ધારાવાહિક:- ચાલો ફરવા જઈએ.
સ્થળ:- પા, ભાવનગર જિલ્લો.
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.
આપણો દેશ માત્ર સંસ્કૃતિ અને ધર્મ કે જ્ઞાતિ માટે જ પ્રખ્યાત નથી, પરંતુ વિવિધ અટપટા નામો ધરાવતાં ગામો અને શહેરો માટે પણ જાણીતો છે. આવું જ એક ગામ એટલે ભાવનગર જિલ્લામાં આવેલું 'પા' ગામ. ચાલો, આજે આ એક અક્ષરનાં ગામની મુલાકાતે જઈએ.
ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારના ભાવનગર જિલ્લામાં આવેલા જેસર તાલુકામાં આવેલું એક ગામ આ 'પા' ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમજ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પણ ઉપલબ્ધ છે.
આમ જોવા જોઈએ તો 'પા' શબ્દ સાંભળતાં જ આપણાં મનમાં સૌથી પહેલાં તો વસ્તુનું માપ જ આવે. પા એટલે અડધાનું અડધું. વજન હોય તો એક કિલોનું પા એટલે અઢીસો ગ્રામ. મને પણ જ્યારે આ ગામ વિશે ખબર પડી ત્યારે પહેલાં તો વિશ્વાસ જ ન થયો! આથી જ નક્કી કર્યું કે હવે આ ગામ વિશે લખવું જ પડશે.
કોઈને પણ પૂછીએ કે, "શું કોઇ ગામનું નામ માત્ર એક જ અક્ષરનું હોઈ શકે?" તો મોટા ભાગે જવાબ 'ના' જ મળે. માત્ર જે લોકો આ ગામને જાણે છે એમને જ ખબર હોય. પણ જવાબ છે - હા. ગુજરાતમાં ભાવનગર જિલ્લાનાં ગારિયાધાર તાલુકાનાં જેસર પાસે આવેલા ગામનું નામ પા છે.
એક માહિતી મુજબ ગુજરાતમાં એક જ અક્ષરનું નામ ધરાવતાં માત્ર બે જ ગામો છે - એક આ પા ગામ અને બીજું દાહોદ જીલ્લામાં આવેલ છે. એનાં વિશે મારા આવતાં લેખમાં જણાવીશ.
પા ગામની વસ્તી 1000 લોકોની છે. ગામના વડીલ શ્રી અખુભાઇ સરવૈયાના જણાવ્યા મુજબ ગામનું સરકારી ચોપડે પણ પા તરીકે જ નોંધાયું છે. એક ઐતિહાસિક માહિતિ મુજબ મહંમદ બેગડાએ જુનાગઢ જીતી લીધા પછી અમરેલી તરફ પ્રસ્થાન કર્યું ત્યારે અમરેલીના ગરાશિયા જેસાજી અને વેજાજીએ મહંમદ બેગડાના માણસ સુઝાતખાનને બહાદુરીપુર્વક ભગાડી મુકયો હતો. આ જેસાજીએ જેસર અને વેજાજીએ વેજલકોટ ગામ વસાવ્યા હતા. પછીથી બંનેએ ગામોની વહેંચણી કરતા વેજાજીના ભાગે જેસર અને જેસાજીના ભાગે હાથસણી ગામ આવ્યા હતા.
વેજાજીના ચાર સંતાનો હતા. આ ચાર પૈકીના મલકજીના ભાગમાં જેસરના ચાર ભાગ થતા પા ભાગ આવ્યો. આથી લોક બોલીમાં આ ગામનું પા પડી ગયું. જે આજે પણ પા તરીકે જ ઓળખાય છે. ગામના સરપંચ શાંતુભા કહે છે, "પા નામ છપ્પનિયા દુકાળ પહેલાનું જૂનું નામ છે. પા ગામના એક વડિલ સવા સો વર્ષ જીવીને અવસાન પામ્યા. તેમણે છપ્પનિયો દુકાળ જોયો હતો. બીજુ કે અમારા ગલઢીયાઓ પા નામ પાડીને ગયા તેનું અમને ગૌરવ છે. આથી ગામનું નામ બદલવાની કોઈ જ ઈચ્છા નથી. તેઓ વધુમાં કહે છે કે ગામ સંપ અને એકતા વાળું હોવાથી સમરસ પંચાયત જ બને છે."
ગામમાંથી થોડાક નોકરીયાત ભાવનગરમાં રહે છે. બે યુવાનો આર્મીમાં પણ જોડાયા છે. પા ગામના લોકો સંપીને રહે છે. ગ્રામ પંચાયતની એક વખત જ ચૂંટણી થઈ હતી. બાકી મોટે ભાગે સમરસ ગ્રામ પંચાયતની રચના થાય છે. ગામમાં ચોરી, લૂંટફાટ કે ઝગડાઓ થતા નથી. કોઈ સમસ્યા ઉભી થાય ત્યારે ગામના ચોરે જ તેનો ઉકેલ લાવવામાં આવે છે. પા ગામ આમ તો ગીર વિસ્તારથી ઘણું દૂર છે, પરંતુ તેમ છતાં તેનાં ઘાસનાં મેદાનો તથા ઘટાટોપ આંબાના વૃક્ષો સિંહોને મહેમાન બનવા મજબૂર કરે છે.
પા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. ગામની બાજુમાં જ છેલ્લા કેટલાક વર્ષોથી નવી વસાહત ઉભી થઈ છે જે નવું પા તરીકે ઓળખાય છે. તેમાં કોળી અને પટેલ જ્ઞાાતિના લોકો રહે છે. ગામમાં ધોરણ 1 થી 8 સુધીના અભ્યાસની સુવિધા છે. વધુ અભ્યાસ માટે બાળકો બાજુના જેસર ગામમાં તથા ઉચ્ચ શિક્ષણ માટે ભાવનગર તથા પાલિતાણા જાય છે.
એક સર્વે અનુસાર આ ગામમાં શિક્ષણ પ્રત્યેની જાગૃતિમાં વધારો થઈ રહ્યો છે. પરંતુ પા ગામમાં બસ આવતી ન હોવાથી બે કિમી ચાલીને સાવરકુંડલા જેસર હાઇવે પર જવું પડે છે. અહીં દરરોજ 20 થી 25 દીકરીઓ અપડાઉન કરતી હોવાથી બસની સુવિધા થાય તે જરુરી છે. ગામમાં સરકારી યોજનાઓનો અમલ કરીને વિકસાવવામાં આવે તો ગુજરાતનું એક અક્ષર ધરાવતું ગામ વિકસી શકે તેવું છે.
સૌજન્ય:- વિકિપીડિયા તેમજ શ્રી અતુલ એન. ચોટાઈનાં વર્ડ પ્રેસ પર લખેલ લેખ.
આભાર.
સ્નેહલ જાની.