈ ગયા છે જે કારણે અમુક દ્રશ્યો અર્થ વગરના લાગે છે. એક્શન ફિલ્મોના દોર વચ્ચે દમદાર વાર્તા અને કોમેડીની અપેક્ષા રાખીને ‘મેરે હસબન્ડ કી બીવી’ જોવાથી મનોરંજન નહીં નિરાશા જ મળી શકે એમ છે.