નિતુ : ૮૪(વિદ્યા)
નિતુ ત્રણ દિવસ પછી ઓફિસ આવી. મિટિંગ રૂમમાં કરુણાને પોતાની નજર સમક્ષ બેસારી વિદ્યા તેની રાહ જોતી હતી. હળવેથી મિટિંગ રૂમનો દરવાજો ખોલી તે પ્રવેશી. તેને જોઈ વિદ્યા ઉભી થઈ ગઈ. તેની નજીક ગઈ અને પૂછવા લાગી, "નિતુ..! ક્યાં હતી? તને ખબર છે મને તારી કેટલી ચિંતા થતી હતી."
તેના ચેહરા પર ગામ્ભીર્ય હતું. તે બોલી, "હું કરુણા માટે આવી છું, તમારે માટે નહિ."
"નિતુ! તું... "
તેને બેધ્યાન કરી નિતુ કરુણા પાસે જઈ કહેવા લાગી, "ચાલ કરુણા..."
"નિતુ મારી વાત સાંભળ..." આજીજી કરતી વિદ્યા તેને રોકવાનો પ્રયત્ન કરવા લાગી.
કરુણા ઉભી થઈ અને બંને સહેલી હાથમાં હાથ પરોવી ચાલવા લાગી. વિદ્યા તેની સામે આવી ઉભી રહી અને કહ્યું, "એક મિનિટ નિતુ. મારી વાત સાંભળ."
આંખો મોટી કરી ગુસ્સામાં નિતુ બોલી, "મારે તારી કોઈ વાત નથી સાંભળવી."
"તું મારાથી દૂર ન જાને... નિતુ સંભાળને..." વિદ્યાએ રિકવેસ્ટ કરતાં કહ્યું. નિતુ ભાન ભૂલી અને બંને હાથ વડે "હટ..." કહેતા એટલો જોરદાર ધક્કો માર્યો કે વિદ્યા પાછળ રહેલી ખુરશી સાથે અથડાઈ. ખુરશી હાલકડોલક થતા પોતાના પૈડાના આધારે એકબાજુ ખસી ગઈ અને વિદ્યા નીચે પછડાઈ.
"નિતુ..." કહેતી વિદ્યા સફાળી જાગી. તેની શ્વશન ક્રિયા વધી ગઈ હતી. માથું ઊંચકી જોયું તો પોતે મિટિંગ રૂમની પોતાની ખુરશી પર બેઠેલી હતી. તેની એક બાજુ કરુણા રડીને લાલ આંખ કરેલી બેઠી હતી અને એ બંને સિવાય ત્યાં કોઈ નહોતું. કરુણાને સમજાય ગયું કે વિદ્યાએ પોતાની હારનું કોઈ સપનું જોયું છે.
"હંહ..." કરી તે અવળી દિશામાં ફરીને મનોમન કટુ હાસ્ય કરવા લાગી. તેને આમ કરતા જોઈ વિદ્યા અસ્વસ્થ થઈ, થોડા ગુસ્સા સાથે ઉભી થઈ ગઈ અને આમ તેમ ચક્કર લગાવવા લાગી.
ડાયનિંગ ટેબલ પર નિકુંજની સામે બેસી, તેને આ રીતે ભાવુક થતા જોઈ નિતુએ કહ્યું, "હું સાંભળી રહી છું. તમે શું કહેવાના છો? કેવું રહસ્ય છે વિદ્યાનું? ક્યા ભૂતકાળની વાત કરો છો? એવું તે શું બન્યું કે એવી મક્કાર પાપીણીને તમે ઊંચો દરજ્જો આપો છો?"
નિકુંજે ટેબલ પર પડેલા પાણીના ગ્લાસમાંથી થોડું પાણી પીય ગ્લાસ પરત મૂક્યો. પોતે સ્વસ્થ થયો અને ગળગળા ભાવમાંથી બહાર આવવા ગળું સાફ કરી બોલ્યો, "નિતુ. વિદ્યા કોઈ પરિવારમાંથી નથી આવતી. તને એમ થાય છે કે વિદ્યા એના પરિવારમાંથી કેવા સંસ્કાર લઈને આવી છે! પણ નિતુ, વિદ્યાનો કોઈ પરિવાર જ નથી. તે જન્મથી અનાથ છે. જન્મતાની સાથે કોઈએ એને શિવ મંદિર પાસે છોડી દીધી. કોઈ ભલામાણસે તેને જોઈ અનાથ આશ્રમમાં મૂકી અને ત્યાં જ ઉછરીને તે મોટી થઈ."
"તો પછી એણે આટલું મોટું બિઝનેસ સેટઅપ કઈ રીતે કર્યું? આટલી બધી મિલ્કત અને... અને એનો આ કટુ સ્વભાવ?" નિતુ આશ્વર્યથી પૂછી રહી.
"કહું છું. તને બધું જ કહું છું." કહીને નિકુંજ અટક્યો. પછી થોડીવાર એમ જ એ શાંત બેઠો રહ્યો. એક ઊંડો શ્વાસ લઈ તે આગળ બોલ્યો, "હું અને વિદ્યા કોલેજમાં પહેલીવાર મળ્યા હતા."
"તમે બંનેએ સાથે કોલેજ કરી છે?"
"હા. પહેલા સેમેસ્ટરમાંથી અમારો બંનેનો પરિચય થયો. હું થોડો લેટ પહોંચ્યો હતો. મારા મમ્મી પપ્પા જરા જુના વિચારચરણીના છે. એ મને ભણાવવા તો માંગતા હતા, છતાં મારા મમ્મી મને શહેરની હવા લાગી જશે એવા ડરથી આવા મોટા શહેરમાં મોકલતા ડરતા હતા. એટલે હું એને મનવવામાં થોડો લેટ થયો. કોલેજ શરુ થયાને લગભગ એક અઠવાડિયા પછી હું અહીં પહોંચ્યો હતો. કોલેજમાં એ વખતે ફ્રેશર પાર્ટીનું આયોજન ચાલી રહ્યું હતું. એ આયોજનમાં વિદ્યાએ વોલ્યુંટીયર લીડર તરીકેની જવાબદારી સ્વીકારી હતી. ભણતરની સાથોસાથ અન્ય પ્રવૃતિઓમાં ખૂબ હોંશિયાર હતી વિદ્યા."
"તમે એને મળ્યા કઈ રીતે?" જાણવાની ઉત્સુકતાથી નિતુએ પૂછ્યું.
"વાત દસ વર્ષ પહેલાની છે... " વાત કરતા નિકુંજ જાણે પોતાની યાદોમાં ખોવાવા લાગ્યો. એ પોતાના જૂના સમયને યાદ કરતા વિદ્યાની કહાની કહેવા લાગ્યો.
કોલેજનો પહેલો દિવસ અને નિકુંજ પોતાની બેગ સરખી કરતો કોલેજના કેમ્પસમાં આવીને ઉભો રહ્યો. તે પોતાનો ક્લાસ શોધી રહ્યો હતો. કઈ બાજુ જવું એ તેને નહોતું સમજાતું. એટલે કોઈને પૂછવાના ઈરાદાથી તે આડી અવળી નજર ઘુમાવી રહ્યો હતો. એવામાં એને કેમ્સમાં એનાથી થોડે દૂર લોખંડની નિસરણી પર ચડીને કોલેજના નવા વિદ્યાર્થીઓને વેલકમ કરતું બેનર લગાવતી વિદ્યા દેખાઈ.
લાલ રંગના પીળા કિનારીવાળા ફૂલો અને લીલા અને ઘાટા લીલા રંગની શેડ પાડેલી નાની મોટી પાંદડીઓ બનાવેલી ડિજિટ પ્રિન્ટ કરેલ આછા બ્લુ રંગના ડ્રેસમાં વિદ્યા હતી. એક પગ નિસરણીના છેલ્લે પગથિયે તો બીજો છેલ્લેથી નીચેના પગથિયે. પોતાના બંને હાથ વડે એણે શક્ય તેટલી તાકાતથી બેનર સાથે લાગેલી દોરી ખેંચી અને ફૂટબોલના પોલ સાથે બાંધવા લાગી. નિકુંજે બેનરમાં નજર કરી જેમાં નવા વિદ્યાર્થીઓને આવકરતા શબ્દો લખ્યા હતા. તેણે ફરી વિદ્યા સામે જોયું. દોરી બાંધી એ પાછળ ફરી અને એની પહેલી ઝલકે જ નિકુંજને મોહિત કરી દીધો.
ખુલ્લા છટાદાર અને અર્ધ વાંકડિયા, પવન સાથે ધીંગ્ગા મસ્તી કરતા એના વાળ એના ચેહરા પર આવતા. તો ક્યારેક દૂર જતા અને ફરી એના ચેહરા સાથે રમત રમતાં. હલકો પીળો પણ શ્વેત વાન, રૂપની રાણી કે પછી આકાશથી ઉતરેલી અપ્સરા. પવનથી ઉડતો એનો ડ્રેસ એના સુડોળ કાયાની પરખ આપતો હતો. સુંદર તો ખરી, સાથે બુદ્ધિ અને સાહસમાં કોઈને દા ન દે એવી. એની વાક્પટુતાને સમજવી સામાન્ય માનસ માટે અઘરું થઈ પડે.
એનાથી વાધારે નજીક બીજું કોઈ નહોતું એટલે નિકુંજ તેના તરફ ચાલ્યો. "એક્સ્ક્યુઝમી, આ પ્રિન્સિપલ ઓફિસ ક્યાં છે?"
વિદ્યાએ, કે નીચે નીસરણીને ટેકો આપી ઉભેલી એની સહેલીએ તેના પર ધ્યાન ના આપ્યું. તેણે ફરી પૂછ્યું, "તમે પ્રિન્સિપલની ઓફિસ કઈ બાજુ છે એ કહેશો જરા?" વોલુંટીયર પર્સનના કપડાં પહેરી નીચે ઉભેલી એની સહેલી બોલી, "તમને દેખાતું નથી અમે કામ કરીયે છીએ..." એના હાથમાં રહેલ લાલ રંગનો લોલીપોપ, એના ઉપર નીચે થતા હાથના ઈશારા સાથે તેના ધ્યાનમાં આવ્યો. "...એક મિનિટ શાંતિ નથી રાખી શકતા?"
"તમારે દુનિયાની દસમાંથી કોઈ એક દિશાનું નામ બોલવાનું છે. એમાં વળી શું શાંતિ?" નિકુંજે કહ્યું.
"દિશા તો મારુ નામ છે! એન્ડ બાય દી વે મિસ્ટર વોટએવર... પ્રિન્સિપલ ઓફિસ છે. ઉપર આકાશમાં કે નીચે જમીનમાં તો હોવાની નથી! તો પછી આઠ દિશા બોલો."
"હા... તો વધી એ આઠમાંથી કોઈ એક દિશાનું નામ કહેશો."
દિશાએ કમર પર લોલીપોપ એના કપડાં સાથે ના અડે એ રીતે હાથ રાખી તીખી નજર કરી. એટલે નિકુંજે કહેવું પડ્યું, "પ્લીઝ!"
વિદ્યા એના તરફ જોઈ નરમાશથી બોલી, "ઓહ... મિસ્ટર. હું હમણાં પ્રિન્સિપલની ઓફિસમાં જ જાઉં છું. થોડી રાહ જુઓ. ઓકે?" તેણે નીચે જોયું અને દિશાએ નિસરણી સાથે બાંધેલા ફુગ્ગો એના હાથમાં આપ્યા. વિદ્યાએ એ ફુગ્ગા જ્યાં દોરી બાંધી હતી એની ચારેય બાજુ વીંટાળી દીધા.
નિકુંજ ચારેય તરફ જોતો કોલેજનું અવલોકન કરતો હતો. વિદ્યા નીચે ઉતરી અને જમીન પર રાખેલી બેગ બંને ખભામાં પરોવી દિશા સામે હાથ લંબાવ્યો. તેણે પોતાની પાસે રહેલ લોલીપોપ એને આપ્યો અને તેણે મોઢામાં મૂકી નિકુંજ સામે જોયું. નિકુંજ આટલી મોટી કોઈ છોકરીને નાના બાળકની જેમ લોલીપોપ ચગળતા પહેલી વાર જોઈ રહ્યો હતો. નેણ હલકાં ઊંચા કરી તેણે આશ્વર્ય વ્યક્ત કર્યું. અદફ લગાવી એની સામે જોતા વિદ્યાએ લોલીપોપ બહાર કાઢ્યો અને તેની સામે ધરતા બોલી, "ખાઈશ?"
બીભત્સ્તા બતાવી તે બોલ્યો, "ના રે ના..."
"તો પછી આમ શું જુએ?" કહી તેણે ફરી લોલીપોપ ચગળવાનું શરૂ કર્યું.
એટલામાં એક યુવક એની પાસે આવ્યો અને કહેવા લાગ્યો, "હેય વિદ્યા... આ બધું શું છે? તને મેં ના કહી હતીને! અમારે ફૂટબોલ રમવાનો સમય છે. અહીં બેનર શું કામ લગાવે છે?"
"લૂક રોની. મને તારી સાથે માથાકૂટ કરવામાં કોઈ રસ નથી. અમને પ્રિન્સિપલે કહ્યું છે એટલે અહીંયા બેનર લગાવ્યું છે."
"હું તમારો બધાનો સિનિયર છું. ભૂલ નહિ."
"ઠીક છે. હું પ્રિન્સિપલની ઓફિસમાં જાઉં છું. તું કહેતો હોય તો એને વાત કરીને બેનર હટાવી દઈશ."
રોની કંઈ ના બોલ્યો. ગુસ્સો કરતો તે તેને તાકી રહ્યો. દિશા અને વિદ્યા એકબીજાના સામે હસતી ચાલવા લાગી અને નિકુંજ તેઓની સાથે જતો રહ્યો. રોનીએ નિસારણીને લાત મારી. પોતાના પગે લગતા તે પગ પકડી પોતાની જાત પર ગુસ્સો કરવા લાગ્યો. એવામાં એના બે ફ્રેન્ડ એની પાસે આવ્યા અને કહ્યું, "યાર રોની! શું કરે છે?"
આવેશમાં તે બોલ્યો, "આ વિદ્યા એની જાતને સમજે છે શું? મારી કોઈ વાત નથી માનતી."
અભિષેકે એના ખભા પર હાથ રાખતા કહ્યું, "ઇટ્સ ઓકે. હજુ નવી આવી છે. તને ઓળખતી નથી. પછી એ તારી સામે નહિ બોલે."