Nitu - 83 in Gujarati Women Focused by Rupesh Sutariya books and stories PDF | નિતુ - પ્રકરણ 83

Featured Books
Categories
Share

નિતુ - પ્રકરણ 83

નિતુ : ૮૩(વાસ્તવ) 


નિતુ પોતાના ઈરાદાની પાક્કી છે એ નિકુંજને ખાતરી થઈ ગયેલી. પરંતુ આજે કાફેમાંથી વહેલાં જતી રહી અને સાંજે તેની પાછળ તેના ઘર સુધી ના આવી એ વાત એને સમજાઈ નહિ. ઘરે પહોંચ્યા પછી વારંવાર તેણે ઘરની બહાર નજર કરી. અંતે સુવા જતા પહેલા એણે ઉપર પોતાના બેડરૂમની બારીમાંથી બહાર જોઈને ચેક કર્યું. નિતુ તેને કશેય ના દેખાઈ.


અઠવાડિયામાં એકાદ બે વાર કાફે જતો નિકુંજ સતત ત્રણ દિવસથી કાફે પર જતો હતો. આજે તેને ઘરે જ રહેવાની મૂડ હતું. મિહિરે તેને ફોન કર્યો, "આજે તું આવવાનો છે?"

"આવવાનો વિચાર તો નથી. પણ થોડા સમય માટે આવી જઈશ."

"ઠીક છે તો પછી હું તને લેવા માટે આવું છું."

"ના એની જરૂર નથી. તું જા. હું મારી રીતે આવીશ."

"આર યુ શ્યોર?"

"હા. હું મારી રીતે આવી જઈશ." તેણે ફોન રાખ્યો. કેરેમલ બ્રાઉન રંગનું પેન્ટ અને ક્રીમ શર્ટ પહેરીને તે અરીસા સામે ઉભો હતો. ફોન રાખી તે સ્લીવને ઉપર વાળતો નિતુનાં આ રીતે ગાયબ થવા અંગે વિચારી રહ્યો હતો. "મને હતું એ ક્યાંય નહિ જાય. અચાનક ક્યાં ગાયબ થઈ ગઈ હશે?"

બંને હાથ પોકેટમાં રાખી તે એક ક્ષણ ઉભો રહ્યો અને પછી બહાર આવ્યો. પોતાની બેગ લીધી અને કાફે પર જવા નીકળ્યો. દરવાજો ખોલી એક પગથિયું ઉતાર્યો અને ઉભો રહી ગયો. પગથિયાંની બાજુમાં બનાવેલ ઓટલા પર નિતુ તેની રાહ જોતી બેઠી હતી. તે બહાર આવ્યો કે નિતુ ઉભી થઈ ગઈ. તેની સામે જઈ બોલી, "હાય. ગુડ મોર્નિંગ."

"તું!"

"હા. વાત કરવા માટે આવી છું."

"નિતુ મેં તને કેટલીવાર કહ્યું છે, તને સમજાતું નથી? હું વિદ્યા અંગે કોઈ વાત કરવા નથી માંગતો."

"શા માટે? અને હવે વિદ્યા અંગે જાણવા કરતા મને એ વાત જાણવામાં વધારે રસ પડે છે કે તમે મનાઈ શું કામ કરો છો?"

નિકુંજ કોઈ જાતની પ્રતિક્રિયા વિના ઘરમાં પાછો જતો રહ્યો. નિતુ તેની પાછળ તેના ઘરમાં પ્રવેશી. અંદર આવી નિકુંજે ખભામાં ટાંગેલી બેગ ટેબલ પર પછાડી. તેની પાછળ પ્રવેશતા નિતુ બોલી, "મેં વિદ્યાના ફોનમાં તમારો મેસેજ જોયો હતો."

નિકુંજ અચરજમાં મુકાયો. તે તેની સામે જોઈ બોલ્યો, "શું જોયું તે?"


ટાઈમ્સની ઓફિસ બહાર તે રીક્ષાવાળો આવીને ઉભો રહ્યો. રીક્ષા બંધ કરી બહાર નીકળ્યો કે પિયૂન તેની સામે આવીને ઉભો રહી ગયો.

રીક્ષાવાળાએ પૂછ્યું, "સવારી માટે તમે મને ફોન કરેલો?"

"હા."

"બોલો. ક્યાં જવું છે?"

"મારે નહિ. તમારે જવાનું છે. મારી સાથે." પિયૂને અધિકાર જમાવતા કહ્યું, જાણે તે રીક્ષાવાળા પાસે બીજો કોઈ વિકલ્પ જ ના હોય.

કરુણા પોતાના કમ્પ્યુટરમાં કામ કરી રહી હતી. એટલામાં એક ચપરાસી ત્યાં આવ્યો અને કહ્યું, "કરુણા મેડમ."

"હા... બોલો." તેણે નજર ઊંચકાવ્યા વિના જ જવાબ આપ્યો.

ચપરાસી આગળ બોલ્યો, "મોટા મેડમે તમને મીટીંગ રૂમમાં બોલાવ્યા છે."

કરુણાને આ અજુગતું લાગ્યું. તેની આંગળીઓ કીબોર્ડની કી દબાવતા અટકી. ચપરાસી તરફ જોઈ તેણે ફરી પૂછ્યું, "મને? શું કામ છે?"

"હવે એની મને શું ખબર હોવાની? મેડમે કહેવડાવ્યું છે હું તમને અત્યારે જ ત્યાં હાજર થવા કહું."

અટકળો લગાવતી કરુણા ઉભી થઈ અને મીટીંગ રૂમ તરફ ચાલી. "નિતુ ત્રણ દિવસથી નથી આવી, એના વિષયમાં તો વાત નહિ કરેને?" વિચારતી તે મીટીંગ રૂમના દરવાજે ઉભી રહી. એક ઊંડો શ્વાસ લીધો અને પોતાની જાતને શાંત કરતા તે અંદર ગઈ. ત્યાં વિદ્યા અને તેની બાજુમાં તે રીક્ષાચાલક ઉભો હતો. પાછળથી પિયૂને આવીને ખોંખારો ખાધો. કરુણાએ એની સામે જોયું તો પિયૂને વિદ્યા તરફ આગળ ચાલવાનો ઈશારો કર્યો. સામે ઉભેલી વિદ્યાની આંખો આગ જરતી હતી. કરુણા કંપી ઊઠી. ધ્રુજતા પગે તે આગળ ચાલી.

વિદ્યાએ રીક્ષાચાલકને જતા રહેવા કહ્યું અને તે બંને હાથ જોડી વિદ્યાને નમસ્કાર કરી ચાલતો થયો. કરુણાએ એની સામે ધ્યાનથી જોયું તો તેના પેન્ટના ખિસ્સામાંથી થોડું બહાર લટકતું પૈસાનું બંડલ દેખાયું. તે દિવસ બંને સહેલી વચ્ચે થતી તકરારમાં ચાલકે બોલેલા શબ્દો તેને યાદ આવ્યા, "સારું ભૈ, મારે શું? મારે તો રૂપિયા સાથે મતલબ છે." ચાલક તીરછી નજર કરતો તેની બાજુમાંથી પસાર થઈ ગયો. ચાલાક બહાર નીકળ્યો કે તુરંત તેની પાછળ ચપરાસી દરવાજો બંધ કરી નીકળી ગયો. કરુણા સમસમી ગઈ.

તેની નજર બંધ થતા દરવાજા સામે હતી. એવામાં અચાનક તેને પોતાના તરફ ફેરવી રોષે ભરાયેલી વિદ્યાએ પૂછ્યું, "નિતુ ક્યાં છે કરુણા?"

"મને નથી ખબર. એ આજે મારી સાથે નથી આવી."

"બસ. મને બધી જાણકારી છે કરુણા. સીધે સીધું બોલી દે. તમે બંને શું કરી રહી છો?"

"હું સાચું બોલું છું મેડમ. મને સાચે જાણ નથી કે નીતિકા ક્યાં છે. મારી તો એની સાથે વાત જ નથી થતી."

તેનું બાવડું પકડી જોરથી દબાવતા વિદ્યાએ દાંત ભીસીં કહ્યું, "વધારે ડ્રામેબાજી નહિ કર. તમે બંને આ જ માણસની રીક્ષામાં સિટીની બહાર જઈ રહી છો."

"એ તો બસ એમ જ."

"એમ જ?" વિદ્યા તેના બાવડાંને વધારે ને વધારે જોરથી દબાવતાંની સાથે મસળવા લાગી. "તમે બંને એમ જ ફરવા માટે બહાર જઈ રહી હતી? નિતુનો કોઈ સંપર્ક કેમ નથી થતો? ત્રણ દિવસથી ક્યાં ગઈ છે તે?" 

કરુણાનો હાથ પીડા દેવા લાગ્યો હતો. તેની આંખમાંથી પાણી વહેવા લાગ્યું. વિદ્યાની પકડમાંથી છૂટવાનો પ્રયત્ન કરતાં તે બોલી, "મને નથી ખબર મેમ."

"સાચું બોલ." જોરથી વિદ્યાએ કહ્યું.

"હું સાચું બોલી રહી છું. મને એના વિશે કોઈ માહિતી નથી."

વિદ્યાએ તેને ધક્કો મારી પાછળ પડેલી ખુરશી પર બેસાડી દીધી. ધુંઆપુંવા થતી તે બોલી, "જ્યાં સુધી નિતુના કોઈ સમાચાર નહિ મળે ત્યાં સુધી તું ક્યાંય નહિ જાય. અહીં મારી સામે જ બેઠી રહીશ."

ચોખવટ કરતા નિતુ બોલી, "થોડા દિવસ પહેલાં તમે જ મેસેજ કર્યો હતોને, ના આજે પણ નહિ. તમે શેની ના કહેતા હતા? એ છોડો, તમે વિદ્યાની સામે કેસ ફાઈલ કર્યો હતો અને બધાને એમ છે કે તમે ટાઈમ્સને છોડી ક્યારનાયે જતા રહ્યા છો. તો પછી વિદ્યા સાથે તમે વાત કેમ કરો છો?"

નિકુંજે કહ્યું, "એ બધું તને નહિ સમજાય. તું પ્લીઝ જા અહીંથી."

"ફાઈન. હું છેલ્લી વખત તમને પૂછું છું. તમે મારો સાથ આપશો કે નહિ?"

"નહિ."

થોડા આવેશમાં આવતા તે બોલી, "હં... તમે વિદ્યાથી ડરી શકો હું નહિ. હું એટલી નાદાર પણ નથી કે વિદ્યાની કરતૂતનો જવાબ ના આપું. એ સ્ત્રીનાં નામે કલંક છે એ જાણતા હોવા છતાં તમે મૌન સાધ્યું છે. એ પોતાના એમ્પ્લોયઝનું શોષણ કરે છે. ડરાવી ધમકાવીને બધા પાસે કામ કરાવે છે. પૈસા અને સત્તાનો પાવર બતાવી મારી જેવી સ્ત્રી સાથે... શું કહું હું તમને. કોણ જાણે હજુ તો કેટલુંય બીજું કરતી હશે!"

નિકુંજ માત્ર તેને સાંભળતો હતો. થોડું અંતર લઈ તેણે આગળ ઉમેર્યું, "મને તો એ જ નથી સમજાતું કે તમે આવી સ્ત્રીને ઉઘાડી પાડવામાં પાછી પાની શું લેવા કરો છો! એ એક નંબરની જુઠ્ઠી અને મક્કાર છે. એને આ રીતે ખુલીને ફરવાનો કોઈ અધિકાર નથી."

"બસ નીતિકા." તેને શાંત કરવા નિકુંજ બોલ્યો.

નિતુએ પોતાની વાત શરુ રાખી, "તમે સહન કરી શકો છો. હું નહિ... હું એને વધારે સહન નહિ કરી શકું. હું એની પોલ ખોલીશ."

"નીતિકા બસ. તું કશું નહિ કરે."

"હું તમારી જેમ બેસી રહેવાની નથી. એ ભલે ગમે તે હોય. હું ડરતી નથી. એની કાળી કરતૂતોને ખુલી પાડીને રહીશ."

"શું કરીશ તું?"

નીતિકા પોતાનું પર્સ હાથમાં લેતાં કહેવા લાગી, "તમે મારી સાથે આવો કે ના આવો, હું એની સામે લડીશ."

"ક્યાં જાય છે?"

"પુલીસ સ્ટેશન. વિદ્યા વિરુધ્ધ માનસિક અને શારીરિક ત્રાસ ગુજારવા બદલ કમ્પ્લેઇન કરવા."

નિકુંજ તેની સામે આવી ઉભો રાહ્યો. તેને બહાર જતા અટકાવતા કહેવા લાગ્યો, "તું ક્યાંય નહિ જાય નિતુ. તું ના તો પુલીસ કેસ કરીશ કે ના કોઈ અન્ય પગલાં લઈશ."

"આઈમ સોરી નિકુંજભાઈ. હું તમારી જેમ બેસી રહેવા નથી માંગતી. હું અવાજ ઉઠાવીશ. વિદ્યા વિશે  હું આખી દુનિયાને જણાવીશ. હું એને રસ્તે લાવી દઈશ."

"શું જણાવીશ? શું જાણે છે તું?"

"એ જ, કે એ એક નંબરની જૂઠી છે. પૈસાના જોરે એણે પોતાનું સામ્રાજ્ય ઉભું કર્યું છે. ખબર નહિ એના પરિવારમાંથી શું શીખીને આવી છે. માણસના નામે રાક્ષસ છે. એક સ્ત્રીને લાંછન લગાવે એવા કામા કરી રહી છે. એ નાલાયક સ્ત્રીને હું એની ઔકાત બતાવીશ. એનું સત્ય હું ઉજાગર કરીશ."

વિદ્યાનું અપમાન થતાં નિકુંજ સહન ના કરી શક્યો. એણે ક્રોધાવેશ થઈ જોરથી કહ્યું, "બસ નીતિકા." પછી પોતાની જાતને સંભાળતા બોલ્યો, "તું કંઈક જ નહિ કરે."

"શું કામ?"

"કારણ કે તું વિદ્યા વિશે કશું નથી જાણતી." નિકુંજ રડમસ થઈ ગયો અને ભાવુક સ્વરે કહ્યું, "તું એ વિદ્યાને ઓળખતી જ નથી જેને મેં જોઈ છે. તને લાગે છે વિદ્યા ખરાબ છે? તને લાગે છે કે વિદ્યાએ પોતાના પૈસાના જોરે બધાને દાબમાં રાખ્યા છે? તને એમ લાગે છે કે હું વિદ્યાથી ડરું છું?" ઝડપથી બોલી ગયો અને પછી અટકી તે સ્વસ્થ થયો અને આગળ કહ્યું, "હા... ડરું છું હું વિદ્યાથી. મને ડર લાગે છે કે એનું નામ ફરી ના ઉછળે. એ ખરાબ નથી નિતુ. એ મજબુર છે... તું જેને રાક્ષસ કહે છે... એ ... એ.. "

તેના મુખમાંથી શબ્દો નહોતા નીકળતા. ખુરશી પર બેસતા આંખમાંથી આંસુ વહાવી તે બોલ્યો, "સોના જેવી છે મારી વિદ્યા... સોના જેવી... પણ તું એને સમજી નથી શકતી."

નિતુને આશ્વર્ય થયું. તે તેની સામેની ખુરશી પર બેસીને પૂછવા લાગી, "મારી વિદ્યા? આ શું બોલો છો તમે?"

"તું એને નથી ઓળખતી નિતુ! એના ભૂતકાળને નથી જાણતી. કોઈ નથી જાણતું. બધાને લાગે છે કે વિદ્યા ખરાબ છે. લોકોને ડરાવે ધમકાવે છે. પણ હું ડરું છું... કારણ કે માત્ર મારુ મન જાણે છે મેં કઈ રીતે વિદ્યાને જીવતી રાખી છે. કેટ કેટલીયે કસોટીમાંથી પાર ઉતરી વિદ્યાને અહીં પહોંચાડી છે.  હવે ફરીથી એને કોઈ મુસીબતમાં હું નહિ જોઈ શકું નિતુ."

નિતુ અસમંજસમાં હતી. એને નિકુંજની વાત બરાબર સમજાતી નહોતી. "આ..."

"તારે વિદ્યા વિશે જાણવું છેને? વિદ્યાની હકીકત તપાસવા આવી છેને તું? પુરાવા ભેગા કરવા આવી છે વિદ્યા વિરુદ્ધ. તું ક્યાંય નહિ જાય. તને લાગે છે મને વિદ્યા અંગે કંઈ ખબર નથી! હું જણાવું છું તને એની વાસ્તવિકતા. કેટલા રહસ્યો દબાયા છે? એ સાંભળ..."