શુભેચ્છા ઉછીનો વ્યવહાર છે.
ઘરમાં રાબેતા મુજબ બધું ઝળહળતું તો હોય જ, પણ દિવાળી કે ઉઘડતા વર્ષની ખુમારી આવે એટલે રંગીન તોરણીયા-લટકવા માંડે. બે ઘડી એવું જ લાગે કે, રાવણના ઢોલિયે જેમ ગ્રહો લટકેલા રહેતા, એમ તહેવારની ખુશાલીઓને કરંટ આપીને લટકાવી હોય..! આધિ-વ્યાધી અને ઉપાધિઓ જાણે થાંભલે ચઢીને ઝબુક..ઝબુક થતી હોય..! દેવાભાઈ દેવાદાર હોય તો પણ દિવાળીમાં ‘નંદ ઘર આનંદ ભયો’ ના માહોલમાં મ્હાલતા હોય..! ઘર ઘર ઉર્જા વધારવાના કારખાના ચાલતાં હોય એમ, તમાચો મારીને પણ સૌના ગાલ લાલ દેખાય. ફટાકડા તો ઠીક, સુરસુરિયામાં પણ રાજીપો લઇ લે..! એમાં મફતના ભાવે મળતી નવા વર્ષની શુભેચ્છાઓ ચોથે ચોક પૂરવા આવે. ઉર્જાને હોલવાવા નહિ દે. એટલી ઢગલાબંધ શુભેચ્છાઓની લૂમ ફૂટે કે, તેને વાંચવામાં ને Delete કરવામાં જ મોટાભાગના શ્વાસ ખર્ચાય જાય. પછી તો જેવી જેવી લોકો સાથેની ઉઠક-બેઠક..! શેર બજારની માફક વધઘટ થયા કરે..! દિવાળીમાં ભલે માળીયા સાફ કર્યા હોય, ને ગામમાં કોઈ ઉધાર આપતુ ના હોય, પણ આ વર્ષે ૩૧૧૭ જેટલી શુભેચ્છા મને મળી..! મને પહેલીવાર લાગ્યું કે, “સાલો હું પણ એક “સેલીબ્રીટી’ છું.” જો કે, શુભેચ્છાઓનું સરવૈયું કાઢ્યું તો, ઓળખીતા કરતાં ભૂતિયા શુભેચ્છકો વધારે નીકળ્યા..! એમાંથી ભાગ્યે જ કોઈને ત્યાં મેં ચા-પાણી કર્યા હોય..! અમુક સુભેચ્છા તો આત્મ વિલોપન કરવા જ આવી હોય..! મફતનો માલ હોય ને ના સ્વીકારીએ તો કોઈ વૈશાખનંદન કહે, એના કરતાં ઢેકાર ખાયને સ્વીકારી લેવી શું ખોટી..? આમ પણ વલસાડી અને અમદાવાદી વચ્ચેમાત્ર કિલોમીટર જ ઝાઝા, બાકી મુદ્દલે ચોક્કસ..! મફતમાં મરી મળતા હોય તો મરીનો શીરો ખાવામાં પણ સંકોચ રાખવો નહિ..! અમુક શુભેચ્છા તો એવી લીલીછમ્મ ચટાકેદાર ચટણી જેવી હોય કે, વાંચીને ઝળહળિયા આવી જાય..! શંકા જાય કે, આ રાવણ વિભીષણ ક્યાંથી બની ગયો? એવી શુભેચ્છા આપે કે, “નુતન વર્ષમાં આપનો ભંડાર ભર્યો-ભાદર્યો રહે..! એની જાતને, ત્યારે તો એવું ચચરી આવે કે, ‘જાલીમ, ઉછીના આપેલા પૈસા જ તું પાછા આપને, બધું આપોઆપ ભર્યું ભાદર્યું થઇ જશે..! હિતક્ષત્રુઓએ પણ ભારદ્વાજ, દ્રોણાચાર્ય, અગત્સ્ય, સાંદીપની કે વિશ્વામિત્ર ઋષિના વંશજો હોય, એમ શુભેચ્છાઓ આપવામાં કોઈ કસર નહિ છોડી. શુભેચ્છાના એવા દીવડા મોકલ્યા કે, દિલમાં આગ લાગી ગઈ ..! સાલા પહેલીથી જ સખણા રહેતા હોય તો..? જો કે, મારી સમૃદ્ધિ અને તંદુરસ્તીનું રહસ્ય આવી શુભેચ્છાઓને કારણે છે એવી અંધશ્રદ્ધામાં હું માનતો નથી. જે હોય તે, આ વરસે એટલી શુભેચ્છાઓ મળી કે, તમામ વર્ષના રેકોર્ડ તોડી નાંખ્યા. લોકોએ શુભેચ્છાને બદલે, બ્રહ્માસ્ત્ર ઝીંક્યા હોય એમ શુભેચ્છાઓ મળી. વાસ્તવમાં શુભેચ્છાઓ મોટાભાગે copy-Paste શુભેચ્છા હોય, દેખાડો કરવા જ આવતી હોય, ફળવા માટે નહિ.! અમુક શુભેચ્છા તો એવી બંગાળી મીઠાઈ જેવી હોય કે, માત્ર નજર મારીએ તો પણ શરીરમાં ‘ડાયાબીટીશ’ માળો બાંધવા માંડે..! શુભેચ્છાઓ સાચ્ચે જ ફળતી હોત તો, આજે મારો પણ એકાદ બંગલો મુકેશ અંબાણીની બાજુમાં હોત..! તંઈઈઈઈ..? ટ્રમ્પદાદાને બદલે અમેરિકાનો રાષ્ટ્રપતિ હું પોતે બન્યો હોત..! ભોંયરામાં બેસીને ભૂસું ના ખાતો હોત..! થાય એવું કે, લગન પહેલા જ સીમંતની વિધિ આવી જાય એમ, ફળવા પહેલા જ નવી સંવત આવી જાય..! નવી આવે તે પછી જુનીને થોડી બગલમાં રાખે?
ચમનીયો તો દિવાળીને પણ ‘અવતાર’ માને બોસ..! મને કહે, “રમેશિયા દિવાળીના ૨૦૮૦ અવતાર પુરા થયા. આ વર્ષે ૨૦૮૧ મો અવતાર આવ્યો. ૨૦૮૦ દિવાળી આંટો મારીને ચાલી ગઈ, છતાં હોળી-મકર સક્રાંતિ કે બળેવ જેવા તહેવારોએ સંવતનું સ્થાપન એમના તહેવારથી કરવા માટે ભાજપા-કોંગ્રેસની માફક ખેંચાખેંચી કરી નથી. ચલતીકા નામ ગાડી જેવું જ રાખ્યું..!
જે કહો તે, નવા વર્ષના ઉઘડતા પ્રભાતનો આનંદ એટલે અનેરો આનંદ. ખમીશ પાટલુનમાં ખિસ્સા હોય કે ના હોય, કે પછી સાવ ખાલી હોય તો પણ, લોકો જીંગાલાલા હોય..! જેમ શલ્યાનો અહલ્યામાં ઉદ્ધાર થયેલો એમ સૌનો ઉદ્ધાર થાય એવી સૌમાં ભાવના હોય. મારી પણ શુભકામના..! મફતની આપવામાં જાય શું..? એકબીજાને શુભેચ્છા આપવી કે લેવી એ તો ઉછીનો વ્યવહાર છે. પણ જ્યારથી મોબાઈલ કલ્ચરે માઝા મૂકી છે, ત્યારથી લોકો હવે મોબાઈલ દ્વારા જ પ્રગટ થાય છે. ઘરનાં ઉંબરા પણ ઓળંગવા આવતા નથી. આવનારા વર્ષોમાં ઘરનું રસોડું ને ડ્રોઈંગ રૂમ ઘરના નકશામાંથી નીકળી નહિ જાય તો સારું..!. કારણ કે ખાણી-પીણી પણ બહાર વધી..! પહેલાના લોકો ઝુંપડીમાં રહેતા ને બહાર ખાવા જતા, આજે આલીશાન બંગલામાં રહે ને ખાવા માટે ઝુંપડીમાં જાય..! એના કપાળમાં કાંદા ફોડું..! મહાસત્તાધીશ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પદાદા મળે તો કહેવું છે કે, ‘ભગવાન પરશુરામે સૃષ્ટિને નક્ષત્રિય કરવાની પ્રતિજ્ઞા લીધેલી, એમ તમે હવે આવ્યા જ છો તો આ મોબાઈલનું પણ કંઈ કરજો.! ઘણાના ઘર ભંગાયા છે દાદા..!
ઢગલાબંધ લોકોએ ઢગલાબંધ દીવાળીઓ જોઈ નાંખી હશે. પણ દિવાળી ને ઘરવાળી સાથે સરખાવવાનું અધમ કૃત્ય નહિ કરાય. શૈલી સાણસી કાઢે..! કારણ કે, ભારત વર્ષના સંસ્કાર છે કે, દિવાળી બદલાય એમ ઘરવાળી બદલાતી નથી. ઘરવાળીને લીધે તો દિવાળીની શોભા ટકેલી. ફેર એટલો કે, દિવાળી નવી સંવત લઈને પાછી આવે, ત્યારે ઘરવાળીનો ભરોસો નહિ. ટકી તો ટકી, ને ત્રાસી તો પાછી નહિ પણ આવે..! માણસ આસ્તિક હોય કે, નાસ્તિક એ મહત્વનું નથી. પણ વાસ્તવિક હોવો જોઈએ. શું કહો છો ચમનીયા..?
લાસ્ટ બોલ
દિવાળીના દિવસે એક ભાઈએ ડોક્ટર સાહેબને ને મેસેજ કર્યો કે, ‘મારા દીકરાને સખત તાવ અને ખેંચ આવે છે, તમે તાત્કાલિક આવો તો સારું.
ડોકટરે માત્ર ‘દિવાળી’ જ શબ્દ વાંચ્યો, ને ધારી લીધું કે, આ શુભેચ્છા સંદેશ છે. એટલે પ્રેમથી reply આપ્યો કે, same to you..!
તારા કપાળમાં કાંદા ફોડું..!
--------------------------------------------------------------------------------------------------------------------------------