lડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.
"તમારે લોકો ને એ ખજાનો ન જોતો હોય તો કઈ નહિ, મારે એ ખજાનો જોઈએ છે, સમજ્યા? મારો એક દીકરો જ મર્યો છે. પણ પેલાના 2 અને આ પેટમાં છે એ સંતાન ને ઉછેરવા છે મારે સાહેબીમાં, અને આમેય 60-65 વર્ષ પહેલા લૂંટાયેલા ખજાનો હવે શ્રીનાથજીને શું કામ છે. ભલેને તમારા કોઈના સંતાનોને એ ધન ન જોઈતું હોય, મારા સંતાનો એના પર એશ કરશે."
માંડ એ શાપિત ખજાનાની લાલચને છોડનાર જનાર્દન રાવ નાજ વંશમાં એ જ ખજાનો પામી લેવાની લાલસા હજુ મરી પરવારી ન હતી. પણ જનાર્દન રાવ નો આત્મા બાપની સદગતિ માટે જાણે જાગી રહ્યો હતો. એણે બેઠા બેઠા જ પોતાના દીકરા, લક્ષ્મીના વરને બુમ મારી. "રધુડા, એ રઘલા, આયા આવ, આ જો તારી લખુડીને સમજાવ કંઈક અને જો એની સમજમાં ન આવતું હોય તો ગળું દબાવી દે એ વાંદરીનું."
બુમ સાંભળીને રઘુ ઉર્ફે લક્ષ્મી પતિ રઘૂવિર પોતાના ઓરડામાંથી ભાગીને આવ્યો જોયું તો ઘરના બધા વડીલો દીવાનખાનામાં બેઠા છે. અને એની પત્ની બહાર ઉભી છે. "શું થયું. કહેતા એ અંદર ધસ્યો.
"આ અમે બધા ભાયુ કંઈક અગત્યની વાત કરીયે છીએ. તારા દાદા બાપુની સદગતિના પ્રયાસ કરીએ છીએ ને આ વંતરીને પોતાના વસ્તારની પડી છે. ઘરનો વેવાર કેમ કરવો કે કોને શું આપવું એની શિખામણ દેવા હાલી મળી છે. દબાવી દે એનો હૈડીયો એટલે વાત પૂરી થાય."
"ખબરદાર જો મારી પાસે ય ચડ્યો છે તો રઘલા, આ બાપૂસાનું તો ચ્હકી ગયું છે અને મોટા બાપુસા, તમે તો જીવતર ભોગવી લીધું છ. તમારા વસ્તારને તમારે ભીખ મગાવવી છે?" લખુડી હવે બગડી હતી. એના રણકતા અવાજે ઘરના બધાનું ધ્યાન દોર્યું હતું અને ધીરે ધીરે ઘરના સભ્યો ઉપરાંત નોકર ચાકર ભેગા થવા લાગ્યા હતા. ભેગા થયેલા લોકોને અને એમાં એના બાપે એના ભેગા મોકલેલ 2 વડારણને જોઈને એને વધુ જોરથી બુમ પાડી.
"બાપુ સા, મોટા બાપુ, કાકા સા, હજી કહું છું મારી વાત માનો, ઘરની વાત ઘરમાં રહેવા દો. મને આ ઘર અને પરિવાર પસંદ છે એટલે કહું છું. મારા સાસુ માં, મોટા સાસુ, બધાની દિલથી સેવા કરું છું. દિયર, જેઠ, નણદ, નણદોઈ બધા પ્રત્યે મને માન છે. અને હંધાય દેરાણી જેઠાણી સહિતના હંધાય મારી ઉપર વ્હાલ રાખે છે. રઘલો ય મને બઉ પસંદ છે. આ બધા નોકર- ચાકર જમા થાય છે. ઘરની વાત બહાર જતા વાર નહિ લાગે. આ રઘલાને હું સમજાવી દઈશ એ અર્ધું જાણે છે બીજા કોઈને કંઈ ખબર નથી. નાહકના મારે મારા પિયરિયાંવ ને બોલાવવા પડશે." સાવ જ ધીમો અવાજ કરતા લખુડી ઉર્ફે લક્ષ્મી આટલું બોલતા માંતો હાંફી ગઈ. પણ એની વાત સાંભળીને ચારેય ભાઈ ઉપરાંત રઘુવીરને ય પરસેવો છૂટવા માંડ્યો. હવે લખુંને કઈ ન કરાય, કેમકે 2 દીમા તો એના પિયરિયાં નવા આવનારા સંતાનની ખુશી માટે આવવાના છે. એવું આજે વરસીમાં આવ્યા ત્યારે જ કહીને ગયા હતા. ઘરના મહિલા મંડળે એ ઓરડા પાસે પહોંચી અને પૂછ્યું "શું થયું કેમ આટલો કોલાહલ છે?" અને બધાને જાણે સાપ સૂંઘી ગયો હોય એમ નિશબ્દ થઈ ગયા. બે એક મિનિટ પછી મહિપાલ રાવે કહ્યું "કઈ નહિ આ લખી અમને ચા-પાણીનું પૂછવા આવીને અચાનક ફળિયામાં કૈક જીવજંતુ જોઈ લીધું. એમાં ગભરાઈને રાડું નાખવા મંડી. કઈ નથી સુઈ જાવ બધા. લખી બેટા આરામ કરો. એ રઘા જા, લખીને તારા ઓયડે લઈજા."
xxx
બસ પછી તો ખજાનો પાછો સોંપવાની વાત ભુલાતી ચાલી. આ વાતને લગભગ 7-8 વર્ષ વીતી ગયા. એમાંય લખીને દીકરો જન્મ્યો એનું નામ પાડવામાં આવ્યું જનાર્દન. જાણે એના મરેલા દીકરા જનાર્દનનો જ પુનર્જન્મ થયો હોય એમ એ છોકરો પણ અવળચંડો છતાં બધાનો લાડકો હતો. લખી હવે દીકરામાં વ્યસ્ત રહેતી પણ આટલા વર્ષોમાં એ પછી લક્ષ્મી ઉર્ફે લખુડીને વતાવવાની ઘરના વડીલોની હિંમત થઇ નહિ. ઉલ્ટાના એના માન પાન ઘરમાં વધી ગયા. એની સાસુ, મોટી સાસુ, કાકી સાસુ. સહુ એને હથેળીમાં રાખતા, કેમકે જે દિવસે લખીએ ઉત્પાત મચાવ્યો એ દિવસથી વડીલો એની દરેક વાત માનતા થયા હતા. એટલે ઘરના પુરુષો પાસે કઈ પણ વાત મનાવવી હોય તો એ લોકો લખુનેજ આગળ કરતા. એનાથી નાની બધી વહુવારું એનો હુકમ માનવા તત્પર રહેતી. લખું એ પણ એ દિવસ પછી કદી પોતાના પિયરિયાંવની ધમકી આપી ન હતી. એ પહેલાની જેમ સહુનું માન જાળવતી. ઘરની અંદર મહિલાઓ ના પ્રતિનિધિ તરીકે એ ઘરના પુરુષ વડીલો પાસે મહિલા વર્ગની જરૂરિયાત જણાવતી અને એ વસ્તુ મળી જતી. બધા બહારથી ખુશ દેખાતા હતા. પણ માનસિક રીતે એ કુટુંબમાં 2 તડા પડી ગયા હતા. એક બાજુ જનાર્દનનો પરિવાર તો બીજી બાજુ મહિપાલ રાવની આગેવાનીમાં બીજા ત્રણ ભાઈઓનો પરિવાર. એક જમાનામાં મોટો ગણાતો પરિવાર હવે પ્રમાણમાં નાનો થઈ ગયો હતો.
xxx
બીજા ચારેક વર્ષ વીત્યા. આમ પરિવારમાંથી મહિપાલ રાવ, એના મોટા દીકરા એ બે ઉપરાંત 3જા નંબરના ભાઈનું મૃત્યુ થયું, કેટલાક છોકરાઓ ઇન્દોર શિફ્ટ થઇ ગયા. ઘરની દીકરીઓને અલગ અલગ જગ્યાએ પરણાવવામાં આવી. અને હા 2 રસોડા (જનાર્દનના કુટુંબ અને અન્ય લોકો) થઇ ગયાને ય 2 વર્ષ થઇ ગયા હતા. અંગ્રેજો વાહન વ્યવહાર માટે રસ્તાઓ બનાવવામાં પડ્યા હતા. હવે અંગ્રેજોનું એકચક્રી શાસન હતું. ઈંદોરના એ વખતના શાસક અંગ્રેજ અમલદારની દોરવણીથી જ રાજ્ય ચલાવતા હતા. એવે વખતે આવેલ એક ખબરથી આ મહાવીર રાવના વંશજોના બે કુટુંબ ઊંડી ચિંતામાં પડી ગયા હતા. વાત હતી કે નયા સુદામડાની સામે પાર આવેલ ચાકલીયા ગામની પાછળ આવેલ જંગલોને સાફ કરીને ત્યાં રાજમાર્ગ બનાવવાની, આમ તો એ જમીન મહિપાલ રાવના ભાગમાં આવતી હતી. પણ હજી ચારેય ભાઈઓનો વહીવટ સાથે જ હતો પણ જો જંગલોને સાફ કરીને રાજમાર્ગ બનાવવો હોય તો એ જંગલની વચ્ચોવચ આવેલી ઓલી જૂની સરાઈ પણ તોડવી પડે એ જ સરાઈ કે જેના 4 નંબરના ઓરડાના તળિયે ખજાનો દટાયેલો હતો. કે જેના વિશે હવે માત્ર જનાર્દન, લખું, લખુનો વર રઘલો અને જનાર્દન રાવનો બચેલો એક માત્ર ભાઈ અનુપ. ઇન્દોર રાજના જમીન માપન અધિકારીઓની અવરજવર વધી હતી. જનાર્દન રાવનો અન્ય ભાઈઓ સાથે સંબંધ હવે માત્ર બહારના લોકોને દેખાડવા પૂરતો જ રહ્યો હતો. બધા એક હવેલીમાં રહેતા પણ એના કુટુંબ ને અન્ય લોકો સાથે બોલવાનો વહેવાર ન હતો. ગામ લોકો સામે બધા એક રહેતા કોઈની દીકરી સાસરેથી આવે તો બધા સાથે આવકારતા પણ ધંધા રહેણીકરણી બધું નોખું હતું. છેવટે લાલચી જનાર્દન પોતાના બચેલા એક માત્ર ભાઈ અનુપને એક દિવસ સામેથી મળવા એના ઓરડામાં પહોંચ્યો.
xxx
"અનુપ, તું તો જાણે જ છે કે આ જમીન માપન અધિકારીઓની અવરજવર વધી છે. હજી નયા સુદામડામાં માપણી ચાલે છે. પછી નદીના કિનારે કિનારે આગળ પાછળ 2-3 કોર્સમાં જ્યાં નદીનું વહેણ ઓછું હશે ત્યાં એ અધિકારી પુલ બાંધીને રસ્તો બનાવવાના છે. એ બની જશે પછી આપણું ગામ ગાયકવાડી ગામની સાવ નજીક થઈ જશે પણ,ચકલીયાની પાછળના જંગલમાં જે ખજાનો છે એ ઇન્દોર ગાદીના હાથમાં આવશે. અને બાપુનો જીવ સદગતે નહિ જાય. બિચારા મોટા ભાઈ. એમના જીવતે જીવ એ કાર્ય ન કરી શક્ય હવે આપણે 2 જ બચ્યા છીએ. આપણે જ આ કામ કરવું પડશે.”
"તારી વાત સાચી છે નાનક, પણ આ બધા પટવારી અને પોટનીશોની આવન જાવન...ખેર ભલે આપણે બોલવાના વહેવાર ઓછો છે પણ બાપુ ની ઈચ્છા તને યાદ છે એથી આનંદ થયો."
"ભાઈ મને તો એ દિવસે જ વાત ગળે ઉતરી ગઈ હતી. પણ ઓલી વાંદરી, લખુડી એ તે દિવસે ડાટ વાળ્યો. પણ મને લાગે છે કે ઈ હવે એના દીકરા વહુઓમાં અટવાણી છે. અને આ વસંત પંચમી 2 દિવસમાં છે. પછી હોળાષ્ટક માથે બેસે છે. એટલે હવે લગભગ 2 મહિના કોઈ અધિકારી આ બાજુ નહિ ડોકાય, આપણે આ 2 મહિનામાં આ કામ કરી લઈએ. શું કહો છો?"
"હા ઈ તારો વિચારતો બરાબર લાગે છે, પણ વિશ્વાસુ માણસો 8-10 સાથે લઇ જવા પડશે." પોતાના બાપુ અને મોટા ભાઈના આત્માની શાન્તિ માટે અનૂપે કહ્યું.
"તો હવે આ પાકી વાત, તમે ભાભીને અને ઘરના બધાને કહી રાખજો કે વસંત પંચમીની પૂજા પછી આપણે 3-4 દિવસ જંગલમાં શિકાર કરવા જવાના છીએ."
"અને હા નાના, તું રઘલાને ભેગો લે જે. એકાદ ઘરનો છોકરો ભેગો હોય તો સારું પડે. મારા ત્રણેમાંથી કોઈ અહીં નથી એટલે..."
"ચિંતા ન કર અનુપ, આ વખતે આપણે ખજાનો કાઢીને જ રહીશું. કહી જનાર્દન રાવ પોતાના ઘરે જવા ઉઠ્યો ત્યારે, એના ચહેરા પર પિશાચી સ્મિત હતું.
xxx
"જીતુભા, આ કોઈ બહુ જ મોટું ચક્કર છે. અને એમાં માત્ર ભારત અને પાકિસ્તાનના જ નહીં અન્ય દેશોના કેટલાક પ્રોફેશનલ ક્રિમિનલ પણ સંકળાયેલા છે. મને શેઠજી એ સાઉથ આફ્રિકામાં કોઈ અન્ય કેસ માટે તપાસ કરવાનું કહ્યું હતું. એના રિપોર્ટ મને હમણાં મળ્યા. તો ખબર પડી કે ત્યાંના કેટલાક ગેરકાયદેસર ધંધા કરનારા વેપારીઓ અને કેટલાક સ્મગ્લર હમણાં અહીં ઇન્ડિયામાં છે. અને કંઈક બહુ મોટું ચક્કર ચાલી રહ્યું છે. "
"મોહન લાલજી, તો તમને શું લાગે છે. મામાનું કિડનેપ કરનાર, ઓલી પાકિસ્તાની જાસુસો અને મને પરાણે કામ સોંપવાની કોશિશ કરનાર ઉદયપુરના મોટા માથા. આ ઉપરાંત વિક્રમ. શું વિક્રમે આ બધું ઉભું કર્યું છે?"
"હજી કઈ ક્લિયર નથી થતું. પણ મને લાગે છે કે બધા ગ્રુપ અલગ અલગ પોતા પોતાની લડાઈ લડી રહ્યા છે. અને હવે ધીરે ધીરે એ લોકોના હિતો આપસમાં ક્યાંક ને ક્યાંક, ટકરાવના શરૂ થઇ રહ્યા છે, કેમ કે છેવટે તો બધાને કોઈ એક જ વસ્તુ ની તલાશ છે. એ શું વસ્તુ છે એ જો આપણને પહેલા ખબર પડી જાય તો આપણે આ બધાને માટે દઈ શકશું."
લગભાગ 2 કલાકની અત્યંત માથું દુખાડી દે તેવી ચર્ચા પછી અનોપચંદ અને મોહન લાલે આ તારણ કાઢ્યું હતુંકે, એ બધાને જોડનારી કોઈક એક જ એવી વસ્તુ છે જેની પાછળ આ બધા પડ્યા છે. પણ એ વખતે એમને ખબર ન હતીકે, વિક્રમને પરણવા માટે આતુર એવી પૂજા અને પૂજાને પામવા મથતો રાજીવ, અને પૂજાની તથા પોતાના ભાઈની કંપનીમાં સર્વેસર્વ બનવા થનગનતો રાજીવનો બાપ, પણ ક્યાંક ને ક્યાંક કોઈક અંશે એ વસ્તુ થથે જોડાયેલા હતા. જે વસ્તુની પાકિસ્તાન જાસૂસ, સાઉથ આફ્રિકાના સ્મગ્લર, ઉદયપુરના મોટા માથા, ભારત ના સ્થાનિક ગુંડાઓને તલાશ હતી. અનેએ વસ્તુ એટલે ઈસ્વીસન 1802માં શ્રીનાથદ્વારા મંદિરમાંથી લૂંટાયેલો ખજાનો.
ક્રમશ:
આ વાર્તા તમને કેવી લાગી એ ના પ્રતિભાવની પ્રતીક્ષા છે. તો વોટ્સએપ નંબર 9619992572 પર તમારા પ્રતિભાવ -સૂચનો અવશ્ય મોકલજો.