નિતુ : ૮૫(વિદ્યા)
વિદ્યા કોલેજના કોરીડોરમાં પોતાની મસ્તીમાં જ ચાલી રહી હતી. નિકુંજે પૂછ્યું, "શું નામ છે તમારું?"
તેણે લોલીપોપ ચગળતા "ઈદીઆ..." કહ્યું.
"શું? આ તે કેવું નામ? ઈદીઆ." આશ્વર્યથી નિકુંજ પૂછી રહ્યો.
"અમમ..." કરતાં તેણે લોલીપોપ બહાર કાઢ્યો અને બીજો હાથ નિકુંજ સામે લંબાવતા બોલી, "વિદ્યા."
તેની સાથે હાથ મિલાવતા તેણે કહ્યું, "ઓવ... મારુ નામ નિકુંજ છે."
"અને મારુ નામ દિશા છે. જેની ઓલરેડી તમને જાણ થઈ ગઈ છે." તેણે પણ ચાલતા ચાલતા હાથ મિલાવ્યો.
"જી!"
"શું કામ છે પ્રિન્સિપલ ઓફિસમાં?" વિદ્યાએ પૂછ્યું.
"હું પહેલીવાર આવ્યો છું અહીં. તો એને મળવા માટે જવું છે."
"સેટિંગ સેટિંગ...." દિશાએ નિસાસો નાંખતા કહ્યું.
વિદ્યાએ કહ્યું, "હમ. હું તો લાલ પીળી થઈ ગઈ હતી આ કોલેજમાં એડમિશન લેવા માટે. તમારું જબરું છે. સેટિંગ કરીને સીધુ એડમિશન."
નિકુંજ બોલ્યો, "અરે ના. એવું નથી. એક્ચ્યુલી, હું થોડો લેટ થયો હતો અને મેં એડમિશન ઓફલાઈન લીધું છે."
"આઉટ ઓફ મેરીટ?"
"ના. મેરીટમાં જ છે. પણ એ વખતે ઓનલાઈન ક્લોજ઼ થઈ ગયું હતું."
"ઓહ. એમ. ના પણ તમારે એના માટે પ્રિન્સિપલ પાસે જવાની જરૂર નથી. તમારે એડમીન ઓફિસમાં જવું જોઈએ." વિદ્યાએ સહજતાથી કહ્યું.
"અહીંના પ્રિન્સિપલ મારા અંકલને પર્સનલી ઓળખે છે. લેટ થાય એમ હતું એટલે મેં એડમિશન એની મદદથી જ લીધું હતું. એ વખતે પ્રિન્સિપલે કહ્યું હતું, કે હું આવું એટલે એને જાણ કરું."
વિદ્યાએ પૂછ્યું, "વિચ સ્ટ્રીમ?"
નિકુંજ કહે, "બિઝનેસ એડ્મીનીસ્ટ્રેશન"
દિશા જોરથી બોલી, "મતલબ અમારા ક્લાસમાં?"
"યુ મીન... તમે બંને પણ બિઝનેસ... "
"યા, સેમ હિયર. આપણે એક જ સ્ટ્રીમમાં છીએ." કહી વિદ્યાએ જમણે ફરી એક દરવાજા તરફ ઈશારો કર્યો, "આવી ગઈ તમારી પ્રિન્સિપલ ઓફિસ!"
તે અંદર જવા લાગ્યો કે વિદ્યાએ એના ખભા પર હાથ રાખી અંદર જતા અટકાવ્યો. તે ઉભો રહ્યો અને વિદ્યા એનાથી આગળ ચાલી પહેલા અંદર ગઈ. દિશા પણ એની સામે જોતી, બંને હોઠને અલગ દિશામાં ફેલાવી જુઠ્ઠી મુસ્કાન આપતી એની બાજુમાંથી પસાર થઈ. નિકુંજ કૂતુહલથી બંનેને જોઈ રહ્યો હતો. બંનેના ગયા પછી એ પણ તેઓની પાછળ અંદર ગયો.
"મે આઈ કમ ઈન સર?" દરવાજે ટકોર કરી વિદ્યાએ પૂછ્યું.
"વિદ્યા... પ્લીઝ કમ." પ્રિન્સિપલે તેમને અંદર બોલાવ્યા. ત્રણેય અંદર ગયા એટલે પ્રિન્સિપલ બોલ્યા, "શું થયું?"
"સર પાર્ટીનું કામ ઓલમોસ્ટ પતવા આવ્યું છે. પણ રોની અને એના બધા ફ્રેન્ડ કોઈ કામ નથી કરવા દેતા."
"હું એને સમજાવી દઈશ. તું આજે ઓફ ડ્રેસમાં કેમ છે?"
હળવાશથી વિદ્યા બોલી, "હું તો લીડર છું ને!"
"હા, લીડર છે, તો?" પ્રિન્સિપલે પૂછ્યું,
"વોલુંટીયર પર્સન અને તેઓની વચ્ચે હું પણ એના જેવા જ કપડાં પહેરીને ચક્કર લગાવીશ તો એ લોકો મને ઓળખશે કઈ રીતે? આઈ મીન, હું તેમની લીડર છું... એ તો બધાને સમજાવું જોઈએને!"
પ્રિન્સિપલથી હસી જવાયું ,"ઓકે. આ કોણ છે?"
"સર મારુ નામ નિકુંજ છે."
"અચ્છા.. હા.. હા.. તારા અંકલે જાણ કરી મને. સો યુ કમ."
"જી સર."
"તારી પ્રેજન્સ એડમીન ઓફિસમાં જણાવી દેજે. બાકી કોઈ કામ હોય તો મને કહેજે. ઓકે?"
"ઓકે સર."
"વિદ્યા. શો હિમ યોર ક્લાસ."
"ઓક સર." કહેતા વિદ્યા એની સામે હસી પોતાની સાથે આવવા કહી રહી.
રોની અભિષેક સાથે કોલેજના ગાર્ડનમાં બેઠો હતો. તેનો એક ફ્રેન્ડ નિખિલ તેની પાસે દોડતો આવ્યો. ત્યાં આવી હાંફતો તે ઉભો રહ્યો.
રોનીએ પૂછ્યું, "શું થયું? આટલું દોડીને ક્યાંથી આવે છે?"
"પિન... પ્રિન..." તે હાંફતો બોલી રહ્યો હતો.
"અરે ભાઈ તું પહેલા શ્વાસ લઈ લે." અભિષેકે કહ્યું.
નિખિલ સરખો ઉભો રહી બોલ્યો, "શ્વાસ લેવાનો સમય નથી. રોની!... વિદ્યાએ પ્રિન્સિપલને તારી કમ્પ્લેઈન કરી છે."
"શું?" રોની ઉભો થઈ આશ્વર્યથી પૂછી રહ્યો, "વિદ્યાએ...? તને કોણે કહ્યું?"
"હા વિદ્યાએ. હું જોઈને આવ્યો છું. તે તેની ઓફિસમાં ગઈ અને તારા વિશે વાત કરતી હતી."
અભિષેક બોલ્યો, "યાર રોની, આપણે તો આને હલકામાં લઈ રહ્યા હતા."
"ડોન્ટ વરી. એ વધારે કંઈ કરી નહિ શકે. પ્રિન્સિપલ આમે પણ મને કંઈ નથી કહેવાના. એ તો તમે જાણો છોને."
અભિષેક તેની નજીક આવી બોલ્યો, "બટ રોની. વી હેવ ટુ ડૂ સમથિન્ગ. આ છોકરી આમ નહિ માને."
શાતીર નજર કરતા તે બોલ્યો, "ના. એક વર્ષથી હું અહીં છું પણ આજ સુધી યુજી કે પીજી માંથી કોઈએ મારી સામે બોલવાની હિમ્મત નથી કરી. પહેલીવાર કોઈએ મારુ નામ લેવાની કોશિશ કરી છે. વિદ્યા બધું જાણતા હોવા છતાં..."
"શું કરવાનો છે તું?"
તે બંને સામે જોઈને રોની લુચ્ચું હસવા લાગ્યો.
આ બાજુ વિદ્યા, દિશા અને નિકુંજ ત્રણેય પ્રિન્સિપલની ઓફિસમાંથી પોતાના ક્લાસ તરફ જઈ રહ્યા હતા. નિકુંજે વિદ્યાને પૂછ્યું, "વિદ્યા, આ રોની છે કોણ? બહુ હોંશિયારી મારી રહ્યો હતો."
"BPL પર્સન છે."
"એટલે?"
"બાપના પૈસે લહેર કરનાર. આ કોલેજના ટ્રસ્ટી રતન જરીવાલાનો એકનો એક દીકરો છે."
"યુ મીન રતન જરીવાલા. કોલેજના ટ્રસ્ટી અને આ સિટીના એમ. એલ. એ.?"
"હમ... એનો એકનો એક દીકરો છે રોની."
"વિદ્યા... તને ખબર હતી તો પણ તે પ્રિન્સિપલને કમ્પ્લેઈન કરી?" ચિંતાગ્રસ્ત થઈ નિકુંજે પૂછ્યું.
વિદ્યા નમ્રતાથી બોલી, "એમાં શું છે? "
તેઓ ક્લાસમાં પહોંચી કે આખો ક્લાસ ભરેલો હતો. નિકુંજ ક્યાં બેસવું એ અંગે વિચારી રહ્યો હતો. વિદ્યાએ પોતાની બેન્ચ પાસે પહોંચી તેને સાદ કર્યો.
તે ત્યાં ગયો તો વિદ્યાએ કહ્યું, "તું અમારી સાથે બેસી શકે છે."
"શ્યોર." કહી તેને સ્માઈલ આપી તે તેની બાજુમાં બેસી ગયો.
નિકુંજ પાસેથી આ બધી માહિતી લેતી નિતુએ અચંબિત થતા નિકુંજને પૂછ્યું, "વિદ્યા આટલી સોફ્ટ હતી?"
"હા. બહુ જ સોફ્ટ હતી વિદ્યા. સામેની વ્યક્તિ પરિચિત હોય કે અપરિચિત, તે કોઈની તકલીફ જોઈ ના શકતી. જો જોઈ જાય તો મદદ માટે તૈય્યાર."
"તો પછી અત્યારે... એવું શું બન્યું કે તે આ પ્રકારની બની ગઈ?"
નિકુંજે કહ્યું, "એવી ઘટના. જે ઈશ્વર કરે આ દુનિયાની કોઈ સ્ત્રી સાથે ના થાય."