નિતુ : ૮૭ (વિદ્યા)
વિદ્યા કોલેજના મેઈન ગેટ પર દિશા સાથે નિકુંજની રાહ જોતી ઉભી હતી. નિકુંજ ઉતાવળા પગલે તેની પાસે આવતા બોલ્યો, "સોરી... સોરી મારે લેટ થઈ ગયું."
"કેટલી વાર હોય?"
"અરે સોરી... હવે અંદર જઈએ?" કહેતા નિકુંજે અંદર જવા માટે ઈશારો કર્યો.
વિદ્યાના નેતૃત્વ નીચે ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓએ જે તૈય્યારીઓ કરી હતી એ જબરદસ્ત હતી. કોલેજના કેમ્પસને એક ક્લબ જેવું બનાવી દેવાયું હતું. તેના કહેવાથી નિકુંજે બ્લેક એન્ડ બ્લેક વિથ બ્લેજર પહેર્યું હતું અને એવા કપડામાં તે વિદ્યાનાં ગ્રુપ સાથે સારી રીતે ભળી ગયો. ઓડિટોરિયમમાં થોડા ચાલેલા પ્રોગ્રામ, વેલકમ પરફોર્મન્સ અને પ્રોફેસર તથા પ્રિન્સિપલના આવકાર ભરેલા ભાષણ બાદ વિદ્યાર્થીઓ ડીજેના તાલ સાથે ઝૂમી રહ્યા હતા.
એક બાજુ ડ્રિન્ક બાર બનાવવામાં આવ્યું હતું, તો કેમ્પસનું મેદાન ડિસ્કો સ્ટેજ બની ગયું હતું. નિકુંજ એકબાજુ રહીને આ બધું જોતો હતો. એની આંખો સામે વિદ્યા પોતાના ગ્રુપ સાથે ડાન્સ કરી રહી હતી. મસ્તીમાં ઝૂમતી અને પોતાની જાતને કે પોતાના અસ્તિત્વને ભૂલી એ મૂક્ત મને નાચી રહી હતી. વિદ્યાની નજર નિકુંજ તરફ ગઈ. એણે તેને સાદ કર્યો પણ તેણે હવામાં હાથ હલાવી ઈન્કાર કરી દીધો.
એને મનવવા તે તેના તરફ ચાલી. આ દ્રશ્ય રોની તેના મિત્રો સાથે દૂરથી જોતો હતો. વિદ્યા નિકુંજ તરફ જઈ રહી હતી અને એ જ સમયે રોની વિદ્યા તરફ ચાલ્યો.
" અમે બધા ડાન્સ કરીયે છીએ અને તું શું આમ એકલો ઉભો છે?" ફરિયાદી બની તે કહેવા લાગી.
"આખું ગ્રુપ તો ડાન્સ કરે છેને!"
"કમોન નિકુંજ, તું પણ હવે આ જ ગ્રુપનો મેમ્બર છે."
"હા પણ વિદ્યા મેં તને કહેલુંને, કે મને ડાન્સ નથી આવડતો."
"હા તો આ ફ્રી ડાન્સ છે. એમાં આવડવાનું કે ના આવડવાનું શું? બસ હાથ ઊંચા કરો અને પંજાબી બિટ્સ પર ઠુમકા મારો." કહેતી તે તેને હાથ પકડી ખેંચવા લાગી. "ચાલ... આજ તો તારે ડાન્સ કરવો જ પડશે."
"અરે... પણ વિદ્યા..."
"મેં કહ્યુંને ચાલ..." તેને ખેંચતી વિદ્યા તેની સામે જોઈને ચાલી રહી હતી. એટલામાં રોની અચાનક તેની સામે આવ્યો જે તેને ન દેખાયો. અજાણતા તેનાથી તેને ટક્કર મરાય ગઈ અને તેના હાથમાં રહેલ ગ્લાસમાંથી જ્યુસ એના કપડાં પર ઢોળાયું.
અચાનક વિદ્યાની નજર ગઈ અને તેણે રોની તરફ જોઈને કહ્યું, "સોરી... મારુ ધ્યાન નહોતું. આઈ એમ સોરી."
તે હળવું હસ્યો અને બોલ્યો, "ઇટ્સ ઓકે. આમેય હવે તો આપણે ફ્રેન્ડ્સ છીએ. તારાથી અજાણતા થયું છેને. ફ્રેન્ડ્સ વચ્ચે સોરી કહેવાનો રિવાજ નથી."
વિદ્યાએ એના પર વધારે ધ્યાન ના આપ્યું. ગ્લાસમાંથી થોડું જ્યુસ એના કપડાં પર પણ ઢોળાયું હતું. જેથી તે પોતાના કપડાં સાફ કરતી કરતી આગળ ચાલવા લાગી. રોની ઝીણી નજરે તેને તાકી રહ્યો હતો. પરંતુ નિકુંજને એના આ વર્તનમાં કોઈ બદ ઈરાદાની ગંધ આવતી હતી.
તેણે રોનીને કહ્યું, "તું આટલી આસાનીથી છોડી દે એમ નથી. તો પછી કંઈ ન કરવાનું કારણ?"
"તું કાલનો આવ્યો છે એટલે તેને મારા વિશે ખબર નથી. પણ હું જેને દોસ્ત માનું છું, એનો સાથ ક્યારેય નથી છોડતો."
"મને નથી લાગતું કે તારો ઈરાદો વિદ્યાને દોસ્ત બનાવવાનો છે."
રોનીએ ફરી હળવું હસીને લુચ્ચાઈથી કહ્યું, "હહ... કારણ કે, જે મારી સાથે દુશ્મની બાંધે છેને, એને પણ હું ક્યારેય નથી છોડતો." પોતાના કપડાં પર હાથ ફેરવતો તે ચાલવા લાગ્યો અને નિકુંજ તેને જતા જોઈ રહ્યો.
વિદ્યાએ ફરી તેને સાદ કર્યો અને તે રોનીની આ વાતને છુપાવી તેની પાસે જતો રહ્યો. ડાન્સ કરતા કરતા પણ એ વારંવાર રોની તરફ ડોકિયું કરતો હતો.
અભિષેકે આખા ગ્રુપને સાથે ડાન્સ કરતા જોઈ રોનીને કહ્યું, "રોની! યાર મને નથી લાગતું કે તું એની સાથે દોસ્તી કરવામાં સફળ જઈશ."
અભિમાનથી તે બોલ્યો, "રોની જે કામ હાથમાં લે એને પૂરું કરીને જ જંપે છે. તું બસ જોયા કર અભી... આ છોકરી મારી ફ્રેન્ડ બનીને જ રહેશે."
પાર્ટીમાં તેણે વારંવાર તેની સાથે વાત કરવાની કોશિશ કરી. પરંતુ ક્યારેક વિદ્યા એનાથી દૂર જતી રહેતી, તો ક્યારેક નિકુંજ તેને બેદખલ કરી તેનાથી તેને દૂર લઈને જતો રહેતો.
પ્રશ્ન કરતા નિતુએ પૂછ્યું, "તો શું એ સફળ રહ્યો?"
જવાબ આપતા તે બોલ્યો, "ના. જ્યાં સુધી હું ત્યાં હતો ત્યાં સુધી નહિ. મને એટલું સ્પષ્ટ થઈ ગયું હતું કે વિદ્યાની નાની એવી વાતનો પણ બદલો લેવા રોની આતુર હતો. શક્ય ત્યાં સુધી મેં એને દૂર રાખવાનો પ્રયત્ન કર્યો. હું થોડો સમય ત્યાં રહી શક્યો. પણ મારી મમ્મીની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ. તે દિવસ રાત મને જ યાદ કરતી રહેતી. એટલે મારે કોલેજ છોડી ઘેર આવવું પડ્યું અને મારે બાકીનો અભ્યાસ એક્સટર્નલમાં કરવો પડ્યો."
" બાકીનું ફ્રેન્ડ સર્કલ તો તેની પાસે જ હતુંને?"
"એનું ફ્રેન્ડ સર્કલ એની પાસે હતું. પણ એ બધા માત્ર કહેવાના ફ્રેન્ડ હતા. વિદ્યા એટલી આસાનીથી કોઈને પોતાની નજીક ના આવવા દેતી. એના ખાસ ફ્રેન્ડની લિસ્ટમાં માત્ર દિશા હતી અને અમે મળ્યા પછી હું. હું ત્યાંથી નીકળ્યો ત્યારે દિશાને મેં બધી વાત કરી દીધી. દિશાએ એની ધ્યાન રખવાની જવાબદારી લીધી."
નિતુએ અચરજથી પૂછ્યું, "જો તે કોઈને પોતાની આટલી નજીક આવવા જ નથી દેતી તો પછી ડરવાની શી જરૂર હતી?"
તેણે સ્પષ્ટતા કરતા કહ્યું, "નિતુ, તું અહીં જ ભૂલ કરે છે. વિદ્યાની આ બાજુને તું હજુ ઓળખી જ નથી શકી. તે એક એવી સ્ત્રી છે જે આસાનીથી કોઈને પોતાની નજીક આવવા નથી દેતી. પણ જેને એ પોતાના કરી લે છેને, એને એ છેલ્લા શ્વાસ સુધી નથી છોડતી. જેમ તું."
"હું?"
"નિતુ! શું સંબંધ છે તારો અને વિદ્યાનો?" તે વિચારવા લાગી પણ કશું બોલી ના શકી. એટલે નિકુંજે ઉમેર્યું, "હંહ... કંઈક જ નહિ. છતાં વિચાર, કે તારા દરેક કામમાં એ સૌથી આગળ ઉભી રહી. શું કામ? કારણ કે એણે તો તને પોતાની માની લીધી છે."
"પણ..." બોલતા તે અટકી. નિકુંજે આશાવાદી નજરે તેની સામે જોયું. પરંતુ કંઈ ન સુજતા તે બોલી, "જવા દો." એક ઊંડો શ્વાસ લીધો અને તે આગળ બોલી, "પછી શું થયું? તમે ચાલ્યા ગયા. પણ દિશા તો એની પાસે જ હતી ને?"
"હા. હું પણ એ વાતે આશ્વત હતો કે રોની એની વધારે નજીક ન આવે એનું ધ્યાન રાખવા દિશા એની પાસે હતી. મારી અને વિદ્યા વચ્ચે ઘણી વાતો થતી. અમે ફોન પર વાત કરી લેતા. દિશા પણ મને બધી સિચ્યુએશન કહેતી. અમારું આવું કરવા પાછળનું કારણ વિદ્યાની ભોળપ હતી. એનો મૃદુ સ્વભાવ બધાને સરખી નજરે જોતો. કોઈ કેટલું સારું છે કે ખરાબ એનાથી એને કોઈ ફેર નહોતો પડતો. જો રોની એની સાથે દોસ્તી કરી લેત, તો એનો ઈરાદો શું હતો એની અમને ખબર નહોતી. પણ એ એના કામમાં સફળ થઈ જાત એ પાક્કું હતું. પણ..."
"પણ?" નિતુએ પૂછ્યું.
" અમે બે વર્ષ સુધી આ રીતે બંનેને અલગ રાખ્યા. કોલેજનું અમારું લાસ્ટ યર ચાલતું હતું. એક દિવસ હું મારી સ્ટડીમાં વ્યસ્ત હતો અને એ સમયે દિશાનો મારા પર કોલ આવ્યો. એણે મને ન્યુઝ આપ્યા કે..."