Shelter in Gujarati Film Reviews by Rakesh Thakkar books and stories PDF | છાવા

Featured Books
Categories
Share

છાવા

છાવા

રાકેશ ઠક્કર 

           વિકી કૌશલે ફિલ્મ ‘છાવા’ માં પોતાના અદભૂત અભિનયથી ચોંકાવી દીધા છે. વિકી છત્રપતિ સંભાજીના પાત્રમાં જાણે રોમ રોમમાં ઉતરી ગયો છે. સેંકડો લોકો સાથે એકલો લડતો દેખાય છે તો પણ વિશ્વસનીય લાગે છે. આ ઐતિહાસિક ફિલ્મએ બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચી દીધો છે ત્યારે વિકીએ એવો અભિનય કર્યો છે કે સમીક્ષકોએ પ્રભાવિત થઈને કહ્યું કે અભિનયમાં રાષ્ટ્રીય એવોર્ડનો સંપૂર્ણ હકદાર લાગે છે. 

         ‘છાવા’ના ઐતિહાસિક પાત્રને પડદા પર ઉતારવાનું કામ ખરેખર એક પડકાર જેવું હતું. વિકી એક એવો અભિનેતા છે જેની દરેક નવી ફિલ્મ માટે કારકિર્દીનો શ્રેષ્ઠ અભિનય હોવાનું કહેવામાં આવે છે. ‘સરદાર ઉધમસિંહ’ અને ‘સેમ માણેકશા’ પછી વધુ એક બાયોપિકમાં વિકીનું અભિનય કૌશલ ઝળકી ઉઠ્યું છે. ઐતિહાસિક ભૂમિકા કરવા માટે એનામાં જેટલું ઝનૂન છે એટલું ભાગ્યે જ કોઈ અભિનેતામાં હશે. પાત્રના મનની કશ્મકશને પડદા પર ઉતારવામાં વિકી માહિર બની ગયો છે. એની સંવાદ અદાયગીના પણ લોકો ચાહક બની જશે. 

       વિકી જ્યારે છત્રપતિ શિવાજી મહારાજનો મુગટ જુએ છે ત્યારે એના ઇમોશન જોવા જેવા છે. બધી જ ફિલ્મમાં થોડી ખામીઓ તો રહેવાની કે દેખાવાની જ પણ કલાકારોની પસંદગી સહિત વાર્તાને એવી રીતે રજૂ કરી છે કે નિર્દેશક લક્ષ્મણ ઉત્તેકરને દર્શકોની સલામી જ મળી રહી છે. એના પુરાવારૂપે એક દ્રશ્ય જોઈએ તો જ્યારે છત્રપતિ શિવાજી મહારાજનો દેહાંત થાય છે ત્યારે ઔરંગઝેબ જે સંવાદ ‘ઉપરવાલે જન્નત કે દરવાજે ખૂલે રખના શેર આ રહે હૈ’ બોલે છે ત્યારે રૂંવાડા ઊભા કરી દે છે. એમાં દેશભક્તિ, એક્શન અને ઇમોશન એવા છે કે પ્રશંસા થઈ રહી છે. 

         ફિલ્મનો ક્લાઇમેક્સ લાંબો છે પણ દર્શકોને એવા બાંધી રાખે છે કે જોતી વખતે આંખમાં આંસુ આવી જાય છે. એમાં જે ઇમોશન છે એની અભિવ્યક્તિ શબ્દોમાં કરવી મુશ્કેલ બને એમ છે. નવાઈની વાત એ છે કે ક્લાઇમેક્સના અંતિમ ભાગમાં એક્શન ન હોવા છતાં જકડી રાખે છે. સારું થયું કે ‘પુષ્પા 2’ સાથે ‘છાવા’ ને રજૂ કરવામાં આવી નહીં. ફિલ્મ મહારાષ્ટ્રમાં જે રીતે વધારે પસંદ કરવામાં આવી રહી છે એ પરથી કહી શકાય કે ‘પુષ્પા 2’ ને બરાબર ટક્કર આપી હોત. 

        અઢી કલાકની ફિલ્મ ઇન્ટરવલ સુધી થોડી ધીમી લાગે છે પણ ઇતિહાસની જરૂરી ઘટનાઓનો પરિચય કરાવવામાં આવે છે. એ. આર. રહેમાનના ગીતો ખાસ લાગતાં નથી પણ બેકગ્રાઉન્ડ સંગીત જબરદસ્ત છે. ફિલ્મમાં ઔરંગઝેબના જુલ્મની વાતો આજ સુધી પુસ્તકોમાં વાંચવામાં આવી છે એને પડદા પર બતાવવામાં આવે છે ત્યારે જોવાનું મુશ્કેલ બની જાય છે. આ ફિલ્મને માત્ર મનોરંજન માટે નહીં ઇતિહાસને જાણવાના હેતુ સાથે જોવાથી વધારે અનુભવી શકાય એમ છે. અલબત્ત જો ક્રૂરતાભર્યા દ્રશ્યો જોવાતા ના હોય તો મન મજબૂત કરીને જ ફિલ્મ જોવા જઇ શકાય એમ છે. બાળકો અને મહિલાઓ માટે કેટલાક દ્રશ્યો જોવાનું મુશ્કેલ બને છે. 

        સામાન્ય રીતે આવી ફિલ્મમાં મહિલા પાત્રને બહુ તક મળતી નથી પણ રશ્મિકાને મજબૂત પાત્ર માટે જે તક મળી એમાં પ્રભાવિત કરી ગઈ છે. એની સંવાદ અદાયગી ખટકે એવી છે. અક્ષય ખન્નાએ ઔરંગઝેબના પાત્રને સાકાર કર્યું છે. કેટલાક દ્રશ્યોમાં મૌન રહીને પણ પોતાનો એક ક્રૂર શાસક તરીકે પ્રભાવ મૂકી જાય છે. વિકી અને અક્ષયના સામનાના દ્રશ્યો વધુ દમદાર બન્યા છે. જ્યારે પડદા પર બંને સામસામે આવે ત્યારે દ્રશ્યો સહજ અને સ્વાભાવિક બને એ માટે બંનેએ શુટિંગ પહેલાં એકબીજા સાથે વાત પણ કરી ન હતી. દિવ્યા દત્તા, આશુતોષ રાણા વગેરે પણ નાની -મોટી ભૂમિકામાં પોતાના પાત્રમાં કમાલ કરે છે. 

         ફિલ્મમાં યુધ્ધના દ્રશ્યો વધારે છે. તેથી ક્યારેક એક્શન અને ખૂનખરાબાને જોઈ થાક લાગી શકે છે. ફિલ્મને થોડી ટૂંકી બનાવી શકાઈ હોત. પહેલા ભાગમાં છાવાની વીરતા બતાવવા સાથે અન્ય પાત્રોનો પરિચય છે. છાવાની વીરતા બતાવવામાં બેકસ્ટોરી બહુ બતાવવામાં આવી નથી. ‘હમ શોર નહીં કરતે સીધા શિકાર કરતે હૈ’ જેવા બે-ચાર સંવાદને બાદ કરતાં બીજા સંવાદ એટલા દમદાર નથી કે યાદ રહી જાય. પરંતુ છત્રપતિ સંભાજી મહારાજનો ઇતિહાસ જાણવો હોય તો ‘છાવા’ જરૂર જોવા જેવી છે. એમના વિષે જૂની પેઢીને પણ ખાસ જાણવા મળ્યું નથી.