નિતુ : ૮૬ (વિદ્યા)
વિદ્યા ક્લાસ પત્યા પછી પોતાની હોસ્ટેલ તરફ જઈ રહી હતી. નિકુંજ તેને શોધતો તેની પાસે આવ્યો.
"હાય નિકુંજ!" તેને જોઈ વિદ્યા અને દિશા બોલી.
"હાય. અ... વાત કરવી હતી."
"શું કહેવું છે તારે?" વિદ્યાએ પૂછ્યું.
"થેન્ક યુ."
દિશાએ પૂછ્યું, "શેના માટે?"
"તમે બંનેએ મારી આટલી મદદ કરી એના માટે."
"ઈટ્સ ઓકે. તું અમારી સાથે બેસી શકે છે. બાય દી વે, કાલે ફ્રેશર પાર્ટી છે. રેડી થઈને આવી જજે."
"કાલે? કેમ આટલું જલ્દી?"
દિશા કહેવા લાગી, "ઓ મિસ્ટર... કોલેજમાં તમે લેટ આવ્યા છો. બાકી કોલેજ શરુ થયાને પંદર દિવસ વિતી ગયા છે."
ત્રણેય વાતો કરતા જઈ રહ્યા હતા, કે રોની અને એના મિત્રો તેઓની સામે આવીને ઉભા રહ્યા. વિદ્યાએ ક્ષણિક એને તાકી, એની બાજુમાંથી ચાલ્યા જવાનો પ્રયત્ન કર્યો. રોનીએ ફરી એનો રસ્તો રોક્યો.
"આ શું કરે છે રોની?" પાછળ ઉભેલી દિશા થોડા ગુસ્સા સાથે બોલી.
વિદ્યાએ પણ ગંભીર થતા કહ્યું, "રોની બાજુ હટ, મારે જવું છે." તે ફરી બીજી બાજુથી જવા લાગી.
રોનીએ ફરી એની સામે આવી રસ્તો રોક્યો અને કહ્યું, "અરે એક મિનિટ યાર, એટલી બધી શું ઉતાવળ છે! મારે કામ છે તારું, તું બે મિનિટ મારી સાથે વાત નહિ કરી શકે?"
વિદ્યા અદફ લગાવી ઉભી રહી. એની નજર બીજી દિશામાં ફરતી હતી અને તે રોની સામે જોયા વિના બોલી, "બોલ, શું કામ છે?"
"તું પ્રિન્સિપલ પાસે ગઈ હતી?"
વિદ્યાએ ફરી એને તાક્યો અને કહ્યું, "હા."
"તો તે, પ્રિન્સિપલ પાસે જઈ મારી કમ્પ્લેઈન કરી. એ જાણવા છતાં કે હું કોણ છું." રોની થોડું કડક થઈ બોલ્યો.
વિદ્યાએ પણ થોડા કડક શબ્દોમાં સ્પષ્ટ રીતે કહી દીધું, "મને ખબર છે તું કોણ છે. તું તારી મનમાની કરે અને અમે સહન કરતા રહીએ. તું ત્રણ દિવસથી અમારા કામમાં આડા પગ કરે છે. તો હું શું કામ કમ્પ્લેઈન ના કરું?"
આ સાંભળી રોની, અભિષેક અને નિખીલ, ત્રણેય હસવા લાગ્યા. વિદ્યા આશ્વર્ય સાથે તેને હસતા જોઈ રહી હતી. નિકુંજ અને દિશાને પણ કૌતુક થતું હતું કે તેઓ શું કામ હસી રહ્યા છે? રોની થોડું શાંત થતા બોલ્યો, "રિલેક્સ ડૂડ. હું અહીં તમારા લોકો સાથે ઝઘડો કરવા નથી આવ્યો. ઓકે."
"તો આમ રસ્તો રોકી અમને ઉભા કેમ રાખ્યા?" થોડું આગળ આવી દિશાએ પૂછ્યું.
"સોરી કહેવા માટે. મને ખબર છે મારા લીધે તમને હર્ટ થયું હશે. આઈ એમ સોરી."
વિદ્યાએ અચંબિત થઈ પૂછ્યું, "તું ક્યારથી બીજાને સોરી કહેવા લાગ્યો?"
"બસ! હું તમને લોકોને સોરી કહી રહ્યો છું. તો પણ તમે લોકો..."
"ફાઈન. ઈટ્સ ઓકે." તેને અટકાવી વિદ્યા બોલી, "અમે જઈએ?"
રોની એકબાજુ ખસ્યો અને તેઓને જવા હાથથી ઈશારો કર્યો. તેઓ ત્રણેય નીકળી ગયા અને રોની તેમને જતાં જોઈ રહ્યો. થોડું આગળ ચાલી દિશાએ ધીમેથી એના કાનમાં કહ્યું, "યાર વિદ્યા... એણે આપણને સોરી કહ્યું. મીન્સ રોની જરીવાલા, આપણને સોરી કહી રહ્યો છે! જેણે આજ સુધી કોઈને સોરી નથી કહ્યું."
નિકુંજ બોલ્યો, "માન્યામાં નથી આવતું. સવારે કંઈક અલગ ભાષામાં વાત કરી રહ્યો હતો. અત્યારે કંઈક અલગ ભાષામાં વાત કરી રહ્યો છે."
"જે હોય તે. હવે એ આપણને તકલીફ નહિ આપે. નહિતર અત્યાર સુધી તો આપણી ટિમ જ્યાં ડેકોરેશન કરતી હોય ત્યાં આવીને આપણને હેરાન કર્યા કરતો. એટલીસ્ટ હવે તો એવું નહિ કરે."
તેઓના ગયા પછી અભિષેકે રોનીને કહ્યું, "રોની! અમને તો થયું કે તું એને ખખડાવીશ. પણ તું તો એની માફી માંગવા લાગ્યો."
નિખીલે ઉમેરો કરતા કહ્યું, "હા યાર. તું આ કોલેજના ટ્રસ્ટીનો સન છે, એ જાણી આજ સુધી તારી સામે બોલવાની કોઈએ હિમ્મત નથી કરી અને વિદ્યાએ તો સીધી પ્રિન્સિપલને તારી કમ્પ્લેઈન કરી. તોયે તું એને સોરી કે' છે."
"એ જ તો ડિફરન્સ છે તમારો અને મારો. તમે લોકો સમજ્યા નહિ. આજ સુધી કોઈએ મારી સામે માથું ઉંચકાવી વાત નથી કરી અને આ કાલની આવેલી છોકરી મને ધમકાવે છે. કંઈક તો ખાસ છે આ છોકરીમાં."
"એટલે?" અભિષેકે આશ્વર્યથી પૂછ્યું.
"હવે તો હું... આની સાથે દોસ્તી કરીશ." કહેતો રોની મંદ મંદ હસવા લાગ્યો. અભિષેક અને નિખીલ એની વાતને સમજી નહોતા શકતા અને તે આશ્વર્યથી રોની તરફ જોઈ રહ્યા.
કોલેજના ગેટે પહોંચી વિદ્યાએ નિકુંજ સામે જોતા કહ્યું, "સો, શું કરી રહ્યો છે આજે?"
"કંઈ ખાસ નહિ. બસ અહીંથી હવે હું મારી રૂમે જઈશ. પછી જોઈએ."
"વાય યુ આર નોટ જોઈનીંગ અસ?" વિદ્યાએ સહજતાથી કહ્યું.
દિશા બોલી, "હા. અમે પણ હોસ્ટેલ જઈ ફ્રેશ થઈને પાછા જ આવવાના છીએ."
"કેમ?"
વિદ્યા બોલી, "આ રોનીએ અમને બરાબર પ્રિપરેશન ના કરવા દીધી એટલે. કાલે પાર્ટી છે અને હજુ ઘણું બધું કામ કરવાનું છે."
"ઓહ... પાર્ટીની તૈય્યારી માટે."
દિશાએ પૂછ્યું, "તમારી રૂમ દૂર હશેને? જો તમે ના આવવા માંગતા હોય તો..."
નિકુંજે તુંરત ઉત્તર વાળ્યો, "ના અહીં નજીક જ છે. બે મિનિટના અંતરે."
વિદ્યા બોલી, "ગુડ. તો તમે પણ આવી જજો. એ બહાને અમને હેલ્પ થઈ જશે અને તમારો પણ આખા ક્લાસ સાથે ઈન્ટ્રો થઈ જશે."
"ગુડ પ્લાન. હું પણ આવીશ." કહી નિકુંજ પોતાની રૂમ તરફ જતો રહ્યો. થોડીવાર પછી ત્રણેય કોલેજના ગેટ પર ભેગા થયા. અંદર જઈ વિદ્યા સમગ્ર ક્લાસ સાથે નિકુંજનો પરિચય કરાવવા લાગી. સાથોસાથ કોલેજની માહિતી પણ આપવા લાગી. કોલેજમાં ચાલી રહેલા ડેકોરેશન વિશે વાત કરી. એક જ દિવસમાં દિશા, વિદ્યા અને નિકુંજ સારા એવા મિત્રો બની ગયા હતા. તે ત્રણેય ઑડિટોરિયમ તરફ ગયા અને ફંક્શનમાં થનારા પર્ફોર્મન્સ અંગે માહિતી આપી. તેઓએ આગળની ખુરશીમાં સ્થાન લીધું.
ઓડિટોરિયમમાં ચાલી રહેલી રિહર્સલ જોતા નિકુંજ બોલ્યો, "અરે વાહ, આ પાર્ટી માટે તો ઘણી બધી તૈય્યારીઓ કરી છે તમે લોકોએ."
વિદ્યાએ એને ઘૂરતા કહ્યું, "આપણે લોકોએ... એમ બોલ. તું પણ આ જ ક્લાસનો છે નિકુંજ."
"હા..." થોડું શરમાતા તે બોલ્યો.
તેને શરમાઈને બોલતા જોઈ વિદ્યાએ પૂછ્યું, "આ બધું પતે પછી ફ્રી ડાન્સ છે. બધાએ કરવાનો છે. તને ડાન્સ આવડે છેને?"
તેણે તૂટક શબ્દોમાં જવાબ દીધો. "ના! ડાન્સ... મને નથી... એક્ચ્યુલી મેં ક્યારેય કર્યો નથી..."
"ફાઈન, અમારા આખા ગ્રુપે ડિસાઈડ કર્યું છે કે કાલે બ્લેક પહેરીને આવે. સો, તું પણ બ્લેક સૂટ પહેરીને આવી જજે."
"ઓકે."
તેઓ વાત કરતા હતા, કે સ્ટેજ પર રિહર્સલ કરતા એક યુવક પડી ગયો. તેનો પડવાનો અવાજ આવ્યો એટલે દરેકનું ધ્યાન તેના તરફ ગયું. "અરે! શું ચાલી રહ્યું છે?" કહેતી વિદ્યા સ્ટેજ આગળ ગઈ. દિશાને મોકો મળ્યો એટલે ધીમેથી તેના કાનમાં કહ્યું, "નિકુંજ, હું સવારથી તને નોટિસ કરું છું. શું છે આ બધું?"
વિદ્યાએ સ્ટેજ પાસે પહોંચી તે યુવક્ની ખબર અંતર પૂછવા લાગી. દિશા અને નિકુંજનું ધ્યાન વિદ્યા તરફ જ હતું. ધીમા અવાજે નિકુંજે પૂછ્યું, "શેની વાત કરે છે?"
"તું વિદ્યાની દરેક વાતમાં હા કહી રહ્યો છે. સવારથી તું એની સાથે જ ફરે છે. સાચું બોલજે. એ તને પહેલી નજરે જ ગમી ગઈને?" દિશાએ નિકુંજ સામે સીધી જ વાત રાખી દીધી.
"કેવી વાત કરે છે?" નિકુંજ આશ્વર્યથી તેની વાત નકારતા બોલ્યો.
"મને દેખાય છે અને તારી આંખો પણ બોલી રહી છે."
નિકુંજ થોડું થોથરાતાં બોલ્યો, "અરે ના યાર! એવું... એવું કંઈ નથી. આ તો... જસ્ટ... હું આવ્યો ત્યારથી પહેલીવાર એ મળી અને... મારી સાથે જ છે. તો... "
"ઓકે. પણ મિસ્ટર નિકુંજ, હું તને જણાવી દઉં કે તું આજે આવ્યો છે એટલે તને ખબર નથી. બાકી, ક્લાસના સારા સારા લોકો પાગલ થઈ ગયા છે વિદ્યા માટે. એના ફ્રેન્ડ ગ્રુપમાં નસીબદાર લોકોને જ એન્ટ્રી મળે છે. તું લક્કી છે, આવતાની સાથે સીધી વિદ્યા મળી ગઈ. પણ તું એને કોઈ દિવસ હર્ટ ના કરતો, હાં."
નિકુંજે એક ફિક્કી મુસ્કાન આપી. દિશાના શબ્દો નિકુંજના મનમાં પેસારો કરી ગયા. તેણે દિશાને કહ્યું, "દિશા તું સમજે છે એવું કંઈ નથી. હું આજે જ આવ્યો છું અને અહીં કોઈને ઓળખાતો નથી. આ તો આવતાની સાથે તમે બંને મળી ગયા એટલે."
"ઠીક છે." દિશાએ નિકુંજની વાતનો સ્વીકાર કરી લીધો. એટલામાં વિદ્યા ત્યાં પાછી આવી અને કહેવા લાગી, "નિકુંજ. બહાર દરેક સ્ટુડન્ટ્સ માટે બોર્ડ્સ બનાવવાના છે. ત્યાં થોડા લોકોની જરૂર છે. પ્લીઝ મારી સાથે આવીને હેલ્પ કરને."
"ઓકે. ચાલ." કહેતો તે ઉભો થઈ ગયો. "હું અહીં આ લોકોને પ્રેક્ટિસ કરાવું છું." કહીને દિશા ત્યાં જ રોકાઈ અને વિદ્યા તથા નિકુંજ બહાર જતા રહ્યા. બંને સાથે બેસીને બોર્ડ બનાવી રહ્યા હતા અને સાથે અઢળક વાતો કરી રહ્યા હતા. નિકુંજને દિશાની વાત મન પર લાગી. વિદ્યા સાથે વાત કરતા કરતા તે એ અંગે વિચારવા લાગ્યો. પણ એવું કંઈ નથી કહેતો એ પોતે જ પોતાને સમજાવતો અને કામમાં મથી જતો.
ભલે તે આ વાતથી દૂર ભાગી રહ્યો હોય કે દિશાની વાતને અવગણી રહ્યો હોય. પરંતુ વિદ્યા સાથેની દોસ્તી તેને પસન્દ આવવા લાગી હતી. તેઓના મીઠા સંબંધના બીજ અચૂક રોપાઈ ગયા હતા. જો કે તેઓને આ રીતે સાથે બેસી હસી હસીને વાતો કરતા રોની દૂરથી જોઈ રહ્યો હતો. હાથમાં ટીન રાખી કોલ્ડ્રિંસ પીતા રોનીના મનમાં કોઈ વિચાર
વીજળી વેગે દોડી રહ્યો હતો. બાજુમાં બેઠેલા અભિષેક અને નિખીલને તેણે કહ્યું, "ફ્રેન્ડ્સ, ફ્રેશર પાર્ટી માટે તૈય્યાર થઈ જાઓ."